ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:10 (12માંથી)
ત્યાર પછીના બે દિવસ આભાનો એક્કેય કામમાં કે કોઈ સાથે વાતચીતમાં જીવ લાગતો નહોતો. પ્રશાંતનાં ધ્યાન બહાર આ ફેરફાર નહોતો રહ્યો. એણે પૂછ્યું, ’શું વાત છે આભા, તબિયત બરાબર નથી? કાલે રાત્રે પણ તું પડખા ફર્યા કરતી હતી.’
‘ના, એવું કંઈ નથી.’ પરાણે હસવા જતાં આભાની આંખોમાં આંસુ ધસી આવ્યાં. આંખો લૂછીને એણે પરાણે હસવાનો પ્રયત્ન કર્યો.
‘તારે કારણ ન જણાવવું હોય તો હું ફોર્સ નહીં કરું.’ પ્રશાંત ઊભો થઈને રૂમમાં ચાલ્યો ગયો. એની નારાજગી જોઈને આભાનો જીવ તો બળ્યો પણ એય શું કરે? રાત્રે ઊંઘમાં કે સવારે ઊઠ્યા પછીયે એને નીતાબેનનો રોષથી તમતમી ગયેલો ચહેરો અને ગુસ્સાથી ફાટી ગયેલી આંખો જ દેખાયા કરતી હતી અને સતત ચાબૂકની જેમ વિંઝાયા કરતો હતો પેલો સવાલ, ‘તું મને ઝેર આપવા આવી છે?’
ખાતાં ખાતાં દાંતમાં કંઈક ભરાઈ ગયું હોય પછી જીભ વારંવાર ત્યાં જ જયા કરે એમ એને બસ, આખો વખત નીતાબેન જ દેખાતાં હતાં.
સારું થયું કે એ જમીને પરવારી ત્યાં વિશાખાનો ફોન આવ્યો, ‘આભા, શું કરે છે? જો તું ફ્રી હોય તો ચાલ, એકાદ કોમેડી પિક્ચર જોઈ કાઢીએ.’
એ પણ એકના એક વિચારોના ઘેરાવામાંથી છૂટવા માગતી હતી એટલે એ તરત તૈયાર થઈ ગઈ. પેટ પકડીને હસાવે એવી ફિલ્મ જોઈને બંનેને સારું લાગ્યું. છૂટાં પડતી વખતે બેઉએ નક્કી કર્યું કે, મહિનામાં એકાદ વખત આવો પ્રોગ્રામ બનાવવો. ઘરે પહોચી ત્યારે પ્રશાંત આવી ગયો હતો. આનંદથી ખીલેલો આભાનો ચહેરો જોઈને એને પણ સારું લાગ્યું. એણે પૂછ્યું પણ ખરું,
‘મેડમ, આ કભી ખુશી કભી ગમનું રહસ્ય હું જાણી શકું?’
‘હા, તને અને પપ્પાજીને એ રહસ્યની વાત કહેવાની જ છે. તમે બંને ડ્રોઈંગરૂમમાં બેસો, હું હમણાં આવું.’ ત્રણ પ્લેટમાં આઈસ્ક્રીમ લઈને એ આવી ત્યારે બાપ-દીકરો બેઉ આતુરતાથી એની રાહ જોતા હતા.
‘શું વાત છે ભઈ? આજે મને ડાયાબિટીસ છે એ ભૂલીને તું મારે માટે પણ આઈસ્ક્રીમ લાવી તે એવી તે કઈ ખુશી છે?’
‘આજના દિવસ પૂરતો ડાયાબિટીસ ગાયબ થઈ જાય એવા એક નહીં પણ બે બે હરખાવા જેવા ખબર મારે તમને આપવાના છે.’
‘શું છે બોલને હવે! તું તો અમારા ધીરજની કસોટી કરવા માંડી.’ પ્રશાંતે અધીરા થતાં પૂછ્યું.
‘પહેલા સમાચાર એ કે નીલેશભાઈને સારી જૉબ મળી ગઈ છે.’ સાંભળતાંની સાથે સુધાંશુભાઈની આંખોમાં ભીનાશ ફરી વળી.
‘એમ? ચાલો, સારું સારું. એક વખત કામમાં મન લાગી જાય પછી એ મહેનત કરવામાં પાછું વાળીને જુએ એવો નથી.’
પ્રશાંતે પણ ખુશ થતાં કહ્યું, ‘આ તો બહુ સારા ખબર આપ્યા આભા, પણ હવે ન્યુઝ નં.2 માટે મારી ઈંતેજારી વધી ગઈ છે.’
‘ન્યુઝ નં.2 તો એવા છે કે તમે ખુશીથી ઝૂમી ઊઠશો. પપ્પા, વિશાખાભાભી આ ઘરને વારસદાર આપવાની તૈયારી કરી રહ્યાં છે. બોલો, છે ને ગ્રેટ ન્યુઝ?’
સુધાંશુભાઈ બે ઘડી અવાચક થઈ ગયા. પછી ગળગળા સાદે ફક્ત એટ્લું જ બોલી શક્યા, ‘લાવ આભા, આજે તો મને આખી પ્લેટ આઈસ્ક્રીમ આપ.’
આ ખુશીના સમાચારનો પ્રતિસાદ કેવી રીતે આપવો એ પહેલા તો એમને સમજાયું નહીં. થોડીવારે કંઈક ઘડ બેઠી ત્યારે કહ્યું,
‘આભા, આજે રસોઈની ખટપટ ન કરીશ. આપણે બધાં હોટેલમાં જઈશું.’
‘હા હા, આજે તો પપ્પાજી તરફથી પાર્ટી થઈ જાય. એ દાદા બનવાના છે, કંઈ જેવી તેવી વાત છે?’ પ્રશાંતે તાળી પાડતાં કહ્યું.
નીલેશ અને વિશાખાને ફોન કરીને મળવાનું નક્કી કરાયું. છ વ્યક્તિ માટેનાં ટેબલ પર પાંચે જણ બેઠાં ત્યારે ભલે ગેરહાજર વ્યક્તિનો કોઈ ઉલ્લેખ નહોતું કરતું પણ સૌની નજર વારંવાર ખાલી બેઠક તરફ જતી હતી.
***
કોઈ મા પોતાનાં હઠીલા બાળકને સમજાવે એમ આભા પોતાનાં મનને સતત સમજાવતી હતી કે, હૉસ્પિટલ વિષે નથી વિચારવાનું, મમ્મીને યાદ નથી કર્યા કરવાનાં પણ લાખ ઉપાયે પણ મન કાબૂમાં નહોતું રહેતું.
ઘડીકમાં એ પોતાની જાતથી નારાજ થઈ જતી હતી કે, શા માટે હું જ એમને વળગી રહી છું? ઘર આખું એમના વિના શાંતિથી જીવે છે ને? તો ઘડીકમાં નીતાબેન પર પણ ગુસ્સો આવતો હતો- એ છે જ ત્યાં રહેવાને લાયક. આટલું બધું કર્યું પણ છે એમને કંઈ કદર? હાથ ભલે યંત્રવત કામ કરતા હોય પણ એનું ચિત્ત ડામાડોળ હતું.
અચાનક એનું ધ્યાન ગયું, અરે! ક્યારની ફોનની રીંગ વાગે છે. ડૉ. વોરાનો ફોન? એ સામેથી મને ફોન શા માટે કરે? શું થયું હશે? મમ્મીની તબિયત તો બરાબર હશે ને? શંકા-કુશંકાને દબાવતાં એણે ફોન ઉપાડ્યો, ‘હલ્લો, ડૉ.’
ડૉ. વોરાનો અવાજ ઉત્સાહથી છલકાતો હતો, ‘આભા, ગૂડ ન્યુઝ. હું તને નહોતો કહેતો કે, તે દિવસે જે રીતે નીતાબેનનો રોષ ફાટી નીકળ્યો હતો એ કંઈક સારી નિશાની હોઈ શકે.’
આભાથી જરાય વિલંબ સહન નહોતો થતો. એ અધીરી થઈને બોલી ઊઠી, ’પણ થયું શું ડૉ.?’
‘અરે, આજે તો એમણે તારા નામથી તને યાદ કરી. હું રાઉન્ડ પર નીકળ્યો ત્યારે મારો હાથ પકડી લઈને પૂછ્યું કે, આભા કેમ નથી દેખાતી? એને કહેજો કે હું એને યાદ કરું છું. આભા, આઈ વોઝ વેઈટીંગ ફોર ધીસ મોમેંટ.’
અચાનક એમને ખ્યાલ આવ્યો કે ક્યારના પોતે જ બોલી રહ્યા હતા. એમણે પૂછ્યું,’કેમ કંઈ બોલતી નથી આભા?’
‘શું બોલવું કંઈ સમજાતું નથી. બોલવા માટે મારી પાસે શબ્દો નથી. પણ ડૉ., મમ્મીને કહેજો કે આજે તમારી આભા આવશે. જરૂર આવશે.’
ફોન મૂકીને ઘડીભર તો એનું હૈયું જાણે ધબકવાનું ભૂલી ગયું. મમ્મીએ મારા નામથી મને યાદ કરી? એમની જીભે ‘આભા’ શબ્દ કેટલો મીઠો લાગતો હશે! એણે ફોન કરીને વિશાખાને વાત કરી ત્યારે એ પણ ખુશ થઈ ગઈ.
‘કોંગ્રેચ્યુલેશન્સ આભા, યુ હેવ ડન ઈટ.’
‘ક્યારે પૂરી સફળતા મળશે એ ખબર નથી ભાભી, હજી તો દિલ્હી ઘણું દૂર લાગે છે.’
‘આટલે સુધી પહોંચીને નિરાશ ન થઈશ. એવરીથીંગ વીલ બી ઑલરાઈટ.’
***
સુધાંશુભાઈ ઘરમાં આવ્યા ત્યારે ડાઈનીંગ ટેબલ પર આભાએ મૂકેલી ચિઠ્ઠી વાંચીને એમને ખબર પડી કે, એ હૉસ્પિટલ ગઈ છે. એમને પોતાની જાત ખરાબે ચઢેલી નાવ જેવી લાગી. ખડક સાથે અથડાઈને એના ફૂરચેફૂરચા ઊડી જશે કે શું? જે રહસ્યને અનેક પડદાઓ વડે ઢાંકીને રાખ્યું હતું એની પરથી એક પછી એક પડદા ઊઠી રહ્યા હતા. અંતિમ પડદો ઊઠશે ત્યારે શું થશે?
વંટોળમાં સપડાયેલાં તણખલાં જેવી નિ:સહાયતા એમણે અનુભવી. એક કપ ચા પીને તાજગી મેળવવી જરૂરી લાગી. આમેય ચા બનાવવાનું કામ એમને માટે ક્યાં નવું હતું?
ત્યારે નીતા કેટલાય દિવસો સુધી એમની સાથે અબોલા લઈ લેતી. જે થોડીઘણી બોલચાલ રહેતી એ બાળકોને કારણે. એ સિવાય ઘરમાં એક અણગમતી ચૂપકીદી છવાઈ રહેતી. તે દિવસે અંકિતાની વાતમાંથી થયેલી બોલાચાલી આટલું મોટું સ્વરૂપ લઈ લેશે એવું સુધાંશુએ ધાર્યું નહોતું.
નીતાની આટલી બધી નારાજગીનું ખરું કારણ એ હતું કે અત્યાર સુધી છાનેછપને થઈ રહેલી ગુસપુસ એના કાન સુધી પહોંચી હતી. આ જાણીને એને ભયંકર પછડાટ લાગી હતી. વાગેલા મૂઢમારની પીડા હવે જિંદગીભર સાથે ને સાથે રહેવાની હતી. આવો વિશ્વાસઘાત? એની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. મસ્તીથી ખળખળ વહેતું ઝરણું ઓચિંતુ જમીનમાં શોષાઈ જાય એમ એનો જીવનરસ સુકાઈ ગયો હતો.
સુધાંશુ ઘરે આવીને જુએ કે આજે કશું રંધાયું નથી લાગતું ત્યારે ચૂપચાપ ચા બનાવીને પી લેતો. પોતે જે મૂર્ખામી કરી હતી એ માટે હવે પેટ ભરીને પસ્તાવો થતો હતો પણ જે થયું એ ન થયું થવાનું નહોતું. હાથના કર્યા હૈયે વાગે એ સ્વીકારવું જ પડે એમ હતું. એક શાશ્વત ઉદાસી અને અજંપાએ ઘરને પોતાના ભરડામાં લઈ લીધું હતું.
ચા ઉભરાતી જોઈને સુધાંશુભાઈએ ગેસ બંધ કર્યો.
ખભેથી પર્સ ઉતારીને ટેબલ પર મૂકતાં આભાએ કહ્યું,’ સૉરી પપ્પાજી, આજે તમારે જાતે ચા બનાવવી પડી. મને એમ હતું કે તમે આવો ત્યાં સુધીમાં હું પણ ઘરે આવી જઈશ પણ ધાર્યા કરતાં વધારે મોડું થયું’
‘કશો વાંધો નહીં દીકરા, કોઈક વાર જાતે ચા બનાવવાનો વારો આવે તો મારી પ્રેક્ટીસ છૂટી ન જાય.’
આભા સ્નેહથી એમની તરફ જોઈ રહી. નસીબદાર હોય એને મળે આવા હેતાળ સસરા. એમની સામેની ખુરશી પર બેસતાં એણે કહ્યું, ‘પપ્પા, તમે ભલે મસાલો નાખીને ચા બનાવી હોય, પણ તમારી ચા કરતાંય વધુ મસાલેદાર વાત મારે તમને કરવી છે.’
એણે પોતાની પર્સ ખોલીને એમાંથી એક નાનકડી ડાયરી કાઢી. કોઈ મા પોતાનાં બાળકનાં મોં પર ચોંટેલો કચરો જે મમતાથી પાલવ ફેરવીને સાફ કરે એવા સ્નેહથી પોતાનો દુપટ્ટો ફેરવીને એણે ડાયરીને જાણે પંપાળી લીધી. સુધાંશુભાઈના હાથમાં ડાયરી મૂકતાં એ બોલી, ‘પપ્પા, સી ધીસ.’
‘કોની ડાયરી છે? અને હું શા માટે કોઈની પર્સનલ ડાયરી વાંચું?’
‘કોઈની નહીં, આ તો તમારાં ધર્મપત્ની નીતાબેનની ડાયરી છે.’ આજે આભા ખૂબ મૂડમાં હતી.
(ક્રમશ:)
આગળના સંજોગો જાણવા પ્રત્યેક પળે આતુરતા, અધીરાઈ વધતી જાય છે.