મત્લા-એ ~મહેફિલ ~ ચૂંટેલા શેર
આખરે એ સત્ય પણ સમજાય છે
છે બધે ‘એ ‘ વિસ્તર્યો પરખાય છે
~ ડૉ. ભૂમા વશી
ખબર નથી કે, કોની ચાલ છે,
આ આખી ફોજ પાયમાલ છે.
એ જ દુઃખ અત્યંત છે,
હરિ! તું મૂર્તિમંત છે.
તમે હો તો પ્રસંગ લાગે છે,
ખુદાય મારી સંગ લાગે છે.
~ નીલેશ ગોહિલ
આંખમાં તો આંખમાં પણ ડૂબવા જેવું હતું
એનું પણ ઊંડાણ મારે માપવા જેવું હતું
*
દિલનાં નાના મોટાં ઘા ઝૂર્યાં કરે છે, રાતભર
મારાં સ્વપ્નો આંખમાં ખૂંચ્યા કરે છે, રાતભર
*
ક્યાંક ધબકારની જો કહાની મળે
જિંદગીની ત્યાં કંઇ નિશાની મળે
~ હેતલ મોદી જોષી
વૃક્ષ આધારકાર્ડ માંગે છે?
તોય પંખીને લાભ આપે છે.
*
દીકરી ને બાપ બન્ને એકસરખા હોય છે,
ઢીંગલી તૂટ્યા પછી તો બેય રડતાં હોય છે.
*
‘શકયતા’નામે ચણેલી હોય છે,
ઝૂંપડી નાની હવેલી હોય છે.
*
મોટી કરે,આકાર લેવા દે અને સાથે રહે,
તેથી અટામણને કુંવારી રોટલી પપ્પા ગણે.
*
પૂછ્યું,”તમને હાશકારો ક્યાં મળે છે?”
આંગળી શાળા તરફ શિક્ષક કરે છે.
*
જેને કોઈ કામ નથી,
એને પણ આરામ નથી.
*
‘ઘરડાં’ ઘરમાં શોભે,
‘ઘરડાંઘર’માં શોભે?
~ રક્ષા શાહ
હા જ્ઞાનની એ ગંગા પ્રખર હોવી જોઈએ.
તારી કલમ ને કૃતિ નીડર હોવી જોઈએ.
*
પડે ઓછો સમય ખૂદના જ મનને જાણવા માટે,
આ હું છું? વાર લાગે છે મને એ માનવા માટે.
*
એ આવી ગયાં જો અમારી ગલીમાં,
અચાનક ચઢી જાણે મસ્તી ગલીમાં.
*
પુછે છે સૌ એ કેવી જગ્યાએ બેઠો છે?
કણકણમાં છે એ ગેબી જગ્યાએ બેઠો છે.
~ રશ્મિ જાગીરદાર
યાદના આકાશને છોડી જવું પડશે હવે,
આપણા આ સાથને છોડી જવું પડશે હવે.
*
તારી ખુદાઇનું તું મુજને પ્રમાણ દઇ દે
યા તો તપાસવાને તારી કિતાબ દઇ દે.
~ કેતન ભટ્ટ
સાવ રૂ જેવા હૃદયને હાથમાં લઈને ફરો છો!
કો’ક ચિંગારી લગાવી દે નહીં તેથી ડરો છો?
*
વણનોતર્યો દોડી આવે
આ ખાલીપો કોને ભાવે?
*
આગ ખાલી પેટની હો તો બુઝાવી નાખીએ,
રાખ બદલાની છે એને ક્યાં જઈ પધરાવીએ?
~ સ્વરા ભારતી વોરા
મૌન છું, સંમત નથી, એ ફેર જો સમજી શકો,
ગ્લાસ અડધો છે ભરેલો, ખેર જો સમજી શકો.
*
ઝાંઝવા જોયા અહીં મેં રણ વગર,
જિંદગી હાંફી રહી કારણ વગર.
*
હવા રેશમી થઈ સરે છે ગઝલમાં,
ને શબ્દો સુગંધી ફરે છે ગઝલમાં.
🌿
~ ભાર્ગવી પંડ્યા
છે ઘણી તૂટી છતાં ઊભી કરી છે જાતને,
એમ સંભાળી અમે લીધી છે આખી વાતને.
*
વિચારોએ તારી ભલામણ કરી છે,
‘ને લખવા ગઝલ મેં મથામણ કરી છે.
~ મેઘા જોષી, પાલનપુર
ગીતાનો જ્ઞાનીને ભલે અભ્યાસ હોય છે.
ભક્તોનાં દિલમાં કૃષ્ણ તો સાક્ષાત્ હોય છે.
*
ભૂલો તો બધીયે અમારી હતી.
તમારે છટકવાની બારી હતી.
~ સંજય રાવ
સાજ પર મલ્હાર વાલમ, રાગ લઈ ફરતી હતી,
ને હૃદયમાં હું સળગતી આગ લઈ ફરતી હતી.
~ કોકિલા ગડા ‘કોકી’
એક તારણ સાંપડ્યું છે ઐતિહાસિક સારમાં
ઢાલ જેની થઈ ઊભા રો, એ મળે તલવારમાં!
*
રાતરાણી શી સુગંધી રાત કરશું,
આવજે તું, મનભરીને વાત કરશું!
*
રોજ ધક્કામુક્કી મારા બારણે વર્તાય છે.
બુદ્ધ કહે, હું આવું ત્યાં તો યુદ્ધ પેસી જાય છે!
*
અહેસાસમાં વસે છે, ના દૂર એક ઘડી પણ!
એ કોણ છે ને ક્યાં છે, છે કે પછી નથી પણ?
*
ચોપડે ઉધાર એનાં, બોલતું ભારણ હશે
આપણાં મળવાનું નક્કી કોઈ તો કારણ હશે
*
પ્રહારો મળ્યા છે, પ્રપાતો મળ્યા છે
પ્રપાતોની વચ્ચે પ્રવાહો મળ્યા છે!
*
એટલે બસ એટલે તો એમને ગમતાં રહ્યાં
એમની વાતોમાં હા એ હા કરી નમતાં રહ્યાં!
~ હિમાદ્રી આચાર્ય દવે
ખૂબ સરસ કલેક્શન.
આદરણીય જયશ્રી મેડમ સાદર આભાર