કેસલ ‘બુર્જ એલ્ત્ઝ’ અને શહેર ‘મેન્ઝ’ની મુલાકાત-૨ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:15 ~ ઉત્કર્ષ મઝુમદાર
બુર્જ એલ્ત્ઝના એક પછી એક ઉપરના માળે ચઢતા જવાનું સહેલું ન હતું કારણ કે ગોળાકાર દાદરો ને સાંકડો હતો ને પગથિયાઓ નાના નાના હતા.

કલાકારીગરી, ચિત્રો, રાચરચીલાંથી શોભતા વિવિધ ઓરડાઓ જોયા. શયનકક્ષ જોયો, જ્યાં પલંગ જરા ઊંચા સ્થાને ગોઠવાયો હતો ને એની પર સૂવા જવા માટે બંને બાજુએ પગથિયાં મુકવામાં આવ્યા હતા. એની દીવાલો અને છત નયનરમ્ય આકૃતિઓથી સુશોભિત કરવામાં આવી હતી.

ફરતા ફરતા અમે એક કક્ષમાં આવી પહોંચ્યા. “આ નાઈટ્સ એટલે કે અહીંના સામંતોનો હોલ છે. મંત્રણા માટે ત્રણે શાખાના બધા સભ્યો અહીં ભેગા મળતા. કેસલનો આ સૌથી અગત્યનો ખંડ. અહીં જે રાચરચીલું છે તે મોટા ભાગે એ સમયનું જ છે. ઉપર લાકડાની છત ઓકના વૃક્ષોની બનેલી છે. આ તમને જે બે વિદૂષકોના મષ્તિષ્કવાળાં મહોરા લગાડેલા દેખાય છે તેનો અર્થ એ કે આ ઓરડામાં કોઈને કંઈ પણ કહેવાની છૂટ હતી. અભિવ્યક્તિનો સંપૂર્ણ હક્ક.”
એક મુલાકાતીએ પ્રશ્ન કર્યો કે પણ અભિવ્યક્તિ અને વિદૂષક ને શું લાગે-વળગે?”
ગાઇડ કહે, “મધ્યકાલીન સમયમાં રાજદરબારમાં માત્ર વિદૂષકને જ કોઈને કંઈ પણ કહેવાની છૂટ હતી. સાથેસાથે તમને તમારી હેસિયતનું પણ ભાન થાય… અહીં અને શયનખંડમાં તમને છત પર જે ગુલાબની પંખુડીઓ બનાવેલી દેખાય છે તે છે ‘ધ રોઝ ઓફ સાઇલન્સ’. તેનો અર્થ થાય છે અહીંની વાત અહીં જ રહેશે, બહાર નહિ જાય. આનું ચુસ્તપણે પાલન થતું.”
અમને શસ્ત્રાગાર અને ખજાનાની મુલાકાતે પણ લઇ જવાયા જ્યાં વિવિધ પ્રકારના શસ્ત્રો અને બખ્તરો જોવા મળ્યા અને ખજાનામાં રખાયેલા સોનાના અને ચાંદીના વિવિધ આભૂષણો, હાથીદાંતની બનાવેલી કલાકૃતિઓ, સિક્કાઓ, પોર્સલીનની વસ્તુઓ પ્રદર્શિત થયેલી છે.

૧૭મી સદીની શરૂઆતમાં જોયાકીમ નામના કારીગરે બનાવેલું ‘ગોડેસ ઓફ હંટિન્ગ’, ‘ડાયેનાની આકૃતિવાળું સુન્દર કોતરણીકામ કરેલું એક યાંત્રિક સાધન બનાવ્યું છે. એમાં શરાબ ભરેલો હોય. ટેબલ ફરતા ફરતા જે વ્યક્તિ પાસે અટકે તેને એ બધો શરાબ પી જવો પડે. આમ એ ડ્રિન્કીંગ ગેમનું એક મનોરંજન આપતા પાત્રનું કામ સારતું.
બીજી એક કલાકૃતિ હતી ન્યુરેનબર્ગ શહરેના પ્રખ્યાત સોની લિન્ડબર્જરે એ ૧૫૫૭માં બનાવેલી ‘ગ્લટની બીઈંગ કન્વેયડ બાય દ્રન્ક્નનેસ્સ’ જે જોઈને તમે એ સોની પર આફ્રિન થઇ જાવ.
અહીં એક ચેપલ પણ બંધાયેલું છે. હવે ખરી માન્યતા પ્રમાણે ચેપલની ઉપર કોઈથી રહેવાય નહિ. અહીં એનો પણ વિચાર કરાયો છે. ચેપલને બહાર નીકળતી બાલ્કનીના રૂપમાં બનાવ્યું છે એટલે એની ઉપર કોઈ ઓરડાઓ નથી જે બહારથી પણ તમે જોઈ શકો છો. (યુ ટ્યુબમાં આમાંથી ઘણું બધું જોવા મળી શકે છે. અરે તમે એની ટુરનો વિડીયો પણ માણી શકો છો.)
ગાઈડે અમને એક અવનવી માહિતી આપી. એ કહે “એ જમાનામાં કોઈ હોટલ તો હતી નહિ એટલે કોઈ નબીરાને હવાફેર માટે કોઈ જગ્યાએ જવું હોય તો રહેવાનું શું? એનું નિરાકરણ પણ એ જમાનામાં કરાયેલું. એ મુજબ આ કેસલમા પણ કોઈ રહેવા આવી શકે. વધુમાં વધુ વર્ષ સુધી રહી શકે.
આટલો બધો વખત કોઈ રહે તો યજમાનને ભારે ના પડે? તમારામાંથી કોઈને એવો પ્રશ્ન થયો હોય તો જણાવી દઉં કે ના; કારણકે આવી રીતે રહેવા આવનારને પૈસા આપવા પડતા, મફત કશું નહિ અને આખા રાજ્યમાં આનો ઠરાવેલો દર રહેતો એટલે કોઈ મનદુઃખ કે વિખવાદ પણ ન થાય.”
ટુર ‘રસોડા’ની મુલાકાત સાથે પતતી હતી. રસોડું જોવાની સાચે જ મઝા આવી. એ વખતે તેઓ કેવી રીતે રસોઈ બનાવતા, કયા કયા ને કેવા પ્રકારના વાસણો રહેતા, ભોજન પીરસવા માટે કયા પ્રકારના સાધનો રહેતા ઈત્યાદિ બધું ત્યાં જોઈ શકાતું હતું.
કેસલ જોવાનો અનેરો આનંદ આવ્યો ને અંદરથી જોયેલો આ પહેલો અસલી ને પ્રાચીન કેસલ હતો. રિકી સ્ટીવ નામન ટ્રાવેલ ગુરુનો આ સૌથી પ્રિય કેસલ શા માટે છે તે સમજાયું.

બહાર આવીને અમે ખુલ્લી રેસ્ટોરન્ટમાં બેઠા ત્યાં ચા, કોફી, હોટ ચોકલેટ પીધા, થોડુંક ચગળ્યું ને પછી જેવી રીતે અહીં આવ્યા’તા એ રીતે પાછા કાર પાર્કમાં ગયા. ત્યાંથી અમારી સવારી ઉપડી માઇન્ઝ શહેર ભણી જે અહીંથી ૧૦૩ કિલોમીટર દૂર હતું. અમને ત્યાં પહોંચતા દોઢ કલાક થયો.
કેવું વિચિત્ર કે જો અમે લાંબો રસ્તો લીધો હોત તો અમને ઓછો સમય લાગત, પણ ટૂંકો રસ્તો લીધો એટલે વધારે સમય લાગ્યો કારણ લાંબો રસ્તો એ ઓટોબાન હતો જ્યાં ઝડપની કોઈ મર્યાદા નહિ ને ટૂંકા રસ્તા પર ઝડપની મર્યાદા. પણ અંદરનો રસ્તો વધારે રળિયામણો હોય એટલે એ રસ્તે જ જવાનું હોય ને. નહીંતર પરદેશમાં બાય કાર જવાનું કારણ શું?
અમે મોટાભાગે રાહીન નદીને કિનારે આવેલા રસ્તા પરથી જ ગયા. ગઈ કાલે ફેરીમાં જયારે જતા હતા એ વખતે અમારી સાથે જે ધોરી માર્ગ સરકતો હતો તેની ઉપરથી અમારી વોલ્વો આજે સડસડાટ દોડતી હતી.
મેં અમારા કરાર મુજબ મેન્ઝ શહેરની માહિતી આપવાની શરુ કરી “રાહીન નદી અને મૈન નદીના સંગમ કિનારે આવેલું મેન્ઝ એ રાહિનલેન્ડ-પેલાટીનેટ રાજ્યની રાજધાની છે. ૨૦૧૮ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી બે લાખ સત્તર હજાર એકસોને અઢાર છે એટલે આપણે પહેલીવાર જર્મનીના શહેરમાં જઈ રહ્યા છીએ. પહેલી સદીમાં રોમનોએ અહીં લશ્કરી થાણું સ્થાપી શહેરની સ્થાપના કરી.
આઠમી સદીમાં એ હોલી રોમન એમ્પાયરના ભાગરૂપ અગત્યનું મથક બન્યું ને ઈલેક્ટોરેટમાંઈંઝની રાજધાની ને આર્ચબિસપની બેઠક.
બીજા વિશ્વ યુદ્ધમાં અહીં ભયંકર બોમ્બમારો થયો ને ત્રીસ વાર થયેલા હવાઈ હુમલામાં એસી ટકા જેટલા સિટી સેન્ટરમાં આવેલા મકાનો જેમાં ઐતિહાસિક મકાનોનો પણ સમાવેશ હતો એ નાશ પામ્યા.

આજે એ યાતાયાતનું મથક અને વાઈન ઉત્પાદનનું કેન્દ્ર બની ગયું છે.”
“એ બધું તો ઠીક” હીનાએ પૂછ્યું “પણ આપણે મેન્ઝ કેમ જઇએ છીએ? એવું ત્યાં શું છે?”
“ગુટેનબર્ગ મ્યુઝિયમ જોવા.” તમારામાંથી ઘણા પ્રશ્ન પૂછશે કે એક મ્યુઝિયમ જોવા આટલે દૂર જવાનું? એવા તે શું હીરામોતી ભર્યા છે ત્યાં?
મહેરબાનો આજે તમે આવા લેખો અને પુસ્તકો વાંચો છો તે ગુટબર્ગને આભારી છે. એણે કરેલી શોધે આપણા જીવનનો રાહ બદલી નાખ્યો. ઇતિહાસ સર્જી દીધો. શાંત ક્રાંતિ થઇ ગઈ વિશ્વમાં. ને એ કોઈ રાજા કે રાજનેતા ન હતો કે ન હતો કોઈ મોટો લશ્કરી સેનાપતિ. એણે ઈ.સ.૧૪૦૦માં શોધ કરી મુવેબલ ટાઈપ પ્રિન્ટિંગ પ્રેસની.
એના પર ને પ્રિન્ટિંગ પ્રેસ પર એક અદભુત મ્યુઝિયમ બન્યું છે તે જોવા એને અંજલિ આપવા, આભાર માનવા ત્યાં જઈ રહ્યા છીએ.
હિના કહે “ઉત્કર્ષ તે ગુટનબર્ગ વિષે તો કશું જણાવ્યું જ નહિ?”
મે કહ્યં “જણાવું છું. મેં મારી વાત હજી ક્યાં પૂરી કરી છે. આપણે જે શહેરમાં જઈએ છે તે મેન્ઝમાં જ એનો જન્મ થયો. એની ચોક્કસ જન્મ તારીખની ઝાઝી ખબર ન હતી. ને થોડી ઘણી માહિતી હતી એમાં, મતમતાંતર હતા. આથી ૧૮૯૦માં શહેરના સત્તાવાળાઓએ એની જન્મતારીખ નક્કી કરી ૨૪ જૂન ૧૪૦૦. એનું મૃત્યુ થાય છે ત્રીજી ફેબ્રુઆરી ૧૪૬૮ના રોજ. એનું નામ હતું જોહનાન ગુટેનબર્ગ. એ સોની, શોધક, પ્રિન્ટર,અને પ્રકાશક હતો.

એના પ્રિન્ટિંગ પ્રેસના આવિષ્કારથી કેટલાં દૂરગામી પરિણામો આવ્યા એની કલ્પના પણ નહિ કરી શકો. યુરોપમાં જે રેનેસાંસ યુગ આવ્યો ને યુરોપ અંધકાર યુગમાંથી બહાર આવ્યું તેનો જશ, વૈજ્ઞાનિક ક્રાંતિ, લોકોમાં સાક્ષરતામાં અભિવૃદ્ધિ, યુરોપની સ્થાનિક ભાષાઓનો વિકાસ, આધુનિક અર્થશાસ્ત્ર, ક્રાંતિકારી વિચારોનો ફેલાવો બધાનો યશ એના પ્રિન્ટિંગ પ્રેસને જાય છે.
શિક્ષણ જે આભિજાત્ય વર્ગ સુધી જ સીમિત હતું તે અન્ય લોકસમુદાયમાં ફેલાયું ને મધ્યમ વર્ગ ઉપસીને આવ્યો. નેતાઓના અને ધર્મગુરુઓના આસનો ડોલી ગયા કારણ કે માહિતી હવે સહેલાઈથી ઉપલબ્ધ થવા લાગી. અહિયાં કામકાજની ભાષા જે અત્યાર સુધી લેટિન રહેલી તેને બદલે જર્મન બની. ફ્રેન્ચ, અંગ્રેજી, ઇટાલિયન, સ્વીડીચ ભાષાઓનું વપરાશમાં ચલણ વધવા લાગ્યું.
(ક્રમશ:)