કાર્યક્રમ: શ્યામરંગ સમીપે ~ વિડિયો રેકોર્ડીંગ ~ ૨૨ ઓક્ટોબર ૨૦૨૩ – શ્રીમય કૃષ્ણધામ હવેલી, સાન હોઝે, કેલિફોર્નિયા

વિનોદ જોશીનો પરિચય
~ જયશ્રી વિનુ મરચંટ
~ વક્તાઃ જિગીષા પટેલ

વિનોદ જોશી ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક સમયગાળાના એક અગ્રિમ અને બહુપ્રશંસિત કવિ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર ખાતે ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એમણે કામ કર્યું અને ડીન તેમજ કુલપતિપદેથી આ યુનિવર્સિટીનું નેતૃત્વ પણ કર્યું.

એમણે 2008 થી 2012 દરમિયાન કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી અને પશ્ચિમ ભારતીય ભાષાઓના કન્વીનર તરીકે સેવા આપી હતી. એમને 2018 થી 2022 ના સમયગાળા માટે ફરી એ જ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા.

એમની પાસેથી સર્જન, વિવેચન અને સમ્પાદનનાં 40થી વધુ પુસ્તકો મળ્યાં છે, પણ એમનું મુખ્ય કામ કવિતાક્ષેત્રે રહ્યું છે. એમની મોટાભાગની કવિતા ગ્રામજીવનની અને સ્ત્રીભાવનાઓની રસદીપ્તિથી ભાવપ્રચુરતાનો અનુભવ આપનારી બની રહી છે. નારીચિત્તની ઉદાત્ત અને સંવેદનશીલ અભિવ્યક્તિ, ભાષાની રોજિંદી પરંતુ નૂતન વળોટમાં ગૂંથાયેલી કલ્પનપૂત ભાષા, દર્શનની ઊંચાઈ સુધી પહોંચતાં એમનાં તત્ત્વનિષ્ઠ નિરીક્ષણો અને છંદોલયના અવનવીન મોહક આવિર્ભાવો એમનાં કાવ્યસર્જનનાં મુખ્ય પરિમાણો છે.

કવિલોક ટ્રસ્ટ દ્વારા વિનોદ જોશીનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરંતુ’ 1984માં પ્રકાશિત થયો હતો. એમની પાસેથી સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી ત્રિસર્ગી દીર્ઘકવિતા ‘શિખંડી'(1985), અનુઆધુનિક ગુજરાતી કવિતાની નોંધપાત્ર રચના ગણાયેલી મધ્યકાલીન શૈલીની પદ્યવાર્તા ‘તુણ્ડિલ- તુણ્ડિકા'(1987), તેમજ બહુપ્રશસ્ત કાવ્યસંગ્રહ ‘ઝાલર વાગે જૂઠડી’ (1991) પ્રાપ્ત થયાં છે, જેની એકાધિક આવૃત્તિઓ પ્રગટ થઇ છે.

2018 માં ચોપાઈ અને દોહરામાં લખાયેલાં સાત સર્ગ અને ઓગણપચાસ ખંડનાં એમનાં પ્રશિષ્ટ પ્રબંધકાવ્યથી એમની કવિપ્રતિષ્ઠા સર્વાધિક ધ્યાનપાત્ર બની. દ્રૌપદીનાં સૈરન્ધ્રીરૂપનું તેમાં નારીસાપેક્ષ ભાવોત્કટ અને તત્ત્વનિષ્ઠ આલેખન થયું છે. આ પ્રબંધકાવ્યનો સ્વયં કવિએ હિન્દી ભાષામાં સમચ્છંદી અનુવાદ પણ કર્યો છે. તેનાં નૃત્ય-નાટ્ય રૂપાંતરો દેશ-વિદેશમાં ભજવાયાં પણ છે.

વિનોદ જોશીને 2013 માં કવીશ્વર દલપતરામ એવોર્ડ અને 2015 માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમનાં વિવેચનપુસ્તક `નિવેશ’ (1994) ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક અર્પણ થયું છે.

2012માં, પ્રસારભારતી અમદાવાદ દૂરદર્શન દ્વારા ગિરનાર સાહિત્ય શિરોમણી પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સાહિત્યકાર છે. એમને ઉમાશંકર જોશી એવોર્ડ (1986), જયંત પાઠક કવિતા પુરસ્કાર (1984), ક્રિટીક્સ એવોર્ડ (1986), ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (2011), રાષ્ટ્રીય કલાકેન્દ્ર પુરસ્કાર (2014), ગુજરાત કલારત્ન એવોર્ડ (2016) મનુભાઈ પંચોળી ‘દર્શક’ સન્માન (2021) અને નર્મદ સુવર્ણચંદ્ર (2022) થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા સમર્પણ સન્માન (2018) અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘સૈરન્ધ્રી’ અને `નિર્વિવાદ’ માટે 2018 ની શ્રેષ્ઠ કવિતા અને શ્રેષ્ઠ વિવેચનનાં પારિતોષિકોથી તેમજ આઈ.એન.ટી. દ્વારા અપાતા કલાપી એવોર્ડથી પણ સન્માનિત થયા છે. ગુજરાતી કવિતામાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમને 2018 માં ગુજરાતી કવિતાનો સર્વોચ્ય `નરસિંહ મહેતા એવોર્ડ’ અર્પણ થયો છે.

એમણે ગુજરાતી ભાષાના કવિ તરીકે ચીન, જાપાન, કેન્યા, ઈંગ્લેન્ડ, અમેરિકા, યુએઈ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, કેનેડા વગેરે જેવા ઘણા દેશોમાં ભારતીય સાહિત્યના પ્રતિનિધિ તરીકે કે નિમંત્રિત કવિ તરીકે ભાગ લીધો છે. એમનાં કાવ્યો મોટાભાગનાં સંગીતકલાકારો દ્વારા સ્વરબદ્ધ થઇ ગવાયાં છે અને ખૂબ લોકપ્રિય થયાં છે.

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.