ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:8 (12માંથી)
‘ચાર્વી? ચાર્વીનું નામ હજી એને યાદ છે? આભામાં એને પોતાની દીકરીનો ભાસ થયો હશે એટલે જ એણે એને ચાર્વી કહી હશે.’ પગની ઠેસ મારીને હીંચકો ઝૂલાવતા સુધાંશુભાઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા..
‘હું તો માનતો હતો કે, વીસ- પચીસ વર્ષો પહેલાની દરેક ઘટના, દરેક પ્રસંગ એની સ્મ્રૃતિમાંથી નામશેષ થઈ ગયાં હશે પણ એને આજે પણ ચાર્વીનું નામ યાદ હોય તો સાથેસાથે બધુંય યાદ આવવા લાગે ને? ફૂલ સ્પીડમાં પંખો ફરતો હોવા છતાં તેઓ પરસેવાથી નીતરી રહ્યા. વીંછીના દાબડામાં હાથ ભલે આભાએ નાખ્યો હોય, એના ડંખ તો મારે ભાગે જ આવવાના ને? એનું ઝેર રુંવેરુંવે ચઢશે ત્યારે એમાંથી કઈ રીતે ઉગરાશે?’
‘પપ્પા, મમ્મીને મિષ્ટાન્નમાં સૌથી વધારે શું ભાવતું?’
ઝેરમાંથી સીધી મિષ્ટાન્નની વાત આવી પડતાં સુધાંશુભાઈ ગેંગેફેંફે થઈ ગયા.
‘હેં? મિષ્ટાન્નને? એને ગળ્યું તો બધું, બધું જ ભાવે.’ એમણે ગોળગોળ જવાબ આપ્યો.
‘એમ નહીં, મમ્મીને સૌથી વધુ ભાવતી હોય એવી વાનગી કહો. મારે એમને સરપ્ર્રાઈઝ આપવી છે.’
‘ગળપણમાં એને સૌથી વધારે… એને અત્યંત પ્રિય તો પૂરણપોળી હતી પણ હવે આટલાં વર્ષે એની પસંદ બદલાઈ ગઈ હોય તો કોણ જાણે?’
‘ના પપ્પા, વ્યક્તિની પહેરવા-ઓઢવાની પસંદ ભલે વર્ષો વીતવા સાથે બદલાય પણ ખાવા-પીવાની પસંદ એ જ રહેતી હોય છે.’
‘એ તો ભઈ, મારા કરતાં વધુ તું જાણે. સાયકોલોજી તો તું ભણેલી છે.’
‘પપ્પાજી, મેં નક્કી કર્યું છે કે, હવે જ્યારે જઈશ ત્યારે હું જાતે પૂરણપોળી બનાવીને લઈ જઈશ ને મમ્મીને મારે હાથે ખવડાવીશ.’
***
‘ચાલો જમવા બેસી જાવ. આજે મારા હાથે બનાવેલી ગરમાગરમ પૂરણપોળી તમને ખવડાવીશ.’ કંઈક શરમાતાં અને કંઈક લાડથી અંકિતાએ કહ્યું હતું.
‘તારી બનાવેલી પૂરણપોળી આમ પણ સ્વાદિષ્ટ જ હોય અને એ પણ વળી તારા હાથે જ ખાવા મળે ત્યારે તો એની મીઠાશ ઓર વધી જાય.’ સુધાંશુએ બારણું બંધ કરીને બારીનો પડદો ખસેડતાં અંકિતાની એકદમ નજીક જઈને કહ્યું.
‘તમે તો એવું એવું બોલો છો ને કે, હું તો તમારા એક એક વેણથી સાકર પાણીમાં પીગળે એમ પીગળવા માંડું છું.’ એણે મધમીઠું હસતાં અને બંધ બારણાં તરફ આંખો ઉલાળતાં કહ્યું, ‘અને જનાબ, આજે મમ્મી મામાને ઘરે ગઈ છે અને ત્યાં જ રાત રોકાવાની છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ને ચાલીમાંથી કોઈ આ તરફ આવવા અત્યારે નવરું પણ નથી.’
‘ઠીક ત્યારે, તો તો બિંદાસ ખવડાવ તારે હાથે પૂરણપોળી.’ કહેતાં સુધાંશુએ એનો હાથ પકડીને એને છાતી સરસી જકડી લીધી હતી.
નીતાની બીજી સુવાવડ વખતે એની સગવડ સાચવવા આવતી- જતી અંકિતાએ ધીમે ધીમે વધુ ને વધુ સગવડ સાચવવા માંડી હતી. મુગ્ધાવસ્થામાં પ્રવેશેલી એ યુવતીને આ રંગીલો પુરુષ ગમી ગયો હતો. તો સામે પત્નીની લાંબી ગેરહાજરીથી અકળાયેલા સુધાંશુને તો જાણે ભાવતું’તુ ને વૈદે કીધું-એના જેવું થયું.
કાંતાબેનને આ બેઉ પર એટલો ભરોસો હતો કે એમને કંઈક રંધાઈ રહ્યું હોવાની ગંધ જ ન આવી. છતાંય આ ઘરનાં એકાંતમાં નાની-મોટી મસ્તી સિવાય બીજું કંઈ થઈ શકે એમ નહોતું. એક તો ચાલીવાસીઓનો ડર અને બીજું મુખ્ય કારણ હતું ઘરમાં ઠેર ઠેર અંકિત થયેલી ગ્રૃહસ્વામિનીની છાપ.
એકબીજાની નજીક આવવા જતાં એ બંનેની વચ્ચે નીતા આવીને ઊભી રહી જતી અને એમનાં મનમાં ગુનાહિત ભાવ જન્માવતી. સુધાંશુ માટે આ કંઈ મોટી સમસ્યા નહોતી. ઑફિસેથી છૂટ્યા પછી અંકિતાને એ હોટેલમાં બોલાવી લેતો. હોટેલના રૂમની હૂંફાળી ઠંડકમાં બંને એટલાં નજીક આવી ગયાં કે કોઈ મર્યાદાનું બંધન હવે એમને નડે એમ નહોતું.
મોટા નીલેશને અને નવજાત શિશુને લઈને નીતા સવા મહિને પાછી ફરી ત્યારે પોતે મૂકીને ગઈ હતી એના કરતાંય વ્યવસ્થિત ઘર જોઈને એ ખુશ થઈ ગઈ. પોતાનાં ઘર અને પતિની આટલી સારી રીતે સંભાળ લેવા બદલ બાબાને રમાડવા આવેલી અંકિતાનો આભાર માનતાં એ ઓછી ઓછી થઈ ગઈ.
અંકિતાએ ભલે હસીને ‘એમાં શું?’ એમ કહેવા ખાતર કહ્યું પણ એનો જીવ વાતમાં નહોતો એવું નીતાને લાગ્યું. જાણે રઘવાયી થઈ ગઈ હોય એમ એણે કહ્યું, ‘ભાભી, પછી નિરાંતે આવીશ. પરીક્ષા નજીક આવે છે એટલે હમણાં તો બહુ વાંચવાનું છે.’ એમ કરીને એ ભાગી ત્યારે નીતાને થયું, હજી હું ગઈ ત્યારે નાજુક લાગતી આ છોકરી ચાર-પાંચ મહિનામાં તો કેવી હાડેતી લાગવા માંડી! કહેવાય છે ને કે, દીકરીની જાતને વધતાં વાર ન લાગે.
નીતાને હસવું આવ્યું, બીજું બધું તો ઠીક પણ હવે એ આવે ત્યારે કહેવું પડશે કે ભઈ, તારા હાથની પૂરણપોળી તો ખવડાવ! એવી તે કેવી પૂરણપોળી ખવડાવી કે ‘આ’ તારા વખાણ કરતાં થાકતા નથી.
***
‘લો મમ્મી, પૂરણપોળી ખાવ. ખાસ તમારા માટે મારે હાથે બનાવીને લાવી છું.’ આભાને હતું કે પહેલાં નીતાબેનને પૂરણપોળી ખવડાવીને ખુશ કરવા અને પછી વિશાખાભાભીના સારા સમાચારની વધામણી આપવી.
હજી તો એણે એમની સામે ડીશ ધરી ત્યાં એમણે આવેશમાં આવીને ફેંકેલી પૂરણપોળીનું બટકું આભાના ખોળામાં પડ્યું. પૂરણપોળીનાં નાનાં નાનાં બટકા કરીને આખા રુમમાં ઉડાડતા નીતાબેનનો ચહેરો ડરામણો થઈ ગયો હતો. ગુસ્સાથી થરથર ધ્રૂજતાં અને ચીસો પાડતાં એ આખા રુમમાં આંટા મારતાં હતાં.
‘નથી ખાવી મારે. મૂક પૂળો તારી પૂરણપોળીમાં. સાચું બોલ, આમાં ઝેર નાખીને લાવી છે ને?’ પછી ખડખડાટ હસતાં કહે, ‘કેવી ખબર પડી ગઈ? મને મારવા આવી, લે!’
એમની ચકળ-વકળ થતી આંખો અને લાલચોળ ચહેરો જોઈને આજે પહેલી વખત આભાને એમનો ડર લાગ્યો. શું થયું, શું થયું કરતાં ડૉક્ટર અને બંને સિસ્ટર દોડી આવ્યાં.
‘નીતા આંટી, આ તો આભા છે. તમારા પ્રશાંતની વહુ! તમે તો એને ઓળખો છો. એ રોજ તમને તેલ માલિશ કરી આપે છે, ગીતો સંભળાવે છે…’
ડૉક્ટર એમને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યા પણ એમનો આક્રોશ હજી શમ્યો નહોતો, ‘મારી કોઈ વહુ નથી. એને કહો કે અહીંથી જાય.’ પછી વિચિત્ર નજરે આભા તરફ જોઈને કહે,’તું તો તે દિવસે મરી ગઈ હતી ને, પાછી ક્યાંથી આવી? જા, ભાગ હમણાં ને હમણાં.’
અચાનક થયેલા હુમલાથી આભા જાણે થીજી ગઈ. સ્નેહાળ માનું આ પણ એક સ્વરુપ હોઈ શકે એ હકીકત સ્વીકારવા એનું મન તૈયાર નહોતું.
પોતે ક્યાં ચૂકી ગઈ? કે ક્યાં ભૂલ થઈ ગઈ એ ન સમજાતાં એ છાતી પર એવી ભીંસ અનુભવતી હતી જે એનાથી સહન નહોતી થતી. મોટેમોટેથી રડવું હતું પણ આંખ તો કોરીધાકોર હતી. ડૉક્ટરની નજરમાંથી પોતે ઊતરી ગઈ, હૉસ્પિટલના સ્ટાફ સામે આવો તમાશો થયો એવી નાલેશી પણ એને લાગી.
ઊભા રહેવાની તાકાત પગમાંથી ઓસરી ગઈ છે એવું લાગ્યું ત્યારે ધીમેથી રુમમાંથી નીકળીને એ ડૉ.ની કેબિનમાં પહોંચી અને ટેબલ પર માથું ઢાળીને હીબકાં ભરીને રડવા લાગી. ડૉક્ટરે આવીને એને ખભે હાથ મૂકીને મમતાપૂર્વક કહ્યું,’બસ, થાકી ગઈ? હારી ગઈ?’
માથું ઊંચું કરી, આંસુ લૂછતાં આભા બોલી, ‘યસ ડૉ., હું મારી હાર સ્વીકારું છું. આજે મને એટલા જોરથી ધક્કો લાગ્યો છે કે, હું ગબડી પડી છું. ફરી પાછી ઊભી નહીં થઈ શકું.’
ડૉક્ટરે સ્મિત કર્યું. આભાની આંખોમાં સીધું જોઈને એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યા, ‘આર યુ સ્યોર? જો હું એમ કહું કે, આજે જે થયું તે બહુ સારું થયું અને આંટીનાં વર્તનમાંથી મને પોઝીટીવ સિગ્નલ મળ્યા છે તો પણ તારો આ જ જવાબ હશે?’
ભરાયેલા કંઠે આભાએ કહ્યું,’મને આશ્વાસન આપવા ભલે તમે કહેતા હો પણ આઈ એમ વેરી સૉરી ડૉ., મેં તમારી બધી મહેનત પર પાણી ફેરવી દીધું.’
ફરીથી એની આંખોમાંથી અત્યાર સુધી રોકી રાખેલા આંસુ વહી નીકળ્યાં, ‘કેટલી હોંશથી હું એમને ભાવતી પૂરણપોળી બનાવીને લાવી હતી, મને એમ હતું કે, મારા હાથે એમને ખવડાવીશ ત્યારે એ કેવાં રાજી થશે? પણ જે રીતે એમણે રીએક્ટ કર્યું…’
‘આભા, તું સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે હ્યુમન સાઈકોલોજી ભણી એમાં ક્યાંય કેથાર્સિસની વાત નહોતી આવી? જે રીતે પેટમાં ભરાવો થઈ જાય તો એનિમા આપીને પેટ ખાલી કરવું પડે છે એમ મનમાં ઊંડેઊંડે દટાયેલી વાત કઢાવવા માટે કોઈ ને કોઈ શૉક થેરપી આપવી પડે છે. આજે પૂરણપોળી દ્વારા અનાયાસે જ આંટીનું કેથાર્સિસ થઈ ગયું, સમજી?’
હજી આભાના માનવામાં નહોતું આવતું. ‘ખરેખર ડૉ.?’ એને કારણે મમ્મીને કંઈ તકલીફ તો નહીં થાય ને?’
‘તને તો ખબર જ છે કે, આ મનની વાતો એટલી ગૂઢ અને ગુંચવાડાભરી હોય છે કે, એમાં એક વત્તા એક બરાબર બે જેવી ગણતરી ક્યારેય ન માંડી શકાય એટલે આંટી હવે આમ જ કરશે કે, હવે આમ જ કહેશે એવું તો કોઈ ન કહી શકે પણ આઈ એમ સ્યોર ધેટ શી વીલ બી ફાઈન. અત્યારે તો તું શાંત થઈને, જરાય ટેંશન રાખ્યા વિના ઘરે જા અને ટેક કેર.’
‘ઓ.કે. લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ.’ આભા ખુરશી પરથી ઊભી થઈ, ‘પણ ડૉ., મારે મમ્મીને મળવા આવવાનું બંધ તો નહીં કરવું પડે ને?’
‘નોટ એટ ઑલ, પણ હમણાં તો બીજા કંઈ પણ વિચાર કર્યા વિના તું ઘરે જઈને આરામ કર.’
(ક્રમશ:)