કેસલ ‘બુર્જએલ્ત્ઝ’ અને શહેર ‘મેન્ઝ’ની મુલાકાત ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:14 ~ ઉત્કર્ષ મઝુમદાર
રાતે મસ્ત ઊંઘ આવી. સવારે ઉઠી, નાહીધોઈ તૈયાર થઇ નાસ્તો કરવા પહોંચી ગયા. નાસ્તો પતાવી અમે બહાર ફરવા જવા નીકળ્યા. આજે અમે સેન્ટ ગોરથી ઉત્તરે આવેલા બુર્જએલ્ત્ઝ અને દક્ષિણે આવેલા મેન્ઝ શહેર જોવાનું નક્કી કર્યું હતું.
તમે કહેશો ઉત્તર અને દક્ષિણ બેઉ એક સાથે? સારા નસીબે અંતર બહુ નહોતું એટલે બંને જગ્યાએ જઈ આવવું શક્ય હતું.
તમને થશે કે અમે કેસલ જોઈને ધરાઈ નહોતા ગયા તે હજી એક વધુ જોવો હતો? વાત એમ છે કે ગઈ કાલે અમે બધા કેસલ્સ બહારથી જ જોયા હતા. આજે અંદરથી જોવાનો વિચાર હતો.
બુર્જએલ્ત્ઝ માત્ર જર્મની જ નહિ પરંતુ વિશ્વભરમાં શ્રેષ્ઠ કેસલ્સમાં એક છે તો એની મુલાકાત તો લેવી જ રહી.

જર્મની આવતા પહેલા જયારે મને ખબર પડી કે સેન્ટ ગોરમાં અમે ત્રણ રાત રોકાવાના છીએ ત્યારે જ મેં નક્કી કરી નાખ્યું કે આનો સદુપયોગ કેવી રીતે કરવો. એની આસપાસ આવેલા સ્થળોની માહિતી એકઠી કરવાનું શરુ કર્યું ને ત્યારે આ કેસલની અને ગુટેનબર્ગ મ્યુઝિયમ જે મેન્ઝ શહેરમાં હતું વિષે ખબર પડી.
મેં આસપાસની બીજી જગ્યાઓ વિષે પણ જાણી લીધું પણ સમયાભાવને કારણે બધે જવું શક્ય ન હતું, (આ દુવિધા દરેક મુસાફરીમાં થતી જ હોય છે. મન તો બધી જગ્યાએ જવા લલચાય પણ સમય મનના ઈરાદાઓ પર પાણી ફેરવી દે.) તેથી આ બે જગ્યાઓ ફાઇનલ કરી. બંનેનું અંતર જાણી ખબર પડી ગઈ કે એક દિવસમાં બંનેની મુલાકાત લેવું શક્ય હતું.
પહેલા ઉત્તરે આવેલા બુર્જએલ્ત્ઝની મુલાકાત લેવાનું નક્કી કર્યું. સેન્ટ ગોરથી ત્યાંનું અંતર માત્ર ૪૭ કિલોમીટર હતું.
રમણીય સફર રહી. બધે હરિયાળી છવાયેલી હતી. રસ્તો નદી કિનારેથી ને પર્વતો ઉપરથી પસાર થતો હતો. રસ્તામાં બીજા અનેક કેસલ્સ આવ્યા. એમની દૂરથી જ માફી માંગી લીધી કે સમયાભાવને કારણે તમારી મુલાકાતે નહિ આવી શકીએ તો માફ કરજો. ઉદાર મને તેઓએ અમને માફી આપી દીધી હશે.
રસ્તામાં મોસેલ નદી પાસેથી પણ પસાર થયા જે રાહીન નદીની શાંત નાની ભગિની નદી છે. દ્રાક્ષની વાડીઓની વચ્ચે વચમાં મનમોહક નાના નાના ગામો પણ આવતા જતા હતા.

રસ્તામાં કચેમ નામે ગામ આવ્યું જે જાણીતું પ્રવાસધામ છે. અહીં કચેમ કેસલ આવ્યો છે, વાર્તામાં આવે તેવો. 19મી સદીમાં ફરીથી બંધાયેલો, સાચા કરતા કાલ્પનિક વધુ લાગે. એની સરખામણીમાં એલ્ત્ઝ ૮૦૦ વર્ષ જૂનો ને રહસ્યમય જંગલથી વીંટળાયેલો છે. અમે અહીં રોકાયા નહિ.
અમે કલાકથી થોડા વધુ સમયમાં ત્યાં પહોચી ગયા. આરામથી રસ્તામાં બધું નિહાળતા નિહાળતા જઈ રહ્યા હતા એટલે થોડી વધુ વાર તો લાગે જ ને.
કાર પાર્કમાં ગાડી પાર્ક કરી. અહીંથી ચાલીને જવું હોય તો પંદરેક મિનિટ લાગે પણ જેને સીધા ચઢાણ ચઢવાની આદત ના હોય તેને પચીસેક મિનિટ લાગે. ચાલવું ન હોય તો ત્યાં સુધી જવા માટે તેઓએ નાની બસની સગવડ પણ રાખી છે, જે દસ મિનિટની અંદર ત્યાં પહોંચાડી દે. એકવારના બે યુરોસ ને પાછા પણ એમાં આવવું હોય તો ચાર યુરોસ.
અમારા અનુભવ પછી એટલું કહીશ કે ચઢાણ એટલું મુશ્કેલ નથી એટલે ચાલીને જવામાં કશો વાંધો નહિ આવે. વળતી વખતે તો ઉતરવાનું છે જે સહેલાઈથી ઉતરી શકાય એટલે વળતી વખતે તો ચાલીને ઉતારવાની ભલામણ કરું છું. એક ઉત્તેજનાસભર અનુભવ મળશે.
બસ ડ્રાઈવરે ટિકિટ અને બાકીના પૈસા આપ્યા. સીટ પર બેસી મેં પૈસા ગણ્યા તો ઓછા હતા એટલે ઉતરવાનું આવ્યું ત્યારે એની પાસે જઈ મેં કહ્યું ટિકિટના પૈસા ઓછા આપ્યા છે. એણે સહેજે આનાકાની કર્યા વગર ઘટતા પૈસા પાછા આપી દીધા. બસ ડ્રાઈવર બનતા સુધી એશિયન હતો.
તમે કેસલના પરિસરમાં દાખલ થાવ કે ડાબી બાજુ જંગલ ને જમણી તરફ એક દુકાન જ્યાંથી તમે ગાઇડેડ ટુરની તમારી ભાષાની પસંદગીવાળી ટુરની અગિયાર યુરોઝની ટિકિટ લઇ શકો. નિષ્ણાત ગાઈડ દ્વારા આ ટુર આયોજિત થતી હોય છે. પાંત્રીસથી ચાલીસની આ ટુર દર પંદર મિનિટે શરુ થતી હોય છે.

દરેક વસ્તુ પર લખાણ જર્મનમાં હોય છે ને મુલાકાતીઓને એક ચોપાનિયું અપાય છે જેમાં અંગ્રેજી ભાષામાં બધી માહિતી હોય છે. અમે કમ્પાઉન્ડમાં દાખલ થયા અમારી અંગ્રેજી ભાષાવાળી ટુર વીસ મિનિટ પછી શરુ થવાની હતી. અમે આજુબાજુ ફર્યા પછી પગથિયે આવીને બેઠાં.
સીજે મને કહે “કલાકાર આપણે રાહ જોઈએ ત્યાં સુધીમાં તું અમને થોડોક ઇતિહાસ કહે, કેસલની વિશિષ્ટતા જણાવી દે, તો કેસલ જોવાની વધારે મઝા આવે. બંદા તરત રાજુ ગાઈડની ભૂમિકામાં આવી ગયા.
“આઠસો પચાસ સાલ પહેલેકી બાત હૈ.” દેવ આનંદના અંદાજમાં મેં બોલવાનું શરુ કર્યું ને ગુજરાતીમાં બુમ ઊઠી “નાટકિયા વેડા નહિ, સીધી રીતે માહિતી આપ.” આવો ટોણો પણ મારવામાં આવ્યો એટલે બંદા ગુજરાતીમાં આવી ગયા, ફિલ્મી અદા છોડીને. “
“ત્યારે આ કેસલ બંધાવવાનું શરુ થયેલું ને આજે પણ આટલા વર્ષો પછી પણ અડીખમ ઊભો છે. એને ઊની આંચ પણ નથી આવી.”
ચકોર નિશ્ચિન્ત લાગલી જ બોલી ઉઠી. “અહીંના કેટલા બધા સ્મારકોને યુદ્ધમાં ખાસ્સું એવું નુકસાન થયું છે તો આ કેસલને કેમ જરાય નુકસાન નથી થયું?”
“માત્ર આ જ નહિ, બુરેશઈમાન અને લિસ્ટ્સઇન્જન કેસલ – આ ત્રણ જ કેસલ્સ છે જેને આટલા બધા યુદ્ધો થયા પણ કોઈ નુકસાન નહોતું થયું. બીજાનું તો ખબર નથી પણ એલ્ત્ઝનું કારણ એ છે રાજકીય મુત્સદીગીરી અને લગનના જોડાણો. એક એ કે તેના માલિકોએ યુદ્ધો હમેંશા ટાળ્યા. વળી એ ગ્રામીણ ભાગમાં અને અંતરિયાળ જગ્યાએ આવેલું હોવાથી પણ બચી ગયુ.
મોસેલની ઉપનદી એવી એલ્ઝબખ આની ત્રણે બાજુએ વીંટળાયેલી છે. આ કેસલ સહિયારી માલિકીનું છે. આ કેસલ જુદા જુદા ભાગોમાં વિભાજિત છે ને તેની માલિકી જુદા જુદા પરિવાર પાસે છે. આવું જર્મનીમાં સામાન્ય હતું. પોતાની ભૂમિ પર એકલહાથે કેસલ બંધાવવાનું કામ તો ખુબ ધનિક લોર્ડને જ પરવડે.
આ કેસલ એક જ કુટુંબના ત્રણ ભાઈઓના કુટુંબોની માલિકીનો રહ્યો છે. આજે કેમેનિસ શાખાના કુટુંબીજનો પોતાનો હિસ્સો વાપરે છે, જયારે બાકીના બે શાખાઓના કુટુંબીજનો રહેતા નથી. એ જગ્યા પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઈ છે.
બસ મારું કામ પૂરું થયુ. આઠ-આઠ મજલાના આઠ ટાવર્સનો ને અન્ય મકાનોનો આ સમૂહછે. આઠ મજલાનો ટાવર આપણે ચઢવાનો છે એટલે હું મારી એનર્જી એકઠી કરીને રાખું છું. બાકી આપણા ટુરના ગાઈડ માટે પણ કંઈ રાખો.”
અમારી ટુરનો સમય થવા આવ્યો હતો. થોડીવારમાં જ અમારી ટુરની ઘોષણા થઇ ને અમે કતારમાં ઊભા રહી ગયા. બધાને તેઓએ યાંત્રિક સાધન આપ્યું એ દ્વારા અમે ગાઈડની કોમેન્ટરી અંગ્રેજીમાં સાંભળી શકીએ.
ગાઈડે પહેલા જ સૂચના આપી દીધી કે અંદર તમે કોઈ પણ જાતની ફોટોગ્રાફી કે વિડિઓગ્રાફી નહિ કરી શકો. આ વાત સાંભળીને અમારા ઉત્સાહ પર પાણી રેડાયું. આવો સુંદર કેસલ ને ફોટા નહિ પાડવાના? જોયેલું બધું યાદ થોડી રહે. થોડા દિવસો પછી તમે બધું ભૂલી જાવ. આ તો ફોટા પાડ્યા હોય તો પાછું યાદ આવે.
દલીલ કરવાનો કોઈ અર્થ ન હતો. જગા એમની તે નિયમો પણ એમના જ હોય ને! ખૈર અમે ગાઈડની પાછળ પાછળ ભમવા લાગ્યા.
ઓડિયો કોમેન્ટરી ચાલવા લાગી. “આ કેસલનો મુખ્ય ઉદ્દેશ નદી પરથી પસાર થતા વહાણો પાસેથી કર ઉઘરાવવાનો ન હતો. સન ૧૮૧૫માં આખો કેસલ કેમપેનિસ શાખા પાસે આવી ગયો. બહુ બારીકાઈથી આની દુરસ્તી કરાઈ હતી જેથી એ સત્તરમી સદી જેવો લાગે.
બીજા કેસલમાં અમુક જ ખંડો ને ગરમ રાખવાની સગવડો હતી જયારે અહીં એના ૮૦ જેટલા ખંડો ગરમ રાખી શકાતા હતા એટલે કડકડતા શિયાળામાં પણ બધા જ ખંડો વાપરી શકાતા.“
બીજી એક વિશિષ્ટતા સાંભળીને પણ અમે અચરજ પામી ગયા. અહીં વિશ્વના બીજા બધા મહેલો કરતા વધારે ફ્લશ ટેન્કવાળા પાયખાના હતા. ૧૯૬૧ થી ૧૯૬૫ સુધી ૫૦૦ જર્મન ચલણની નોટ પર આ કેસલનો ફોટો છપાયેલો હતો. પોસ્ટ ખાતાએ આની પોસ્ટ ટિકિટ્સની શૃંખલા બહાર પાડેલી’.

(ક્રમશ:)