એક અજાણ્યો માણસ (વાર્તા) ~ દિવ્યા જાદવ (કેશોદ)

“કાલે રવિવાર એટલે મોડું ઊઠવું છે.” શનિવારની રાતે પથારીમાં પડ્યાં પડ્યાં વિચાર્યું હતું. પરંતુ ખુલ્લી આંખે જોયેલાં સપનાંઓ ક્યારેય પૂરા થયાં છે? રાતનાં દસ વાગ્યે ને પચ્ચીસ મિનિટે મોબાઈલની રીંગ રણકી.

એ સમય મને ચોક્કસ યાદ છે. કેમકે દસને વીસે મેં મોબાઈલ ઓશીકાં નીચે મૂક્યો હતો. મેં કંટાળા સાથે ફોન હાથમાં લીધો ને લીલા બટનને ઉપરની તરફ ધકેલ્યું.

“અત્યારે શું કામ પડ્યું ભાઈ? “

“કાલે ફિલ્ડમાં જવાનું છે. તે ગ્રુપમાં મેસેજ નથી વાંચ્યો?”

“ના. હું સુઈ.. પણ ઓચિંતું?”

“કાલે ખેડૂતો સાથે મિટિંગ છે. ત્યાં બધી તૈયારી થઈ ગઈ છે. નાસ્તા ચા.. તું વહેલો માંગરોળ પહોંચ. ત્યાંથી આપણે બાઈક લઈને સાથે નીકળી જાશું.”

“જરૂરી છે?”

“હા. ફિલ્ડ મેનેજરનો હુકમ છે. કાલે ત્રણ ગામ કમ્પલીટ કરવાના છે.” ગિરીશે મારા અણગમાને પારખી લેતા કહ્યું.

“ભલે હું સવારના નવ વાગ્યા પહેલાં માંગરોળ પહોંચી જઈશ.” મેં ફોન કટ કર્યો. નેટ ચાલુ કરી વોટસએપ ખોલ્યું.

કંપનીના ગ્રુપમાંથી ધડાધડ મેસેજ આવ્યા. “યસ સર, ઓકે સર.” ને ઢગલાબંધ કાળા પીળા અંગૂઠાઓ. આ બધું નીચેની તરફ ખસેડતો હું માંડ જરૂરી મેસેજ પાસે પહોંચ્યો.

કાલના રવિવારનું સત્યાનાશ થવાનું હતું, એટલે ગુસ્સા અને કંટાળાના મિશ્રભાવ વચ્ચે મેં મેસેજ ખોલ્યો. મેનેજરે મોકલેલું લાંબું લિસ્ટ તપાસ્યું. મારા અને ગિરીશના ભાગમાં  માંગરોળનાં સાવ અંતરિયાળ ગામો આવ્યા હતા.

મેં લિસ્ટ તપાસીને મોબાઈલને ફરીથી ઓશીકાં નીચે મૂક્યો. આંખો બંધ કરી. પરંતુ આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. કાલનો રવિવાર ખરેખરનો બગડવાનો હતો.

ખેડૂતો નવું વાવેતર કરે એ પહેલાં, કંપનીએ નવી લોન્ચ કરેલી દવા અંગેની જાણકારી અમારે એમને આપવાની હતી. આપેલા ટાર્ગેટ પૂરા કરવાના હતા. હું વિચારમાં ને વિચારમાં ક્યારે ઊંઘી ગયો ખબર ના પડી.

સવારે સાત વાગ્યાનો એલાર્મ વાગ્યો. ઊઠીને ફટાફટ તૈયાર થયો. ઉતાવળે ચા નાસ્તો પતાવી,  ચાલતો ચાલતો હું કેશોદના બસ સ્ટેશને પહોંચ્યો. માંગરોળથી ગિરીશ બાઈક લઈને આવવાનો હતો. એટલે મેં બસમાં જવાનું યોગ્ય સમજ્યું હતું.

બસસ્ટેશનમાં વહેલી સવારે  ફેરિયાઓ, છાપાવાળા સિવાય બીજા મુસાફરો ખાસ દેખાતાં ન હતા. બસસ્ટેશનની બહાર ઊભા બીજા વાહન ચાલકો જૂનાગઢ, વંથલીની બૂમો પાડતાં, ફેરા માટે પેસેન્જરને બોલાવી રહ્યા હતા.

હું નિરાંતે સ્ટીલની ખુરસી ઉપર બસની રાહ જોતો બેઠો હતો કે એક હાથ મારા ખભે આવ્યો. મેં પાછું ફરીને જોયું. ખખડધજ ઇમારત જેવો લાગતો એક વૃદ્ધ માણસ મારી પાછળ ઊભો હતો. એના દુબળા પાતળા દેહ ઉપર સાધારણ કપડાં લટકતા હતા. એના ખભે નાનો કાળો બગલ થેલો ટિંગાયેલો હતો. એની ઊંડી ઉતરી ગયેલી પાણીદાર આંખો મારી સામે જોઈ રહી હતી. મેં પ્રશ્નાર્થ નજરે એમની સામે જોયું.

“ભાઈ બેસવાની જગ્યા આપશો?” એણે હળવેકથી કહ્યું.

“બેસો.” મેં ખુરસી રોકીને પડેલા મારા થેલાને મેં ઉંચકીને મારા ખોળામાં મૂક્યો. એ વૃદ્ધ માણસને મેં મારી પાસેની સીટ ખાલી કરી આપી. એ માણસ મારી નજીક ગોઠવાયો. ખભે ટાંગેલો થેલો નીચે મૂકી, એણે કપાળે હાથ ફેરવ્યો. એ માણસ થાકેલો જણાતો હતો. એણે થેલામાંથી પાણીની બોટલ કાઢી, થોડું પાણી પીધું.  પછી બોટલ મારી તરફ ધરી.

“ના. મારી પાસે પાણી છે.” મેં જવાબ આપી ફરીથી મારું ધ્યાન મોબાઈલમાં કેન્દ્રિત કર્યું.

“તમે ક્યાં જાવ છો?” એણે કહ્યું.

“માંગરોળ. ” મેં આદતવશ ટૂંકમાં પતાવ્યું

“ઓહ! મારે ઉના જવું છે.”

“ઓકે.” મેં મોબાઈલ એક બાજુ કર્યો અને એ માણસ સામે જોયું. એનો કરચલીયાળો ચહેરો કરમાયેલા ફૂલ જેવો લાગતો હતો. એની ઊંડી આંખો વારે વારે આવતી જતી બસો સામે જોઈ લેતી, અને એના ફિક્કા ચહેરા ઉપર ચિંતા ઘેરી વળતી.

“તમે ઉના રહો છો?” મેં પૂછવા ખાતર પૂછી નાંખ્યું.

“મારું ગામ ઉનાથી નજીક પડે છે.” એણે કહ્યું. એના મોઢામાંથી ગામ શબ્દ માંડ માંડ નીકળ્યો હોય એવું મને લાગ્યું. મેં એ વૃદ્ધ માણસ સામે જોયું. એની આંખોમાં પાણી તગતગતું હતું. એના હાથ ધ્રૂજતા હતા. એણે ફરીથી થોડું પાણી પીધું. પછી ગળું ખંખેરતા એણે કહ્યું.

“હું કેશોદ મારી દીકરીના ઘરે આવ્યો હતો.”

“તો અહીંયાં તમારી દીકરી રહે છે એમ! કંઈ બાજુ ?”

“પાટાની ઓલી બાજુ આઘે સોસાયટી છે ત્યાં. મને સોસાયટીનું નામ નથી આવડતું. રેલવે સ્ટેશનથી આમ હાલીને વયું જવાય.” એણે હાથનો ઈશારો કરતા કહ્યું.

“સારું. કોઈ તમને મૂકવા ન આવ્યું? આવડી ઉંમરે છેક ત્યાંથી ચાલીને આવ્યા!”

“ના.” એમનો અવાજ ગળે ચોંટી ગયો હતો. એની પાંપણો ભીની થઈ ગઈ. મને આશ્ચર્ય થયું. પછી મને એમની દયા આવી. મોટેભાગે કોઈ પણ પુરુષ આટલી આસાનીથી રડી શકે? નક્કી કઈક અજુગતું બન્યું હશે. નહિ તો….”

“વડીલ, શું વાત છે? કેમ રડો છો? હું તમારી કંઈ મદદ કરી શકું?” મેં એમના ધ્રૂજતા હાથ ઉપર મારી હથેળી મૂકી. એમની આંખો વરસી પડી. હ્રદયમાંથી એકવાર ઉભરો ઠાલવાય જાય તો એમની પીડા પણ થોડી ઓછી થઈ જાય. એમ વિચારી મેં એમને થોડીવાર રડવા દીધા.

“વડીલ રડો નહિ. શું વાત છે?”

“મારી દીકરી મંજુ.” એમણે ડૂસકું ભર્યું. પછી રૂમાલથી આંખો લૂછતાં ફરીથી કહ્યું.

“મંજુ મારી એકની એક દીકરી. આંય હાહરે સે. એના લગનને પંદર વરસ થઈ ગયાં. હજી હુધી એકવાર બસારી પિયરના ઝાડવા જોવા નથી પામી. એની સાસુને કરિયાવર ઓછો પડ્યો. મોટા ઘરમાં વરાવી એ મારો ગનો ભાઈ.”

એમની આંખો આકાશ તરફ સ્થિર થઈ ગઈ. એની આંખો સામે કદાચ દીકરીની વિદાયવેળા રમતી હશે. પરંતુ મારી બસ હમણાં આવી પહોંચશે એ ઉતાવળે મેં વડીલને પૂછી નાંખ્યું.

“તો તમારે અને માજીને દીકરીનાં ઘરે જઈ અવાય? તમારી દીકરીને સારું પણ લાગે.”

કોઈ કડવો ઘૂંટડો ભરાય ગયો હોય એમ એણે ગળફો થૂંકતા કહ્યું. “પેલા જતાં. એના સાસરિયાઓને અમે ઘણાં સમજાવતા. પણ એ મોટા પેટવાળા એમ કઈ માને? “

“શું એ લોકો તમારી દીકરી ઉપર શારીરિક ત્રાસ ગુજારે છે?” મેં પૂછ્યું. મારા સવાલથી જાણે ધગધગતો સળિયો કોઈએ એના હાથમાં મૂકી દીધો હોય એમ એના હાથ કાંપયા.

“એ કંઈ કે’તી નથી. એની માએ તો ઈ અભાગણીને ઘણું પૂછ્યું. પણ એ તો મોંઢામાં મગ ભરીને બેઠી છે. હાચું કવ ને દીકરા, મનના ઉઝરડા ઢંકાય જાય. પણ તનનાં થોડા ઢંકાય? એ તો આંખે વળગે ને હ્રદય સળગાવી મેલે. એમાં ને એમાં એની બા માંદી પડી છે. દીકરીનું એક વાર મોઢું જોવા એનો જીવ ગતે નથી જતો.”

મારે એમને શું કહેવું? એમની વેદના મને પણ દઝાડતી હતી. મારી બસ આવી ગઈ. મેં એ બસને જવા દીધી. બીજી આવશે. પણ આ દુખિયારા માણસનો ભેટો જિંદગીમાં ફરીથી નહિ થાય.

“કોઈ વચલો રસ્તો નથી નીકળી શકે એમ? કોઈ સમજાવે તો માને નહિ?”

“બધાય રસ્તા અપનાવી લીધા હોત, પણ મારી દીકરી ભારે જિદ્દી. ઈ કે જેની ચૂંદડી ઓઢીને આવી છું. એની ચૂંદડીએ જ ચિતાએ ચડું. પણ પિયર તો નહિ જ જાઉં. છેલ્લે થાકીને મેં  મારી જમીન દીકરીના નામે કરી નાખવાનું નક્કી કર્યું. પણ મારી દીકરી એકની બે નો થઈ. એ કયે છે કે “બાપુજી પછી તમે શું કરશો? તમારી મરણમૂડી આવા માણસો હાટુ થઈને..”

એ વૃદ્ધ માણસની લાચારી સાંભળી મારી આંખો પણ ભરાઈ ગઈ. જૂનાગઢ માંગરોળના લાલ પટિયાવાળી બસ આવી ગઈ. હું ભારે મને ઊભો થયો.

મેં એ ઘરડા ખભા ઉપર હાથ મૂકતા કહ્યું. “કંઈ નહિ વડીલ. તમે ધરપત રાખો. સૌ સારા વાના થઈ જશે. તમે માજીની સેવા કરો. આવા સમયે એમને તમારી જરૂર છે.”

હું ચાલવા જતો હતો કે. એમણે મારો હાથ પકડ્યો. “ભાઈ બસો રૂપિયા આપ ને? એનો સાદ ભારે થઈ ગયો. જાણે એ મહામહેનતે મને કહી રહ્યા હોય એમ એમણે ત્રૂટક ત્રૂટક આવજે મને કહ્યું. “મારી પાસે પૈસા હતા. પણ દારૂડિયા જમાઈયે એ પણ લઈ લીધા. હવે મારી પાસે ઘરે જવા બસ ભાડાના પણ પૈસા નથી.”

મારું હ્રદય એક થડકારો ચૂકી ગયું. મેં પાકીટમાં જોયું. ગૂગલ પેનાં જમાનામાં ખિસ્સામાં વધારે પૈસા પણ ક્યાંથી હોય? પાકીટમાં પૂરા છસો રૂપિયા પડ્યા હતા.

મેં પાંચસોની  નોટ એમના હાથમાં મૂકતા કહ્યું.”વડીલ થોડું જમી લેજો. તમે ચિંતા ન કરતા. સૌ સારા વાના થઈ જશે.”

એમના હાથમાં પૈસા મૂકીને હું ઝડપથી બસ તરફ ભાગ્યો. બસ ઉપડવાની તૈયારીમાં હતી ને હું બસમાં ચડ્યો. છેલ્લી બારીવાળી સીટ ખાલી હતી. હું ત્યાં જઈને બેઠો. આખા રસ્તે એ વડીલ અને એમની દીકરીના વિચારોએ મને જકડી રાખ્યો હતો. “આવા માણસો પણ દુનિયામાં પડ્યા છે ને? ” મારાથી બોલાઈ ગયું.

હું મારી જાતને નસીબદાર સમજતો હતો. કે કોઈ મારી આગળ પોતાનું મન હળવું કરી શકે એટલી લાયકાત તો મે કેળવી હતી. જતાં જતાં મારા હાથે થોડું પુણ્યનું કામ પણ થયું, એનો ગર્વ પણ થયો. હશે! “સંસાર છે. શું કરવું?” ઉદ્વેગથી ભરેલા મારા મનને મેં ફોસલાવ્યું.

માંગરોળ બાયપાસ આવતા હું બસમાંથી ઉતર્યો. ગિરીશ મારી રાહ જોઈને ઊભો હતો. મને મોડો આવેલો જોઈને એ ચિડાયો. “ઊંઘણશી.” એમણે બાઈકને કિક મારતાં કટાક્ષમાં કહ્યું.

“એલા એવું નો’તુ.” પછી મેં હકીકત એની સામે ખોલીને રાખી દીધી. વાતવાતમાં અમારા ટાર્ગેટ મુજબનું પહેલું ગામ આવી ગયું.

મારું મન કામમાં ન લાગ્યું. એટલે મને  મિટિંગનો ભાર ગિરીશના ખભે નાંખી ભીડમાંથી બહાર નીકળી જવાનું મન થયું. પણ ગિરીશ એમ આસાનીથી માને ઈ કોઈ દિવસ બન્યું તે આજે બને?

ઉચાટભર્યા મને એની સાથે આખો દિવસ રખડી રઝડીને ટાર્ગેટ પૂરો કર્યો. વળતાં ગિરીશે મને માંગરોળ બસ સ્ટેશને છોડ્યો. મેં ગિરીશ પાસેથી સો રૂપિયા માંગ્યા. એણે આપ્યા. “હું તને હમણાં ગૂગલ પે કરી આપું” કહીને હું સોની નોટ શર્ટનાં ખીસ્સામાં મૂકી બસ સ્ટેશનની અંદર તરફ ચાલવા લાગ્યો. હું આખા દિવસની રખડપટ્ટીથી થાક્યો હતો, એટલે બાંકડાની પીઠ ઉપર મેં માથું ટેકવ્યું. આંખો બંધ કરી.

મારી પાછળની તરફથી કોઈકની વાતો સંભળાઈ રહી હતી. એમની વાતો કરવાનો અવાજ અને અંદાજ મને જાણીતો લાગ્યો. એના શબ્દો સાંભળેલા લાગ્યા. એ ત્રૂટક ત્રૂટક નીકળતો અવાજ. ભારે સાદે પોતાની વ્યથા જણાવતો અવાજ, મને ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો. એના ડૂસકાં મને જાણીતા લાગ્યા. અનુભવાયેલા લાગ્યા. છેલ્લે એ વેદનાભર્યા અવાજે કોઈ પાસેથી પૈસા માંગ્યા. ને હું બંધ આંખે આ બધું સાંભળતો રહ્યો.

~ દિવ્યા જાદવ
jadavdivya378@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.