પ્રકરણ:35 ~ અમેરિકન સિટીઝનશીપ લીધી ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
હવે અમને અપાર્ટમેન્ટ નાનો પડવા મંડ્યો. પણ બીજો ભાડાનો અપાર્ટમેન્ટ લેવાનો અર્થ ન હતો. અમેરિકાના ટેક્સના કાયદાઓ એવા તો વિચિત્ર છે કે એમાં જે લોકો ભાડે રહે તેમના કરતાં જે ઘરનું ઘર લે તેમને નાણાંકીય દૃષ્ટિએ વધુ ફાયદા થાય. ટૂંકમાં એમને ટેક્સ ઓછો ભરવો પડે.
અહીંની રીઅલ એસ્ટેટ અને હોમ બિલ્ડર્સની લોબી એવી તો જોરદાર છે કે એમણે અમેરિકન ટેક્સ કોડમાં આવી બધી યોજનાઓ જડબેસલાક બેસાડી દીધી છે.
આને કારણે દરેક અમેરિકન જેવો કમાતો થાય કે તરત જ પોતાનું ઘર લેવાની વાત કરે. ત્રીસ વરસનું લાંબું મોર્ગેજ મળે. માત્ર દસ કે વીસ ટકા જેટલું ડાઉન પેમેન્ટ કરવાનું. વધુમાં જેટલું મોટું ઘર લો અને મોટું મોર્ગેજ રાખો એટલો ટેક્સમાં વધુ ફાયદો!

આને લીધે અમેરિકન ઘરો જરૂર કરતાં વધુ મોટા, એમાં સ્વીમીંગ પુલ, ટેનીસ કોર્ટ, વગેરે લટકણિયાં લગાડેલાં હોય. એ બધાંને કારણે મોર્ગેજ પેમેન્ટ મોટું થાય. ઘણી વાર તો માસિક હપ્તો ભરવો પણ મુશ્કેલ બની જાય.
આ વાત એટલી હદે પહોંચી કે 2008-2012ના ગાળામાં દેશમાં ભયંકર ઇકોનોમિક ક્રાઈસિસ આવી. જેમાંથી બહાર નીકળતા લોકોને નાકે દમ આવી ગયો. અને છતાં ઘરનું ઘર કરવાનો ટેકસનો ફાયદો અને લોકોનો મોહ એટલો ને એટલો જ છે.

પણ હું ઘર લઉં અને ત્રીસ વરસના મોર્ગેજનું કમિટમેન્ટ કરું તે પહેલાં મારે એ જાણવાની જરૂર હતી કે અહીં પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં મને ટેન્યર મળશે કે નહીં.
પ્રથા એવી હતી કે નવા પ્રોફેસર તરીકે તમને ત્રણ-ત્રણ વરસના એમ બે કોન્ટ્રેકટ મળે. બીજા વરસને અંતે જ તમને જણાવામાં આવે કે બીજા ત્રણ વરસનો કોન્ટ્રેક મળશે કે નહીં.
મારી પાસે ઈમ્પીરીક્લ એનાલિસિસ, હાયર કેલ્ક્યુલસ અને સ્ટેટીસ્ટીક્સનો ઉપયોગ કરીને એકેડેમિક જર્નલ્સમાં આવી શકે એવા લેખો લખવાની ભૂમિકા ન હતી. પરંતુ ક્લાસરૂમ ટીચર તરીકે વિદ્યાર્થીઓમાં હું બહુ લોકપ્રિય નીવડ્યો.
આ કારણે પહેલાં બે વરસમાં કશું પબ્લિશ કરવામાં નિષ્ફળ નીવડ્યા છતાં મને બીજા ત્રણ વરસનો કોન્ટ્રેકટ અપાયો. જો કે અમારી બિઝનેસ સ્કૂલના ડીને મને ચેતવ્યો કે હવે પછીનાં એકાદ બે વરસમાં એકેડેમિક જર્નલ્સમાં હું જો પબ્લિશ નહીં કરું તો મારે પીટ્સબર્ગમાંથી ચાલતી પકડવી પડશે.
હું ગમે તેટલું ક્લાસ રૂમમાં સારું ભણાવતો હોઉં કે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય હોઉં, ટેન્યર મેળવવા માટે અને તે પછી પણ ફૂલ પ્રોફેસર થવા માટે એકેડેમિક પબ્લિશીંગ સિવાય કોઈ રસ્તો નહોતો.
મને એવી પણ સલાહ મળી કે મારે યુનિવર્સિટીમાં માત્ર બે દિવસ જ્યારે ભણાવું છું ત્યારે જ આવવું, બાકી બધા દિવસ લાઈબ્રેરીમાં બેસીને રિસર્ચ કરવી અને એકેડેમિક આર્ટીકલ લખવા. “યુનિવર્સિટી બધા દિવસ આવીશ તો વિદ્યાર્થીઓ આવીને તારો સમય બગાડશે!”
ટૂંકમાં અમેરિકન ગ્રેજ્યુએટ એજ્યુકેશનમાં ટીચિંગ કરતાં રીસર્ચ અને પબ્લિકેશનનું મહત્ત્વ ઝાઝું.

એકેડેમિક જર્નલ્સમાં જેમ જેમ પબ્લિશ કરો તેમ તેમ તમારા ભાવ બોલાય. ટેન્યર મળે, ફૂલ પ્રોફેસર સુધીનું પ્રમોશન મળે, રીસર્ચ ગ્રાન્ટ્સના પૈસા મળે, નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવાના ટ્રાવેલ ફંડ્સ મળે.
ડીનની સલાહ સાવ સાચી હતી. મને થયું કે મારી જે થીસિસ છે તેમાંથી ઓછામાં ઓછો એકાદ આર્ટીકલ તો જરૂર તૈયાર કરવો જોઈએ. જો એકાઉન્ટિંગના કોઈ જર્નલમાં એ પબ્લિશ ન થાય તો બીજે કોઈક ઠેકાણે તો પબ્લિશ થઈ શકે ખરો? આવું કંઈક પબ્લિશ કરીને ટેન્યર મેળવીશ. ઓછામાં ઓછું મને બીજાં ચાર વરસ તો અહીં રહેવા મળશે. પછી જોયું જશે.
આ ઉપરાંત અમે અપાર્ટમેન્ટમાં રહીને કંટાળી ગયા હતા. જો કે આમ તો આ બે બેડ રૂમનો અપાર્ટમેન્ટ હતો. અને અમારી મુંબઈની ઓરડી કરતા તો ચાર ગણો મોટો હતો, છતાં હવે તો અમે અમેરિકામાં હતાં ને?
અહીંનું ટેક્સનું ગણિત જ એવું કે ભાડાના પૈસા પડી જાય, જ્યારે મોર્ગેજ ભરવાથી ઘરની માલિકી ઊભી થાય. ઘર હોવાથી દેશીઓમાં તમારું સ્ટેટસ વધે. નહીં તો લોકો પૂછ્યા જ કરે: ઘર ક્યારે લેવાના છો?
વધુમાં ઘર લીધું હોય તો ડીન અને યુનિવર્સિટીની સિનિયર ફેકલ્ટીને ખબર પડે કે હું અહીં પીટ્સબર્ગમાં ઊભડક રહેવા નથી આવ્યો, પણ મારો વિચાર તો અહીં સ્થાયી થવાનો છે. ટેન્યર મેળવવા માટે આ રમત પણ રમવાની જરૂર હતી.
મોટા ભાગના ફેકલ્ટી મેમ્બર્સ જેમની પાસે ટેન્યર હતું તે બધા વીસ ત્રીસ વરસથી ધામા નાખીને પડ્યા હતા. એ લોકોને તમારા એકેડેમિક ક્વોલિફિકેશન અને પબ્લિશીંગ સાથે સાથે યુનિવર્સિટી પ્રત્યેની આવી લોયલ્ટી પણ જોઈતી હતી!
આવા કૈંક વિચાર કરીને અમે ઘર લીધું. અમારા અમેરીક્નાઈઝેશનનું આ આખરી પગલું હતું. મધ્યમ વર્ગના અમેરિકનોની જેમ હું પણ દર શનિવારે સવારે ઘરના બેક યાર્ડમાં લોનમોર ચલાવી ઘાસ કાપવા લાગ્યો.

“હોમ ઓનર હેરી”ની માફક વિકેન્ડમાં હાર્ડવેર સ્ટોરમાં જઈને ઘરના રીપેરકામની વસ્તુઓ લાવવા માંડ્યો. અહીં તમારે પોતે જ હેન્ડીમેન બનવું પડે. બહારથી બોલાવો તો તમારે દેવાળું કાઢવું પડે.
હવે બાકી રહ્યું તે અમેરિકન સિટીઝનશીપ લેવાનું. દેશમાં, ખાસ કરીને મુંબઈમાં મને જે કડવા અનુભવો થયા હતા તે કારણે દેશમાં પાછા જઈને દેશસેવા કરવી છે એવા શેખચલ્લીના વિચારો મને ક્યારેય નહોતા આવ્યા.
જયારે મેં ન્યૂ યોર્ક આવવાનું એર ઇન્ડિયાનું પ્લેન લીધું ત્યારે જ મેં દેશને રામ રામ કરેલા. મનમાં નક્કી કરેલું કે મારા માટે દેશ નકામો છે. જે કાંઈક મારું ભવિષ્ય છે તે મારે અમેરિકામાં જ ઘડવાનું છે. એ નિર્ધાર સાથે મેં દેશ છોડ્યો હતો.
હવે જો હું જિંદગીભર અમેરિકામાં જ રહેવાનો હોઉં તો મારે અમેરિકાના સિટીઝન ન થઈ જવું જોઈએ?
વધુમાં દેશમાંથી કુટુંબીજનોને બોલાવવા હોય તો અમેરિકન સિટીઝનશીપ અનિવાર્ય હતી. મોટા ભાગના દેશીભાઈઓ જે મારી જેમ અમેરિકા આવ્યા હતા તે બધા પણ આ વિચારે સિટીઝન થયા.
આમ 1976માં હું અમેરિકાનો સિટીઝન થયો. હું જ્યારે સોગંદવિધિ માટે કોર્ટમાં ગયો ત્યારે મારા જેવા સેંકડો પરદેશીઓ હાજર હતા. મારે પગલે નલિની પણ સિટીઝન થઈ. એના ભાઈ ભાભી અને આખાયે કુટુંબને અમેરિકા બોલાવવાના હતા.
અમે બધા સમજતા હતા કે ભલે ને અમે સિટીઝનશીપ લીધી પણ એથી અમે ઇન્ડિયન થોડા મટી ગયા? ફેડરલ ગવર્ન્મેન્ટનો સ્થાયી અને સારો જોબ મળે અથવા તો દેશમાંથી કુટુંબીજનોને બોલાવી શકાય એ કારણે જ મોટા ભાગના અમે સિટીઝન થયા. આ તો અમારો સગવડિયો ધર્મ હતો.
જાહેર સભાઓમાં જયારે અમેરિકાને વફાદારી (pledge of allegiance) બતાવવાની હોય ત્યારે અમે અમેરિકન ફ્લેગને જરૂર સલામ ભરીએ, પણ અમેરિકન રાષ્ટ્રગીત અમારે મોઢે સહેલાઈથી ન ચડે.

ક્યારેય પણ જો ‘જન ગણ મન’ ગવાતું શરુ થાય કે તરત અમે બધા ગણગણવા માંડીએ.
આ તો અમે માત્ર કાયદેસર અમેરિકન થયા, એટલું જ. સાચું કહો તો અમે સોમથી શુક્ર સુધીના અમેરિકન હતા. શનિ રવિએ પાછા ઇન્ડિયન થઈ જઈએ.
ભલે અમે અમેરિકામાં રહીએ અને અમારો કામ ધંધો કરીએ, પણ ઘરે આવીએ ત્યારે પાછું બધું અમારું ઇન્ડિયન જ! અમારું ખાવાપીવાનું, ઓઢવા પહેરવાનું, બોલવા ચાલવાનું, ખાસ કરીને વિકેન્ડમાં, બધું ઇન્ડિયન જ સમજો.
જોબ અને કામધંધાને કારણે જ અમેરિકનો સાથે અમારો સંબંધ હોય એટલું જ, બાકી મોટા ભાગનું અમારું હળવા મળવાનું બીજા દેશીઓ સાથે.
નાત, જાત, ધર્મ, ભાષા, પ્રાંતના જે કોઈ વાડાઓ દેશમાં છે તે બધા અમે અહીં લઈ આવ્યા છીએ. કૂવામાં હોય એ હવાડામાં આવે! એટલું જ નહીં, ગુજરાતી, મરાઠી બંગાળી, એમ વિવિધ ભાષીઓએ પોતાના જુદા સમાજો પણ ઊભા કર્યા છે.
એના વાર્ષિક સમ્મેલનો ભરાય તેમાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપે. નવરાત્રિ, ગણેશ ચતુર્થી, દિવાળી વગેરે ઉત્સવો ભારે ભભકાથી અહીં ઉજવાય છે. બાકી રહ્યું હોય તેમ વિધવિધ જ્ઞાતિ, પેટાજ્ઞાતિઓ અને ધર્મોના વાડા બાંધી અમે કૈંક મંડળો ઊભાં કર્યાં છે.
આમ જૈન, વૈષ્ણવો, સ્વામી નારાયણ સંપ્રદાયીઓ, શીખ, તિરુપતિ વગેરેના મોટાં મોટાં મંદિરો બંધાયાં છે. સ્વામીઓ, ગુરુઓ, ઉપદેશકોનો દર સમરમાં અહીં રાફડો ફાટે છે.
એવી જ રીતે સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમો કરવા માટે દેશમાંથી સંગીતકારો, ગાયકો, નાટ્યકારો, નૃત્યકારો, લેખકો, કવિઓ વગેરે પોતપોતાની મંડળીઓ લઈને દર વરસે આવીને ઊભા જ હોય છે.
જો કે આમાં આપણે દેશીઓ કંઈ નવું કરતા નથી. આ દેશમાં આઈરીશ, ઇટાલિયન, પોલીશ, હિસ્પાનીક અને બીજી જે ઈમીગ્રંટ પ્રજાઓ આવી છે, તે બધાનો આ જ ઈતિહાસ છે.
પોતાનો ચોકો જુદો પાડીને રહેવું એ બધી જ ઈમિગ્રન્ટ પ્રજાની પહેલી પેઢીનુ વલણ હોય છે. જો કે બીજી પેઢી તો ઉછરતા જ અમેરિકન થઈ જાય છે. આ છે અમેરિકાના મેલ્ટીંગ પોટની ખૂબી.
સમુદ્રના મુખ આગળ જેમ પાણી નદીના રંગ ભલે બતાડે, પણ જેમ સમુદ્રમાં આગળ વધીએ ત્યારે એ જુદા રંગ સમુદ્રના રંગ સાથે ભળી જાય છે અને નદી સમગ્રતયા સમુદ્રમાં ભળી જાય છે. તેવી જ રીતે આ દેશ-દેશથી જુદા જુદા રીતરિવાજો લઈને આવેલા ભિન્ન ભિન્ન લોકો એમની પહેલી પેઢીમાં ભલે પોતાની જુદાઈ જાળવી રાખે, પણ આગળ વધતાં એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસાગરમાં ભળીને એકરસ થઈ જાય છે.

જે બીજી ઈમિગ્રન્ટ પ્રજાઓનું થયું એવું જ ઇન્ડીયન ઈમિગ્રન્ટ પ્રજાનું થવાનું છે એ નિશ્ચિત છે. અમારા આ અનિવાર્ય ભવિષ્ય વિષે મેં એક પરિચય પુસ્તિકા, ‘અમેરિકામાં વસતા ભારતીયો’ 1981માં લખેલી.
અમારી પહેલી પેઢીમાં અમેરિકા પ્રત્યે જો દ્વિધા અને સંકોચ છે અને ત્રિશંકુની જેવી “નહીં અહીંના, નહીં ત્યાંના” એવી અવઢવ છે તો અમારાં સંતાનોમાં એમની અમેરિકન અસ્મિતા વિષે કોઈ શંકા નથી.
જે સહજતાથી એ પડોશમાં અને અન્યત્ર તેમના અમેરિકન મિત્રો સાથે હળેમળે છે તે હજી અમે કરી શકતા નથી. અમે જ્યારે જૂના રીતરિવાજો અને રૂઢિઓને પકડીને બેઠા છીએ ત્યારે આ નવી પેઢીને એવી કોઈ પળોજણ નડતી નથી.
ભારતીઓ- એમની પહેલી પેઢી તેમ જ એમની ઉછરતી નવી પેઢી- આ દેશમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે.
અત્યારે આ દેશમાં લગભગ ત્રણ મિલિયન ભારતીઓ વસે છે. ત્રણસો વીસ મિલિયનની વસ્તીના આ વિશાળ દેશમાં એ સંખ્યા ખૂબ નાની ગણાય, છતાં આપણે એક શાંત, નિરુપદ્રવી અને ખંતીલી પ્રજા તરીકે દેશના ખૂણે ખૂણે વખણાયા છીએ. એમનામાંથી ઘણા ભલે ખાલી હાથે, પહેર્યે લૂગડે કે દોરી લોટો લઈને આવ્યા, પણ સાથે સાથે ગળથૂથીમાં મળેલ ખંત, બુદ્ધિમત્તા, કુટુંબપ્રેમ, વાણિજ્ય કૌશલ્ય અને વ્યવહાર ચાતુર્ય લઈને આવ્યા છે.
એ ગુણોને કારણે જ દૂધમાં સાકર ભળે તેમ મેનસ્ટ્રીમ અમેરિકન ઇકોનોમીમાં ભળી ગયા છે. દેશને ખૂણે ખૂણે અને એકાંઉન્ટીંગથી માંડીને ઝૂઓલોજી સુધીના અનેક ક્ષેત્રોમાં મહત્ત્વનું કામ કરી રહ્યા છે.
આ દેશની ભાગ્યે જ કોઈ હોસ્પિટલ હશે, કે ભાગ્યે જ કોઈ એન્જિનિઅરિન્ગ ફર્મ હશે, કે ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી હશે કે જ્યાં કોઈ ઇન્ડિયન કામ ન કરતો હોય. અમેરિકાનો પ્રમુખ ડોક્ટર, સર્જન જનરલ, ઇન્ડિયન છે – ડો. વિવેક મૂર્તિ.
માયક્રોસોફટ અને ગુગલ જેવી આ દેશની મહાન ટેક કંપનીઓ આપણા દેશી બંધુઓ કુશળતાથી ચલાવે છે. આપણી વ્યાપાર સૂઝ તો એવી જબ્બર છે કે આ દેશના નાના મોટા હાઇવે ઉપર આવેલી હોટેલ મોટેલોનો ત્રીજો ભાગ આપણા પટેલ ભાઈબહેનોએ કબજે કર્યો છે. એવું જ અહીંની ફાર્મસીઓનું થયું છે.

પહેલી પેઢીના જે ભારતીયો અહીં આવ્યા તે મુખ્યત્વે કૉલેજનું ભણેલા- એન્જીનિયર્સ, ડોક્ટર્સ વગેરે હતાં. મોટા ભાગના અહીં પોતાના ક્ષેત્રમાં વધુ ભણ્યા. આ આગળ ભણવાની આપણી ધગશને કારણે અમેરિકામાં ભારતીઓ પર કેપીટા સૌથી વધુ ડોકટરેટની ડિગ્રી ધરાવે છે. અરે, સંખ્યામાં ભલે આપણે ઓછા છતાં અમેરિકામાં વસતાં ભારતીઓ નોબેલ પ્રાઈઝ લઈને બેઠા છે! એટલું જ નહીં, પણ હું તો ત્યાં સુધી કહીશ કે ભવિષ્યના ભારતીય નોબેલ વિજેતાઓ અમેરિકામાંથી નીકળશે.
માત્ર વ્યાપાર, ઉદ્યોગ અને ટેકનોલોજી જ નહીં, પણ રાજકારણ, સાહિત્ય, સંગીત, કળા વગેરે અન્ય વિષયોમાં પણ એમણે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વાર્ષિક આવક કે ભણતર એવી કોઈ પણ રીતે જુઓ તો અમેરિકામાં વસતાં ભારતીયો અહીંના ગોરા અમેરિકનો કે બીજી કોઈ લઘુમતી કરતા ઊંચા છે.
2016માં આપણા ભારતીયો બે સ્ટેટના ગવર્નર્સ છે, તો કેલિફોર્નિયામાંથી ગુજરાતી એમી બેરા કોંગ્રેસમેન તરીકે ચૂંટાઈ આવેલા છે. અને અનેક ઇન્ડિયન અમેરિકન જુવાન છોકરા છોકરીઓ રાજકારણમાં ભાગ લેવા થનગની રહ્યા છે, જે આવતી કાલે અમેરિકામાં સેનેટર, કોંગ્રેસમેન, મેયર વગેરે અગત્યના હોદ્દાઓ શોભાવશે.

આપણી પહેલી પેઢી જો આ દેશમાં આટલી આગળ વધી છે તો આવતી પેઢી તેનાથી પણ આગળ વધવાની છે એ નિ:શંક છે. મોરનાં ઈંડાં ચીતરવા નથી પડતાં.
સ્પેલિંગ બી અને જીઓગ્રાફીક બીના વિજેતા હંમેશા ઇન્ડિયન અમેરિકન બાળકો હોય છે અને તેવી જ રીતે વેસ્ટિંગહાઉસ કે ઇન્ટેલ સાયન્સ સ્કોલરશિપ્સના ઇન્ડિયન અમેરિકન વિજેતા બાળકો આપણી આવતી કાલ કેટલી ઉજ્જ્વળ હશે તેની ઝાંખી કરાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીમે જ્યારે પ્રમુખ બરાક ઓબામાં સાથે મસલત કરવા ભોજન લીધેલું, ત્યારે ઓબામાની સાથે એમની ટીમમાં ત્રણ અમેરિકન ભારતીયો હતા- અમેરિકાના ભારત ખાતેના એમ્બેસેડર રાહુલ ‘રીક’ વર્મા, વિદેશ નીતિના આસિસ્ટન્ટ સેક્રેટરી અને ગુજરાતમાં જન્મેલા નિશા બિસ્વાલ દેસાઈ અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મદદ કરતી એજન્સી (AID)ના ડાયરેક્ટર રાજીવ દેસાઈ!
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના ત્રાસથી ભાગીને આવેલી યુરોપની યહૂદી પ્રજા સિવાય ઇન્ડિયનો જેટલી હોશિયાર, ખંતીલી, વાણિજ્યકુશળ અને ભવ્ય સાંસ્કૃતિક વારસો લઈને ભાગ્યે જ કોઈ બીજી ઈમિગ્રન્ટ પ્રજા અહીં આવી છે. આ મહાન દેશ અને તેની ઉદાર પ્રજાએ મોકળા મને ઇન્ડિયનોને સ્વીકાર્યા છે.
હા, અહીં પણ બધે હોય છે એમ ઈમિગ્રન્ટો વિરુદ્ધ છાશવારે કોઈ તકવાદી પોલિટીશ્યન ચળવળ શરૂ કરે છે, પણ આ દેશનો ઈતિહાસ જ એવો છે કે એની બહુમતી પ્રજા આખરે તો નવા નવા લોકોને વરસે, વરસે આવવા દે છે.
દેશના ઈસ્ટ અને વેસ્ટમાં મોટા સમુદ્ર છે- એટલાન્ટીક અને પેસિફિક, અને નોર્થમાં સમૃદ્ધ કેનેડા છે. પણ સાઉથમાં મેક્સિકો છે જે પ્રમાણમાં ગરીબ દેશ છે. ત્યાંથી હજારોની સંખ્યામાં હિસ્પાનિક લોકો ગેરકાયદેસર આવ્યા કરે છે. જ્યાં સુધી ત્યાં ગરીબી છે, અને સમૃદ્ધ અમેરિકામાં એમને કામ મળ્યા કરે છે, ત્યાં સુધી એ ઈલિગલ ઈમિગ્રેશન થયા જ કરવાનું છે એ નક્કી છે.
(ક્રમશ:)