‘ઑન ધ રૉક્સ’ ~ માઈક્રોફિક્શન વાર્તાઓ ~ સં. જિજ્ઞેશ અધ્યારૂ ~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ

‘ઑન ધ રૉક્સ’ ~ ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ

‘મોબાઈલ ફોનમાં નવુંનવું ફેસબુક ખાતું બનાવીને માલતી અતિશય ખુશ હતી. વારેવારે સર્ચબટન પર ક્લિક કરી વીનેશ પરીખ લખતી. સર્ચ રિઝલ્ટમાં વીનેશનાં નામ નીચે ફ્રેન્ડ લખેલું વાંચીને બહુ ખુશ થતી. મનોમન હરખાતી. એટલું બધું હરખાતી કે એટલું તો એ વીનેશ સાથે લગ્ન કરીને માલતી પરીખ બની ત્યારેય નહોતી હરખાઈ.’
મયુરિકા લેઉવા બૅન્કર

ઉપર દર્શાવેલ ‘ફ્રેન્ડ’ નામની માઈક્રોફિક્શન ટચૂકડી છે પણ ધારદાર છે. છુટા પડ્યા પછી પણ હજુ સુધી વીનેશને પ્રેમ કરતી, તેની મિત્રતા જાળવી રાખવા મથતી અને તે કારણે જ જાણે મોબાઈલ ફોન પર ફેસબુક ખાતું બનાવીને વારંવાર ચેક કરતી માલતીનો પ્રેમ અહીં કેટલી સરળતાથી લેખિકાએ બતાવ્યો છે.

બીજો કોઈ ભાવક આ માઈક્રોફિક્શનને બીજી રીતે પણ મૂલવી શકે છે. બસ, આવી જ વાચકના હૃદયને સ્પર્શી જતી, અનોખા અંતથી સમાપ્ત થતી, વિષય વૈવિધ્યથી સભર અનોખી માઈક્રોફિક્શનનો નવો સંગ્રહ એટલે ‘ઑન ધ રૉક્સ’.

લેખક તથા સંપાદક જિજ્ઞેશ અધ્યારૂ સંપાદિત માઈક્રોસર્જન શ્રેણીનું આ ત્રીજું પુસ્તક હાલમાં જ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ તથા બાલવિનોદ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું છે.

આ  ટચૂકડા અને હૃદયસ્પર્શી પુસ્તકમાં ત્યાંશી – ૮૩ ઉત્તમ માઈક્રોફિક્શનનો સમાવેશ થયો છે. જે અનેક સજ્જ સર્જકોની નજર હેઠળ અનેક ગળાઈને અહીં વાચકો સમક્ષ શુદ્ધ ટચૂકડી વાર્તા સ્વરૂપે પ્રસ્તુત થઈ છે.

જિજ્ઞેશ અધ્યારૂ ઉપરાંત અહીં સંજય ગુંદલાવકર, મીતલ પટેલ, ધવલ સોની, અંકુર બૅન્કર, સુષમા શેઠ, ભારતીબહેન ગોહીલ, રાજુલબહેન ભાનુશાલી, ધર્મેન્દ્ર કનાલા, ગોપાલ ખેતાણી, સંજય થોરાત, એકતા નીરવ દોશી ઉપરાંત અનેક લોકપ્રિય સર્જકોની માઈક્રોફિક્શનનો અહીં સમાવેશ થયો છે.

સંપાદક જિજ્ઞેશ અધ્યારૂ પોતાનાં મનની વાત કરતાં લખે છે, ‘આ સંપાદનમાંની માઇક્રોફિક્શન આપણા રોજિંદા જીવનના દૃષ્ટિકોણ, ઘટનાઓ,  વિચારો અને માન્યતાઓને નવેસરથી તપાસવા પ્રેરે એવી છે, અંત તરફનું સૂચન છે, પણ કોઈ એક અંત તેમને બાંધતો નથી.

અમે બધાંએ હાથમાં કોઈ ફાનસ લીધા વગર પોતપોતાના અંધાપાને ઉજાળવાનો પ્રયત્ન કર્યો છે એટલે કોઈ અથડાઈ ન પડે એની અમારા ભાગની સાવચેતી અમે લીધી જ છે.

આ વાર્તાઓ જેમ જેમ વાંચતા જશો તેમ તેમ વાર્તાઓની વિવિધતાને લીધે અનેક સ્વાદ મળતા જશે, દરેક માઇક્રોફિક્શનની પોતાની સુગંધ, પોતાની બાંધણી, પરિવેશ, કથાનક અને શૈલી છે. આ બધી માઇક્રોફિક્શન સર્જન ગ્રૂપનાં લેખકો વચ્ચે લખાયેલી, લેખકના નામ વગર ચર્ચાઈ છે. એને પ્રતિભાવો અપાયા છે અને મઠારાઈ છે એટલે એનો સ્વાદ ગમી જાય એવો છે એ ચોક્કસ.’

ટચૂકડી પણ ધારદાર વાર્તાઓના સંગ્રહ ‘માઈક્રોફિક્શન શૉટ્સ’ અને ‘માઈક્રોફિક્શન બાઇટ્સ’ ને વાચકોનો ખૂબ સ્નેહ અને અદકેરો પ્રતિભાવ મળ્યો છે. અનેક સર્જકોની કલમના ચમકારા સમાવતું આ પુસ્તક પણ ખૂબ વેચાઈ, વંચાઈ અને વખણાઈ રહ્યું છે.

પુસ્તક પ્રકાશક: બાલવિનોદ પ્રકાશન, અમદાવાદ.
મોબાઈલ: ૯૮૨૫૦ ૩૨૩૪૦
મૂલ્ય: ₹ ૨૧૫/-
પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: ૯૬૦૧૬ ૫૯૬૫૫.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.