ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:7 (12માંથી)
મા-બાપ અને દીકરીએ મન ભરીને વાતો કરી. ચા-નાસ્તો પત્યા પછી વારે ઘડીએ ઘડિયાળ તરફ નજર કરતી આભાને જોઈ મમ્મીને યાદ આવ્યું,
‘અરે આભા, જતાં પહેલાં મારાં માથામાં તેલ નાખતી જજે. પોતાના હાથે તેલ નાખવાની મજા ન આવે અને તારું માલીશ તો એવું સરસ કે, ઊંઘ આવી જાય.’
આભા તેલની બોટલ લઈ આવી. મમ્મીએ અંબોડો છોડીને વાળ ખુલ્લા કર્યા. એ ધીમે ધીમે મુલાયમતાથી મમ્મીના વાળમાં હાથ ફેરવતી ગઈ.
અચાનક મમ્મી કહે, ’કેવું છે નહીં આભા? દીકરી પરણીને સાસરે જતી હોય ત્યારે મા શીખામણ આપે એને પાંથીએ પાંથીએ તેલ નાખ્યું કહેવાય. પછી શ્વસુરગ્રૃહેથી આવેલી પુત્રી પોતાની સાથે એટલું ડહાપણ લઈને આવે છે કે, હવે એ માને પાંથીએ પાંથીએ તેલ નાખી આપે છે. આ હું ઉપરછલ્લા નહીં પણ ગૂઢ અર્થમાં કહું છું.
પરણેલી દીકરી ઘણીવાર આંગળી ચીંધીને માને એની ભૂલ બતાવી શકે છે. તો વળી કોઈની ટકોર સહી ન શકનાર મા પણ દીકરીની વાત સમજવાની કોશિશ કરે છે. મને તો એવો વિચાર આવે છે કે, એકબીજાને તેલ નાખી આપતી બે સ્ત્રીઓ મા-દીકરી,સાસુ-વહુ કે દેરાણી-જેઠાણી એવા કોઈ પણ સંબંધ કરતાં બે બહેનપણીઓના સંબંધે જલદી જોડાઈ જાય છે.’
ધ્યાનપૂર્વક મમ્મીની વાત સાંભળી રહેલી આભાનાં મનમાં જાણે એક તેજલિસોટો અંકાઈ ગયો. બે સ્ત્રી? બે સખીઓ?
મમ્મીની અનાયાસે કહેવાયેલી વાતમાંથી એને આગળ વધવાની પગદંડી મળી ગઈ. મમ્મી-પપ્પાની રજા લેતાં જલ્દી ફરીથી આવવાનો વાયદો કરીને એ ઘરે જવા ઊપડી ત્યારે એના પગ ઉત્સાહભેર ઊપડતા હતા.
સાયકોલૉજીની વિદ્યાર્થિની હોવાને કારણે સાવ નાની અને નજીવી લાગતી વાત પણ ધ્યાનપૂર્વક સમજવા, સાંભળવાની મળેલી તાલીમ આજે એને કામ લાગી હતી.
મમ્મીની વાતમાંથી માથામાં તેલ નાખવાનો અને એ રીતે બે સ્ત્રીઓ નજીક આવી શકે એ મહત્વનો મુદ્દો એણે પકડી લીધો હતો. આમ પણ એ કાલે હૉસ્પિટલ તો જવાની જ હતી. સાથે ‘પેરેશૂટ’તેલની બોટલ લેતી જશે એમ એણે નક્કી કર્યું.
***
‘ગુડ, વેરી ગુડ આભા, અમારાં પેશન્ટ્સ માટે દવા કરતાં આવી પર્સનલ કાળજી જ વધુ ઉપયોગી નીવડતી હોય છે. તું આજે નીતા આંટીને જરૂર મળી શકે છે. એકલી જઈશ કે પછી…’
‘નો થેંક્સ ડૉક્ટર, હું એકલી જ જવાનું પસંદ કરીશ. આ પહેલી મુલાકાત વખતે અમારા બે સિવાય ત્રીજું કોઈ ન હોય તો સારું એવું મને લાગે છે.’
‘નીતા આંટી વાયોલંટ નથી એટલે તું એકલી જાય એમાં વાંધો નથી, છતાં તમારી આસપાસ કોઈક તો રહેશે જ. યુ સી, ટુ બી ઓનસેફર સાઈડ.’
‘યસ ડૉક્ટર, ધેટ વીલ બી ફાઈન.’
નીતાબેનના વોર્ડ તરફ જતાં આભાને લાગ્યું કે જાણે પોતે મંદિરમાં દેવીને પ્રસન્ન કરવા જઈ રહી છે. દેવી રીઝશે કે રુઠશે એની અટકળ કરવી ભલે મુશ્કેલ હોય પણ એના પ્રત્યેની પોતાની નિષ્પાપ, નિ:સ્વાર્થ ભક્તિ એળે નહીં જાય એવી શ્રદ્ધા સાથે એ આગળ વધી.
સ્ત્રીઓના એ એક રૂમમાં ચાર સ્ત્રીઓ હતી. એક બહેન આયના સામે ઊભી ઊભી પોતાનો ચહેરો જોઈને મલકાયા કરતી હતી તો બીજી પલંગ પર બેઠી બેઠી માથું ખંજવાળ્યા કરતી હતી. માંડ ત્રીસેકની લાગતી એક યુવતી હાથમાં પેપર લઈને બેઠી હતી અને એમાં લાલ પેનથી લીટા તાણતી હતી. દરેકને બીજાની હાજરીથી કોઈ ફરક પડતો નહોતો. સૌ પોતપોતાનાં વિશ્વમાં ખોવાયેલાં હતાં.
બારી પાસેનાં ટેબલ પર બેસીને આકાશ તરફ જોઈ રહેલાં નીતાબેન તરફ ડગલાં માંડતાં આભા વિચારી રહી, મમ્મીને શું હું સાવ અજાણી લાગીશ? મારી અને એમની વચ્ચે ઓળખાણનો કોઈ કાચોપાકો તંતુ જોડાઈ શકશે ખરો? ઢગલાબંધ પ્રશ્નો હોવા છતાં એ મક્કમતાથી એમની પાસે ગઈ.
‘મમ્મી, હું આભા છું. મારી સામે જુઓ.’ વારંવાર બોલાયેલા એના શબ્દો જાણે હવામાં ઓગળી ગયા. કોઈ પ્રતિભાવ ન મળતાં એણે હિંમત કરીને એમના ખભે હાથ મૂક્યો, ‘મમ્મી, મારી સામે જુઓ. હું તમારા પ્રશાંતની વહુ છું. અમે બંને તમને મળવા આવ્યા હતાં, યાદ છે?’
સામે બેઠેલી સ્ત્રીએ હતું એટલું જોર એકઠું કરીને એનો ખભા પર મૂકેલો હાથ ઝાટકી કાઢ્યો. ત્રાટક કરતી હોય એમ એણે આભાના ચહેરા પર પોતાની આંખો ખોડી રાખી. જરાય વિચલિત થયા વિના એણે નીતાબેનના વેર-વિખેર વાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું, ‘મમ્મી, વાળ તો સાવ સૂકકા થઈ ગયા છે. ચાલો. માથામાં તેલ ઘસી આપું.’
કોઈ પ્રતિકાર વિનાનીતાબેન તેલ નખાવવા બેસી ગયાં. તેલ નખાઈ ગયા પછી આભા કાંસકો લઈને માથું ઓળવા જાય ત્યાં કાંસકો ખૂંચવી લઈ એ જાતે માથું ઓળવા લાગ્યાં. એ સાથે જ જરાતરા જોડાયેલો તંતુ એક ઝાટકા સાથે તૂટી ગયો.
નીતાબેન સાથેનો આ પ્રસંગ એણે ઘરના ત્રણ પુરુષો આગળ વર્ણવ્યો ત્યારે ત્રણેના પ્રતિભાવ સાવ અલગ અલગ હતા. પ્રશાંત પહેલાં કરતાં કંઈક ઠંડો જરૂર પડ્યો હતો છતાં પત્ની પોતાની ઉપરવટ જઈને આ બધું કરી રહી છે એવો ડંખ તો મનમાં હતો જ.
‘તારી જીદ જ છે તો ભલે પૂરી કરી લે પણ મમ્મી ખુશ થઈને ‘મારી લાડકી પુત્રવધૂ‘ કહીને તને પોંખશે એવી આશા રાખતી હોય તો ભૂલી જજે.’
પ્રશાંતની વાતનું જરાય દુ:ખ લગાડ્યા વિના આભાએ જવાબ આપ્યો, ‘મારા પૂરતી તો મને આવી કોઈ અપેક્ષા નથી અને મમ્મી માટે તો હું અત્યારે વધુ કંઈ વિચારતી જ નથી. જોઈએ, શું થાય છે?’
નીલેશ સાથે ફોન પર વાત થઈ ત્યારે એના અવાજમાં ડોકાતો ઉત્સાહ આભાને નવું બળ પૂરું પાડી રહ્યો. ’એક્સએલંટ આઈડિયા આભા, તને વળી આ તેલ નાખવાનો વિચાર કેવી રીતે આવ્યો?’
‘કેમ આમ પૂછો છો?’
‘કારણકે, મમ્મીને તેલ નખાવવું બહુ ગમતું. અત્યારે પણ એ દ્રશ્ય મારી નજર સામે આવે છે, દર રવિવારે સવારે માથું ધોઈને સાંજે એ પોતાના લાંબા, ઘટાદાર વાળમાં તેલ નાખી આપવા કોઈને ને કોઈને પકડી લાવતી. મને તો એ પણ યાદ આવે છે કે એ વખતે મમ્મી એકાદ સરસ ભજન કે ગીત ગણગણતી રહેતી.’
ઘનઘોર અંધકારમાં એકાદ પ્રકાશનું કિરણ દેખાય ને બધું ઝળાહળાં થઈ જાય એમ આભા ઝૂમી ઊઠી, ‘એમ? મમ્મી ગાતાં પણ ખરાં?’
‘અરે, ફક્ત ગાવા પૂરતું ગાતી એમ નહીં. એનો કંઠ બહુ મીઠો. આસપાસની બહેનો એની પાસે આગ્રહ કરીને ગવડાવતી. એમાં પણ ગંગાસતીનાં ભજન તો એને બહુ ગમતાં. પેલું ભજન તેં સાંભળ્યું છે? મેરૂમેરૂ એવું કંઈક હતું પણ હું ભૂલી ગયો છું.’
‘મેરૂ તો ડગે પણ જેનાં મનના ડગે રે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે…’ એ ભજન?’
‘હા, હા, એક્ઝેટલી એ જ. મમ્મી એ ગાતી ત્યારે મને સમજાતું તો કંઈ નહીં તોયે એમ થતું કે, એ ગાતી જ રહે ને હું સાંભળ્યા જ કરું.’
આભા વિચારી રહી કે, એવું તે શું બ્રહ્માંડ તૂટી પડે એવું દુ:ખ આવી પડ્યું હશે કે, મમ્મીનું મન આટલું બધું ડગી ગયું?
સુધાંશુભાઈ તો એની વાત સાંભળીને જાણે ભૂતકાળને છેક તળિયે જઈને બેસી ગયા. આભાને લાગ્યું કે એમને એમાંથી ખેંચીને બહાર કાઢવાનો ગુનો પોતે ના કરવો જોઈએ.
કેટલીય વાર સુધી ચૂપ રહ્યા પછી તેઓ વર્તમાન સાથે અનુસંધાન સાધી શક્યા. એમણે કહ્યું,’બેટા, તારી ધગશ અને મહેનત જો કંઈ પરિણામ લાવી શકે તો એનો આનંદ મારાથી વિશેષ કોને હોઈ શકે? છતાંય મારે તને ચેતવવી જોઈએ કે, અસફળતાનો આઘાત જીરવી ન શકે એટલી બધી ઉત્સાહમાં ન આવી જઈશ. બાકી તો મારી શુભેચ્છા તારી સાથે જ છે.’
આભાને થયું કે પપ્પાને કહું કે, ‘તમે કેમ ભૂલી જાવ છો કે મારી પાસે સાયકોલૉજીની ડિગ્રી છે. માનવ મનમાં ચાલતી હિલચાલ હું બરાબર સમજી શકું છું. તેથી જ એક એક ડગલું હું સાચવીને ભરું છું.’ પણ એમની મન:સ્થિતિનો વિચાર આવતાં એણે મૌન રહેવું ઉચિત સમજ્યું.
***
તેલ નાખવાનો કાર્યક્રમ પંદરેક દિવસથી ચાલતો હતો. આભા જ્યારે નીતાબેન પાસે જાય ત્યારે આજે કંઈક નવું બનશે એવી આશા લઈને જતી પણ એ કશો પ્રતિભાવ ન આપતાં. બસ,માથામાં તેલ નખાવ્યા પછી યંત્રવત ઊભાં થઈને ચાલ્યા જતાં. હવે પછીની રણનીતિમાં શું ફેરફાર કરવો જોઈએ એ જાણવા એ ડૉ. વોરાની કેબિનમાં ગઈ.
ડૉ. એની વાત સાંભળી હસી પડ્યા. ‘જો આભા, મેં તને પહેલા જ કહ્યું હતું કે, આ લોકો સાથે કામ કરવામાં સૌથી પહેલી જરૂર પડે છે ધીરજની. થાક્યા કે કંટાળ્યા વિના મંડી જ રહેવું પડશે અને છતાંય પરિણામની કોઈ ખાતરી નહીં.’
‘ડૉક્ટર, કરોળિયો ફરીફરીને જાળ ગૂંથે છે અને પડીને પાછો નવેસરથી શરૂ કરે છે એ દ્રષ્ટાંત તો અનેક વાર સાંભળ્યું છે પણ પડવાથી આટલી બધી પીડા થતી હશે એ તો અનુભવે જ સમજાયું. મમ્મીની આંખોમાં મારી ઓળખનો કોઈ અણસાર નથી મળતો એ વાત મને અકળાવે છે.’
‘એમ અકળાયે નહીં ચાલે. વળી એટલું સારું છે કે આંટી તને સ્વીકારે તો છે! નહીંતર જો એમને અણગમો બતાવવો હોત તો તને પોતાની પાસે ફરકવા પણ ન દેત.’
‘હા, તેઓ મને ધિક્કારતા તો નથી જ એ હું સમજી શકું છું પણ હવે એમનો વિશ્વાસ સંપાદન કરવા મારે શું કરવું જોઈએ એ સમજવા તમારી પાસે આવી છું.’
ડૉક્ટર સાથે નક્કી કર્યા મુજબ આભા નાનકડું ટેપ રેકોર્ડર અને ગરબાની કેસેટ લઈને પહોંચી. તે દિવસે ફક્ત નીતાબહેનની જ નહીં, બાકીની ત્રણે સ્ત્રીઓની આંખોમાં પણ એને ચમક દેખાઈ.
તેલમાલિશ કરાવતી વખતે ગાયકની સાથે સાથે નીતાબેને પણ ગણગણવાનું શરુ કર્યું ત્યારે આભાને એટલો આનંદ થયો કે એનું ચાલે તો ઢોલ પીટીને સૌને કહે કે, સાંભળો, મમ્મી ગીત ગાય છે.
તે દિવસે એમણે કાંસકો પણ ન ખૂંચવ્યો અને આભાને માથું ઓળવા દીધું. કલાક દોઢ કલાક પછી જ્યારે એ જવા તૈયાર થઈ ત્યારે એનો હાથ પકડીને કહેવા લાગ્યા, ‘ચાર્વી, કાલે પાછી આવીશ ને?’
(ક્રમશ:)