પ્રકરણ:34 ~ અમે પીટ્સબર્ગ ઉપડ્યા ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
બેટન રુજની હોસ્પિટલમાં દીકરા અપૂર્વનો જન્મ થયો. દીકરાનો જન્મ બહુ ટાઈમસર થયો. મારે તો જલદી જલદી પીએચ.ડી. પૂરું કરવું હતું તેથી હું રાતદિવસ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં પડી રહેતો.
નલિની નવા સંતાનના ઉછેરમાં પડી હતી. બેટન રુજની ગરમ આબોહવા, એના પ્રેમાળ લોકો, એમની ઉષ્માભરી આગતાસ્વાગતા અમને બન્નેને ગમી ગઈ હતી. અમને સસ્તે ભાવે બે બેડ રૂમનો બૈરી છોકરાવાળા વિદ્યાર્થીઓ માટેનો અપાર્ટમેન્ટ મળી ગયેલો.
ટીચીંગ ફેલોશીપ માટે જે પગાર મળતો હતો તે મારા દેશના પગારથી પણ વધુ હતો. તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે જરૂર પ્રમાણે નહિવત વ્યાજથી લોન મળે. તે પણ અમે લીધી હતી.
હું હજી દેશનો નાગરિક પણ નહોતો થયો, છતાં મારા જેવા પરદેશીને પણ ભણવાની આવી સગવડ કરી આપે એવા આ દેશની ઉદારતા મને ખૂબ ગમી ગઈ.
બેટન રુજમાં મને ક્યારેય પૈસાની તંગી પડી હોય એવું લાગ્યું નથી. જો કે અમારો ખર્ચ પણ ખાવા પીવા જેટલો જ. ત્યાં મોંઘવારી પણ બહુ ઓછી. બાકી તો નવા બાળક માટે જે કંઈ થોડું ઘણું લાવવાનું હોય તેટલું વધારે.
જેવું મારું કોર્સ વર્ક પૂરું થયું કે મેં પીટ્સબર્ગ જવાનું નક્કી કર્યું. હા, મારો થીસિસ લખવાનો બાકી હતો. પણ એ માટે બેટન રુજ રહેવાની જરૂર ન હતી. એ કામ હું પીટ્સબર્ગમાં પણ કરી શકું, જો કે એમાં જોખમ પણ હતું.
ઘણાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ આમ કોર્સ પૂરો કરીને થીસિસ લખ્યા વગર નીકળે અને પછી એમને એ થીસિસ પૂરું કરતા નાકે દમ આવી જાય. એક વાર જોબ શરૂ કરો એટલે એની બધી પળોજણમાં પડો અને થીસિસ બાજુમાં રહી જાય.
મારા એડવાઈઝરે મને આ જોખમ વિષે ચેતવ્યો પણ ખરો, છતાં હું પીટ્સબર્ગ જવા એટલો અધીરો હતો કે મેં કહ્યું કે હું ટાઈમસર થીસિસ પૂરી કરીશ જ. આમ બેટનરુજનો અમારો ત્રણ વરસનો વસવાટ પૂરો કરીને અમે પીટ્સબર્ગ જવા ઊપડ્યા.
બેટનરુજમાં અમારે ત્યાં પુત્ર જન્મ થયેલો. ઘરવખરી થોડી વધેલી. એ બધી અમારી ગાડી પાછળ નાનું યુ-હોલ લગાડી એમાં ભરી અને અમે પીટ્સબર્ગ ભણી ગાડી હંકારી.
અમે પીટ્સબર્ગમાં જાન્યુઆરી મહિનામાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે અમેરિકાની ઠંડી કેવી હોય. આ પહેલાં એકવાર સમર જોબ માટે ત્રણ મહિના પીટ્સબર્ગ રહેવાનું થયું હતું પણ ત્યારે ઉનાળો હતો.
અત્યાર સુધી હું અમેરિકાનાં દક્ષિણનાં શહેરોમાં–એટલાન્ટા, ગ્રીન્સબરો, બેટન રુજમાં – રહ્યો હતો જ્યાં ઠંડી ઓછી અને સ્નો ભાગ્યે જ પડે.
પીટ્સબર્ગમાં સખત ઠંડી તો ખરી પણ સાથે સાથે સ્નો પણ બહુ. કોક વાર તો સ્નો બબ્બે ફીટ જેટલો પડે. એમાં ડ્રાઈવ કરવું બહુ મુશ્કેલ. વળી પાછું શહેર જુદી જુદી ટેકરીઓ પર વસેલું. સ્નો પડ્યો હોય ત્યારે એ ટેકરીઓ ચડવી ઊતરવી બહુ મુશ્કેલ.

બેટન રુજના સહેલાઈથી હળતા મળતા લોકોની સરખામણીમાં પીટ્સબર્ગમાં લોકો મને અતડા અને બિઝનેસ લાઈક લાગ્યા. જે સહેલાઈથી બેટન રુજમાં લોકો તમારા મિત્ર બની જાય અને ઘરે આવે જાય, પાડોશીઓ સાથે ઘરોબો બંધાય, તેવું અહીં નહીં. અહીં તો કામ સાથે કામ.
વધુમાં પીટ્સબર્ગ તો મોટું શહેર, એની સરખામણીમાં બેટન રુજ નાનું ગામડું લાગે. મોટા શહેરના લોકોની જેમ અહીં બધાને ટાઈમની ખેંચ ઘણી. યુનિવર્સિટીમાં ફેકલ્ટીના લોકો પણ બેટન રુજની સરખામણીમાં બહુ અતડા અને ઠંડા લાગ્યા.

બેટન રુજમાં મને જે સ્પેશ્યલ હોવાની લાગણી અનુભવ થયો હતો તેનો અહીં સર્વથા અભાવ.
મોટા ભાગના પ્રોફેસરો તો એમના ક્લાસ ભણાવીને ચાલતા થાય. ખાલી તમે એમને ફેકલ્ટી મિટિંગમાં જુઓ તે જ. જે વરસોથી ટેન્યર લઈને બેઠા હોય તે તો ઘણી વાર ફેકલ્ટી મિટિંગમાં પણ ન આવે. તે લોકો મારા જેવા જુનિયર અને નવા સવા ફેકલ્ટી મેમ્બરની ગણતરી પણ ન કરે. મારા જેવા જેમણે પીએચ.ડી. થીસિસ પૂરો નથી કરી તેની સામે તો જુએ પણ નહીં!
બેટન રુજમાં સ્પેશ્યલ સ્ટેટસ ભોગવીને આવેલા મારા માટે પીટ્સબર્ગનું પહેલું વરસ બહુ મુશ્કેલ હતું. નવું ગામ, સખત ઠંડી, ફેકલ્ટી મેમ્બર્સની અતડાઈ, અને ઉપરથી થીસિસ ક્યારે પૂરો થશે તેની ચિંતામાં મારો પીટ્સબર્ગનો પહેલો શિયાળો બહુ ખરાબ ગયો.
અમે જ્યારે પીટ્સબર્ગ પહોંચ્યા ત્યારે એક વખતના એ મહાન શહેરના પડતીના દિવસો હતા. એક જમાનામાં એ સ્ટીલની રાજધાની ગણાતી. અમેરિકાની મહાન સ્ટીલ કંપનીઓના હેડ ક્વાર્ટર્સ અને પ્લાન્ટ પણ ત્યાં હતાં. એમાંની એક કંપની–જોન્સ ઍન્ડ લાક્લીન–ના હેડ ક્વાર્ટર્સ અને પ્લાન્ટમાં મને 1969ના ઉનાળામાં ત્રણ મહિના કામ કરવાની તક મળી હતી.
એ કંપની અને એના જેવી બીજી કંપનીઓની મોટી ચિંતા એ હતી કે જપાનથી સસ્તા ભાવે મોટા જથ્થામાં આવતા સ્ટીલની સામે ટકી કેમ રહેવું? આ બાબતમાં અમેરિકાનું સ્ટીલ વર્કર્સ યુનિયન અને કંપનીઓ વોશીન્ગ્ટનની કેન્દ્ર સરકાર પર સ્ટીલ ઈમ્પોર્ટ ઉપર ક્વોટા મૂકી તેને ઘટાડવા પ્રયત્ન કરતા હતાં. પરંતુ સ્ટીલ કન્ઝ્યુમર કંપનીઓ માટે સસ્તું જાપનીઝ સ્ટીલ તો મોટા આશીર્વાદ સમાન હતું.
આજે આ લખાય છે ત્યારે (2016) એ મોટી મોટી સ્ટીલ કંપનીઓ ભાગ્યે જ સ્ટીલના પ્રોડક્શન કે ધંધામાં જોવા મળે. જાપનીઝ સ્ટીલ ઈમ્પોર્ટ સામે એ ટકી ન શકી. એમના તોતિંગ પ્લાન્ટ બંધ થઈ ગયા. અમેરિકાની ઈકોનોમી કેટલી એફીસિયન્ટ અને કંપીટીટીવ છે તેનો આ એક સ્પષ્ટ દાખલો છે.
આજે અમેરિકાનું મોટા ભાગનું ઇનએફીસીયન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ખલાસ થઇ ગયું છે. અમેરિકન કંપનીઓ જ્યાં સસ્તું લેબર હોય ત્યાંથી માલ ઈમ્પોર્ટ કરવા માંડી. આને કારણે અમેરિકન ઇકોનોમીમાં ધરખમ ફેરફાર થવા મંડ્યા.
અમેરિકામાં એક જુદા પ્રકારની પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ ઇકોનોમી ઊભી થઈ જેમાં મેન્યુફેક્ચરિંગ નહીં પણ સર્વિસ સેક્ટરની બોલબાલા થવા માંડી. આ વિષેની વાત મારા થીસિસમાં મેં કરી હતી.
પીટ્સબર્ગ અને એના જેવા રસ્ટ બેલ્ટનાં શહેરો અને ઓહાયો, ઇન્ડિયાના, પેન્સિલવેનિયા જેવા અમેરિકાનાં રાજ્યો જેમની ઈકોનોમી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો ઉપર આધારિત હતી તે બધા હવે નવા ઉદ્યોગોની શોધમાં પડ્યા. પીટ્સબર્ગના મોવડીઓ આ વાત બરાબર સમજી ગયા.
આજે પીટ્સબર્ગની ઈકોનોમીમાં સ્ટીલ કંપનીઓ કે બીજી કોઈ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કરતાં શિક્ષણ, હેલ્થ, અને બીજી સર્વિસ આપતી સંસ્થાઓ અને કંપનીઓ મોટો ભાગ ભજવે છે. આનો એક મોટો ફાયદો એ થયો કે હાલનું પીટ્સબર્ગ અમેરિકાનું એક અગત્યનું પોલ્યુશન ફ્રી શહેર ગણાય છે.
હું જ્યારે 1969માં પહેલી વાર કામ કરવા ગયો ત્યારે ત્યાં એટલું બધું પોલ્યુશન હતું કે સાંજના જો કોઈ પાર્ટીમાં જવાનું હોય તો તમારે કપડાં બદલવા પડે!
પીટ્સબર્ગમાં જઈને ફિફ્થ એવન્યુ નામના મુખ્ય રસ્તા પર અમે અપાર્ટમેન્ટ ભાડે લીધું. પાર્કિંગની મુશ્કેલી તો ખરી જ. છોકરાઓ રમી શકે એવી પણ કોઈ વ્યવસ્થા નહીં. છોકરાને લઈને બહાર આંટો મારવો પણ મુશ્કેલ.
થોડા મહિના પછી બાજુના વિલ્કીન્સબર્ગ નામના પરામાં રહેવા ગયા. ત્યાં બહાર રમવા માટે ઘાસનું મેદાન હતું, પાર્કિંગની સગવડ હતી. બાજુમાં બે ઇન્ડિયન ફેમિલી પણ રહેતાં હતાં, એટલે નલિનીને થોડી રાહત થઈ.
એ દીકરા અપૂર્વના ઉછેરમાં પડી અને હું મારે માથે થીસિસનું જે મોટું લફરું લાગેલું હતું તેનો નિકાલ કરવામાં પડ્યો હતો. એ ઉપરાંત નવી યુનિવર્સિટીમાં હવે મારે તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ભણાવવાનું હતું. એમાંના ઘણાં તો મોટી ઉંમરના, પરિપક્વ અને કંપનીઓનો બે ત્રણ કે વધુ વરસોનો અનુભવ લઈને આવેલા હોય.
તમે જો કોઈ જેવી તેવી વાત કરો તો તમને સીધું ક્લાસમાં જ કહી દે કે બિઝનેસમાં આ ન ચાલે. નોર્થ કેરોલિના અને લુઈઝીઆનામાં હું અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ભણાવતો તેના કરતાં આ અઘરું હતું. ખૂબ તૈયારી કરવી પડે. નવા નવા પ્રોફેસર હોવાથી મારે શરૂઆતમાં સારી ઇમ્પ્રેશન પાડવી હતી.
મારું આખું અઠવાડિયું સોમથી શુક્ર સુધી જો ક્લાસની તૈયારીમાં અને ભણાવવામાં જાય તો શનિ – રવિ થીસિસ લખવામાં જાય. ઘણી વાર મને થતું કે આ જોબ અને થીસિસ બન્ને સાથે કદાચ મારાથી નહીં થાય.
મારા થીસિસ એડવાઈઝરના થીસિસની ઉઘરાણી કરતા સંદેશા આવ્યા કરે. એમને ભય હતો કે હું કદાચ મારો થીસિસ પૂરો નહીં કરી શકું અને બીજા અનેક “એબીડી” (all but dissertation) નું લેબલ લઈને ફરતાં નિષ્ફળ એકેડેમિકોની લાંબી લાઈનમાં જોડાઈ જઈશ.
છેવટે રાત દિવસ કામ કરીને થીસિસ પૂરો તો કર્યો, પણ મારા એડવાઈઝર અને કમિટીના બીજા સભ્યો એ થીસિસને સ્વીકારશે કે નહીં તેની મને મોટી ચિંતા હતી.
મેં મારા એડવાઈઝરની સલાહ મુજબ મેથેમેટીકલ ઇક્વેશન કે સ્ટેટીસ્ટીકલ એનાલિસીસ અને નવા ઈમ્પીરીકલ ડેટા સાથે થીસિસ નહોતો તૈયાર કર્યો. મેં તો બને એટલી સરળ ભાષામાં અને બીજા લોકોએ જે ડેટા ભેગાં કર્યા હતા તે વાપરીને થીસિસ લખ્યો હતો. મારા એડવાઈઝર અને કમિટીના બીજા સભ્યોએ આ રીતનો કે આવો બૃહદ ફલકવાળો થીસિસ પહેલાં ભાગ્યે જ જોયો હતો.
ધારો કે એ લોકો આ થીસિસ ન સ્વીકારે તો વળી પાછું મારે લબાચાં ઊપાડીને બેટન રુજ જવું પડશે અને ત્યાં વરસ બે વરસ રહેવું પડશે, થીસિસ માટે નવો વિષય શોધવો પડશે અને કોને ખબર ક્યારે મારો છુટકારો થશે. આવા સકંજામાં પકડાયેલા વિદ્યાર્થીઓના કંઈક દાખલા મારી સામે હતા.
જો તમારા દુર્ભાગ્યે કોઈ અવળો થીસિસ એડવાઈઝર કે વિચિત્ર કમિટી મેમ્બર મળી ગયા તો તમારી કરિયર તો શું આખી જિંદગી બગાડી નાખે.
હું ગભરાતો ગભરાતો બેટન રુજ ગયો અને થીસિસ એડવાઈઝર અને કમિટી મેમ્બર્સને મળ્યો. સદ્ભાગ્યે એ લોકોને મનાવી શક્યો કે ભલે મારો થીસિસ નવા પ્રકારનો છે અને જુદી રીતે તૈયાર થયો છે, પણ આ નવા પ્રસ્થાનને તેમણે આવકારવું જોઈએ અને મને પ્રોત્સાહન આપવું જોઈએ.
કોને ખબર પણ કેમ એ લોકો આ વાત માની ગયા. મેં થીસિસનો જોરદાર ડીફેન્સ કર્યો એટલે કે એમણે મારી દયા ખાધી કે કેમ પણ થીસિસ સ્વીકારાયો. હું ખૂબ રાહત સાથે પીટ્સબર્ગ પાછો ફર્યો. થયું કે હાશ, જાન છૂટી! હવે પીએચ.ડી.નું યુનિયન કાર્ડ મને મળશે.
જો કે મનમાં હું સમજતો જ હતો કે આવો થીસિસ વર્તમાન એકેડેમિક વાતાવરણમાં ન ચાલે, અને હું અગત્યના એકેડેમિક જર્નલ્સમાં ક્યારેય પબ્લીશ નહીં કરી શકું. અને જો હું એ રીતે પબ્લીશ ન કરી શકું તો પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં લાંબુ ટકી પણ નહીં શકું. પણ પડશે એવા દેવાશે એમ માનીને આગળ વધ્યો.
જેવી મારો થીસિસ પૂરી થયો કે અમારે ત્યાં પુત્રી સોના જન્મી. પીએચ.ડી.નો અભ્યાસ જયારે શરુ થતો હતો ત્યારે પુત્ર જન્મ થયો અને અને જ્યારે એ કામ પત્યું કે પુત્રીનો જન્મ થયો. નલિની બીજા સંતાનના ઉછેરમાં લાગી ગઈ.
(ક્રમશ:)