પાંચ કાવ્યો ~ ડૉ. વિવેક મનહર ટેલર
૧. “અને ‘વાલિયાસને’ હું…!” (ગઝલ)
(વાલિયાસન – જે સ્થિતિમાં બેસીને વાલિયા લૂંટારાએ તપ કર્યું હતું, જેમ કે પદ્માસન, સર્વાંગાસન એ રીતે વાલિયાસન)
પ્રતિકાર, વિઘ્ન, બંધન, અગણિત નિયમ અને હું,
આ સમયનો છે તકાજો – ન મળી શકું તને હું.
છું હું આયનાની સામે અને આયનો છે ખાલી,
કહે, તું ન હો જો સાથે, મળું શી રીતે મને હું?
તને શોધવાને માટે હું ‘અહીં‘ ત્યજી ગયો છું,
તો પછી કહે, શી રીતે જડું ખુદને આયને હું?
નથી દોરડું, ન ગાગર, તું નસીબ તો જો, વહાલી!
છે તરસ યુગોયુગોની ને ઊભો કૂવા કને હું.
તું દિવસ છે, રાત છું હું, થશે સંધિકાળ ક્યારેય?
તું સરે-સરે સરે છે, ફરું છું વને-વને હું.
નદી બેય કાંઠે થઈ છે, ને અમાસ મેઘલી છે,
હું કૂદી પડ્યો તો છું પણ શું મળી શકીશ તને હું?
તું ન હો તો હાલ મારા, હતા, છે ને આ જ રહેશે-
છે અનંત પટ જીવનનો અને પાઘડીપને હું.
જીવતરનો જામ મારા તું નથી તો રિક્ત રહેશે,
મળે લાખ છો વિકલ્પો, ન ભરીશ અભાવને હું.
સદીઓ ભલે ને વીતે, ભલે રાફડાઓ ઊગે,
તું ‘મરા’‘મરા’ છે મારી, અને વાલિયાસને હું
– વિવેક મનહર ટેલર
૨. તમે (ગીત)
તમે જ અમારા બાવન અક્ષર, તમે જ બાવન બા’રા,
કલમ તમે છો, તમે જ કાગળ, તમે જ ફકત લખાયા,
તમે અમારી કવિતાઓમાં ભાવ થઈ પથરાયા;
‘તમે મળો’ની કુંજગલીમાં અમે પૂરણ ભૂંસાયાં,
તમે અમારી એક જ મંઝિલ, તમે હરએક ઉતારા.
તમે અકળ છો, તમે સકળ છો, તમે છૂપા પરગટમાં,
તમે અમારી એક એક ઘટના, તમે અમારા ઘટમાં
તવસાગરમાં ડૂબકી દઈને અમે જે પામ્યાં ઝટમાં,
ભવસાગરમાં એ મોતી ના પામે કોઈ મછવારા..
– વિવેક મનહર ટેલર
૩. ધૂમકેતુ (સૉનેટ)
(મંદાક્રાંતા)
સંધ્યાટાણે હું વનવગડે એકલો નીકળ્યો’તો,
નિરુદ્દેશે વિજન પથ પે સ્વૈરવિહાર કાજે,
લંબાવ્યું કો’ પડતર બીડે, ઊતરી રાત માથે,
સર્જાતું ત્યાં ફલક પર જે ચિત્ર, એને હું જોતો.
તારાઓની ટમટમ મહીં દૃષ્ટ આકાશગંગા,
નક્ષત્રો ને અનુપમ ગ્રહો, ચંદ્ર પાછો અનન્ય;
સૌની કાંતિ, કદ, સ્થળ – જુઓ! આગવાં ને અલભ્ય,
થોડી થોડી વધઘટ છતાં સ્થિર સૌ એકધારા.
મારી ચારેતરફ વસતી વસ્તી પોતેય આવી –
કોઈ આઘું, નિકટતમ કો’, ખાસ-સામાન્ય કોઈ,
સંબંધોમાં અગણિત વળી ધૂપછાંવેય જોઈ,
સૃષ્ટિ ભાતીગળ નિત, છતાં એક જેવી જણાતી.
હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.
– વિવેક મનહર ટેલર
૪. આઝાદી (ગઝલ-સૉનેટ) (ફ્યુઝન કવિતા)
તે કહ્યું કે આ નથી ગમતું તો મેં છોડી દીધું,
તે કહ્યું, આમાં મને તકલીફ છે, છોડી દીધું.
તું કહે, છે રાત તો છે રાત, દી બોલે તો દી;
સાથના સુખ માટે મેં મંતવ્યને છોડી દીધું.
તે કહ્યું, હું સર્વદા મરજીનો માલિક છું જ પણ-
‘પણ’ કહીને ‘પણ’ પછીનું વાક્ય તે છોડી દીધું.
બેય જણમાં પ્રેમ છે, હા, પ્રેમ છે એ તથ્ય છે,
પણ ઉભયના પ્રેમમાં શંકા, અહમના શલ્ય છે.
આટલાં વર્ષો એ શું સાહચર્યનું કૌશલ્ય છે?
કે ગરજ, મજબૂરી, વત્તા ટેવનું સાફલ્ય છે?
બે જણાં સાથે છે પણ સાથે છે શું એ સત્ય છે?
બેય જણને પૂરી આઝાદી હો, શું એ શક્ય છે?
જે રીતે પડછાયો કાયમ હોવાનો અજવાસમાં,
એમ આઝાદી ગુલામી હોય શું સહવાસમાં?
– વિવેક મનહર ટેલર
(ફ્યુઝન પોએટ્રી- લક્ષણ:
છંદ: ઉભયજીવી (ગઝલ: રમલ, સૉનેટ: હરિગીત)
સૉનેટ: ચૌદ પંક્તિ – બે ષટક અને યુગ્મક. પહેલા ષટકમાં પરિણામ, બીજામાં કારણ અને યુગ્મમાં ચોટ.
ગઝલ: મત્લા-શેરનું બંધારણ. સૉનેટમાં દરેક ષટક, યુગ્મકમાં અલગ પ્રાસરચના હોય એની સાથે સુસંગત રહેવા બંને ષટકમાં નવા મત્લા અને નવા રદીફ-કાફિયાની ગોઠવણ. યુગ્મકમાં નવો જ મત્લા. દરેક શેરનો સ્વતંત્ર અર્થ શક્ય.)
૫. સૂરજની ગુલ્લી (અછાંદસ)
આજે સવારે સૂરજ ઊગ્યો જ નહીં.
પૂર્વનું આકાશ થોડું ઊંચું કરીને મેં ભીતર ડોકિયું કર્યું.
સાલું, એ ક્યાંય દેખાતો જ નહોતો!
સૂર…જ… સૂ…ર…જ…
-મેં બૂમોય પાડી જોઈ-
ક્યાંક લાંબી તાણીને પડ્યો ન હોય,
આપણાથી ઘણીવાર થઈ જતું હોય છે એમ.
આખરે એય બિચારો થાકે તો ખરો જ ને!
ચાંદાને તો તોય અમાસની છુટ્ટી મળી જાય છે,
અને એ સિવાય પણ એણે રોજેરોજ
ફુલ પ્રેઝન્સ ક્યાં પુરાવવાની હોય છે?!
બે ઘડી આકાશમાં ડોકિયું કરવાનું મેલીને મેં નીચે જોયું.
આખી દુનિયા કન્ફ્યૂઝ હતી.
જે લોકોએ જિંદગીમાં આકાશ સામે જોયું નહોતું,
એય માળા બેટા આજે આકાશ તરફ જોતા હતા.
માણસો તો ઠીક, પંખીઓ સુદ્ધાં ભાન ભૂલી ગયેલ દેખાયાં.
અલ્યાવ ! બચ્ચાવ માટે ચણ લેવા કોણ જશે, મારો બાપ?
પણ હદ તો ત્યાં થઈ જ્યાં
નદી-ઝરણાં વહેવાનું છોડીને અટકી ગયેલાં દેખાયાં.
પછી મારી નજર દરિયા પર પડી.
મને એમ કે દુનિયામાં સૌથી વિશાળ ને વયસ્ક છે તો
એણે બધાની જેમ હથિયાર હેઠાં નહીં જ મૂકી દીધાં હોય..
લો કર લો બાત!
ન મોજાં, ન ભરતી, ન ઓટ.
અલ્યા! તું તે દરિયો છે કે કલ્પન પટેલે દોરેલું ચિત્ર?!
ને માછલીઓ પણ હવામાંથી ઓકિસજન મળવાનો ન હોય
એમ ડોકાં બહાર કાઢીને સ્થિર ઊભી હતી.
કાલે ક્યાંક પશ્ચિમમાં ડૂબ્યા બાદ સૂરજ ત્યાં જ ભૂલો પડી ગયો હોય તો?
– મને વિચાર આવ્યો.
મારે કરવું તો એ જ જોઈતું હતું કે ચાલીને પશ્ચિમ સુધી જઈ
ત્યાંનું આકાશ ઊંચકીને સૂરજને શોધી કાઢું
અને ઊંચકીને પૂર્વમાં લાવીને મૂકી દઉં.
પણ આખી દુનિયાને બંધ પડી ગયેલી ઘડિયાળના કાંટાની જેમ
અટકી ગયેલી જોઈને મનેય આળસ ચડી.
જો કે બધા જ આશાભરી નજરે મીટ માંડી ઊભા હતા
એટલે સાવ સૂરજ કે એ લોકોની જેમ નામુકર જવાનું મને સારું ન લાગ્યું.
વળી, હું સૂરજ તો હતો નહીં કે ફરજ ચૂકી જાઉં એ ચાલે.
હું તો કવિ હતો.
એટલે આખી રાત પાંપણની પછીતે સાચવીને રાખ્યું હતું
એ આંસુના એક ટીપાંને
મેં પૂર્વમાં ગોઠવી દીધું.
પત્યું!
એના અજવાળામાં
આખી દુનિયા તરત ધંધે લાગી ગઈ.
– વિવેક મનહર ટેલર
|
ReplyForward
|