કવિ ક્રાન્તિનો અગ્રદૂત (નિબંધ) ~ સુરેશ જોષી

ભાવિક ભક્તોને શાતા વળી કે આ મહાશિવરાત્રિએ પણ ઠંડો પવન ફૂંકાયો અને ઠંડી પડી. જો એવું નહીં થાય તો આ કલિયુગમાં મહાદેવને માટેનાં ઘીનાં કમળ બને જ શી રીતે? પણ આ ઠંડી પડી, મહાદેવે પરચો બતાવ્યો, ઘી ઠર્યું, કમળ થયાં અને શિવભક્તોનાં મન પણ કમળની જેમ ખીલી ઊઠ્યાં !

આ તડકાનું પોત જુદું છે. આ માગશરનો તડકો નથી. એ સુખસેવ્ય નથી. એ લલચાવે છે ખરો પણ એનાં પ્રલેાભનને વશ થવા જેવું નથી એમ અનુભવીઓ કહે છે. આજથી તો ફાગણ બેઠો. કેસૂડાં ને શીમળાને તો કોણ જાણે શીય ઉતાવળ આવી તે ફાગણ બેસતાં એ બન્ને વિદાય લેવાની અધીરાઈ કરતા હોય એવુ જ દેખાય છે. વિદ્યાથીઓ હવે તોફાન, હડતાળ, રમતગમત બાજુએ મૂકીને વાંચવા બેસી જશે. ટાઈફોઈડના જન્તુઓ ઊછરવા માંડશે અને આક્રમણુની તૈયારી કરશે.

કવિઓ તો હવે એવા સોગિયા અને દુઃખિયા થઈ ગયા છે કે આટલી બધી વિટંબણા વચ્ચે વસન્તના આહ્લાદનાં ગીતો ગાવા માટે એમનો કંઠ જ નથી ખીલતો. જેણે વરણાગિયા કૃષ્ણ અને કામણગારી રાધાનાં ગીત ગાયેલા તે મલેચ્છોનાં દેશમાં ફરી આવ્યા પછી બાથરૂમના શાવરમાંથી પીડિતોનું લેાહી ટપકતું જોઈને છળી મરવાનું શીખી ગયા છે. કવિઓ ક્રાન્તિના અગ્રદૂત છે કે નહીં તેની મને ખબર નથી, પણ આપણા કવિ એવી તેવી ક્ષુદ્ર વાતોમાં લપટાતો નથી. એનું રામેન્ટિક વિશ્વ એની પાસેથી કોઈ રાજસત્તા ઝૂંટવી લઈ શકે એમ નથી. એને સમાધિમાંથી જગાડીને કોઈ કહે કે હવે તો ગરીબો પણ ગરીબાઈને છોડી શકે એવો જમાનો આવી ચૂકયો છે તો એ સફાળા ચમકીને પૂછે છે, ‘હેં, મારે હવે શું કરવાનું છે?’ આટલું પૂછીને એ પાછો પેલા ફ્રેન્ચ કવિ આરિમિશોના અમર વામ મોન્સ્યોર બ્લૂમની જેમ યોગનિદ્રામાં સરી પડે છે !

બધી પરિસ્થિતિને માટે તૈયાર એવા થોડાક કવિઓને ઢંઢોળીને જગાડીએ છીએ ત્યારે જાગતાંવેંત પૂછે છે: ‘શું ગાવાનું છે, બુંગિયો, સિંધુડો કે મરશિયા?’ સર્જક બીજા પાસેથી પોતે શું કરવું તે વિશેની શીખ લેવા જાય તો સમાજમાં ઘણા બધા એને માત્ર શિખામણ જ નહીં, આદેશ આપવાને પણ તત્પર છેઃ ‘સંસ્કૃતિ જાળવવી એ મુખ્ય વસ્તુ છે. સાહિત્ય નહીં હશે તેા ચાલશે, પણ સંસ્કૃતિ નહી હોય તો !’

સમાજ કવિને વારે વારે એક વાત કરતો હોય છે. સંસારમાં દુઃખ તો રહેવાનું જ, માટે દુ:ખની ને દુઃખની વાતો ગાશો નહીં. યુરોપના લોકો હતાશ હોય તો ભોગ એમના! આપણને તો એવી સરસ ફિલસૂફી મળી છે કે દુઃખ આપણને સ્પર્શે જ નહીં. એ તો બધી માયા છે. એ સત્ય નથી માટે દુઃખની કે હતાશાની વાત કરવી નહીં. વળી વ્યક્તિનું તે શું મહત્ત્વ? એ તા મિથ્યા અહંકાર કહેવાય. આપણે તો નમ્રતા રાખીને વ્યક્તિત્વનો લોપ કરવો જોઈએ. પોતાની ઘોષણા કર્યે રાખવા કરતાં આત્મવિલોપન કરવું એ વધુ મોટી આધ્યાત્મિકતા નથી ?

અત્યારે ઘણાં સોક્રેટિસને યાદ કરે છે. સોક્રેટિસે પોતાને પ્રેરનાર તત્ત્વની વ્યાખ્યા બાંધી હોત તો આજે એનો જે મહિમા છે તે રહ્યો હોત ખરો ? આ બાબતમાં એણે સંયમ રાખ્યો, ઔચિત્ય જાળવ્યું તેથી એના સમકાલીનોમાં અને આપણામાં પણ એને વિશે આજે ય આટલું કુતૂહલ જળવાઈ રહ્યું છે. આથી ફિલસૂફો પણ એના વિશે હજી જીભાજોડી કર્યા કરે છે. સોક્રેટિસે કેટલી નવી વિભાવનાઓ આપણને આપી, બૌદ્ધિક પ્રીતિનાં પર ભાર મૂકયો. એવો માણસ ‘અન્તરાત્માના અવાજ’નું પ્રભુત્વ સ્વીકારે તે કેવું લાગે ?

અનુગામી પેઢીઓ સુધી પહેાંચવા ઇચ્છનાર માટે આવી સંદિગ્ધતા અનિવાર્યતયા ઉપકારક જ નીવડવાની. જે બૌદ્ધિક પદ્ધતિને જ સુસંગત રહીને પ્રવર્તે છે તેને આપણે ઝાઝા અનુસરતા નથી. એની વિચાર પદ્ધતિનું માળખું હાથ આવી જાય એટલે આપણે એને છોડી દઈએ છીએ, કારણ કે પછી આપણે એનું રહસ્ય જાણવાનું રહેતું નથી. એ ક્યાં પહોંચી શકે એ આપણે જાણી ચૂક્યા હોઈએ છીએ.

સોક્રેટિસ ગણતરીબાજ પણ ખરો અને પ્રેરણાને વશ વર્તનારો પણ ખરો. એનામાં રહેલા આ પરસ્પર વિરેાધી વલણને એણે રહસ્યમય બનાવ્યું અને આપણને મૂંઝવી મારવામાં સફળ થયો. એને પ્રેરનારું પેલું તત્ત્વ એ કેવળ મનોવૈજ્ઞાનિક હતું કે પછી એમાં કશી પરાભૌતિક વાસ્તવિકતાય હતી? એનો ઉગમ કશીક દિવ્યતામાંથી હતો કે પછી એ કેવળ નૈતિક હેતુઓનો પ્રતિભાવ જ હતો ? ખરેખર આ દિવ્ય ધ્વનિને સાંભળતો હતો કે પછી એ કશી ભ્રમણા જ હતી ? જર્મન ફિલસૂફ હેગેલે તો એમાં કશી બાહ્ય વાસ્તવિકતા જોઈ નથી. એને એણે નરી આંતરિક ઘટના જ ગણી છે. નિત્શે તો એને એક અભિનેતાની તરકીબ માત્ર ગણે છે!

પણ અનાહત નાદને સાંભળનારા માનવીનો પાઠ તમે આખી જિંદગી શી રીતે ભજવી શકો? એ ભલે અશકય ન હોય તો ય એવા પાઠને નભાવવો દુષ્કર તો થઈ પડે. સોક્રેટિસ જેવાને પણ વાસ્તવમાં તો એ કોઈ દેવી તત્ત્વને વશ વર્ત્યો કે પછી એ વાતનો પોતાના હેતુ માટે ઉપયોગ કર્યો એ ઝાઝા મહત્ત્વનું નથી. કદાચ બીજાથી પેાતાનું રક્ષણ કરવા માટે પણ એણે એમ કર્યું હોય.

સમાજના રસાલાથી ઘેરાયેલા એ એકાંત પ્રિય જીવને જો ટોળાના આક્રમણથી બચવું હોય તો આત્મસંરક્ષણ માટે થોડું રહસ્ય તો ઉપજાવી જ લેવું રહ્યું ! એ પ્રમાણભૂત હોય કે સંદિગ્ધ પણ હોય, સાચી પ્રેરણા અને તૂત – એ બે વચ્ચેનો વિવેક કોણ કરે! રહસ્ય અને રહસ્યનો આભાસ એ બંને કોણ નોખા પાડી આપી શકે? સોક્રેટિસ બીજાઓને એમને રસ્તેથી રોકીને આડે રસ્તે ચડાવી દેતો હતો કે પછી એ કેવળ ભ્રમણ કર્યા કરતો હતો એ વિશે પણ આપણે શું કહી શકીએ ?

હકીકત એ છે કે એના ઉપદેશ પરત્વે આજે આપણે ઉદાસીન છીએ, પણ એણે પેાતાને વિશે જે ઊહાપોહ ઊભો કર્યોં તેમાં આપણને હજી રસ પડે છે. પોતાને એક સમસ્યારૂપ બનાવી મૂકનાર એ પ્રથમ ચિન્તક હતો. એનાથી જ નિષ્ઠાનાં અત્યંત ગૂંચવણભર્યા કોયડાની શરૂઆત થઈ. આવી એની આ સંદિગ્ધતાને પામવા મથવું એમાં રસ છે, અને અમુક વિચારોનાં પુદ્દગલ રૂપે જોવો એમાં આંધળી ભક્તિ છે. વ્યંગ કે કટાક્ષની ભાષાનું વર્ચસ્ કોઈવાર સ્પષ્ટ વર્તાઈ આવે છે.

કોઈકે કહ્યું છે કે આપણને એમ લાગે કે આપણે સ્વર્ગના દ્વારની નજીક આવી પહોંચ્યા પણ ત્યાં જ આ વ્યંગ આપણી આડે આવીને માર્ગ રોકે. એ સૂફિયાણી સલાહ આપે : ‘‘અવિસ્મરણીય સ્વર્ગીય સુખની વાતો પડતી મૂકો, સમયના પ્રારંભ કે અંત વિશેની કે પછી શાશ્વતતાની વાતો વળગણ બની ન જાય એ માટે સાવધ રહો. એ તો માત્ર એક મૃત સમયાવધિ છે, બીજું કશું નથી. કેવળ નિર્બળ લેાકોને જ એવા તુક્કાઓમાં રસ પડે છે. ક્ષણને ક્ષણનું કામ કરવા દો. એ તમારા સ્વપ્નને ફરીથી આત્મસાત કરી લેતી હોય તો ઘણું સારું!’’

આપણે ગંભીરતાથી જ્ઞાનનો મહિમા ગાવા બેસીએ કે તરત જ આ વ્યંગ એનું બેહૂદાપણું ચીંધી બતાવશે, ‘વસ્તુઓ એમની નક્કરતા છોડીને સમસ્યા બનવાની અધોગતિને પામે એમાં બડાશ મારવા જેવું છે શું? તમારું આ જ્ઞાન સદા પોતે જ પોતાનો છેદ ઉડાવતું રહ્યું છે. આથી એની અંતિમ સ્થિતિ એના પ્રારંભથી ખાસ જુદી પડતી હોય તેવું લાગતું નથી. આથી એમાં શબ્દ સિવાય કશું હાથમાં આવતું નથી. પણ વ્યંગની તિર્યકતા વિના સત્યનું દર્શન કદાચ આપણે નહીં કરી શકીએ. આ વર્તુળાકાર બ્રહ્માંડમાં સીધી રેખાઓને કયાંક તો વંકાઈ જવાનું આવે જ ! છતાં વ્યંગ સિદ્ધ કરવાનું સહેલું નથી, અને પ્રયોજાયેલા વ્યંગને સમજવાનું પણ સહેલું નથી, આથી મોટાભાગનાં લોકો આત્મતુષ્ટ રહી શકે છે.’

૫-૩-૭૬
(ઈતિ મે મતિ)

*** 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ‘વ્યંગની તિર્યકતા વિના સત્યનું દર્શન કદાચ આપણે નહીં કરી શકીએ.
    આ વર્તુળાકાર બ્રહ્માંડમાં સીધી રેખાઓને કયાંક તો વંકાઈ જવાનું આવે જ !
    છતાં વ્યંગ સિદ્ધ કરવાનું સહેલું નથી, અને પ્રયોજાયેલા વ્યંગને સમજવાનું પણ સહેલું નથી, આથી મોટાભાગનાં લોકો આત્મતુષ્ટ રહી શકે છે.’
    આવું અદભુત વિવેચન આ સુરેશ જોશી જેવા જ કરી શકે
    ધન્યવાદ