પાંચ ગઝલ ~ લવ સિંહા, અમદાવાદ 

છેલ્લાં થોડાં વર્ષોમાં અમદાવાદમાં કવિતાક્ષેત્રે પોતાનું ક્ષેત્રે પોતાનું કૌવત દર્શાવનારા અમુક નવયુવાન કવિઓમાં લવ સિંહા ધ્યાનપાત્ર છે. 

મૂળ બી.એ. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો, પણ કવિતાનું એન્જિનિયરિંગ કઈ રીતે કરવું તેની તેમને સારી એવી જાણ છે. કવિતાનું કેમિકલ તેમના મન અને મસ્તિષ્કમાં બરોબર ઘૂંટાયા કરે છે. આમ પણ કવિતા હૃદયની ભાષા છે, પણ સાથોસાથ તેમાં મિકેનિઝમ પણ હોય છે, છંદની ગોઠવણી અને શાસ્ત્ર મુજબ કાવ્યરચના થાય તે અત્યંત જરૂરી હોય છે. 

લવ સિંહા ગઝલના જરૂરી મૂલ્યો સાચવીને પોતાનું મૂલ્ય પ્રસ્થાપિત કરતા યુવાકવિ છે, તેમની ગઝલો વાંચીને ઘણી આશા જન્મે છે. એ ચુપચાપ ચાલ્યા જતા જીવ વિશે કેટલો સુંદર શેર લખ્યો છે-

એ જ રીતે જીવ પણ‌ ચાલ્યો જશે
બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

આવો, તેમની પાંચ સુંદર ગઝલો માણીએ. ~ અનિલ ચાવડા

ગઝલ-1

સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે
એક નાનો અણબનાવ મને મારી નાખશે

હું એને પામવાના પ્રયાસો કર્યા કરું
જેનો જરા પ્રભાવ મને મારી નાખશે

કડવી છે કહીને મારી દવા પણ નહીં કરે
હદથી વધુ લગાવ મને મારી નાખશે

દર્પણમાં જોઉં તોય ડરી જાઉં છું હવે
લોકોની આવ-જાવ મને મારી નાખશે

“કોઈ નથી”ની કલ્પના સુંદર તો છે મગર
જે તારો છે અભાવ, મને મારી નાખશે

આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે
આ સ્પષ્ટ હાવભાવ મને મારી નાખશે

ગઝલ-2

માંડવે આકર્ષણો મૂક્યાં વગર
લક્ષ્મીઓ રહી જાય છે પરણ્યા વગર

એ જ રીતે જીવ પણ‌ ચાલ્યો જશે
બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

આ ઉપરછલ્લી ખરાબી શું કરું?
જાય છે જે આંગળી ચિંધ્યા વગર

આપણાં સંબંધનો આ અંત છે
તોરણો કરમાય છે તૂટ્યાં વગર

પુસ્તકો પર ધૂળ બાઝી જાય છે
માણસો મૂંઝાય છે ખુલ્યા વગર

ગઝલ-3

રોજ ઊઠી એ જ ડરનું રોઇએ
કોઈના ઊગતા પ્રહરનું રોઇએ

દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય
આપણે પણ માપસરનું રોઇએ

એ તો આદત છે ‘ને આદત જાય નહિ
છેક જઇ આખી સફરનું રોઇએ

શાંત થઇએ અથવા તૂટી જઇએ ચલ
ક્યાં સુધી આ નિમ્ન સ્તરનું રોઇએ

ગંદકીના લીધે જે વહેતી નથી
એ બધી મેલી નજરનું રોઇએ

રોતી વખતે પણ આ ઈર્ષા થાય છે
સ્હેજ એનાથી ઉપરનું રોઇએ

ગઝલ-4

એ જ તો સૌથી વધુ હેરાન છે
જેને આ દુનિયા વિશેનું જ્ઞાન છે

હાથ તું પકડીશ કોનો જોઉં છું
મારી અંદર હું છું ને શેતાન છે

એ રીતે આવ્યું અમુકના ભાગમાં
વ્હાલ તો જાણે કોઈ વરદાન છે

વાત મારી કોઈ સાંભળતું નથી
આ દીવાલોનુંય બીજે ધ્યાન છે

તોય એને જોયા કરશો માનથી!
નમ્રતા પણ સ્વાર્થનું સંતાન છે

ગઝલ-5

શું મને પણ એ નિયમ લાગુ પડે છે ?
ન્યુક્લિયસ તૂટે તો અજવાળું કરે છે

એવા લોકોને સફળતા ક્યાં મળે છે
જે કહે છે આ બધું તો આવડે છે

પાગલે ચાદર ઉપર સિગરેટ ચાંપી
ને કહ્યું જો આ રીતે તારા બને છે

ટેવવશ જઈને નજર એમાં ફસાશે
યાદ જાણીતા સ્થળે જાળાં કરે છે

એ બતાવે છે મને નિષ્ફળતા મારી
રોજ સપનામાં જે છત તૂટી પડે છે

એવું ના માનો કે હું તૂટી જવાનો
આ તો બસ થોડીઘણી માટી ખરે છે

તૂટશે અંધારનું વર્ચસ્વ ક્યારેક
બંધ ઘરની ભીંત ઉંદર કોતરે છે

~ લવ સિંહા, અમદાવાદ 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment