“કોણ માને આ વાત કે જળને તરસ્યું લાગે?” ~ વિશ્વ જળ દિવસને અનુલક્ષીને લેખ ~ ડૉ. નિરંજના જોશી, મુંબઈ 

(શબ્દો: ૧૮૫૩)

જ્યારે આપણે “જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?” એ વિધાન પ્રકૃતિના રૌદ્ર રૂપને નિહાળી યાદ કરીએ છીએ, ત્યારે વર્ષા પછીના પહેલા ઉઘાડ વખતે નીતર્યા પાણી જેવી સ્વચ્છ આભા ધરાવતા કવિ પ્રહ્લાદ પારેખ આ કાવ્યપંક્તિ દ્વારા ઉત્તર આપે છે

“કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઇ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છ‌ઇએ.”

હે માનવી! હાથનાં કર્યાં જ હૈયે વાગે. તેથી સાવધાન! જળસંકટ આવે તે પહેલાં તેને સાચવી લો!

पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम्। પૃથ્વી પરના સાચા રત્નો ત્રણ છે. તેમાં જલને પ્રથમ ક્રમાંક અપાયો છે. જલના 27 પર્યાયવાચી શબ્દો અમરકોષમાં છે. દરેક શબ્દ અર્થસભર છે.

વેદોમાં આદ્ય ગ્રંથ ઋગ્વેદમાં (૧૦:૯) ઋષિઓએ આપસૂક્તમ્ ગાયું છે. એ અદભુત અને ચિરસ્મરણીય છે. जन्तूनां नरजन्म दुर्लभम्- એવા માનવીએ શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યના મતને જો આચરણીય સમજ્યું હોત, તો આજની જ્વલંત સમસ્યાથી સર્જાતા દુષ્પરિણામોનો ભોગ કોઈએ બનવું ન પડત. આપણે ઋષિ કૃષિ સંસ્કૃતિને વિસારે પાડીને આપણા જ પગ પર કુહાડો માર્યો છે.

અંગ્રેજી ચિંતક Jacques કહે છે: “We forget that the water cycle and the life cycle are one.”

વૈદિક ઋષિઓ દ્વારા ઋગ્વેદમાં ગવાયેલા “આપ:સૂક્ત”ના પહેલા જ મંત્રમાં કહ્યું છે:

आपो हि ष्ठा मयोभुवस्धा न उर्जे दधातन् महे रणाथ चक्षसे।१।

ઓ આપ! તારી ઉપસ્થિતિને કારણે વાતાવરણ ખૂબ જ ચૈતન્યસભર, પ્રશાંત રહે છે. તું અમને ઉત્સાહ અને બળ પૂરાં પાડે છે. તારા વિશુદ્ધ સત્વ દ્વારા પ્રસન્નતા પામી અમે તારા પ્રત્યે પૂજ્ય ભાવ રાખીએ છીએ.

આ ઋષિઓની જલવંદના છે. તેઓ જલ પ્રત્યે આદરણીય પૂજ્ય ભાવ ધરાવતા હોવાથી તેમને તેનું બહુમૂલ્ય સમજાય તે સ્વાભાવિક છે. જે વંદનીય હોય તેનો દુર્વ્યય તો ન જ થવા દેવાય. “વણમાગ્યું તેં ઘણું દીધું છે” એવી સમજણ જેણે ધરાવી હોય તેને તેનું મૂલ્ય સમજાય. બાકી “મુફ્તકા મૂલા ખાને કા કેલે જૈસા મજા” સમજનાર મફતમાં મળેલા જલ, વાયુ, પ્રકાશનો બેફામ વ્યય કરવા લાગે; કારણ તેની દ્રષ્ટિએ તેની કિંમત ચૂકવવી ન પડતી હોવાથી તે સૌને નગણ્ય જ માને.

અણમોલ ઉપહાર મેળવવવા બદલ દાખવવા અનિવાર્ય એવા પ્રેમ, આદર, પૂજ્યભાવની અપેક્ષા તેની પાસે રાખવી અસ્થાને પૂરવાર થાય.

ઋષિઓએ જલના વિવિધ પર્યાયો પ્રયુક્ત કરીને જલ મહિમા ગાયો છે. બીજા મંત્રમાં ઋષિ કહે છે: यो व: शिवतमो रसस्तस्य भाजयतेह न: उशतीरिव मातर:।।२।।

ઓ સલિલ! તારા આ પવિત્ર સત્વમાં અમને સહભાગી બનાવ; જેમ માતા પોતાના સંતાનોમાં પોતાનો સર્વોત્કૃષ્ટ વૈભવ વહેંચી દેવા ઉત્સુક હોય છે.

‘માતૃદેવો ભવ’માં માનતી ભારતીય સંસ્કૃતિએ ‘પાનીય’ને માતાનો દરજ્જો આપ્યો છે.  દુર્બળ જનો સુધી પહોંચનાર ‘પય’નું પ્રેરણાદાયી સત્વ તેમને પણ જીવંત, સ્ફૂર્તિવાન, ચૈતન્યસભર બનાવી દે છે; તેથી જ હે અમ્ભ:! તું અમારો જીવનદાયી સ્રોત છે.

જો આ સમજણ શૈશવાવસ્થાથી કેળવાય તો અકલ્પ્ય વસ્તીવિસ્ફોટ સમયે જલસંકટ ન સર્જાય. क्षुधातृषार्ता जननीं स्मरन्ति। ભૂખ-તરસથી પીડાતા જીવો સદા માનું જ સ્મરણ કરે છે, કારણ તૃપ્તિ મા પાસેથી જ મળે. માની માંગલિક, શ્રેયસ્કર, શુભ દિવ્યતા સંતાનોમાં પ્રવેશવાથી નીરની ક્ષમતા સમું પાવિત્ર્ય તેમનામાં સદા વહેતું રહે. ઉપરાંત बुभुक्षित: किम् न करोति पापम्? -ના ન્યાયે ભૂખતરસથી પીડિત અનેક અનીતિ અને અપ્રામાણિક કર્મો તરફ વળી જાય છે.

નદી, નાળાં, સરોવર, તળાવ, વાવ, કૂવા, સાગર સર્વે જલાવલંબિત છે. એમાં જ જો પાણી સુકાઈ જાય તો 70% પાણી ધરાવતી પૃથ્વી પણ ક્યાંથી પાણી આપી શકવાની? તેથી ભૂમિગત પાણી જ્યાં સુધી સંચિત કરવામાં ન આવે ત્યાં સુધી આ બધાં માધ્યમો પણ સૂકાં ભઠ્ઠ થઈ જાય. આમ પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધતી જ રહે. જલ વગર એ સૌનું અસ્તિ નાસ્તિ થઈ જાય.

જલને પણ વરસવાની તરસ લાગે એવી કલ્પના એકાદ પ્રકૃતિ પ્રેમી કવિ કરી શકે.

“કોણ માને આ વાત કે જળને તરસ્યું લાગે?

આભની પાંખે ઊડતા ગાઢા મેઘને લાગ્યો ભાર,
તારક, સૂરજ- ચંદ્રએ એના કોઇ મળ્યા ના તાર;
ધરતીના કણકણને પીવા કારમી ઝંખના જાગે…
જળને તરસ્યું લાગે.
(કવિ: વ્રજલાલ દવે)

અણમોલ ઉપહારનું મૂલ્ય રત્નપારખુને જ સમજાય. દરિયાખેડૂને, કૃષકને, કુંભકારને, રણપંથીને, માછીમારોને, રજકને, પ્રેમી પંખીડાને તથા દાદુર, મોર, બપૈયા, ચાતક, બગલા, બતક અને જળચર પ્રાણીઓ વગેરેને માટે જલ જીવન છે; તેથી તેઓ પણ જલ વગર અચેતન થઈ જાય.

કવિકુલગુરુ કાલિદાસ તો વર્ષાકાળને ‘ગુણાતીત’ કહે છે. તેમના મતે જલધારા સચેતન માટે આમંત્રણપત્રિકા સમાન છે. તો કામિનીઓના ચિત્તતંત્રને ઝકઝોરનારી, વૃક્ષ-વનસ્પતિના નિર્વિકાર બાંધવ સમી વર્ષારાણી છે.

નિબંધકાર પ્રવીણ દરજી વર્ષાને ઋતુ કહેવા કરતાં ‘ “જળોત્સવ” કહેવાનું વધુ પસંદ કરે છે. કારણ તે પળમાં યુગોનું રહસ્ય સમજાવે છે. તો કોઇને માટે સ્મૃતિ દેશના તોતિંગ દરવાજા ઉઘાડી નાખીને ભીતર ઢબુરાયેલા આખા સામ્રાજ્ય સમક્ષ મૂકી રહે છે. તે આબાલવૃદ્ધ સૌ કોઇને સાગમટે નિમંત્રણ આપે છે. જે માણે, તે જાણે, જે જાતને તેની સાથે જોડે, તે ફોરે.

આભ અને ધરતી વચ્ચેની પ્રણયલીલા એટલે વર્ષા! ગગનનું વહાલ ધરતી પર વર્ષે ત્યારે ચહુદિશ વસુંધરા પણ હરિત ચુંદડી ઓઢી પ્રસન્નકર બની જાય છે. રણપંથી જેવા અન્ય રત્નપારખુ ઋણમુક્તિનું પ્રતિનિધિત્વ કરતાં પ્રશસ્તિ કરે, ત્યારે ગાઇ ઊઠે:

“દરિયો જળનું દાન દઈને બાંધે વાદળ આભે
વાદળ મીઠાં જળ વરસાવે ધરતી એથી લાભે
અગમનિગમનો ખેલ ખબર ના ચાલે કોના તાલે?
(બકુલ રાવળ)

નદી તટે વસેલા નગરનું નારીવૃંદ ઘાટ ઉપર કોઈ પ્રક્ષાલન મગ્ન તો કોઈ સદ્યસ્નાતા, કોઈ શીર્ષસ્થ હેલધારી જોવા મળે. તેમના જીવનનો આધાર સ્તંભ જ જલ છે પણ જે પ્રદેશમાં જલની અછત વર્તાતી હોય તે પ્રદેશની મહિલાઓનો મહત્તમ સમય અને શક્તિ અંદાજે વિશ્વભરમાં રોજના 200 કરોડ કલાક પાણી મેળવવા વલખાં મારતાં જણાય છે. પાણીની અછતે તેમના જીવનના નિર્વાહ માટેના અન્ન ઉત્પાદનની સમસ્યા પણ સરજી દીધી છે.

પ્રતિદિન પાંચ વર્ષથી નીચેના 800 બાળકો અશુદ્ધ પાણીથી થતા વિવિધ રોગોથી આરોગ્ય અને સેનિટેશનની સગવડોની દુવિધાને કારણે વિશ્વભરમાં મૃત્યુ પામે છે. પાણીની અછત સમગ્ર પરિવારને, સમાજને અસરગ્રસ્ત બનાવે છે.

વંશપરંપરાગત દરિદ્રતા ભોગવતા બાળકો શિક્ષણથી વંચિત રહે છે. શાળાઓ માત્ર સંસ્થા કે મકાન બની રહે છે. વડીલોને જીવાદોરી ટકાવવા સંઘર્ષ કરવો પડે છે. આમ બાળકો અને મહિલાઓ પર સવિશેષ જળસંકટ અત્યંત ભયાવહ બની જાય છે.

1993માં 22 માર્ચે વિશ્વ જલદિન ઉદ્ઘોષિત કરાયો હતો. 2005 માં વિશ્વવસ્તીના 35% જલસંકટથી અસરગ્રસ્ત હતા. 2008માં આરોગ્ય અને સન્માનને અગ્રતાક્રમ આપી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા વર્ષ જાહેર કરાયું. 2013માં 19 નવેમ્બરે વિશ્વ શૌચ દિન જાહેર કર્યો. છતાં 2018માં વિશ્વભરમાં ૨.૧ અબજ લોકો ઘરમાં શુદ્ધ પેય પાણી માટે તડપી રહ્યા હતા. ૯૦% પ્રાકૃતિક પ્રકોપ જલસંબંધી છે.

હાલમાં ભારતમાં આશરે ૬૦ કરોડ લોકો જલસંકટગ્રસ્ત છે. ૭૦ ટકા પેય પાણી દૂષિત છે. દર વર્ષે ૨ લાખ લોકો શુદ્ધ પાણીની અછત ભોગવે છે. ભૂમિગત પાણીના અભાવે ૧૦ કરોડ લોકો પ્રભાવિત થવાની શક્યતા છે.

નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ૨૦૩૨ સુધી ધરતીની અડધોઅડધ વસ્તી પાણી માટે વલખાં મારી શકે છે. વસ્તીવિસ્ફોટ, નાગરીકરણ અને ઔદ્યોગીકરણે જલસમસ્યામાં વૃદ્ધિ કરી છે.

વૈદિક ઋષિઓની માનવીની આરોગ્ય સંપદા માટેની નિસ્બત “ज्योक च सूर्यं द्रशे”-(આ.સૂ.૭)- માં અભિવ્યક્ત થાય છે. ઔષધીય ગુણોથી યુક્ત વનસ્પતિથી અત્યંત સમૃદ્ધ આ જલ હોવાથી નિરામય સ્વાસ્થ્ય ખાતર દેહની સુરક્ષા માટે તથા દીર્ઘાયુની જિજીવિષા માટે તેઓએ જલની યાચના કરી: “ઓ ક્ષીર! દીર્ઘકાળ સુધી હું સૂર્યદર્શન કરી શકું માટે મારા દેહની સુરક્ષા કર.”

શુદ્ધ પાણી, સુલભ શૌચાલયો, આરોગ્ય વિષયક જાણકારી વગેરે અત્યંત ગરીબીની સામે ટકી રહેવા અને જીવનધોરણ સંતુલિત રાખવા અતીવ અનિવાર્ય છે. તેનાથી પરિવારો સ્વસ્થ બને, રોગપ્રસાર ઘટી જાય, બાળ મૃત્યુ ઘટે, બાળકો પુષ્ટિદાયક આહાર મેળવી શકવાથી તન મન બુદ્ધિથી વિકસિત થાય, બાળકો શિક્ષણથી વંચિત ન રહે.

દૂર સુધી પાણી મેળવવા વેડફાતો સમય બચે તો શાળામાં તેમની હાજરી નિયમિત રહી શકે. ગૃહ ઉદ્યોગો વિકસાવી આવકમાં વૃદ્ધિ થઈ શકે. ઉદાહરણ રૂપે આફ્રિકન મહિલા 18 લિટર પાણી લાવવા રોજના 6 km ચાલે છે. તેની શક્તિ અને સમય પરિવાર માટે કે આવકવૃદ્ધિ માટે બચતા નથી.

૨૦૩૦ સુધીમાં વિશ્વદ્રષ્ટિ ધ્યેય (World vision) બધી જ વિકાસલક્ષી communities ને ઉપરોક્ત અનિવાર્ય સુવિધા અનુશાસનપૂર્ણ વર્તાવ દ્વારા પહોંચાડી શકે, તો લક્ષ્ય સિદ્ધ થાય. આમાં પણ સ્થાનિક સરકાર, સર્વે જાતિગત તેમજ અન્ય માનવ હિતકારી સંસ્થાઓનો સહકાર મળશે, તો‌‌ અવશ્ય લક્ષ્ય સિદ્ધિ થશે.

જલના વિવિધ પર્યાયો પ્રયોજી સજીવ સૃષ્ટિ ઉપર વૈદિક ઋષિઓએ ઉપકાર કર્યો છે. પરંતુ કરેલા ઉપકારને યાદ રાખે અને આચરણમાં મૂકે તો તે કૃતજ્ઞ કહેવાય; નહીં તો સંકટનો સામનો કર્યે જ છૂટકો!

સાહિત્યકારોએ પણ જલનું અભિવાદન કર્યું છે. यथा खनन् खनित्रेण नरो वार्याधिगच्छति। ઉરમાં પાવડો મારનારને પણ અમૃતમય જલ આપનાર ક્ષમાશીલ ધરાને નમન કર્યા છે. તો રાષ્ટ્રીય શાયર મેઘાણીની ખુમારી ભરી વાણીથી સૌ ગુજરાતી સાહિત્યપ્રેમી પરિચિત છે. તેમણે મોરલાપાસે કંઠની, ઇન્દ્રધનુ પાસેથી તેના રંગધોધમાંથી લીલાં બુંદની, મેઘમાલા પાસેથી લાખ તારોમાંથી એક તારની, ઘોર સિંધુ પાસેથી વીંઝણાના કલ્લોલની, રાતરાણી પાસેથી ઊંઘની વેળા ઓઢાડવાની સૌરભની યાચના કરી છે. આમ જલમહિમા તાદ્રશ કર્યો છે.

જેમને મન જલ મહિમાવંત છે તેઓ તેમનું મૂલ્ય પણ જાણે છે તેથી તેમને તેને બચાવવાનું સૂચન કરવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ મૂલ્યવાન હીરાને કોલસા જેવો ગણી રેતીના કણની જેમ રગદોળી નાખે તેને માત્ર સૂચન પર્યાપ્ત નથી થતું, તેને કાયદો પણ લાગુ નથી પડતો. આવી પરિસ્થિતિમાં વ્યક્તિગત સમજદારી જ જાગૃતિ લાવી શકે.

અવ્યવસ્થિત, દીર્ઘદ્રષ્ટિ રહિત, આયોજનરહિત બાંધકામો, વૃક્ષનિકંદન, આવાસગત સુવિધાભર્યા જલસાધનો વગેરેએ માત્ર ૨.૫ લાખ લિટર ભૂમિગત પાણી જ રહેવા દીધું છે. બીજી બાજુ વસ્તીવિસ્ફોટ. પ્રકૃતિદત્ત્ત જલસંચયને સંગ્રહિત કરવાનો એકમાત્ર ઉપાય બચ્યો છે.

વર્ષાજલ (Rainwater harvesting) સંગ્રહ એકમાત્ર ઉપાય છે. કૂવામાં, ખુલ્લા મેદાનોમાં એ સંચિત જલ સંગ્રહિત થાય, તે ફિલ્ટર થાય છે. તેની અશુદ્ધિ દૂર કરવા લાકડિયા કોલસા, ચારકોલ કે રેતી વગેરે વપરાય છે. નદી, નાળાંમાનું પાણી દૂષિત થ‌ઇ ગયેલું હોવાથી તે પીવાલાયક રહી શકતું નથી. તેથી તેનું શુદ્ધિકરણ આવશ્યક બને છે.

નાનાં મોટાં તળાવો, સરોવરો, મોટા જલાશયો વગેરે પારંપરિક જલસંચયના સાધનો છે. તે સઘળાં સાધનો ભૂમિગત જલના સ્રોતો દ્વારા સિંચાવાથી તેમનું સ્તર વધારવામાં સહાયક બને છે.

આધુનિક પ્રણાલિ મુજબ દરેક મકાનની છત પર સંગ્રહિત વર્ષાજલ પાઇપ મારફતે ભૂમિગત ટેન્કમાં સંચિત કરવામાં આવે છે; જે કૂવામાં પહોંચાડી શકાય છે. પરિણામે તળિયાં દેખાતા કૂવામાં પણ જલનું સ્તર ઉપર આવી શકે છે.

બેન્જામિન ફ્રેન્ક્લિને કહ્યું છે “When the well is dry, we know the worth of water.”

ભૂમિગત ટાંકામાં પાણી દીર્ઘકાળ સુધી સંગ્રહી શકાય છે. જમીનમાં ખોદેલા ખાડામાં ઉપર રહેતું પાણી સૂર્યતાપથી વરાળ બની જાય છે, તેનો ઉપયોગ નથી થ‌ઇ શકતો, પણ જમીનની અંદર માટીમાં ગયેલું પાણી સહેલાઇથી સુકાતું નથી.

ભૂમિગત પાણીને પંપ મારફતે ઘરઘરમાં પહોંચાડી શકાય. તેનો ઘરેલુ કાર્યો માટે ઉપયોગ કરી શકાય. ખેતીમાં, કપડાં ધોવામાં, ઘરસફાઇમાં, સ્નાનમાં, વાહન સાફ કરવા માટે, કૂલરમાં, કારખાનામાં વાપરી શકાય છે.

મુખ્યત: વ્યક્તિગત સમજદારી, જાગૃતિ આવે, તો જ સ્વયંશિસ્તથી વ્યક્તિ પાણીનો બગાડ કરતો અટકે. સપ્તાહમાંના સાતે દિવસની પર્યાવરણ સુરક્ષા માટે વહેંચણી કરીએ, તો?

*સપ્તાહમાંના એક દિવસ શાવર, ટબબાથ, સુવિધાજનક સ્નાનાદિ માટે વપરાતા નવા નવા સાધનો પર સંયમ રાખવામાં આવે, તો?

*દંતધાવન વખતે, મુખપ્રક્ષાલન દરમ્યાન કે વાસણ સાફ કરતી વખતે સતત પાણી વહેવા ન દે,તો?

*નકામા વહી જતા પાણીને રોકવા તાત્કાલિક સમારકામ કરાવે, તો?

*શૌચાલયની ટાંકીમાં એકાદ રંગ નાખીને નીચે વહેતું પાણી જો રંગીન દેખાય, તો સમજવું કે રોજનું ૧૦૦ ગેલન પાણી આ રીતે વેડફાય છે.

*એક લીટર પાણીની બોટલમાં રેતી કે નાના કાંકરા તેને તળિયે નાખી પછી તેમાં પાણી ભરી તેને ટાંકીમાં મિકેનિઝમથી દૂર રાખવામાં આવે તો સરેરાશ પાંચ થી છ ગેલન પાણી રોજનું બચાવી શકાય.

*સાર્વજનિક સ્થળોએ પાણીનો વેડફાટ દેખાય તો તત્કાળ જવાબદાર વ્યક્તિને જાણ કરવાની નિસ્બત ધરાવીએ, તો?
આવી નાની નાની બાબતોમાં રખાતી કાળજી પણ જલવ્યય રોકી શકે. તોપણ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ માટે માત્ર શાસનને જવાબદાર ગણાવી સ્વયં નિષ્ક્રિય રહે તો સંકટનો સામનો તો પ્રજાએ જ ભોગવવો પડે. રત્નને પારખવા ઝવેરીની દ્રષ્ટિએ જોઈએ.

આપ:, વારિ, વા:, સલિલમ્, કમલમ્, જલમ્, પયમ્, કીલાલમ્, અમૃતમ્, જીવનમ્, ભુવનમ્, કબન્ધમ્, ઉદકમ્, પાર્થ:, પુષ્કરમ્, સર્વતોમુખમ્, અમ્ભ:, અર્ણ:, તોયમ્, પાનીયમ્, નીરમ્, ક્ષીરમ્, અમ્બુ, શંબરમ્, મેઘપુષ્પમ્, ઘનરસ: – આટઆટલા સાર્થક સમૃદ્ધ પર્યાયો જેના હોય તે પૃથ્વી પરનું રત્ન જ ગણાય ને!

જલ તો જીવનગુરુ છે. આપણા માર્ગમાં આવતા અનેક વિધ્નોને પાર કરી કંકરને પણ ગળે લગાડીને આગળ વધવાનું જે શીખવાડે છે તે જલ એ માનવી માટે જીવન ગુરુ છે.

અંગ્રેજી ભાષામાં પણ એવું જ જલ પાસેથી બોધ આપતું વિધાન ચિંતક કહે છે: When life throws obstacles in your way, be like water and cut through them or form a new path leading you to your goals and dreams.

જલ સ્વયમ નિરાકાર અને રંગહીન છે પરંતુ તે જે સાધનમાં પ્રવેશે તેવો આકાર ધારણ કરે છે તેનામાં જે રંગ નાખો તેવું રંગીન તે બની જાય છે આવા વિશિષ્ટ ગુણ ધરાવતા જળ પાસેથી માનવી વાતાવરણને અનુકૂળ થવાનું શીખે, તો? સહજ પ્રાપ્ત રંગથી રંગાઈ જવાની કળા હસ્તગત કરે, તો?

પાનીયમ્ ગુણા દિવ્યા: પરલોકે ગુણાવહા:।।

~ ડૉ. નિરંજના જોશી, મુંબઈ 
~ ૨૨/૩/૨૦૨૬ – જલ દિન.
(M) +91 98206 37645

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.