|

વિશ્વ જળ દિવસને અનુલક્ષીને ~ ૬ ગઝલ અને ૩ મુક્તક ~ વિવિધ કવિઓ દ્વારા

૧.

Rain | Definition & Facts | Britannica

એમ ક્યાં વરસાદ, તું જે ધાર, પળમાં આવશે
એ તો કો’દિ સામટો, અણધાર્યો છળમાં આવશે

છાપરાં નેવાં અગાસી, ધાર વરસે વ્યર્થમાં
વાળ એને બુદ્ધિપૂર્વક, તો જ તળમાં આવશે

એ જ જથ્થો જળ જમીને, ના નવો પેદા થતો
જો વિવેકે વાપરે, દુષ્કાળ વળમાં* આવશે
(વળમાં = નિયંત્રણમાં)

એ નદી પણ માવડી છે, ઘાટ ચોખ્ખા રાખ તું
તારી સેવામાં પધારે, રોજ નળમાં આવશે

સ્નાનમાં એ સાત નદીઓ, પુણ્યશ્લોકા ખાસ છે
તું સ્મરી લે બાલદીમાં, સાત પળમાં આવશે

ટીપે ટીપું જળ છે સોનું, વેડફી નાખીશ ના,
છે ટપક સિંચાઇ ઉત્તમ, લક્ષ્મી ફળમાં આવશે

ફેક્ટરી ને કારખાનાં, છોડતાં પ્રદૂષણ જળે
યોગ્ય શુદ્ધિ જો કરે, પ્રકૃતિ બળમાં આવશે

છાંટણા એ હેતનાં ને વાવણીની વાત છે,
નેજવું તાક્યા પછી, એ આશ હળમાં આવશે!

વાવવાનું રાખ, તું મીઠાં ફળો, જ્યાં ત્યાં સતત
તો જ ગમતી સૌ મીઠાશો, ગામતળમાં આવશે

જલ એ જીવન, પંચભૂતે વ્યાપ્ત છે એ સત્ય છે
સાનમાં સમજ્યા નહીં, અશ્રુ પડળમાં આવશે

વાવ કૂવાઓ, તળાવો : સંસ્કૃતિ, સાચી પરબ
જો હૃદયમાં જીવશે, તો જળકમળમાં આવશે
~ રાજેન્દ્ર આર શાહ ‘સ્વપ્નિલ’ વડોદરા

૨. 

ગળથૂથીમાં સૌથી પહેલું પીધું પાણી.
ગંગાજળને નામે છેલ્લું પીધું પાણી.

હાલકડોલક નાચંતી જે નાવ નશીલી,
અમિયલ એ આંખોથી ઘેલું પીધું પાણી.

‘આજ પછી ના યાદ કરું, જા પાણી લીધું,’
હાથોમાં લઈ અંજલી પહેલું પીધું પાણી.

હોય કદી ના કોરેકોરું ભૂલી જાવું,
એનાથી તો સાવ જ સહેલું, ‘પીધું પાણી.’

સંગમઘાટે જળ મેં ડોળ્યું પાપો ધોવા,
તીરથસ્થાને જઈને મેલું પીધું પાણી.
~ પીયૂષ ભટ્ટ

૩. 

ચીતરી આકાશ આખું જળ ઉપર.
મેં લખી આખી ગઝલ વાદળ ઉપર.

મન હતું વરસી જવાનું આંખને,
ટેરવેથી ઉતરી કાગળ ઉપર.

હાથથી લયબદ્ધ લીટી દોરતાં,
કાવ્ય સર્જાયું નવું ખળખળ ઉપર.

ફૂલ કરમાયેલ જોઈને થયું,
લાવ આલેખું કવન એ પળ ઉપર.

કેટલા વર્ષે મળ્યા બે જીવ તો,
શેર મેં ટાંક્યો નવો અંજળ ઉપર.

જોઈને મજદૂરનો પ્રસ્વેદ મેં,
એક કવિતા પણ લખી ઝાકળ ઉપર.

જિંદગીભર શું કરું ફરિયાદ તો,
ગીત ગાયું એ વિતેલી પળ ઉપર.
~ પાયલ ઉનડકટ, ધારી

૪. 

How to Save Water for a Sustainable Future: 9 Ways

જળ સલામત, તો સલામત જિંદગી,
છે શીતળ જળથી જ સઘળે તાજગી..

વ્યર્થ છે પકવાન સૌ, પાણી વગર,
થાય નહિ સંભવ કોઈ પણ વાનગી..

આધુનિકતા આચરી જળ વેડફ્યું,
છે અપેક્ષિત આજ,  થોડી સાદગી..

પાડવું નહિ ગાબડું જળ-ચક્રમાં,
કોઈને પણ એ નથી પરવાનગી.

પાણીનો વ્યય – છે જ ક્યાં પૌરુષ જરાય!
પણ, બચત – એ છે ખરી મર્દાનગી..

પ્રકૃતિ રૂઠી શકે, જો જળ ખૂટે,
વહોરવી નહિ આ નવી નારાજગી..

મારવી ના હોય તરસી પેઢીઓ,
તો, ધીરજ! તું રાખ જળ-દીવાનગી..

પાણી માફક કઈ દવા ‘નિઃસ્વાર્થ’ હોય?
જળ બગાડી, લાવવી નહિ માંદગી.
~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા નિઃસ્વાર્થ

૫. 

Life Lesson #5: Start Your Day with a Smile – Marotta On Money

“બચત જળની કરીશું”, આંસુએ વિચાર કીધો છે!
અમે હસતાં રહીશું, ત્યારથી નિર્ધાર કીધો છે!

નથી મહોતાજ પાણી કોઇપણ આકારનું તો પણ,
અમે ઠંડક દઈ એનો જુઓ આકાર કીધો છે!

તરણ ના આવડે તો એ ડૂબાડી દે કદી તમને,
રુધિર થઈને શરીરે જે જળે વિસ્તાર કીધો છે!

મટાડે ભૂખ બાળકની બનીને દૂધ, તો નીરે
ઉદરમાં ગર્ભજળ થઈ પ્રાણનો સંચાર કીધો છે!

તું પરસેવે, તું ઉચ્છવાસે અને પાચક રસોમાં તું,
ઘટાડી તારું સ્તર, માણસને તેં બીમાર કીધો છે

કરું મહિમા શું પાણીનો, અહીં બધ્ધું જ છે ‘નીરજા’*!
‘છે જળ સાક્ષાત ઇશ્વર’ , એટલો સ્વીકાર કીધો છે.
(*નીરજા=પાણીથી જન્મેલું)

~ નીરજા, રાજકોટ 

૬. 

Mirage | Desert, Refraction, Mirage | Britannica

અગન સઘળી ઠરે તેથી હવે જળની જરૂરત છે,
જરા શાતા વળે તેથી હવે જળની જરૂરત છે.

સબંધો ટળવળે વલખે ને માગે પ્રેમજળ પ્યાલા,
તૃષા એની શમે તેથી હવે જળની જરૂરત છે.

ધૃણાની લૂ બધે વરસે, નગર ભડકે બળે આખું,
શીતળ ઝરણાં વહે તેથી હવે જળની જરૂરત છે.

સૂકાયા વૃક્ષ નિષ્ઠાના, અચેતન પાંદડા સઘળા,
જીવે ને શ્વાસ લે તેથી હવે જળની જરૂરત છે.

પ્રણયનો બાગ ખીલ્યો છે ને પુષ્પો લાલ રંગી છે,
નિરંતર મઘમઘે તેથી હવે જળની જરૂરત છે.

અરીસે ધૂળના ઢગલા, હવે ધોવાણ કરવું છે,
સ્વને એ નીરખે તેથી હવે જળની જરૂરત છે.
~ પ્રીતિ પુજારા

૭.

પૂછો નહીં કેવો અહીં ઉકળાટ છે
પાણી વિનાના સાવ સૂકા ઘાટ છે
જંગલ નથી તો ક્યાંથી વરસે વાદળાં
આ માનવે ઊભો કરેલો ઘાટ છે
~ અંકિતા મારુ જીનલ

૮ .

તમે યાદ રાખો અહીં જળ જીવન છે
નથી યાદ રહેતું તો નિષ્ફળ જીવન છે
નદી, નાળા, વરસાદ, વાદળ જીવન છે
બધા સ્ત્રોત જળના તું સાંભળ જીવન છે
~ જીગ્નેશ ક્રિસ્ટી સંગત

૯. 

હિમ સ્વરૂપે, અવતરી જળ સ્થિર એક આકારમાં
બાષ્પમાં નિર્વાણ પામી ભળતું નિરાકારમાં –
આખી દુનિયાની બધી ખારાશ પોતામાં ભરી,
ખૂબ તપી થઈ જાય મીઠું જળ વરસતી ધારમાં.
~ મીતા ગોર મેવાડા

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.