“આવ, મળીએ જિંદગીઃ” ~ લેખિકાઃ જયશ્રી વિનુ મરચંટ ~ પુસ્તક પરિચય: દેવિકા ધ્રુવ

પુસ્તક્નું નામઃ “આવ, મળીએ જિંદગી” ~ લેખિકાઃ જયશ્રી વિનુ મરચંટ
પ્રકાશનઃ ૨૦૨૫માં આ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં સામાન્ય માનવીઓની , જીવનમાં પ્રકાશ પાથરતી સત્યઘટનાઓ પર આધારિત કથાઓ આવરી લેવામાં આવી છે.
***
માર્ચના પ્રથમ અઠવાડિયામાં જયશ્રી મરચંટ લિખિત ‘આવ, મળીએ જિંદગી’ પુસ્તક મેઈલ-બોક્સમાંથી મળ્યું. ‘આવ, કહીને આમંત્રણ આપતું શીર્ષક વાંચતાં જ આંગળીઓ પાનાં ફેરવતી ગઈ ને એમ લાગ્યું કે આમાં કશુંક ગમતીલું લાગે છે. તે દિવસે તો અન્ય પુસ્તકોની સાથે મૂક્યું. પણ પછી બીજી સવારથી વળીવળીને નજર ત્યાં જ જઈ બેસતી. એમ રોજ સવારે થોડાં થોડાં પ્રકરણો વંચાતાં ગયાં અને ક્યારે આ પુસ્તક પૂરેપૂરું વંચાઈ ગયું એ ખબર જ ન રહી.
જિંદગીનું પણ એવું જ છે ને? એને પામતાં પામતાં તો પૂરી થયાનો અહેસાસ થવા માંડે છે! એ રીતે શીર્ષક ખૂબ યથાર્થ લાગ્યું.
આ પુસ્તકમાં સ્મરણોની હૂંફાળી શાલમાં વીંટાયેલી, સાહિત્યના લગભગ દરેક મુખ્ય ગદ્યસ્વરૂપોમાં વ્યક્ત થતી ભાતીગળ વાતો છે.
એમાં આત્મકથની છે, પત્ર છે, ડાયરી છે, ચરિત્રલેખન છે તો વળી પાત્રો, ઘટના અને સંવાદોથી ભરીભરી દિલચશ્પ વાર્તાઓ પણ છે. એ રીતે પણ શીર્ષક બરાબર લાગે છે. કારણ કે, જિંદગીમાં પણ આ બધું જ છે ને? બીજી એક ખૂબી એ છે કે, આ બધી જ વાતો સહજ અને સરળ ભાષામાં અને એકદમ રસાળ શૈલીમાં લખાઈ છે. એટલે એકવાર શરૂ કર્યા પછી સંપૂર્ણપણે વાંચવી ગમે છે.
કેટલીક ‘ઝીણી’ના જેવી કે પછી નપુંસક પુરુષ દ્વારા પત્નીને થતી કનડગત જેવી વાતો તો એટલી હૃદયદ્રાવક લાગે કે ઊભા થઈને બળવો કરવાનું મન થઈ જાય. કારણ કે, આ માત્ર વાર્તાઓ નથી. પણ બનેલી સત્યઘટનાની સ્મરણકથાઓ છે. મન પર એની ઘેરી અસર રહે છે.
જિંદગીના જુદાજુદા પડાવ પર મળેલા જુદાજુદા માનવીઓની, જુદીજુદી સ્થિતિઓમાં થયેલા પ્રસંગોની સ્મરણકથાને આલેખતાં જયશ્રીબહેનની કલમે અનાયાસે જ તેમનું ખુદનું ચિત્ર વાચકના મનમાં ઉપસતું જાય છે.
ફિલ્મી ગીતોથી પૂરી કરતા અને સિફતપૂર્વક નવી વાત જોડતાં આ લેખિકા જિંદગીને ભરપૂર ચાહે છે. અન્યને સહાયભૂત થતાં રહેવાની ઇચ્છા અને ક્ષમતા ધરાવે છે. પોતે પણ સંઘર્ષોમાંથી પસાર થયાં છે પણ ક્યાંયે ન તો ફરિયાદનો સૂર છે કે ન તો ગમગીનીનું પૂર. છેલ્લું પ્રકરણ તો ‘વાતવાતે મને યાદ આવો તમે’… વાંચતાં વાંચતાં તો ગળે ડૂમો ભરાય અને આંખમાં આંસુ આવે જ, આવે.
છેલ્લે કહેવાનું ગમશે કે, ૨૦ પ્રકરણોમાં પથરાયેલાં અતીતનાં આ આબેહુબ દૄશ્યો અલગ અલગ જિંદગી સાથે મેળાપ કરાવે છે. વાચકના મનમાં ઘેરું ચિંતન અને પડકારો સામે અડીખમ રહેવા માટેનું બળ પૂરું પાડે છે. સાચ્ચે જ..
જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળપળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.
આ પુસ્તક આખું વાંચીને બંધ કર્યા પછી ફરી એકવાર આમંત્રણ આપતાં શીર્ષક તરફ નજર પડી ને એક સ્મિતની લહેરખી છવાઈ ગઈ; એમ વિચારીને કે, હા, જિંદગી તું આવી જ છે. આવ, મળીએ તને..
જયશ્રી મરચંટને અભિનંદન.
~ દેવિકા ધ્રુવ