કવિતા એટલે શું? (વિશ્વ કવિતા દિવસ નિમિત્તે લેખ) ~ અનિલ ચાવડા
૨૧ માર્ચ એટલે વિશ્વકવિતા દિવસ. આ નિમિત્તે કવિતા વિશે થોડી વાત કરવી છે.
સોશિયલ મીડિયાથી કવિઓની સંખ્યા દરિયાકાંઠે મોજું અથડાયાં પછી ઉત્પન્ન થતાં ફીણ જેવી થઈ ગઈ છે. સોશિયલ મીડિયાનાં મોજાંમાં આ ફીણ ક્યાં લગી ટકશે, કોને ખબર? પણ એક વાત ચોક્કસ કે આ માધ્યમો આવ્યાથી સાહિત્ય અને કલાનો પ્રચાર-પ્રસાર વધ્યો છે.
ઘણા જાણીતા કવિઓ-કલાકારોની કૃતિઓ આપણને સીધી જ વાંચવા મળી જાય છે. ઘણા નવા પણ સક્ષમ કહી શકાય એવા અવાજો પણ આ જ માધ્યમથી ઝડપથી બહાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયાનો મોટો આભાર એ કે લોકો સુધી કવિતા પહોંચાડવામાં સુગમતા કરી આપી. ક્યારેક આ મોટો ઉપકાર – અપકાર પણ સાબિત થાય છે.
કવિ જે લખે તે કવિતા? કે જે કવિતા લખે તે કવિ? કવિતા ખરેખર છે શું? પ્રાસની લયબદ્ધ ગોઠવણ? ગાઈ શકાય તે? અલંકારનો સારી રીતે ઓળીપો કર્યો હોય તે? કંઈક વિશેષ અર્થ નીકળતો હોય તે? છંદોબદ્ધ લખાય તે? તો પછી અછાંદસ શું છે?

આમ તો કવિતા લખવી સાવ સહેલી છે. માત્ર સારી કવિતા લખવી અઘરી છે. થોડાઘણા છંદ શીખીને કંઈ પણ કવિતામાં ખપાવી શકાય. હરિકૃષ્ણ પાઠકે એકવાર સરસ વિધાન કરેલું, ‘આપણે ત્યાં છંદનાં ખોખાં ખૂબ લખાયાં છે, એમાં કવિતાનો પ્રાણ પુરાયો નથી.’ છંદ એ શરીર છે, કવિતા તેમાં રહેલો પ્રાણ છે.
ઘણી વાર છંદ જળવાયો હોય, અર્થ પણ નિષ્પન્ન થયો હોય, છતાં હૃદયસ્પર્શી કશું ન હોય. આનું કારણ એ કે છંદ એ કવિતા નથી. તો પછી થાય કે એમાંથી અર્થ તો નીકળે છે, છતાં કવિતા કેમ બનતી નથી? કદાચ અર્થ પણ કવિતા નથી.

એક જાણીતા વિદ્વાને એમ પણ લખેલું કે, ‘શબ્દ કાવ્યનું સ્થૂળ સાધન છે અને અર્થ સૂક્ષ્મ સાધન.’ પણ બહુ ઝીણવટપૂર્વક વિચારીએ તો આ વિધાન સામે પણ પ્રશ્ન થાય. દા.ત., ‘તાજમહેલ પર આતંકવાદી હુમલો થયો’ એવી હેડલાઈન છાપામાં વાંચીએ ત્યારે એમાંથી અર્થ તો નીકળે છે, પણ એ સમાચાર થયા, કવિતા નથી. મતલબ કે અર્થ પણ કવિતા નથી.

લયની વાત કરીએ તો, “તું તારાં કપડાં પહેરે છે, હું મારાં કપડાં પહેરું છું, સૌ સૌનાં કપડાં પહેરે છે.” આમાં પણ એક લય છે, છતાં કવિતા નથી જણાતી.
જોકે ગમે તેમ કરીને ખોદી કાઢનારા તો આમાંથી અનેક અર્થ નિપજાવશે કે કવિએ વૈશ્વિક વિચાર રજૂ કર્યો છે, સર્વ માનવીઓને પોતાની પસંદગી-નાપસંદગી હોય છે, સૌનું જીવન આગવું હોય છે, જે મને થાય તે અન્યને ન થાય તેવો મહાન વિચાર કવિએ આપણી સમક્ષ મૂક્યો છે, ને આવું બીજું ઘણું કહી શકાય. પણ પ્રામાણિકપણે કહીએ તો આમાં ક્યાંય કવિતા જેવું લાગતું નથી.
સમાચાર માટે એક ઉક્તિ કહેવાય છે, ‘કૂતરું માણસને કરડે એ સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર છે.’ કવિતામાં પણ ‘કદાચ’ આવું જ છે. અત્યાર સુધી તમે જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, માણ્યું છે, સમજ્યું છે, અને જે સમજણ તમે સ્વીકારી લીધી છે, એ જ્યારે કોઈ જુદા વિચારથી તૂટે છે, ત્યારે તે કવિતા હોવાની સંભાવના છે.

યાદ રાખજો, અહીં માત્ર ‘સંભાવના’ કહેવાઈ છે. હોય જ એમ નથી કહેવાયું. વળી પ્રશ્ન થાય કે આપણી સમજણ તૂટવાની ઘટના જ કવિતા કહેવાતી હોય તો એવું લય-પ્રાસ-છાંદસ-અછાંદસ વિના પણ થતું હોય છે. હા, થતું જ હોય છે, એટલા માટે જ – કવિતાને જેટલી રીતે સમજીએ એટલી રીત ઓછી છે.
કવિતાની ઓળખ બાબતે કહેવું હોય તો એમ કહી શકાય કે એમાં ભાવની અભિવ્યક્તિ છે, તે છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ, હાઈકુ, સોનેટ કે ગમે તે સ્વરૂપે હોય. ભાવ હોવો જોઇએ.
વળી પ્રશ્ન થાય કે આપણી દૈનિક વાતોમાં પણ ભાવ અને ભાવનાઓ તો હોય જ છે! તો તેને પણ કવિતા કહેવાયને? ના એમ કહેવું પણ ખોટું ઠરશે.
કવિતામાં રોજબરોજ જિવાતા ભાવ-અભાવ, વેદના-સંવેદના, દુઃખ-સુખ, પીડા-આનંદ બધું જ કંઈક વિશેષ રીતે ઘુંટાઈને આવે છે. તેમાં શબ્દ, અર્થ, રસ, લાઘવ, પ્રાસ, લય-ઢાળ, છટા વગેરે ઉમેરાય છે. જો કે કવિતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. કવિતા વિશે જે કહીએ તે બધું જ તેની વ્યાખ્યા કરવામાં ઊણું ઊતરે છે. જેમ મા વિશે કહેવાય છે – મા તે મા, તેમ કવિતા તે કવિતા.
પણ કવિતા કોણ કરે? કવિ? આ તો ઈંડું પહેલાં કે મરઘી – તેના જેવી વાત થઈ. આપણે સાધારણ રીતે કવિતા લખતા માણસને કવિ કહીએ છીએ, કવિ કહીએ તે કવિતા લખતો જ હોય તે જરૂરી નથી. પણ કવિતા ક્યારે થાય, ક્યારે હૃદયના ખરલમાં શબ્દો ઘૂંટાય?
વાંચો જયંત પાઠકની આ કવિતા-

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઇને રમાડવાની આવડત છે?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
જયંત પાઠકે કહ્યું છે તેમ કવિતા નિપજાવવી હોય તો શૂળી પર ચઢવાની હિંમત, અંગારાને હથેળીમાં રમાડવાનું કૌવત, દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત, કરોળિયાના જાળામાં બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ ને એવું ઘણું જોઇએ.
આટલું હોય તો થઇ શકે – કદાચ. જયંત પાઠકે પણ છેલ્લે ‘કદાચ’ ઉમેર્યું છે. તેમણે જે વાત કરી તે શારિરીક રીતે નથી લેવાની. કોઈ માણસ ચૂલાના અંગારા હાથમાં લઇને રમાડે, પછી કાગળ-કલમ લઇ બેસી જાય તો કવિતા ન થાય. આ બધું તો ચેતનાના સ્તર પણ અનુભવવાનું છે, એ અનુભવ્યા પછીય કવિતાનો શબ્દ મળે તો મળે.
સુરેશ દલાલે પણ આ જ સંદર્ભની વાત કરી છે.

કવિતા લખવી હોય તો તમારી ગરજે લખો, કશું થવા કે સાબિત કરવા નહીં.
કવિતા લખવી હોય તો લખો
– લખો તમારી ગરજે.
લખશો એટલે કવિતા થશે જ
એની કોઈ બાંયધરી નહીં આપી શકે.
– પોતે પણ નહીં.
છંદ આવડે કે ન આવડે
કવિતા કોઈ પૂર્વશરતથી આવતી નથી.
એવું પણ બને
કે આવવાની સાથે
એનું કાગળ પર જ બાળમરણ થાય.
પ્રગટ્યા પછી એ તમારાથી છૂટશે.
તમારું નામ ભલે હોય કે ન હોય,
પણ એ શ્વાસ
પોતાના જોર પર જ લેશે.
ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ,
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર
કે વિષાદનો વડલો – આવાં આવાં
રૂપકોને તો એ ફ્ંગોળીને ફેંકી દેશે
તમારી નજર સમક્ષ જ.
આ બધું જોવાની અને જીરવવાની
તાકાત હોય,
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી
લખવાની ભીતરી ગરજ હોય તો
લખવી હોય તો લખજો..
કદાચ, એ કવિતા હોય તો હોય.
કવિતા ઇશ્વરદત્ત હોય, તે સાચું, પણ તે તો માત્ર એકાદ ટકો, બાકી નવ્વાણું ટકા તો પરિશ્રમ જોઇએ. મરીઝનો પેલો શેર છેને-
ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
કવિતા માટે એક તણખો પૂરતો છે. એ તણખામાંથી દીવો પ્રગટે, જ્યોતિ ઝળહળે, ને જ્વાળામુખી પણ ફાટે.
દરેક વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કવિતા સાથે જોડાયેલી હોય છે. કવિતાનો શબ્દ હાલરડાં રૂપે આપણા કાનમાં રેડાવાની શરૂઆત થાય છે, પછી તે રાય્મ્સ થઈને ગણગણાય છે, પછી ફિલ્મોના ગીતો મનમાં ગૂંજે છે. સપાટી પરનાં આ લયતરંગો સમય જતાં તમને ઊંડાણમાં પહોંચાડે છે.

કવિતાના શાસ્ત્રમાં બધાં જ શાસ્ત્રનો સમનવ્ય છે, તેમાં સમાજશાત્ર છે, તો વિજ્ઞાન પણ છે, ગણિત છે તો પર્યાવરણ પણ છે. ધર્મ છે તો આધ્યાત્મ પણ છે. ટૂંકમાં કવિતા એ કવિતા છે, તેના વિશે લખીએ તેટલું ઓછું.
~ અનિલ ચાવડા