ચાર ગઝલો ~ ભાવેશ ભટ્ટ

ગઝલ  ૧. “દિગ્ગજો…..!”

આચરણ રાખે નિખાલસ દિગ્ગજો
એટલાં તો હોય ચોક્કસ દિગ્ગજો

શું ખરેખર હરપળે ખુશ હોય છે ?
દરવખત કરતાં હસાહસ દિગ્ગજો !

છાતી નિર્ધનની બહુ પહોળી થઈ
આજુબાજુમાં છે નવ-દસ દિગ્ગજો

મ્હેલ આરસના ભલે હો કે ન હો
લાગતાં પોતે જ આરસ દિગ્ગજો

જે બતાવે એને મોં માંગ્યું ઇનામ
ક્યાં મૂકી રાખે છે અંટસ દિગ્ગજો !

તું જે કરતો હોય એ અટકાવજે
ખાય જ્યારે સ્હેજ ઉધરસ દિગ્ગજો

તો તો અંદરથી ય હોય જ ને પછી !
બ્હારથી લાગે છે માણસ દિગ્ગજો

ધ્યાન રાખીને કવિતા વાંચજે
જો ગુમાવી દે નહીં રસ દિગ્ગજો
              – ભાવેશ ભટ્ટ

ગઝલ ૨.  “કૂદ્યો છે….!”

પ્રથમ લાગ્યું તરસથી ખૂબ કંટાળીને કૂદ્યોછે
પછીથી જાણ થઈ કે એ તો પાણી પીને કૂદ્યોછે !

જો મન ચકરાય તો રૂમાલ માથે બાંધી લેતો’તો
બધાને એમ લાગ્યું કે કફન બાંધીને કૂદ્યો છે

અનિદ્રાનો હતો રોગી ને ખોવાયો’તો પલકારો
તબીબોએ કહ્યું કે એકદમ જાગીને કૂદ્યોછે !

ખરું છે એ કે ઊંચાઈથી ગભરાતો હતો કાયમ
જરા એ તો જુઓ પણ આંખને દાબીને કૂદ્યોછે

ઘણાં કહેતાં હતાં કે ‘ઊગવાનું ભીંત ફાડીને’
જુઓ એ મૂર્ખ કાગળ કોઈનો ફાડીને કૂદ્યોછે

હતી આદત કે ગુસ્સો સૌનો પોતાના ઉપર કાઢે
કચાવી દાંતને એ મુઠ્ઠીઓ વાળીને કૂદ્યોછે

કદીએ કામ એનું એક કોશિશમાં થયું નહોતું
કશું ફાકી,કશું ચાટી ને નસ કાપીને કૂદ્યોછે

બિચારાએ કદી પડદો ય બારીનો નથી ખોલ્યો
ખબર ફેલાઈ એવી કે કશું જાણીને કૂદ્યોછે

હતા સંજોગ એવા કે રહ્યો’તો દોડતો કાયમ
તો આંગણથી લઈ ધાબા સુધી ભાગીને કૂદ્યોછે

ધરાને ભેટવું એનું ગમે ના પણ આ દુનિયાને
જમાનાની દખલને ધ્યાનમાં રાખીને કૂદ્યોછે

જો એકાદું ય એવું નીકળત તો કળ વળત થોડી
મળ્યું ના કોઈ, જેની વાત ના માનીને કૂદ્યો છે

નનામી લઈ જનારાને વજન કૈં ખાસ ના લાગ્યું
જે ભીતર સંઘરેલું એ બધું કાઢીને કૂદ્યોછે
               –  ભાવેશ ભટ્ટ

ગઝલ ૩.  “અણગમાઓની વચ્ચે….!”

રહું છું નરી સ્પષ્ટતાઓની વચ્ચે
ગમે છે હવે અણગમાઓની વચ્ચે

રસોડાને ખાલી નહીં લાગવા દે
જો મા બેઠી ખાલી ડબાઓની વચ્ચે

મળે આમ મૃતપ્રાય હાલતમાં બાકી
ધબકતો છે કૂવો ઘડાઓની વચ્ચે

જે જાણી ગયો એ સિતારો ખર્યો છે
થતી વાત જે અપ્સરાઓની વચ્ચે

રહ્યા ચૂપ ફુગ્ગાઓ વિસ્તાર બાબત
હતો મામલો ફેરિયાઓની વચ્ચે

છે વ્યવહાર જેવો કલાકારમાં સૌ
હશે સાવ એવો કલાઓની વચ્ચે ?

સ્મશાને જવું ના જવું એક સરખું
સમય રોજ વીતે ચિતાઓની વચ્ચે
            –  ભાવેશ ભટ્ટ

ગઝલ ૪.  “કેવી રીતે…..?”

આવે કોઈના લોહીમાં આવાં લક્ષણ કેવી રીતે ?
પળપળ મરનારાનું વર્તન છે સાધારણ કેવી રીતે ?

હોય જો ઘરમાં બે વાસણ તો ખખડે, એવું કહેનારાંને
એ જોવામાં પણ રસ છે, ખખડે બે વાસણ કેવી રીતે ?

હોય કુશળતા ધાતુમાં પણ પરકાયામાં પ્રવેશવાની !
સ્થિર પડેલો સિક્કો કરતો મનમાં રણઝણ કેવી રીતે ?

સમજાયું કે ભાવ ઉપર છે નિર્ભર, ઊંચા સાદ ઉપર નહીં
કાનના પડદા ફાડી નાખે કોઈ ચણભણ કેવી રીતે !

નિસ્બત ના હો એમાં ભરોસો કરવાનું તો સૌને ગમે છે
કોણ જુએ છે સાથે રહેતાં જોગી જોગણ કેવી રીતે ?

જન્મેલાની પહેલી વેળા આંખ ઊઘડવાની શૈલીથી
ખુશકિસ્મત છે કે બદકિસ્મત, જાણે દાયણ કેવી રીતે !

સાચું એ કે છાપી એક જ પ્રતને કેવળ એને આપો
અર્પણ નીચે નામ લખી બસ થાશે અર્પણ કેવી રીતે ?

એને જાણી લાવો તો એ ખાસિયતોને નષ્ટ કરીએ
આંખ ગમાડે ફરવા માટે કોઈ રજકણ કેવી રીતે ?

આગળ વધવા તળિયે આવી એ ય ઘસારો વેઠી શકશે
વસમી વેળા જોજે, પાની બનતા ઢીંચણ કેવી રીતે !
               –  ભાવેશ ભટ્ટ

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.