મુખવટો (વાર્તા) ~ પૂજા (અલકા) કાનાણી

‘આજે શનિવાર એટલે આકાશને ઓફિસમાં હાફ ડે. બસ અડધો કલાકમાં જ ઘરે આવશે અને આવતાવેંત નાસ્તાની ફરમાઈશ કરશે. લાવને ગરમા-ગરમ મેથીનાં ગોટાની તૈયારી જ કરી લઉં.’

મનોમન બબડતી અવનીએ, ચણાના લોટમાં મેથી સહિત બધાં મસાલા ઉમેરી, ગોટાનું ખીરું તૈયાર કરી, ચણાના લોટમાં ઝબોળાઈ થોડા વધારે રૂપાળા થયેલા હાથને નળની ધાર નીચે ધોઈ નેપકીનથી લૂછ્યો.. ત્યાં મોબાઈલની રિંગ રણકી અને સ્ક્રીન પર ‘ગોસીપ ગર્લ’ નામ ડિસ્પ્લે થતાં અવનીનાં હોઠના ખૂણા પહોળા થયાં. મોબાઈલ હાથમાં લેતાં સામે છેડેથી મધુર અવાજ સાથે વાતોનો દોર ચાલુ થયો.

“હલ્લો, પતિદેવની પ્યારી. અવની રાણી! કાલે કોની પાર્ટીમાં ગયેલી? સ્ટેટસમાં ફોટા જોયા. આકાશે વાઈન કલરનો ટકશીડો પહેર્યો હતો અને વાઈન કલરની રેડી ટુ વેર સાડીમાં તું તો રાજકુમારી લાગી રહી હતી.

આંખમાં આંખ મિલાવી, હાથમાં હાથ પરોવી ફોટો માટે પોઝ આપતાં બંને લવ બર્ડ્સ કેવા શોભી રહ્યાં હતાં! બાય ધ વે આ સાડી ક્યાંથી ખરીદી?”

“એ તો મને પણ ખબર નથી. આકાશે મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી. તેના બેસ્ટ ફ્રેન્ડના લગ્નની સંગીતસંધ્યામાં વાઈન કલરનો  ડ્રેસ કોડ હતો એટલે પોતાના કપડાની સાથે મારા માટે પણ આ સાડી લાવ્યો સાથે મધર્સ ઓફ પર્લનો નેકલેસ પણ લાવ્યો હતો.”

“નસીબદાર છે તું તો! અમારે સરપ્રાઈઝની વાત કરીએ તો સાહેબનું ડાચું દિવેલ પીધા જેવું થઈ જાય અને વધારાના ખર્ચા ગણાવવા માંડે.”

“મારે એ બાબત નિરાંત છે આકાશ મારી પાછળ લખલૂટ ખર્ચો કરે છે. જોને હમણાં મારાં બર્થ ડે પર રિયલ ડાયમંડનું બ્રેસલેટ પણ અપાવ્યું હતું. બાકી, નાનું મોટું તો દરેક ઘરમાં ચાલ્યા કરે એને ઇગ્નોર કરવાનું બરાબર ને? બીજું શું ચાલે?”

“અરે હા, આ વખતે તું કિટીમાં કેમ ન આવી? તારાં વગર મને મજા ન આવી.”

“અચાનક વીક એન્ડમાં આકાશે ફરવા જવાનો પ્લાન બનાવ્યો એટલે ન આવી શકાયું. કેમ શું થયું!”

“અરે, યાર પેલી વહેમીલી છે ને? પ્રિયા! એ કહેતી હતી, તારી બહેનપણીને કહેજે,  ‘સ્ટેટ્સ અને fbની સ્ટોરીમાં બહુ ફોટા ના મૂકે, ક્યાંક કોકની નજર લાગી જશે.’ મેં તો એવું મોં બગાડયું કે ન પૂછ વાત.”

“તારે કહેવાય ને કે આકાશ ઢાલ બનીને ઊભો છે પછી અવનીને કોની નજર લાગે! સાચે આવા વાહિયાત વિચારવાળા લોકોથી મને સખત નફરત છે. કોઈની સુખી જિંદગી જોઈ મન ફાવે તેવી વાતો કરે!”

“તો શું! અને હા પેલી મેચિંગ સેન્ટરને કોઈ સાથે ઝઘડો થયો લાગે છે. બધાં ગ્રૂપમાં ફિલોસોફીના એવા મેસેજ આવ્યા હતા.”

“હા, યાર મને પણ એવું લાગ્યું. મને પણ હાથીના દેખાડવાના જુદા ને ચાવવાના જુદા…નામ બડે ઓર દર્શન ખોટે.. એવાં કેટલાંય મેસેજ આવ્યાં હતાં.”

“પેલી ધર્મપરાયણ સન્નારી ધર્મિષ્ઠા આ વખતે કુંભમેળામાં સ્નાન કરી આવી તો પોતે પવિત્ર અને બીજા બધા પાપી હોય એવું પ્રવચન કરતી હતી. ‘અત્યારે નાની ઉંમરમાં ભગવાનનું નામ લઈ ભજન-કીર્તન કરી લેવાય. ઘરડા થઈએ ત્યારે હાથ-પગ ન ચાલે એવું કેટલું બધું…’

બાપ રે.. તેનું ભાષણ સાંભળી બધાંનાં કાન પાકી ગયા હતાં. નીપાએ તો કહી જ દીધું, ‘ધર્મિષ્ઠાબહેન કથા પ્રવચનનો પણ એક સમય હોય. આપણે કિટીમાં એન્જોય કરવા ભેગાં થયાં છીએ, નહીં કે બોર થવા!’ ત્યારે બહેન શાંત થયા. અલી ક્યારની હું જ બોલું છું તું તો કશું બોલ.”

“શું બોલું? તારી વાતો કરવાની સ્ટાઈલ એવી મસ્ત  છે. મને થાય કે હું તને સાંભળ્યા જ કરું અને એટલે જ મેં મારાં મોબાઈલમાં તારું નામ પૂજા નહીં ‘ગોસીપ ગર્લ’ સેવ કર્યું છે.”

“વાહ, બેનબા હું ગોસીપ ગર્લ અને તું? જોજે હો ખોટું ન ધારતી મારા વિશે! હું તને બેસ્ટ ફ્રેન્ડ માનું છું એટલે જે મનમાં આવે એ ઠપકાર્યા કરું. બાકી કોઈ સાથે આવી મીઠી પંચાતનો વહેવાર નથી.”

“મારે પણ એવું જ છે ને! તારી સાથે બે ઘડી પંચાત કરું એટલે મજા આવે બાકી આકાશને ખબર પડે તો એ તરત કહે,

‘કોઈ મૂવી જોઈ આવ. બહાર ફરી આવ. ડ્રાઈવર મોકલું. આવી નાહકની વાતોમાં શું સમય બગાડવો!’ એને શું ખબર પડે કે આ તો એક મફતની મજા છે! એક કામ કરીએ કાલે સ્ટારબકસમાં મળીએ? આજની અધૂરી વાતો કાલે કરીશું.

ચાલ અત્યારે મારે મોડું થાય છે. હમણાં મારાં પતિદેવ આવશે એ પહેલા હું અને મારું ઘર બંને વ્યવસ્થિત થઈ જઈએ! આકાશને બધું અપ ટુ ડેટ  જોઈએ. શી ખબર અચાનક કોઈ મોટી રેસ્ટોરન્ટમાં ડિનર માટે પણ લઈ જાય! આકાશનું કંઈ નક્કી નહીં. ચાલ, ત્યારે બાય.”

બીજા દિવસે સ્ટારબક્સ કોર્નર ટેબલ પર બંનેએ બેઠક જમાવી જ્યાંથી બધાંને આવતાં-જતાં જોઈ શકાય. બ્લુબેરી મફીન્સ, માચો કોફી અને ચીલી ચીઝ ટોસ્ટના કરેલા ઓર્ડરને ન્યાય આપતાં બંને સખીઓ વાતો કરવા લાગી. ત્યાં અચાનક આકાશને આવતા જોઈ અવની ફટાફટ ઊભી થઈ ગઈ.

“એક મિનિટ આવું.”કહીને અવની આકાશ તરફ સરકી.

આકાશને જોતા જાણે અવનીનાં ચહેરાની રંગત ઊડી ગઈ હોય એવું પૂજાને પ્રતીત થયું.

“તું, અહીં ક્યાંથી? એ પણ આવાં વેશે? તને મારા સ્ટેટસની પડી જ નથી ને? મારો એક ક્લાઈન્ટ મને અહીં મળવા આવવાનો છે. એ આવે એ પહેલાં અહીંથી નીકળી જા.” એમ કહી કચકચાવી કાંડુ પકડી આકાશે, અવનીને સાઈડમાં લીધી.

“ધીરે તો બોલ. મારી ફ્રેન્ડ સાંભળી જશે તો?” કાંડા પર પહેરેલાં રિયલ ડાયમંડના બ્રેસલેટની ઊઠી આવેલી છાપને પંપાળતા અવની પૂજા પાસે આવી અને કહેવા લાગી.

“થોડીવારમાં આકાશ તેના ક્લાયન્ટ સાથે ઘરે આવે છે અને અમારે એક પાર્ટીમાં પણ જવું પડે એમ છે. પાછું એકદમ ટનાટન તૈયાર થઈ જવું પડે ને? આફ્ટર ઓલ આકાશ સાથે જવાનું છે. ચાલ ત્યારે હું નીકળું. પછી મળીએ.”

ઘરે આવી અવની એ પલંગ પર પડતું મૂક્યું અને એ.સી ચાલુ કર્યુ. કાંડા પર થતી બળતરા હળવી કરવા આઈસ પેક મૂક્યો. હૃદય અને મન પર થતી બળતરા માટે મજબૂરી નામનો મલમ હાથવગો જ હતોને!

આમતેમ પડખાં ફેરવવા લાગી કદાચ ઊંઘ આવી જાય પણ એ બધાં પ્રયત્નો વ્યર્થ લાગતાં તે આંખો બંધ કરી જીવતી લાશની માફક પડી રહી. ત્યાં થોડીવારમાં બીજી ચાવી વડે દરવાજો ખોલી આકાશ સીધો બેડરૂમમાં આવી અવનીની બાજુમાં આડો પડ્યો અને અવનીને નજીક ખેંચી. અવની તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતા ગુસ્સે થઈ અવનીનાં ગાલને જોરથી ખેંચતા કહેવા લાગ્યો.

“હમણાં ફેસ યોગા કરવાનો સમય નથી મળતો? જો તો ગાલ કેવા ફૂલી ગયા છે.” અવની કશો પ્રતિકાર કરે એ પહેલાં આકાશના હાથ અવનીના કોમળ અને રૂપાળા અંગો પર ફરતા રહ્યાં. અધખુલી આંખે અવનીએ બારીની બહારનું દ્ર્શ્ય જોયું તો બગીચામાં ખીલેલાં ફૂલ પર ભમરો બધો રસકસ ચૂસીને ગુંજન કરતો ઊડી રહ્યો હતો.

“અવની ડાર્લીંગ થોડીવાર આરામ કરી એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જજે. શિફોન સાડી અને બેકલેસ બ્લાઉઝ પહેરજે અને હા બોસની પાર્ટી છે. થોડું ડ્રીંક પણ લેવું પડશે. નખરાં કરી તારી મિડલ ક્લાસ મેન્ટાલિટી છતી ન કરીશ.” શર્ટના બટન બંધ કરતાં કરતાં આકાશ બેડરૂમની  બહાર નીકળી ગયો.

ધીરે રહીને આંખ ખૂલતાં અવની ખાલી છતને તાકવા લાગી. જ્યાં તેની માતા તેને લગ્ન સમયે કહી રહી હતી એ દ્રશ્ય ઉપસી આવ્યું.

“બેટા, પડ્યું પાનું નિભાવી લેજે. તારું એક આડુંઅવળું પગલું તારાં ભાઈ-બહેનની જિંદગી બરબાદ કરી શકે છે. આપણાં જેવા ગરીબ ખોરડાંને માંડ આટલું મોટું ઘર મળ્યું છે. થોડામાં બધું સમજજે.”

બંધ આંખમાં આવેલાં આંસુને અવનીએ પતઝડમાં ખરતાં પાંદડાંની માફક ખેરવી નાખ્યાં અને બાથરૂમ તરફ ભાગી. શાવર નીચે દેહને પડતો મૂકી ઘસતી રહી. કદાચ અણગમતો સ્પર્શ પણ ધોવાઈ જાય.

નાહીને બાથરોબ પહેરી નીકળી આદમકદના આઈના સામે પોતાની કમનીય કાયા પર મેકઅપના થપેડા લગાડવા માંડી. મોસ્ચરાઈઝર, કન્સિલર, ફાઉન્ડેશન, કોમ્પેક અને બ્લસર વડે ગાલ પર પડેલા ચકામાંને ઢાંકી દીધા. કાજલ, આઈ શેડો અને આઈ લાઈનર વડે આંખોની ઉદાસી આસાનીથી છુપાવી દીધી.

છેલ્લે આંખોની ખૂબસૂરતી વધારવા મશ્કરા લગાડતી વખતે આઇનામાં પોતાની આંખના પ્રતિબિંબ સાથે માની આંખોની લાચારીનું પ્રતિબિંબ ઝીલાયું।  હળવે રહીને તેણે આંખો બંધ કરી એને ભીતર સમાવી દીધું.

રાણી કલરની સાડી અને તેનાં મેચિંગ ઓર્નામેન્ટ્સ સાથે અવની ફૂલફટાક તૈયાર થઈ બેડરૂમની રૂમની બહાર નીકળી. તેને જોઈ આકાશે એક આંખ મીંચી પોતાની નજીક ખેંચી અને જોરથી ભીંસી અને સેલ્ફી માટે પોઝ લીધો.

ફોટો પાડ્યો અને અવનીનાં મોબાઈલમાં સેન્ડ કર્યો. દર વખતની જેમ અવનીએ હસીને એફ.બી.ની માય સ્ટોરીમાં ફોટો અપલોડ કર્યો. બેકગ્રાઉન્ડમાં ગીત સેટ કર્યું. ‘સાંવરિયો રે.. મારો સાંવરિયો..’

અવનીએ માય સ્ટોરીમાં મૂકેલો ફોટો જોઈ પૂજાએ નિપાને ફોન લગાડ્યો. સ્ટારબક્સમાં જોયેલી અવનીની હકીકત ગોસીપ ગર્લ કેવી રીતે છુપાવી શકે!

~ પૂજા (અલકા) કાનાણી
kananips@gmail.com
મોબાઈલ નંબર: 8460886404

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment