“આજે પણ આવું થાય છે..?” ~ ચરિત્ર લેખ ~ લેખિકાઃ અવંતિકા ગુણવંત
(આવી વાતો જ્યારે વાંચવામાં કે સાંભળવામાં આવે ત્યારે લાગે છે કે આ દુનિયા હજુ જીવવા જેવી છે. આજના સ્પર્ધાવાળા અને સતત ભાગતા રહેતા જીવનમાં કોઈને કોઈની ખબર લેવાનો સમય નથી ત્યારે, આજે પણ, “હાઈ પ્રોફાઈલ” ધરાવતા સંતાનો પોતાની કેરિયર સાથે વૃદ્ધ માતા-પિતાને પણ સાચવે અને એ પણ હસતા મોઢે, ત્યારે સાચે જ થાય કે હજુયે આ દુનિયા ટકશે. )
ડૉ. મિનાક્ષી અને ડૉ. હિમાંશુના પુત્ર પ્રત્યુષના વિવાહ પ્રસંગે વિશાળ પાર્ટી પ્લોટમાં ડીનર ચાલતું હતું. આનંદનો પ્રસંગ હતો. સૌ પોતપોતાનાં ગ્રુપમાં નિરાંતે જમતા હતાં અને અલકમલકની વાતો કરતાં હતાં.
ત્યાં ડૉ. રેણુ અને ડૉ. શ્રીરામ સોનીનું આગમન થયું. એમને જોઈને સૌને નવાઈ લાગી.

“અરે વર્ષોથી પાર્ટી પિકનિકમાં આવતા ન હતાં ને આજે ક્યાંથી ઝળક્યાં?” આમંત્રિત મહેમાનોમાંથી કોઈકે કહ્યું
ડૉકટર શાહ બોલ્યા; “તમને ખબર નથી, ડૉ. શ્રીરામના પપ્પા રમણભાઈ સોનીનું અવસાન થયું એટલે હવે તેઓ છૂટાં થયાં, આ પહેલાં એમના મમ્મી પથારીવશ હતાં, સંડાસ-બાથરૂમ બધું જ પથારીમાં – સાત વર્ષ સુધી તેઓ તદન બેડ-રીડન હતાં.
એ ગયાં પણ રમણલાલ વૃદ્ધ,કાને પૂરું સાંભળે નહીં, આખે પૂરું દેખે નહીં એટલે એમને એકલા મૂકીને તેઓ આનંદપ્રમોદ માટે કયાંય નીકળતાં નહીં. રમણલાલ તો થોડા મહિના માટે જ સદી ચૂકી ગયા. નહીં તો એ સો વર્ષ પૂરાં કરત.’’
ડૉ. જાની કહે, ‘‘ઠીક છે હવે, એ શતાયુ થાત, એમનો “જયજયકાર થાત પણ એમની સેવા કરવામાં આ બેય જણ ઘરડાં ના થઈ ગયાં? યાર, જુવાનીમાં તો હરવાફરવાનું ને મોજમજા કરવાની હોય. વળી બેઉ ડૉકટર છે, સારું કમાય છે તો બાપુજી માટે માણસ ના રખાય? માણસ એમને સાચવે ને સેવા કરે.”
કોઈ એક એવો ટોપિક મળી ગયો કે હાજર રહેલામાંથી કોઈક બોલ્યું; “શ્રીરામના બાપે એમની જુવાની નહીં ભોગવી હોય? રંગરાગ નહીં કર્યાં હોય? અને આ બે વેદિયાઓએ ઘરડાંની પાછળ ઘસાઈને યુવાનીનાં સોનેરી વરસો વેડફી માર્યાં, કહે છે કે એમના સંડાસ-બાથરૂમે તેઓ જાતે સાફ કરતાં. એમનું એકેએક કામ તેઓ જ કરતાં. રાતે શ્રીરામ એમની પાસે સૂઈ રહેતા.”
ડૉ. વ્યાસ કહે, ‘‘બધી ઘેલછા, વેવલાઈ ને દેખાડો. દુનિયામાં કોનાં ઘરડાં માબાપ માંદા નથી રહેતાં? પથારીવશ નથી રહેતાં? તો સંતાનો એમનું બધું કરવા બેસી જાય છે? એ તો માણસ રાખવાનો હોય, આપણે માત્ર ધ્યાન રાખવાનું હોય કે એમને કોઈ અગવડ ના પડે. મને તો લાગે છે આમનામાં આદર્શનો અતિરેક છે, લોકો એમને ‘શ્રવણ દીકરા’નો એવોર્ડ આપે, વાહ વાહ કરે.”
ડૉ. શાહ કહે, ‘ના ભાઈ, તમે અનુમાન કરો છો એવા દંભ- દેખાડા ન હતા. તેઓએ સાચી ભાવનાથી ચાકરી કરી છે. તમે જુઓ તો નાના બાળકને આપણે સાચવીએ, એ રીતે તેઓ માબાપને સાચવતાં હતા. એમની નાનામાં નાની સગવડ જોતાં હતા. માબાપની નાનામાં નાની ઈચ્છા એમના માટે અગત્યની બની જતી, અને એને જરૂર સંતોષતાં.”
“મારાથી તો આવી રીતે ના જીવાય. અરે, જુઓ એ લોકો આપણી બાજુ જ આવતાં લાગે છે.’’ ડૉ. પ્રદીપ બોલ્યો.
રેણુ અને શ્રીરામ મિત્રોને મળતાં મળતાં આગળ વધતાં હતાં. આ ગ્રુપ પાસે આવ્યાં ને વાતે વળગ્યાં.
ડૉ. પ્રદીપે કહ્યું, “તમે બેઉએ ના માની શકાય એટલી સરસ માબાપની ચાકરી કરી. તમને ધન્યવાદ ઘટે.”
“માબાપનું ઘડપણ સાચવીએ, એમાં આપણે નવાઈ નથી કરતાં. આપણને બાળપણમાં એમણે કેટલા હેતથી લાડ લડાવ્યાં હશે? આપણને ઉછેરવામાં એમણે કેટલું કષ્ટ વેઠયું હશે? તો આ તો આપણી ફરજ છે. વળી આપણે બધાં ડૉકટર છીએ, માનવમાત્રની સેવા કરવાની આપણે પ્રતિજ્ઞા લીધી હોય છે, તો આપણાં માબાપની સેવા તો સૌથી પહેલાં કરવાની હોય.”
“તમારી વાત સાચી છે, તેઓ માંદા હોય ત્યારે કાળજીથી એમને ટ્રીટમેન્ટ આપીએ, પણ એમનાં મળમૂત્ર બધું સાફ પણ જાતે કરવાનું? ‘સૂગ ન આવે?” કોઈક બોલ્યું.
“આપણે તો ડૉક્ટર છીએ, આપણને સૂગ શાની?” ડૉ. શ્રીરામ બોલ્યા.
“તમે જે કહો છો એ સિદ્ધાંતની દૃષ્ટિએ બરાબર છે પણ બધું જાતે જ કરવાના આગ્રહમાં તમારી યુવાની આખી હોમાઈ ગઈ. એના કરતાં કોઈ તાલીમ પામેલી આયા કે નર્સ રાખી શકયાં હોત.”
ડો. શ્રીરામ સાવ સહજતાથી કહે, “રાખી શકાઈ હોત પણ આપણે કરીએ ને બીજાં કરે એમાં ઘણો ફેર પડી જાય. એક સામાજિક પ્રસંગે બહારગામ ગયા વગર ચાલે એમ ન હતું. અમે એક વિશ્વસનીય સંસ્કારી દંપતીને મારી બા પાસે મૂકીને ગયાં હતાં. પણ પાછા આવીને શું જોયું? પૂરી સ્વચ્છતા નહોતી જાળવી તો બાને ચાંદાં પડી ગયેલાં. બાને વારે વારે પેશાબ થાય તો કોણ બદલાવે? ત્યાર પછી અમે પ્રતિજ્ઞા લીધી કે બા-બાપુજીને કોઈને ભરોસે મૂકીને જવું નહીં.”
“પણ તમને કયારેય કંટાળો ન્હોતો આવેલો?”
“માણસ છીએ, કયારેક કંટાળો આવી જતો પણ એ કંટાળો એવો તીવ્ર નહીં કે એમને બીજાના ભરોસે છોડીને અમે નીકળી પડીએ. અમે બેઉ હોસ્પિટલમાં જોબ કરીએ છીએ, રેણુ સવારે જાય ને બપોરે બે વાગે પાછી આવે, હું બપોરે બે વાગે જાઉં, તો રાતે આઠ વાગે આવું. આમ ઘરમાં એક જણ તો હોય જ,” શ્રીરામે કહ્યું.
“તમારી વ્યવસ્થા તો પરફેકટ ગોઠવાઈ હતી, પરંતુ આમ માબાપની સેવામાં ઓગળી જવામાં તમે કશું ગુમાવ્યું હોય એમ નથી લાગતું? હૃદયમાં કયાંય ચચરાટ નહોતો થતો?” બીજા કોઈ મિત્રએ પૂછ્યું.
“સાચું કહું તો એક વખત થયો હતો, પણ એય ખૂબ થોડા સમય માટે. અમે ફલેટમાં રહીએ છીએ, મિત્રો સાથે પ્લોટ જોવા જવાનું હતું. નાનકડા પ્લોટમાં આપણું સ્વતંત્ર, આપણી મરજી મુજબ બંધાયેલું ‘ઘર’ અમારું સ્વપ્ન હતું. પણ મિત્રો સાથે અમે જઈ શકયા નહીં, જમીન ખરીદી શકયાં નહીં, અમારું મકાન બંધાવી શકયાં નહીં અને હવે તો ભાવ આસમાને પહોંચ્યા છે, અમારું સ્વપ્ન હજી તો સ્વપ્ન જ રહ્યું છે.
વળી મિત્રોને હળવામળવાનું ઓછું થઈ ગયું તેથી અમે અમારા મિત્રોથી દૂર થઈ ગયાં. પણ બાપુજીના સાહિત્યકાર મિત્રો આવતાં. તેમની અંતરંગ વાતોથી અમને એટલું બધું જાણવા મળતું કે અમે કશું ગુમાવીએ છીએ એવું લાગતું નહીં.”
“પણ ઘરડાં તો બહુ કચકચિયા હોય, વળી તમારાં બા સતત પથારીમાં રહેવાથી ચીડિયાં પણ થઈ ગયાં હશેને?”
“ના બાએ કદી કચકચ કે ફરિયાદ નથી કરી અને બાપુજી તો એક સંત હતા. કોઈ અપેક્ષા નહીં, કોઈ માંગ નહીં. સાંભળે ઓછું એટલે વાતચીત બહુ ના થાય, પણ દરેક આવનારને પંપાળે અને હેત દર્શાવે.
એમની પાસેથી વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારતની વાતો – એના અર્થઘટન સાંભળીએ અને આપણે કંઈક પામ્યાં હોઈએ એવું લાગે. અમારા સંતાનોમાંય એમના લીધે સંસ્કાર સિંચન થયું છે.”
****
વાચકમિત્રો, આ રેણુ કોણ એ જાણો છો? ૨૦૦૧માં ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે અમદાવાદસ્થિત એમનો ફલેટ પણ ઝૂલવા માંડયો હતો, સૌ પોતાના ફલેટ છોડીને નીચે ઊતરી રહ્યા હતાં. ત્યારે રેણુબેન તો પોતાના સસરાનો હાથ પકડીને પોતાના ફલેટમાં જ રહ્યાં હતાં. સસરાએ કહ્યું, “તું નીચે જતી રહે.”
“બાપુજી, તમને મૂકીને હું કેવી રીતે જાઉં?” નિષ્ઠાવાન પ્રેમાળ વહુએ કહ્યું. વયોવૃદ્ધ સસરા ત્રણ દાદરા ઊતરી શકે એમ ન હતા, તો રેણુબેન પણ ઉપર જ રહ્યાં. આવા નસીબદાર હતા આપણા સુપ્રસિદ્ધ સાહિત્યકાર આદરણીય, સ્વ. શ્રી રમણલાલ સોની.
***********
(“જનક્લ્યાણ”ના સૌજન્યથી સાભાર.)
લેખિકા પરિચયઃ
અવંતિકા ગુણવંત

અવંતિકા ગુણવંત, સ્વ. શ્રી રમણલાલ સોનીના કૌટુંબિક સ્વજન જેવા હતાં. બી.એ.માં મુખ્ય વિષય અંગ્રેજી અને એમ.એ.માં ગુજરાતી, આથી બેઉ ભાષા પર સરખું પ્રભુત્ત્વ. એમણે વીસ પુસ્તકો લખ્યાં છે.
એમના લખાણોમાં ભરપૂર વિષયવૈવિધ્ય અને એવું જ સુંદર આલેખન. અવંતિકાબહેનની નિરીક્ષણશક્તિ અને પ્રસંગના ઊંડાણમાં જઈને તથ્યનું નવનીત તારવી લેવાની આવડત એમના લખાણમાં તાદૃશ્ય થાય છે.
અવંતિકાબહેને બાળકો અને મોટેરાંઓ માટે વાર્તાઓ, નિબંધો અને પ્રસંગચિત્રો લખ્યાં છે. “જન્મભૂમિ-પ્રવાસી”, “ફૂલછાબ,” “મુંબઈ સમાચાર”માં એમણે કોલમો પણ લખી છે અને “કુમાર” અખંડ આનંદ” “જનકલ્યાણ” જેવા અનેક સામયિકોમાં એમનાં લેખો અવારનવાર છપાતા રહ્યા છે.
એમનું સર્જન ફલક વિષય વૈવિધ્યને કારણે ખૂબ વિશાળ હતું. એમનાં કેટલાક નિબંધો અને વાર્તાઓના હિંદી, મરાઠી, તામિળ અને ઉડિયા ભાષામાં અનુવાદો થયા છે. એમને કુમાર ચંદ્રક અને સંસ્કાર પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.