વાંસનાં બટન ~ વાર્તા ~ ડૉ. બાબુ સુથાર
દર રવિવારની જેમ આ રવિવારે સાંજે પણ હું અવિચળને મળવા ગયો. ‘અવિચળ’એક ઉપનામ. એનું મૂળ નામ તો મફતભાઈ લાલજીભાઈ મીસ્ત્રી. એ એક ગામડામાં જન્મેલો. ત્યાં જ ભણેલો. પછી કૉલેજ કરવા વડોદરા ગયેલો. ત્યાં એણે ગુજરાતી વિષય સાથે માસ્ટર ડીગ્રી લીધેલી. પછી એ મુંબઈની એક કૉલેજમાં ગુજરાતીના પ્રોફેસર બનેલો. એ દરમિયાન એમણે લેખનકાર્ય શરૂ કરેલું. એણે હોરર નવલકથાઓ લખી. વાર્તાઓ પણ લખી. ક્યારેક કવિતા પણ લખી. કેટલાક લોકો એને ગુજરાતી ભાષાના એડગર એલન પો તરીકે ઓળખાવે છે. જો કે, અવિચળ ઘણી વાર કહેતો કે જે લોકોએ પોને કે મને બરાબર ન વાંચ્યો હોય એ જ મને પો સાથે સરખાવે. પો ક્યાં ને હું ક્યાં?
અમે બન્ને પૂર્વ ઘાટકોપરમાં રહીએ. એ ‘સેવન રેઈનબો’માં, હું ‘રેડ ઑટમ’માં. એ બારમા માળે, હું આઠમા માળે. અમારાં બહુમાળી મકાનો પાસપાસે. વચ્ચે એક રસ્તો જ. એમને એક દીકરો છે. બેંગ્લોરમાં એની પોતાની કંપની છે. આઈ.ટી.ની. એમનાં પત્નીનું બેત્રણ઼ વરસ પહેલાં જ અવસાન થયેલું. બહુ ભલાં બાઈ હતાં.
હું પરણેલો. મારાં પત્ની હયાત છે. મારે બે દીકરા છે. બેય મુંબઈમાં. બન્નેને પોતપોતાનો વ્યવસાય. હું ક્યારેક એમને એમનો વ્યવસાય ચલાવવામાં મદદ કરતો હોઉં છું. બાકી નિવૃત્ત જીવન જીવું છું. જો કે, મને હજી સાઈઠ થયાં નથી. હવે મારે કમાવાની જરૂર નથી. હું મારો સમય વાંચવા, વિચારવામાં ગાળું છું. મને સારી ગુણવત્તાવાળું સાહિત્ય વાંચવાનો શોખ છે.
હું દર રવિવારે સાંજે અવિચળને મળવા જાઉં. આમ તો હું એના ત્યાં ગમે ત્યારે જઈ શકું. એ મારા ભાઈ જેવો. એટલે સુધી કે એણે એના ફ્લેટની એક ચાવી મને પણ આપી રાખી છે. એ ઘણી વાર કહેતો: ન કરે નારાયણ અને હું મરી જાઉં તો આ ચાવી વડે તું મારો ફ્લેટ ખોલી શકે. હું એને કહેતો: હોરર કથાલેખકો મરણની વાત વધારે કરે; જીવનની ઓછી.
રવિવારે અમે મળીએ ત્યારે ભાતભાતની વાતો કરીએ. ક્યારેક પુસ્તકોની. ક્યારેક એણે લખેલી કોઈક નવલકથાની કે વાર્તાની. એ હોરર વાર્તાઓની વાત બહુ કરતો. એ જ રીતે, હોરર અંગેની ફિલસૂફીની પણ. એ મને ઘણી વાર કહેતો કે મને મનુષ્ય અને મનુષ્યના વચ્ચેના સંબંધોમાં રહેલા હોરરમાં ખૂબ રસ છે.
આ રવિવારે હું એમને મળવા ગયો ત્યારે એ એની ટેવ પ્રમાણે એની બેઠક રૂમમાં હિંચકા પર બેઠેલો હતો. હિંચકા પર થોડાંક પુસ્તકો પણ પડેલાં હતાં. એમાં લવક્રાફ્ટનું Supernatural Horror in Literature અને થોમસ લિગોત્તીનું The Conspiracy Against the Human Race પુસ્તકોનો સમાવેશ થતો હતો. લવક્રાફ્ટ અને લિગોત્તી બન્ને અમેરિકન હોરર લેખક. પો પછી એને સૌથી વધારે ગમતા હોરર લેખકોમાં એ બન્ને લેખકો ઉપરાંત બિએર્સનો પણ સમાવેશ થતો હતો.
એ બન્ને પુસ્તકો બતાવતાં અવિચળે મને કહેલું, “હોરર કથાઓ સમજવા માટે તારે આ પુસ્તકો પણ વાંચવાં જોઈએ. તને ખબર છે કે જે પાત્રો વાસ્તવિક જગતમાં અદૃશ્ય હોય એ હોરર જગતમાં દૃશ્યમાન બને. વાસ્તવિક જગતમાં પણ રાક્ષસો હોય છે, પ્રેત પણ હોય છે. પણ એ આપણને દેખાતાં નથી. હોરર કથાઓમાં એ દેખાતાં હોય છે. એ જ રીતે, જે પશુઓ વાસ્તવિક જગતમાં મનુષ્યની ભાષા ન બોલે એ જ પશુઓ પાછાં હોરર જગતમાં મનુષ્યની જેમ બોલતાં હોય છે. તું વિચાર કર. કેટલી બધી વાર્તાઓમાં મૃતદેહો બોલતા હોય છે!”
અવિચળ હંમેશાં મને અવનવાં પુસ્તકોની વાત કરતો. એમાંનાં મોટા ભાગનાં હોરર કથાઓનાં અથવા તો હોરર ફિલસૂફી પરનાં પુસ્તકો હોય. પછી એ મને કહે, “દરેક હોરર લેખક એના જમાનાના માણસો માટે લખતો હોય છે. ક્યારેક એ માણસો એવી કથાઓને સમજી શકતા નથી.” મેં એને પૂછેલું, “તું આપણા જમાનાના કયા માણસ માટે લખે છે? હવે તો લોકો હોરર કથાઓને પણ પીત્ઝા સ્લાઈસની જેમ જોતા હોય છે.” તો એ કહે, “મારે એકાદ વાર્તામાં પિત્ઝા સ્લાઈસમાંથી હોરર ઊભો કરવો છે.” પછી થોડી વાર વિચારીને એ કહે, “એક કામ કરું. એક એવું શહેર કલ્પું કે જેમાં જે કોઈ માણસ પિત્ઝા ખાય તો એ સાથે જ એ એક વિચિત્ર પશુમાં ફેરવાઈ જાય.” મેં કહ્યું, “જો બધા જ માણસો પશુમાં ફેરવાઈ જાય તો તો સારું. પછી એ શહેરમાં માણસો હોય જ નહીં.” તો એ કહે, “ના, મને લાગે છે કે મારે કેવળ પરણેલા પુરુષો જ પશુ બની જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. એમની પત્નીઓ ભલે માણસ રહે.”
મને એની વાત ગમેલી. એટલે સુધી કે મેં પણ એક ક્ષણ પૂરતા મારી જાતને એવા એક પશુ જેવી કલ્પી નાખેલી. એટલું જ નહીં, મેં એવી કલ્પના પણ કરેલી કે હું મારી પત્નીની સામે એ પશુના દેહે ઊભો છું અને એને સમજાવી રહ્યો છું કે હું એનો પતિ છું. મને જરાક ડર પણ લાગી ગયેલો.
એ ક્યારેક કોઈક નવી નવલકથા કે નવી વાર્તા લખતો હોય ત્યારે એની પણ વાત કરતો. રવિવારે સાંજે હું જ્યારે એને મળવા ગયો ત્યારે એ એક હોરર વાર્તા પર કામ કરી રહ્યો હતો. એણે મને કહેલું કે એ મધુ રાયના ‘મમતા’ સામયિક માટે એક હોરર વાર્તા લખી રહ્યો છે. એમ કહીને એણે ઉમરેલું, કે મધુ રાય મારા જૂના મિત્ર છે એટલે મારે પુરસ્કાર નથી જોઈતો. પણ મારે એમના માટે એક વાર્તા તો લખવી જ પડશે.”
“તો તેં એ વાર્તા વિશે કંઈ વિચાર્યું છે ખરું?” મેં જિજ્ઞાસાવશ એને પૂછ્યું.
એ કહે, “હા. તને ખબર છે કે હું કોઈ પણ વાર્તા એકી બેઠકે લખી શકતો નથી. હું દરેક વાર્તા પહેલાં ટુકડાઓમાં લખતો હોઉં છું. એક એક ટુકડો એક એક કાગળ પર. પછી એ કાગળોને યોગ્ય ક્રમમાં ગોઠવીને હું એમાંથી એક સળંગ કથા બનાવતો હોઉં છું. હું માનું છું કે આ જગત ટુકડાઓમાં વહેંચાયેલું છે.” મને એની આ ફિલસૂફીની ખબર હતી. કેમ કે અમે જ્યારે પણ હોરર કથાઓની વાત કાઢીએ ત્યારે એ આ ફિલસૂફીનો અવશ્ય ઉલ્લેખ કરતો.
મેં કહ્યું, “તો આ ટુકડાઓની વાત તો કર મને. બની શકે કે હું તને ક્યાંક મદદ કરી શકું.” એ એની વાર્તાના ટુકડાઓની મારી સાથે વાત કરે ત્યારે ઘણી વાર હું એને એ ટુકડાઓમાં સુધારા સૂચવતો હોઉં છું. એટલું જ નહીં, ક્યારેક તો હું એને એ ટુકડા કઈ રીતે જોડવા જોઈએ એ વિશે સલાહ પણ આપતો હોઉં છું.
એ તો જાણે કે રાહ જોઈને બેઠો હોય એમ એણે એની નવી વાર્તાની વાત કરવાનું શરૂ કર્યું: “સાંભળ, હું આ વાર્તામાં એક માણસની વાત કરવા માગું છું. એ યુવાન હતો ત્યારે એને એક યુવતિ સાથે પ્રેમ હતો. પણ મૂંગો. બન્ને એકબીજાને ચાહતાં પણ કોઈએ એકબીજા સાથે એની કબૂલાત કરી ન હતી. પાછી બન્નેની જ્ઞાતિ જુદી.”
મેં હસીને કહ્યું, “તમે વાર્તાકારો હંમેશાં એક પુરુષ લઈ આવો. પછી એક સ્ત્રી લઈ આવો. પાછા બન્ને જુદી જુદી જ્ઞાતિનાં હોય. પછી બન્નેની વચ્ચે પ્રેમ કરાવો. પછી એ પ્રેમ સફળ ન થાય. વચ્ચે જ્ઞાતિ આવે. કે બીજું કંઈક આવે. મને તો સાચે જ કંટાળો આવે છે આવી વાર્તાઓથી.”
અવિચળ કહે, “કથા ગમે તેવી હોય. કથન મહત્ત્વનું હોય છે. તું મારી વાત સાંભળ તો ખરો.”
મેં કહ્યું, “ભલે. પછી શું થાય છે એમાં?”
“જો. આ વાર્તા એક ગામડામાં બને છે. તને ખબર છે કે મને મારા ગામ માટે કેટલો લગાવ છે. હું આ વાર્તામાં એક દૃશ્ય મૂકવા માગું છું. એ દૃશ્યમાં નાયક એક દિવસ નાયિકાના ઘેર જાય છે. એ વખતે નાયિકા ઘેર એકલી જ હોય છે. સવારનો વખત છે. નાયિકા વાડામાં નહાવા બેઠી છે. ત્યારે તો ગામડામાં બાથરૂમ ન હતા. એ વાડામાં કરાંઠીઓમાંથી ઊભા કરેલા એક બાથરૂમમાં નહાતી હતી. નાયક નાયિકાના વાડામાં જાય છે. ત્યાં એની નજર નાયિકા પર પડે છે. નાયિકા નગ્ન નથી. પણ ઉઘાડી છે. એ જ વખતે નાયિકા પણ પાછળ ફરીને જુએ છે. બન્નેની આંખો એક થાય છે. હું અહીં આવું કંઈક લખવા માગું છું: એ સાથે જ બન્નેના દેહ વાજિંત્ર બનીને એક ન શોધાયેલો રાગ ગાવા લાગ્યા.”
મેં કહ્યું, “પણ આમાં હોરર ક્યાં છે? નાયિકાની પીઠ પોલી બતાવ કે એવું કંઈક કર.”
એ કહે, “સાંભળ. મારે પ્રેતકથા નથી લખવી. મને મનુષ્ય અને પ્રેત વચ્ચેના સંબંધોમાં રસ પડે છે. પણ એવી વાર્તાઓ મેં ઘણી લખી છે.”
“સારું. આગળ કહે હવે,” મને જિજ્ઞાસા થઈ.
“ત્યાર બાદ કંઈ બનતું નથી. નાયક ઘેર આવતો રહે છે. હું અહીં આમ લખવાનો છું: “નાયક નાયિકાની પીઠ એની આંખોમાં લઈને ઘેર આવે છે અને નાયિકા નાયકની આંખોને પોતાની કીકીઓમાં સાચવતી ઘેર રહે છે. હજી આ વાક્ય બરાબર કરીશ. આ તો કેવળ નોંધ જ છે.”
મને લાગતું હતું કે આ કથામાં હોરર કરતાં કદાચ પ્રણય વધારે છે. પણ, મારે એને હવે અટકાવવો ન હતો.
પછી એણે વાત આગળ ચલાવી. “આ બન્ને પ્રેમીઓ છે. પણ મેં અગાઉ કહ્યું છે એમ એ બન્નેએ પ્રેમનો એકરાર કર્યો નથી. બન્ને છાનાંછપનાં મળ્યાં નથી. મળતાં પણ નથી. હા, એકબીજાને જૂએ છે ત્યારે બન્નેને એકબીજાને possess કરવાનું મન થાય છે. ‘Possess’ શબ્દ સારો નથી. પણ હું વાર્તા લખતી વખતે વિચારીશ. એથી જ મેં એ શબ્દ અહીં અવતરણોમાં મૂકી રાખ્યો છે. પણ, પછીની ક્ષણે કંઈ જ ન થાય. જો કે, મેં હજી બન્ને વચ્ચેના પ્રેમની વિગતો તૈયાર કરી નથી. તને ખબર છે કે હું પ્રેમનાં દૃશ્યો અગાઉથી તૈયાર કરતો નથી. લખવા બેસું ત્યારે એ દૃશ્યો આપમેળે આવી જતાં હોય છે.”
“કેમ કે તારે હોરર કથા લખવાની હોય છે ને” મેં એની વાતમાં ટાપશી પૂરી.
“હા. હવે સાંભળ. પછી નાયિકાનું લગ્ન લેવાય છે. તેં ઘણી ગુજરાતી પ્રેમકથાઓમાં જોયું હશે કે લગ્નના એકાદબે દિવસ પહેલાં નાયિકા કે નાયક નાયકને કે નાયિકાને મળવા જાય અને ભાગી જવાની વાત કરે. હું અહીં એ લોકપ્રિય દૃશ્ય ખપમાં લેવાનો છું. પણ જરા જુદી રીતે. જો મેં આમ લખ્યું છે.”
એમ કહી એણે એક કાગળમાંથી એ દશ્ય વાંચી બતાવ્યું. “નાયિકા નાયકને મળવા જાય છે. કહે છે: આપણે કદી પ્રેમનો એકરાર કર્યો નથી. પણ મને લાગે છે કે મોડું થઈ જાય એ પહેલાં આપણે એનો એકરાર કરી લેવો જોઈએ. સાંભળ, હું તને પ્રેમ કરું છું અને જો તારામાં હિમંત હોય તો હું આ ક્ષણે જ તારી સાથે ભાગી જવા માટે તૈયાર છું.
પછી નાયક એને કહે છે કે તને ખબર છે કે હું આવતા અઠવાડિયે અમેરિકા જાઉં છું. જો હું તારી સાથે ભાગી જાઉં તો મારાથી અમેરિકા ન જવાય. આ સંવાદને અન્તે આવું એક વાક્ય આવશે: બન્ને એકબીજાને બે અલગ અલગ દરિયામાં ડૂબતાં જોઈ રહે છે.”
“મારે અહીં એ બન્નેની આંખમાં આંસુ છે એમ કહેવું નથી.” એણે સ્પષ્ટતા કરી.
પછી એણે બીજો કાગળ કાઢ્યો. “જો હવે પછીનું દૃશ્ય આ રીતે છે.” એ વાંચે છે: “તું મારી એક ઇચ્છા પૂરી કરશે?” નાયિકા પૂછે છે.
“ચોક્કસ.”
“મારો બ્લાઉઝ ખોલીને તું મારા ડાબા સ્તન પર એક ચુંબન કરશે?”
“એક મિનિટ. એક મિનિટ. મધુ રાય હોરરનો વિશેષાંક પ્રગટ કરવાના છે, શૃંગારનો નહીં.” મારાથી બોલી જવાયું.
“આ હોરર કથા જ છે. તું સાંભળ તો ખરો.” એમ કહી એણે એ કાગળમાંની નોંધ આગળ વાંચવા માંડી. “પછી નાયક નાયિકાના બ્લાઉઝનાં બટન ખોલીને એના ડાબા સ્તન પર ચુંબન કરે છે. એ જુએ છે કે એનાં બટન વાંસમાંથી બનાવેલાં છે. જો કે, અહીં હું ‘ગાઢ ચુંબન’ જેવા શબ્દો નથી વાપરવાનો. એના બદલે હું નાયિકાના સ્તન પર પડેલા નાયકનાં દંતચિહ્નોની વાત કરવાનો છું.
હવે મૂળ વાત આવે છે. નાયક નાયિકના ડાબા સ્તન પર ચુંબન કરે છે. પછી નાયિકા પોતાના બ્લાઉઝનાં બટન બંધ કરતાં નાયકને કહે છે: “મને એમ કે તું મારા બ્લાઉઝનાં બટન તોડીને મને ચુંબન કરશે. પણ, તું એટલો……” જો, આ છે જીવનનો હોરર. નાયિકાને એમ કે નાયક પાસે બટન ખોલવા જેટલી ધીરજ નહીં હોય પણ નાયક શાન્તિથી જાણે કે બટન ટાંકતો હોય એમ એના બ્લાઉઝનાં બટન ખોલે છે. તને સમજાય છેને હવે?
“તું વાર્તા પૂરી કરે પછી મને સમજાશે એવું લાગે છે.” મેં કહ્યું.
“ભલે. જો. આગળ મેં આમ વિચાર્યું છે: પછી નાયક અમેરિકા ચાલ્યો જાય છે. નાયિકા પરણીને સાસરીએ જાય છે. આ ઘટનાને વીસ વરસ થઈ ગયાં છે. એ દરમિયાન નાયક એકાદબે વાર ભારત આવે છે પણ નાયિકાને મળતો નથી. એ એને લગભગ ભૂલી ગયો છે. મેં હજી નક્કી નથી કર્યું કે મારે નાયકને પરણાવવો કે નહીં. જો પરણાવું તો મારે એની પત્નીને ક્યાંક મોકલી આપવી પડે. કેમ કે મારે નાયક અને નાયિકનો ફરી એક વાર ભેગાં કરવાં છે. પત્નીની હાજરીમાં તો એ શક્ય બને નહીં. એટલે અત્યારે તો વાત આમ રાખી છે: નાયક પરણેલો છે અને એની પત્ની ભારત ગયેલી છે.”
“હવે મૂળ વાત આવે છે: એક રાતે, લગભગ અગિયારેક વાગે નાયક સુવા જવાની તૈયારી કરે છે ત્યાં જ એનો ડોરબેલ વાગે છે. નાયક બારણું ખોલે છે. જુએ છે તો સામે પેલી નાયિકા. વરસો પહેલાં જેવી હતી એવી જ. યુવાન. દેખાવડી. સહેજ પણ ફરક નહીં. એ જ વાંસનાં બટનવાળો બ્લાઉઝ પહેરેલો. નાયક એને ઓળખી ગયો.
પછી નાયક એને આવકારે છે. જોત જોતામાં બન્ને વાતે ચડે છે. નાયક નાયિકાને નહાતાં જોઈ ગયેલો એની પણ વાત કરે છે. એ વખતે નાયિકા નાયકને જોઈ ગયેલી એની વાત પણ કરે છે. પછી જોતજોતામાં બન્ને સીમાઓ ઓળંગે છે. નાયકને ધીરજ નથી. એની પાસે નાયિકાના બ્લાઉઝનાં બટન ખોલવાનો સમય નથી. એ એક ઝાટકે એના બ્લાઉઝનાં બટન તોડી નાખે છે ને પછી સૌ પહેલાં તો એ નાયિકાના ડાબા સ્તન પર ચુંબન કરી લે છે. હું લોહીના ટશિયાઓનું વર્ણન પણ અહીં કરવાનો છું.
પછી બન્ને આખી રાત લીલા કરે છે.
એમ કરતાં સવાર થાય છે. નાયક જાગે છે. જુએ છે તો પથારીમાં એ એકલો જ છે. નાયિકા ગૂમ છે. એ આખા ઘરમાં ફરી વળે છે. અહીં બ.ક.ઠા.ની પેલી પંક્તિઓમાં આવે છે એના કરતાં પણ વધારે ઝડપ હું લાવવાનો છું: ‘બેઠી ખાટે’ને ‘ઊઠી ખાટે…”. પણ એને નાયિકા ક્યાંય દેખાતી નથી. એને પ્રશ્ન થાય છે: ક્યાં ગઈ હશે? શું એ સપનું હશે? એ હાંફળો હાંફળો ભારતમાં વસતા એના એક મિત્રને ફોન કરે છે અને નાયિકા વિશે પૂછે છે. એનો મિત્ર કહે છે: હું તને કહેવાનું ભૂલી ગયો કે એણે તો ગયા મહિને આત્મહત્યા કરી છે.
નાયકને થાય છે તો પછી એ તો સપનું જ હશે? પણ આવું? પછી એ પલંગ પરની ચાદર સરખી કરવા જાય છે. ત્યાં જ પલંગ પરથી વાંસનાં ચાર બટન નીચે દડી પડે છે. એ પેલા બ્લાઉઝનાં બટન છે. નાયક પહેલાં તો ગભરાઈ જાય છે. પછી એ હળવે રહીને ચારેય બટન ઉપાડી લે છે. જુએ છે તો ચારેયનાં નાકાં અકબંધ છે. એમાંના દોરા તૂટી ગયા છે. એને સમજાતું નથી કે એના જીવનમાં શું થઈ રહ્યું છે. હું આ દૃશ્યનું ખૂબસરસ વર્ણન કરવાનો છું.
પછી નાયક ચારે ય બટનને પોતાની મુઠ્ઠીમાં મૂકી એ મૂઠ્ઠીને ચૂમે છે. અહીં હું દંતચિહ્નોના મેં કરેલા વર્ણનનું પુનરાવર્તન કરવાનો છું. વાર્તાને અંતે નાયક નક્કી કરે છે કે પત્ની હવે નવો બ્લાઉજ સિવડાવશે ત્યારે એના પર આ જ બટન ટાંકવાનો હું આગ્રહ રાખીશ. વાર્તા અહીં પૂરી થાય છે.”
મેં કહ્યું, “તું ખરેખર મહાન લેખક છે, યાર. કથા તો સરસ છે. પણ કથન પણ એટલું જ સરસ હોવું જોઈએ. મને આ હોરર ગમ્યો.”
પછી રાબેતા મુજબ અમે બન્ને મદ્રાસ કાફેમાં ગયા. એ અમારી પ્રિય રેસ્ટોરાં. ત્યાં જઈને ઢોંસા ખાધા. ખાતાં ખાતાં અમે એની વાર્તાની કેટલીક વાતો કરી. પછી હું ઘેર આવીને સૂઈ ગયો. મારી નજરમાંથી પેલી નાયિકાની પીઠ અને પેલાં વાંસનાં ચાર બટન ખસતાં ન હતાં. એટલે સુધી કે મને મારાં પત્ની સાથેનો સંબંધ પણ થોડોક બદલાઈ ગયો હોય એવું લાગતું હતું.
આજે સોમવાર. હું સવારે નવેક વાગે તૈયાર થઈને મારા મોટા દીકરાની દુકાને જવા નીકળ્યો ત્યારે મને થયું: લાવ, જતાં જતાં જરા અવિચળને મળતો જાઉં. એની વાર્તાના કારણે મને રાતે કેવા કેવા અનુભવ થયા હતા એની વાત કરતો જાઉં. કદાચ એને કામ લાગે.
હું એના ઘેર પહોંચ્યો. ત્યાં જઈને મેં હળવેથી એના ડોરબેલનું બટન દબાવ્યું. પણ એણે કોઈ જવાબ ન આપ્યો. મેં પાંચેક વાર ડોરબેલ દબાવ્યો હશે. પણ કોઈ જવાબ ન આવ્યો. પછી એના ઘરના નંબર પર ફોન કર્યો. ત્યાંથી પણ કોઈ જવાબ ન મળ્યો. પછી મેં એના મોબાઈલ પર ફોન કર્યો. ત્યાંથી પણ કોઈ જવાબ ન મળ્યો. મને એની તબિયતની ચિન્તા થઈ. હું પાછો ઘેર જઈને એના ફ્લેટની ચાવી લઈ આવ્યો. એ ચાવીથી મેં એનું બારણું ખોલ્યું. જોઉં છું તો એનો બેઠક રૂમ તો ખાલી હતો. હું સીધો જ એના વાંચનખંડમાં ગયો. કેમ કે એ રોજ સવારે વહેલો ઊઠીને એના વાંચનખંડમાં વાંચવાલખવા બેસતો હોય છે. એ ત્યાં પણ ન હતો. હું ગભરાયેલો એના બેડરૂમમાં ગયો. જોઉં છું તો એ એના બેડ પર ચત્તેપાટ પડેલો હતો. સાવ નિર્જીવ. મેં કોઈક ઊંઘતા માણસને હલાવીએ એમ એને હલાવવાનો પ્રયાસ કર્યો. પણ કોઈ જવાબ નહીં. મેં એની છાતી પર હાથ મૂક્યો. મને એક પણ ધબકારો અનુભવા મળ્યો નહીં. મેં તરત જ ૧૦૨ પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી. મને એમ કે કદાચ દાક્તરો કંઈક કરી શકે.
એમ્બ્યુલન્સ આવે એ દરમિયાન મેં એના હાથ તરફ નજર નાખી. એના બન્ને હાથની મુઠ્ઠીઓ વળેલી હતી. મેં પહેલાં એના ડાબા હાથની મુઠ્ઠી ખોલી. એમાં કશું ન હતું. પછી મેં એના જમણા હાથની મુઠ્ઠી ખોલી. એમાંથી વાંસમાંથી બનાવેલાં ચાર બટન નીચે સરકી પડ્યાં. એણે પેલી વાર્તામાં વર્ણવ્યાં હતાં એવાં જ.
મને થયું: આ બટન ક્યાંથી આવ્યાં હશે? મારી પાસે વધુ કંઈ વિચારવાનો સમય ન હતો. મેં એ બટન મારા ગજવામાં મૂકી દીધાં. પત્ની હવે નવો બ્લાઉજ સિવડાવશે ત્યારે કદાચ …..!
*************************
(“ગમતાંનો ગુલાલઃ વાતમેળો” ડાયસ્પોરા લેખકોની વાર્તાઓના સંગ્રહમાંથી સાભાર)
(આ પુસ્તક ગુજરાતી સાહિત્ય અકાદમી, (ગાંધીનગર) દ્વારા ૨૦૨૫ માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.)