|

“દુનિયામાં ભલાઈ છે, માટે આશાવાદી છું…!” ~ એક પ્રેરક અનુભવલેખ ~ વિજય ભટ્ટ

જ્યાં હું ભણાવું છું તે, કેલીફોર્નીયા સ્ટેટ યુનિવર્સિટી નોર્થરીજ, California State University Northridge, (abbreviated CSUN) માં મારાં બે ક્લાસની વચ્ચે કલાક જેટલો ફુરસદ નો સમય હતો. મને થયું; સમય છે તો સ્ટુડન્ટ્સ યુનિયન ના મકાન તરફ લટાર મારી આવું. ત્યાં ખુલ્લામાં કંઈક જુદાં જુદાં બેન્ડ કે બીજી રસપ્રદ પ્રવૃત્તિ ચાલતી જ રહેતી હોય છે, જેથી ત્યાં મઝાનું વાતાવરણ હોય છે.

ત્યાં પહોંચતાં જ મારી નજર પડી એક બોર્ડ પર. ત્યાં લખ્યું હતું ‘Valera’s Nest’ (‘વલેરા આશ્રય’). મને કુતૂહલ થયું. આગળ નીચે વાંચી આશ્ચર્ય પણ થયું, કારણ કે, ત્યાં લખ્યું હતું ‘CSUN With a Heart – Your Basic Needs Network’( સીએસયુએન ને હ્રદય સહિત, તમારી જરુરીયાત માટે).


હું અંદર જવા ખેંચાયો. ગયો તો જોયું કે ત્યાં તો અદ્યતન અને સ્વચ્છ સરસ grocery store! જ્યાં વિદ્યાર્થીઓ માટે રોજબરોજ ની જરુરી રસોઈની અને ખાવાપીવાની ચીજ વસ્તુઓ હતી.

ત્યાં લખ્યું હતું કે વાલેરા નામના પતિપત્ની જે આ યુનિવર્સિટીમાંથી ભણી ને સફળ થયા તેમનો આ પરમાર્થ છે. પછી વધુ જાણવા મળ્યું કે તેમણે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મફત grocery store માટે દાન કર્યું છે. કોઈપણ વિદ્યાર્થીએ કંઈ જ આપવાનું નહીં. જે જેટલું જોઈતું હોય તે તદન મફત! માત્ર ઓળખપત્ર બતાવો, નામ નોંધાવો અને જે જોઈએ તે લઈ જાવ! શાકભાજી, ફળો, દૂધ, દહીં, બટર, બ્રેડ, ઈંડા, કેન ફુડ , જે જોઈએ તે!


મારી નજર પડી કે થોડાક વિદ્યાર્થીઓ સ્ટેારમાંથી કંઈક લેવા માં વ્યસ્ત હતાં. બીજીબાજુ ઘણાં બધા વિદ્યાર્થીઓ બહારના ભાગમાં જયાં બેસવાના સોફા ટેબલ અને લોંજ જેવું હતું ત્યાં બેસી વાતચીત કરતા હતાં. લોંજમાં બેઠેલા એક જણને મેં જઈને પૂછયું કે તે લોકો કેમ આ મફત મળતી વસ્તુઓ લેતા નથી? તેમણે તરત કહ્યું કે; તેમને તે એ વસ્તુઓ પૈસા આપીને ખરીદવા નું પોસાય છે. જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને માટેની સેવા વ્યવસ્થામાં શું કામ એ લોકો ભાગ પડાવે?


અંદર જઈ મેં જોયું કે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ લેતા હતા, તે પોતાને જરુર હોય તેટલું જ લેતા હતાં. ભેગું કરી રાખવા જરા પણ વધુ લેતા ન હતા!

આ બંને દ્રશ્યોનો અનુભવ મને સ્પર્શી ગયો! ‘Haves and Have nots’ , બંને સાથે! કેવું સરસ પ્રામાણિક સહઅસ્તિત્વ! અને એ પણ કોઈ જજમેન્ટ કોઈના પર કર્યા વિના!

મને થયું કે દુનિયાની બીજી યુનિવર્સિટીઓ જરુરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે આવી વ્યવસ્થા અમીરો દ્વારા કરાવી આપે તો કેવું સારું!

આ દુનિયા લાગે છે તેટલી ખરાબ તો નથી જ. સારા માણસો અને તેમના ભલા કાર્યોને કારણે, આ જગત થોડું તો સારું છે જ, અને વધુ સારું થશે જ! આ અનુભવે મારો આશાવાદ પુનઃ જગાડ્યો અને તેની બધાને વાત કરવા પ્રેર્યો!

– વિજય ભટ્ટ, લોસ એન્જલસ, માર્ચ ૨, ૨૦૨૬ હોળી નો દિવસ.

 

સંપાદકીય નોટઃ આ પ્રસંગ વાંચીને આ નીચેની પંક્તિઓ કેટલી યથાર્થ લાગે છે?
“ચંદ દીવાનો ને સર પે ઊઠા રખી હૈ યે દુનિયા
 વર્ના ઈસ દુનિયામેં જીને કો તો રખા હૈ ક્યા?”

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.