“એ સ્ત્રી છે !!” ~ લેખ ~ વસુધા ઈનામદાર

( વસુધાબહેન ઈનામદાર વતી લખાયેલા “એ સ્ત્રી છે!!!” લેખને પોતાનો કિમતી સમય આપીને, અમારા વાચકો માટે ઑડિયો ફાઈલ બનાવીને મોકલવા બદલ, “આપણું આંગણું”ની ટીમ તરફથી હું, જયશ્રી મરચંટ, સુજ્ઞ શ્રી રજનીકાંતભાઈ રાવલનો હ્રદયપૂર્વક આભાર માનું છું. )

સવારની સૂરજની પહેલી કિરણ બારી પાસે આવી એને જગાડે , ને સેલફોનની ઘંટડી એને સાદ પાડે ને  એ જાગી જાય! ઘરના કામ પતાવી ,ઓફીસની નોકરી પર નીકળેલી સ્રીઓ ,નોકરી પતાવી પાછી  બીજી નોકરી કરવા  ઉતાવળી થઈ  દોડે, એમ એ પણ દોડે છે. જીવનની રંગભૂમિ પર  સ્રી રિહર્સલ વગર જ જીવનમાં આવેલાં દરેક પાત્રને સફળતાપૂર્વક ભજવે  છે. એક પાત્ર ભજવીને બીજા પાત્રમાં સહજતાથી પ્રવેશ કરે છે. એ જ્ઞાન એને સર્જનહારની કૃપાથી સ્વયંભૂ પ્રાપ્ત થયેલું હોય છે.
એની દુનિયા એટલે કાગડોળે રાહ જોતું એનું ઘર  તથા એમાં વસતાં સહુ સ્નેહીજનો અને એમની ભાવનાની દુનિયા !


જીવનવૃક્ષ પર લટકતી સંબંધની ડાળીઓ એને જોતાં જ જાત જાતની માગણીઓના ટહુકા કરે છે. એ ઘરમાં પ્રવેશતાં જ ખભે  ભેરવેલી  ક્મ્પ્યુટરની  બેગ અને હાથમાંનો  સેલફોન  ને એપલની ઘડિયાળ કાંડેથી ઉતારે છે, ત્યાર પછીનો સમય ઘરનાંની ડિમાન્ડો અને રસોડાને સમર્પિત ! વ્હિસલ વગરનાં  ઈન્સ્ટ્રા પોટમાં એના સપનાંને ઈચ્છાઓ સાથે, નોકરી પરના સ્ટ્રેસને પણ તે જડબેસલાક  લોક કરી દે છે !

એના હાથમાંથી છટકેલો માઉસ બાળકોનાં  હોમવર્ક પર દોડાદોડ કરે છે. થાકેલો ચહેરો રોબૉટની જેમ અવાજ કાઢી પૂછે છે,  “જમવામાં શું બનાવું? પાસ્તા, પીઝા, મેક્રોની, બરીટો, કે દાળભાત ?” ને તરત જ સગપણની ડાળ પરથી  અવનવી માંગણીઓનો કલબલાટ સંભળાવા લાગે છે. એ સર્વની ઈચ્છાઓ અને એમનાં સ્વપ્નાઓનું તે કલ્પવૃક્ષ છે .

એ નોકરી પરથી ઘરે આવે છે. પરિવાર માટે, કે પોતાના માટે? બધાં માટે  તે છે, એના માટે કોણ?  જો કે એવા વિચારો તો એણે ક્યારનાય જીવનની હાર્ડ ડ્રાઈવમાંથી ડીલીટ કર્યાં છે !

એ જાતને ભૂલીને પરિવારની સંભાળ  લે છે !  દિવસભરની ફરિયાદોનો ઉકેલ લાવવા સવારની અધૂરી વાતો, અધુરા કામ,  અબોલાં લઈ રિસાયેલાંઓને મનાવવા, સાંજના અંધારાને અજવાળામાં ફેરવવા, અગાશીના કૂંડામાં સૂકાતી તુલસીને પાણી પાવા – કેટકેટલું કરવું, પોતાને હાંસિયામાં મૂકીને…! તે ઘરની નોકરી કરવા દોડે, દરેક દિવસની દોડમાં એની લાગણીઓ અને ફરજની સાંકળથી તે જોડાયેલી રહે છે.

નોકરી અને પરિવારની વચ્યે એ સમયનો ટાવર બની ઊભી  રહે છે. એના હસતાં ચહેરા પાછળ  થાક જો ડોકિયું કરે તો એનો “થપો” કરવા નહીં જવાનું એણે મનોમન નક્કી કરી લીધું હોય છે…!  હોમવર્ક પતાવીને સૂતેલાં સંતાનનાં માથે હાથ ફેરવી મનોમન ગુડનાઈટ કહે છે.


બારી બારણાં બંધ કરી પતિના રુમમાં જાય છે. પડખું ફરીને સૂતેલાં પતિની સામે જોઈ, એ  કામ પરથી આવતાં અધૂરો રહેલો પ્રોજેક્ટ પૂરો કરવા લેપટોપ ખોલે છે. આંખોમાં ઊંઘ અને શરીરમાં થાક છે. એ ખુલ્લી આંખો રાખીને આવતી કાલના કામનું “ટુ ડુ લીસ્ટ “બનાવે છે.


તે બદલાતી ઋતુમાં – તોફાન બનીને તૂટી પડતાં વરસાદમાં વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે, જીવનમાં આવતાં વાસંતી ઉત્સવોમાં ખુશી સાથે દાંડિયા રમતાં એને જોઈને એ સ્ત્રી નામના વૃક્ષ પર પાંદડે પાંદડે ફૂલો ઝૂમી ઊઠે છે અને શિયાળાની ઠંડીમાં પૂરા વૃક્ષનો ધાબળો બનાવીને પરિવારજનોને હૂંફ આપે છે.  આ બધું કરતી રહીને પણ વૃક્ષનાં મૂળિયાં જેવી તે અદ્રશ્ય રહે  છે !!

હા …હા તે સ્રી છે ! એ તો બાળપણથી સાંભળતી આવી છે , “ यत्र नार्यस्तु पूज्यन्ते………!“ પરંતુ, તે સ્ત્રી તો દરેક મોસમ, દરેક આગંતુક, દરેક સ્નેહીજન અને દરેક અવસરને પોંખવા માટે, એની જિંદગીની થાળીમાં પૂજાની સામગ્રી લઈને સતત ઊભેલી જ રહે છે …..!!
Every  Day Is Women’s  Day. Happy  Women’s  Day       

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.