કવિ હરીશ શાહની પાંચ રચનાઓ
કવિ હરીશ શાહ ગીત, ગઝલ, સોનેટ, અછાંદસ, છાંદસ એમ કવિતાનાં વિવિધ સ્વરૂપો બખૂબી ખેડી જાણે છે. છંદો પર તેમની પકડ ખૂબ સારી છે. બાર કરતાં પણ વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે અને તેમના ગ્રંંથો ઘણી સંસ્થાઓ દ્વારા સન્માનિત થયા છે. ઇન્ટરનેશનલ કંપનીમાંથી રિટાયર્ડ થયા બાદ હાલમાં તેઓ ટેકનોલોજીમાં કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. પરંતુ તેમની સવિશેષ સેવા 'જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ' દ્વારા થઈ રહી છે. આ ટ્રસ્ટ અંતર્ગત તેમણે ટૂકા ગાળામાં સૌથી વધારે કાર્યક્રમો કરવાનો રેકોર્ડ કર્યો છે, જેની નોંધ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ લેવાઈ છે. તેમની આત્મકથાનું પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત થયું છે. બહુવિધ પ્રતિભા ધરાવતા આ કવિની પાંચ રચનાઓ માણીએ.
કવિતા-1 (ગીત)
છે સત્ય તું અસત્ય તું ને ટળવળે એ તથ્ય તું,
પકડ હવે ધનુષ્યને તું, વેધ કર! એ મત્સ્ય તું…
આ વક્ર સ્થંભ પાડ તું, સફર નવીન માંડ તું,
ઉખાડી કાઢ વાડ સર્વ, પાડ મોટી ત્રાડ તું.
છે વ્યસ્ત તું કે અસ્ત તું, પરિસ્થિતિથી ત્રસ્ત તું,
છે સત્ય તું અસત્ય તું ને ટળવળે એ તથ્ય તું.
છે શક્યતાઓથી ઉપર, ને શસ્ત્ર પણ હુનર વગર
સવાર કાલ શું ખબર, આ મંત્ર તંત્ર બેઅસર.
છે કેવા હાલ, લે મશાલ, ખુદનું છે સમસ્ત તું,
છે સત્ય તું અસત્ય તું ને ટળવળે એ તથ્ય તું,
પરિસ્થિતિની શૂન્યતા ઉપર ભરોસો? ધન્યતા!
દીપાવી સર્વ શક્યતા, ઊભી કરી દે સભ્યતા,
સ્વયં ભૂજાના બળ વડે કપટ કરી દે ધ્વસ્ત તું,
છે સત્ય તું અસત્ય તું ને ટળવળે એ તથ્ય તું.
વિવાદ વિણ અગમ્ય સ્તર, પ્રભુ! ધરાએ તું ઉતર,
છે આંસુઓથી તર નજર, તું પ્રાર્થનાની કર કદર,
આ જર્જરિત માળખાને કર હવે દુરસ્ત તું,
છે સત્ય તું અસત્ય તું ને ટળવળે એ તથ્ય તું.
– હરીશ શાહ
કવિતા-2 (ગઝલ )
હાથ લંબાવે કવન જો , છે કલમ પેલા ખૂણે ,
ખોતરું છું ઘા અહીં જો, છે મલમ પેલા ખૂણે.
દેવતા પર રાખ છે ને સાંજ પણ ગમગીન છે,
છે તલબ! કશ મારવો જો, છે ચલમ પેલા ખૂણે.
હાથમાં ક્યાં છે કશું બસ તીક્ષ્ણ રેખા પાર છે,
આ દીઠું કિસ્મત અહીં જો, છે કરમ પેલા ખૂણે.
જાવ વૃદ્ધાશ્રમ કને ડૂસકાં રઝળતાં ભાળશો,
વ્હાલ થઈને પ્હાડ બસ જો, છે શરમ પેલા ખૂણે.
અપદશાને ખંત એવો છોડતી ના સાથ એ,
દર્દને ઘૂંટે હૃદય જો, છે સનમ પેલા ખૂણે .
સૌ ચઢાવે ચાદરો ને સૌ ચઢાવે બક્ષિસો
ટળવળે બસ કોળિયો જો, છે ધરમ પેલા ખૂણે .
– હરીશ શાહ
કવિતા-3 (ગઝલ)
દ્વંદ્વમાં વાહક કદાપિ ના થયા,
દ્વેષથી અંગત કદાપિ ના થયા.
સંતની શોભા પ્રભાવિત હોય ના,
જ્ઞાનનાં બંધક કદાપિ ના થયા.
ઉચ્ચ સ્થાને બેસવાનો અર્થ એ,
રંજથી આહત કદાપિ ના થયા.
આ સમાધિ ભીતરે છે સંખ્ય શી,
તંતનાં ત્રાટક કદાપિ ના થયા.
ધારવાનો ફાયદો બસ એટલો,
અંતમાં અનહદ કદાપિ ના થયા.
છે સ્વયં સુવાસ દેહે એટલે,
પુષ્પના ચાહક કદાપિ ના થયા.
– હરીશ શાહ
કવિતા-4 (ગઝલ)
ડંખ વાગ્યો પછીથી હું સમજી ગયો,
સાર જાણ્યો પછીથી હું સમજી ગયો.
એક ફોટો પડાવી હસી તો શક્યો,
પોઝ આપ્યો પછીથી હું સમજી ગયો.
હાજરી એ પુરાવા જ આવ્યો હતો ,
સ્હેજ ખાંસ્યો પછીથી હું સમજી ગયો.
બારણે આંખ મૂકીને રાખી હતી,
બાપ જાગ્યો પછીથી હું સમજી ગયો.
શ્વાસ આજે નથી હાંફતો કાં હવે?
કાળ આવ્યો પછીથી હું સમજી ગયો.
તાકવાનું કહ્યું’તું મને નભ તરફ,
ધ્યેય પામ્યો પછીથી હું સમજી ગયો.
શું ગરીબી, અમીરી, જલાલી હવે
તાર સાધ્યો પછીથી હું સમજી ગયો.
– હરીશ શાહ
કવિતા-5 વસંતનું વાતાવરણ (સોનેટ, ગુલબંકી)
હળીભળીને પુષ્પમાં પરાગ લઇ અનિલ વહે,
વસંતના વધામણાં આ પર્ણ વૃક્ષ પણ ચહે.
લતા છે મગ્ન સ્નેહમાં એ અંગ સંગ ડાળથી,
રતિ-રમણની મુગ્ધતા! ઢળી રહી રે ઢાળથી.
ભ્રમરની ગૂંજ તીવ્ર છે, મુકુલ નિહાળે રમ્યતા,
સહજ વિતેલો પુષ્યકાળ, માઘની આ ભવ્યતા.
અધીર શી આ સાંજ પણ એકાંતમાં ભળે વળી,
તિમિર લઇને નિસરી આ રાત જઇને ત્યાં મળી.
ખૂલે છે વૃત્તે આભલાં નિહારિકાના નેહમાં,
શશી નિખારે શુભ્રતા ધરીને બિંબ મેહમાં.
પ્રણયમાં મગ્ન યુગ્મતા, ન શબ્દની ય શક્યતા,
ઉતરતી અંગઅંગથી નિસર્ગ કેરી સ્નિગ્ધતા
જવાબ આ હકારનો, જુએ છે આખું ભાવરણ,
ને પ્રશ્ન-અર્થ એક થઈ, વસંતનાં ચૂમે ચરણ.

Vaaaah 🌹🌹🌹