ચાર ગઝલો ~ ભાવિન ગોપાણી
૧. ધુમાડો-(૧) ~ ગઝલ
નજર જ્યાં પડે ત્યાં ધુમાડો ધુમાડો
છે મંજિલ ધુમાડો ને રસ્તો ધુમાડો
હું સામે ઊભો રહી મને જોવા ઝંખું
બતાવે હમેંશા અરીસો, ધુમાડો
કિનારાના અસ્તિત્વનો શું ભરોસો?
ગમે ત્યારે થઈ જાય દરિયો, ધુમાડો
ભલે સૌએ ધુમ્મસ કહી માન આપ્યું
મને માત્ર લાગ્યો એ ભીનો ધુમાડો
ફરે મંચ પર એ કલાકારની જેમ
ને ક્યારેક થઈ જાય પડદો, ધુમાડો
ભલે કાળો-ધોળો નજર આવતો હોય
મળે ભીતરે લાલ-પીળો ધુમાડો
પ્રતીક્ષામાં કોઈ ઊભું હોય જાણે
ગગન પાર કરવા અધીરો ધુમાડો
અચાનક ફિકર થાય પર્યાવરણની
અચાનક બની જાય મુદ્દો, ધુમાડો
થયેલાં મરણનું જો કારણ તપાસો
રહે આગથી વેંત ઊંચો ધુમાડો
– ભાવિન ગોપાણી
૨. ધુમાડો-( ૨) ~ ગઝલ
નિભાવો ઘડી બે ઘડીનો ધુમાડો
જલાવો ચિતા એ પછીનો ધુમાડો
બધા જે હવા લઈ વિતાવે છે જીવન
એ છે કોઈની જિંદગીનો ધુમાડો
કરું બંધ બારી છતાં ઘરમાં આવે
તિરાડોના રસ્તે , ગલીનો ધુમાડો
તમે યાદ રાખી ચિરાગોની ઝગમગ
મને યાદ છે રોશનીનો ધુમાડો
બળે બીજું તો શું ? ખરસલું ય ન્હોતું
હતો ખેતરે ખુદકુશીનો ધુમાડો
શમી જાય ક્યારેક મનભેદની આગ
રહી જાય નારાજગીનો ધુમાડો
મને ઘર બળ્યાની નથી જાણકારી
મેં જોયો’તો દીવાસળીનો ધુમાડો
રહ્યો માત્ર ફોટામાં રણકાર એનો
અકાળે થયો ઝાંઝરીનો ધુમાડો
છતાં ફૂંકવાની ક્ષણોની સિગારેટ
છે આ ફેફસામાં સદીનો ધુમાડો
– ભાવિન ગોપાણી
૩. “પાછું બદલી નાખ્યું….!” ~ ગઝલ
પાછી કોઈ ઘટના ઘટતાં પાછું બદલી નાખ્યું
ચ્હેરા પરના ઉન્માદે સરનામું બદલી નાખ્યું
તેં તારો રસ્તો બદલીને ખાસું બદલી નાખ્યું
મારા જેવા વૃક્ષોનું ચોમાસું બદલી નાખ્યું
કોનું પુસ્તક વાંચે છે એ મારા ચ્હેરાની જેમ?
બે ત્રણ લીટી વાંચી ત્યાં તો પાનું બદલી નાખ્યું!
આના કરતા આપી ત્યારે ચોખ્ખી ના કહેવી’તી
ઘરની ચાવી આપીને તેં તાળું બદલી નાખ્યું !
કેવા કેવા ભેદ કર્યા છે એક જ મંડપ નીચે
પંગત બદલી નાખી સાથે ભાણું બદલી નાખ્યું
સવાર થોડી સૌમ્ય બને એ માટે સૌ યત્ન હતા
બીજું કંઈ તો ના બદલાયું, છાપું બદલી નાખ્યું
ઘરની બે ભીંતો વચ્ચેનું અંતર સ્પષ્ટ થયું છે
કોણે બારી ખોલીને અજવાળું બદલી નાખ્યું ?
– ભાવિન ગોપાણી
૪. “હતી કે નહીં..?” ~ ગઝલ
ચાર ભીંતો ઉપર છત હતી કે નહીં ?
ઘરના માલિકની મહેનત હતી કે નહીં?
ચાહવું મારી આદત હતી કે નહીં ?
તું ય એનાથી અવગત હતી કે નહીં ?
આટલો કોરો કાગળ લખાતો હશે?
આંસુઓ સાથે નિસ્બત હતી કે નહીં ?
લાગણી, પ્રેમ, વિશ્વાસ ચોક્કસ હતાં
તે છતાં થોડી ગફલત હતી કે નહીં?
સ્વચ્છ આકાશમાં ચંદ્ર કંટાળશે
વાદળોની કનડગત હતી કે નહીં ?
મિત્રનું જો નથી, કામ કોનું છે આ?
કોઈ જૂની અદાવત હતી કે નહીં ?
ના હમેશાં સમંદરની ફરિયાદ કર
ડૂબવા માટે સવલત હતી કે નહીં?
એ જગા સ્વર્ગ જેવી હતી તો જણાવ
ત્યાં બધી સ્ત્રી સલામત હતી કે નહીં ?
એટલે ભાગ આપ્યો નથી કોઈને
વેદના મારી અંગત હતી કે નહીં ?
વાત વણસી ગઈ તો વિચારો હવે
બોલવાની જરૂરત હતી કે નહીં ?
કેમ સંસ્કારથી આટલા રંક છો?
પૂર્વજોમાં એ મિલકત હતી કે નહીં ?
કોઈ તાપી જતું , કોઈ દાઝી જતું,
તાપણાં જેવી હાલત હતી કે નહીં?
લાલ રસ્તા હતા, લાલ ભીંતો હતી
તોય પૂછો છો રંગત હતી કે નહીં ?
કેમ ગુસ્સો કર્યો ? કેમ બળ વાપર્યું ?
માફ કરવાની હિંમત હતી કે નહીં ?
કોઈ માળીના મનને તપાસ્યું ખરું ?
કંટકો માટે ઈજ્જત હતી કે નહીં ?
મોત ભેટે નહીં આ રીતે કોઈને!
શ્વાસ લેવાની દાનત હતી કે નહીં ?
વાત આગળ વધી નહીં એ દુર્ભાગ્ય છે
આંખ બંનેની સહમત હતી કે નહીં ?
આ જે ગંભીરતા લઈ ફરો છો તમે!
બાળપણમાં શરારત હતી કે નહીં?
ક્યાંક અંધાર પણ બહુ વિવેકી હતો
રોશની ક્યાંક ઉદ્ધત હતી કે નહીં ?
ઘરનાં વાસણ જે વેચે, કરે ના વિચાર,
વેચવા જેવી કિંમત હતી કે નહીં?
હે સહનશક્તિના ગર્વમાં રાચનાર,
રક્તકણમાં બગાવત હતી કે નહીં?
યાદ તારી આ મનમાં ટકી પણ શકે!
રણ વચોવચ ઈમારત હતી કે નહીં?
હું જ કારણમાં છું તો કરો સ્પષ્ટ કે
હું હતો નહીં તો રાહત હતી કે નહીં ?
મોત આવે સરળ એવો આગ્રહ છે કેમ?
જિંદગીમાં મુસીબત હતી કે નહીં ?
આજીવન છેટી રાખી ગઝલને તમે?
કોઈ સાથે મહોબત હતી કે નહી?
– ભાવિન ગોપાણી