ખારવો (વાર્તા) ~ દર્શના વ્યાસ ‘દર્શ’
પવનનાં સુસવાટામાં દરિયો તેની ગર્જના ભેળવી રહ્યો હોય તેમ ભયાનક ઘૂઘવી રહ્યો હતો. મોજાં શઢને અડવાની હોડમાં ઉતર્યા હોય તેમ ઉછળી રહ્યાં હતાં. આખુંયે આભ કાળું ડિબાંગ અને વરસાદ ગાંડોતૂર બન્યો હતો.
શામજી ચોકડીવાળી લૂંગીને ગોઠણથી વાળી, માથે ત્રિકોણીયો લાલ રૂમાલ બાંધી તેના કસાયેલાં બાવડે હોડીનાં શઢનું દોરડું ખેંચીને બાંધી રહ્યો હતો.
“શામજી, તું દરિયે ઉતરવાનું રે’વા દે. આ દરિયો આજ આભ અડવા બેઠો સે. હોડી બે થપાટે પાટિયું થઈ જાહે ને દરિયો અજગર પેઠ ઓળવી જાહે. રેડિયોને સરકારી તંતર ગાજી-ગાજીને દરિયો ખેડવાની ના કે’છ, તે તને ભેજામાં કાં નથ ઉતરતું?” ભેરુ નારણ શામજીને વારી રહ્યો.
“દરિયો તમોને દેખાય, મને તો મારી સવલીની વાટ જોતી આંખ દેખાય… સવલીને પરણ્યાંને કાલ વરહ થાહે. હું કાલ ન પોગું તો મારી સવલીની કઈ વલે થાય!
ચાર મહિના કેડે દરિયાની વાટ પકડી ત્યારે ઇ વાલામુઈ મને વળગીને વચને બાંધેલ કે પરણ્યાંને કેડે વરસ દાડો થાય ઇ દિ’ ઘેર પાછો ફરજે નહિ તો લગનનો સાળૂ ઓઢી દરિયો વા’લો કરીશ…
એ દિ’થી એક ઘડી મોડી તારી રાહ નઈ જોઈ હકે. સવલીની દદડતી ઇ આંખો પાંહે તો આ દરિયોય મને કોરો ભળાય છ.”
“તું જીવતો પોગશે તો રોજ પરણ્યાંનો દિ’ને રોજ પરણ્યાંની રાતું… આ વેળા જોઈ જરી ખમી જા.”
“નારણ તું આવો મોળો કાં થા? આપણે તો ખારવાની જાત. જનમ ખારવણની કુખે લીધો પછી જે દિ’ કાંકણ બંધાયું તે દિ’થી કરમે ખારવો થયો. દરિયાનો છોરું થઈ દરિયાથી બીક કેવી!
દરિયાનાં પેટમાં ઉતરી પાટુ મારી બહાર આવે ઇ આપણ ખારવા. વચને દરિયાથી બીને પાછો પડું તો ફટ છે મારાં કાંકણને. હવે મોળું બોલી અપશકન ન કર. દરિયા દેવની જે કરીને મને મારી સવલી પાહે જાવા દે.”
શામજી નહિ માને તે નારણને સમજાઈ ગયું.
“ભલે તારે, દરિયો ફતેહ કર. દરિયો જરી ટાઢો થયે મને પાછળ આવ્યો જાણ.”
આંખોમાં હિંમતને હૈયે સવલીને મળવાની હામ ભરી શામજી દરિયો ચીરતો હોડીને ઉછળતી મૂકતાં સવલીની વાટે ચાલ્યો. હોડી ધીરે ધીરે અંધકારમાં ઓગળી રહી હતી.
એક ઝાપટ લાગતા હોડી હચમચી ગઈ. આકાશમાં કાળા વાદળો ગર્જના કરતા આગળ વધતા હતાં જાણે વરસાદી અંધારાનું સૈન્ય દરિયાને તાબે થઈ દોડી આવતું હોય.
વીજળીના કડાકાં સાથે દરિયાના માતેલ બનેલા મોજાં ડરની ગંધ લઈ શામજીના શ્વાસને હંફાવવા મથી રહ્યાં. શામજીએ હોડીની દિશા કાબૂમાં રાખવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. પવનના પ્રચંડ પ્રવાહથી દોરડાં છૂટા પડી રહ્યાં હતાં. હલેસા હાથમાંથી સરકી ગયા હતાં. ખારુ પાણી આંખમાં ઘૂસતું બળતરા આપતું ચહેરા પર રેલાઈ રહ્યું હતું.
એક વિશાળ મોજાંએ શામજીને હચમચાવી નાખ્યો. એક ક્ષણ માટે શામજી હવામાં ઉછળ્યો અને ડેક પર પટકાયો. એણે તરત જ દોરડું પકડીને હોડીને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ મોજાં હવે હોડીની ઊંચાઈને ઓળંગી ગયાં હતાં. વીજળીના કડાકા વચ્ચે હોડીનાં લાકડા ચીરાઈ રહ્યાં હતાં, ખીલાં છૂટાં પડતાં હતાં.
“દરિયા દેવ મને મારી સવલી પાસે પોગાડો.” શામજીની વિનવણી મોજાં ઉછળીને દરિયાને કાને પડવા નહોતાં દેતાં.
એક પછી એક મોજાં વધુને વધુ આક્રમક બની હોડીને કચડી રહ્યાં હતાં. આખરે હોડીનો અડધો ભાગ તૂટી ગયો.
શામજી દરિયામાં પટકાયો. ખારાનું મીઠું પાણી એની આંખ, નાક અને મોઢામાં ઘૂસી ગયું. એણે લાકડાંનો ટૂંકો ટુકડો પકડી લીધો. હોઠ જાંબલી થઈ ગયાં હતાં. તેની ખુલ્લી છાતી દરિયા સાથે બાથ ઝીલતાં હાંફી રહી. તેને દમ છૂટતો લાગ્યો. શરીર બેભાન થતું લાગ્યું.
હાથમાં રહેલું લાકડું છૂટી રહ્યું હતું પણ સવલીનો મોહ તેની મૂર્છિત થતી આંખોમાં જીવનની ચમક જાળવી હતું એટલું જોર લગાવી લાકડાને વળગી રહ્યો. એક પછી એક મોજાં શામજીને ગળી જવાની ધમકી આપતાં ઘમરોળતાં રહ્યાં.
***
દરિયાની ગર્જના હવે ધીમી થઈ ગઈ હતી. આકાશનાં ખોળામાં સૂર્યનાં કિરણો ફૂટી રહ્યાં હતાં.
પેટ્રોલિંગ બોટ ધીરે ધીરે કાંઠા તરફ ફરી રહી હતી. નારણ શામજીની હોડીનાં અવશેષો લઈ ભાંગેલ હૈયે પેટ્રોલિંગ બોટમાંથી કાંઠે ઉતર્યો.
વાટ જોતી સવલી સાથે આખુંય ગામ કાંઠે ઊભું હતું. પેટ્રોલિંગ કર્મચારી શામજીની હોડી વિશે કંઈ જણાવે એ પહેલાં નારણ વરસતી આંખે ઢગલો થઈ ગયો. શામજીના નામની પોંક દરિયાને રડાવી રહી પણ સવલી કોરી આંખે દરિયાને તાકી રહી.
છાતી કૂટતી સવલીના ભાગ્યને નિંદતી બાયું સવલીને લગ્નનો સાળૂ પહેરાવી છેલ્લો શણગાર કરી રહી. સવલી કોરી આંખે “શામજી આવહે.. કહું છું દરિયાઈ પુતર છે ઇ, દરિયાદેવ ઈને ખમ્મા કરશે…” બોલતી રહી.
શામજીના શરીર વિના તેની અંતિમ ક્રિયા પુતરસમ કરવા કેળનાં થડમાંથી શામજીનાં દેહની કદ-કાઠી તૈયાર કરી. વાજતેગાજતે મધદરિયે પધરાવ્યું.
સવલીને છેલ્લું સુહાગણ સ્નાન કરવાં દરિયામાં હાથ ઝાલી ઉતારી ત્યાં વળી એક પેટ્રોલીંગ બોટમાંથી ટોર્ચનો પ્રકાશ ફેંકાયો, સવલીનાં મુખે ઉજાસ પથરાયો.
~ દર્શના વ્યાસ ‘દર્શ’
(વાર્તાકાર, નવલકથાકાર, ઇતિહાસકાર)
ઇમેઇલ: darshanavyas04@gmail.com