શ્વાસમાં ભરાય એટલી ખુશ્બુ ભરીને સાથે લઈ જાઉં (લલિત નિબંધ) ~ સ્વાતિ રાજીવ શાહ
આજે શાક માર્કેટમાં લારી ભરીને મોગરાનાં ફૂલ જોયાં. આખા રસ્તા પર મહેક રેલાવી રહેલાં મોગરાનાં ખીલેલાં- અધખીલેલાં ફૂલોની અસરમાં આવીને હું શાક લેવાનું ભૂલીને ફૂલોની નજીક જઈને ઊભી રહી ગઈ.

ક્યાંય જૂઈ, જાઈ, મોગરા કે ડોલરનો છોડ જોઉં એટલે આમ જ ખેંચાઈને એની નજીક પહોંચી જાઉં. એમ થાય કે શ્વાસમાં ભરાય એટલી ખુશ્બુ ભરીને સાથે લઈ જાઉં.
શ્વાસમાં સુગંધ ભરું પણ ખરી, પણ ઘેર પહોંચતાં સુધીમાં એ સુગંધ શ્વાસને દગો દઈ ગઈ હોય- સાચો જવાબ મળતાં જ વેતાળ વિક્રમાદિત્યની પીઠ પરથી ઊડીને પોતાની નિયત જગ્યાએ પહોંચી જાય, એમ જ. પણ એ સુગંધને શું ખબર કે એ શ્વાસમાંથી ભલે છટકી ગઈ હોય, મનમાં તો હજુ પણ એવી જ…અકબંધ છે.
આવો જ અનુભવ એકવાર કોફીનાં વાવેતરવાળા પ્રદેશમાંથી પસાર થતાં થયેલો. અમે બન્ને એટલે કે હું અને મારા એ બાઈક ઉપર વેસ્ટર્ન ઘાટમાંથી પસાર થઈ રહ્યાં હતાં.
ચિકમગલૂર જિલ્લાના સરકતા સાપ જેવા વાંકાચૂકા રસ્તાઓ પર રખડતાં લોહીમાં ભય, રોમાંચ અને આશ્વર્યનું મિશ્રણ ઉછાળા મારી રહ્યું હતું અને અચાનક… જાણે ઉપરવાળાએ સ્વર્ગમાંથી અલૌકિક અત્તરનો છંટકાવ કર્યો હોય એવી સુગંધે આખાયે વાતાવરણને ઘેરી લીધું.

એમ થયું કે આ નક્કી કામદેવનાં બાણનું બીજું રૂપ છે. પણ…આ છે શેની ખુશ્બુ? એ પણ આટલી બધી કે આખું વાતાવરણ માદક કરી મૂકે? આ સવાલના જવાબ તરીકે કોઈ વિકલ્પો વિચારીએ એ પહેલાં તો રસ્તાની બન્ને બાજુનાં કોફીનાં બગીચાઓ પર નજર પડી.
એ રસ્તાઓ પરથી અમે પહેલાં પણ એક કરતાં વધુ વખત પસાર થઈ ચૂક્યાં હતાં. દરેક વખતે કાં તો લીલાં લીલાં કે પછી લાલ, મરુન રંગનાં કોફીનાં ફળોની હારમાળા ડાળીઓને વળગીને સૂતેલી દેખાઈ હતી. એકાદ વખત નછોરવી પરીણિતા જેવી સાવ સૂની ડાળીઓ પણ જોવા મળી. પણ… આ વખતનું દૃશ્ય… ઘડીક તો નજર પર ભરોસો ન આવ્યો.
ચાર-પાંચ ફુટનાં ઘાટા લીલા પાંદડાવાળાં કોફીનાં છોડવાં પર સફેદ ફૂલોના ગુચ્છેગુચ્છા લાગેલા હતા. ખોબામાં ભરવા જાઓ તો કદાચ ખોબો નાનો પડે એવડાં. એ આખા વિસ્તારમાં કોફીનું જ વાવેતર.

જો અત્યારે એમાં ફૂલો આવવાની મોસમ હોય તો કદાચ સોએક ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં આ ફૂલો ખીલ્યાં હશે. પછી તો આખેઆખો વિસ્તાર મહેકે એમાં નવાઈ શું? પણ આજ સુધી કોફીનાં ફૂલોની ખુશ્બુ વિશે ક્યારેય સાંભળવા કેમ નહીં મળ્યું હોય? આ ફૂલોમાંથી અત્તર બનાવવાનો વિચાર કેમ કોઈને નહીં આવ્યો હોય?
એ વખતે… એ વખતે એમ થયું હતું કે આ ખુશ્બુને શ્વાસમાં ભરીને સાથે ન લઈ જઈ શકાય? આમ તો મારા વરજી રસ્તામાં ઊભાં રહીને- એમાંય ફોટા પડાવવા ઊભાં રહીને સમય વેડફવાના સખત વિરોધી. પણ આ એક દાખલો- જિંદગીમાં એક માત્ર વખત બન્યો.
તેમણે સામેથી રસ્તાની સાઇડ પર બાઈક ઊભું રાખ્યું અને કહ્યું, “જા, ફોટા પાડી આવ!” વિચારી જુઓ, એ ફૂલોનું, એ મહેકનું વશીકરણ કેવું જબરદસ્ત હશે!
ખુશ્બુથી વશીભૂત થવાનો મારો રોગ મને નાનપણથી જ લાગેલો છે. ધોરાજીનાં અમારા ઘરની સામોસામ નગરપાલિકાનો બગીચો હતો. એ બગીચામાં હારબંધ બોરસલ્લીનાં ઝાડ. ફૂલોની સિઝનમાં સવાર સવારમાં જાઓ તો રસ્તાની બન્ને બાજુએ ફૂલોની ચાદર પથરાયેલી જોવા મળે. અને…ખુશ્બુની તો વાત જ શું કરવી?

ઊંઘ ઊડે એટલે ભાગીને બગીચામાં જવાનું મન થાય. પણ એમ કરાય થોડું? મોસાળ પણ દસેક ડાફભર જ દૂર. નહાઈને ઝટપટ તૈયાર થઈને બે માસીઓ સાથે બગીચામાં ફૂલો વીણવા પહોંચી જતી.
એ બન્ને થેલીમાં ફૂલો ભરે, હું ફ્રોકના ખોળામાં. કેવડી હોઈશ ત્યારે, વિચારી જુઓ! આખી થેલી ભરાવા આવી હોય પણ મારે ફૂલો વીણતાં અટકવું જ ન હોય. ખેંચીને ઘેર લઈ જવી પડે.
એવી જ અસર બૂચનાં ફૂલોની. નાનપણમાં ગામમાં પથરાયેલા જોયેલાં. પછી મધ્ય ગુજરાતમાં ક્યારેય ન દેખાયા. છે…ક દીકરો કોલેજમાં આવ્યો ત્યારે એની કોલેજમાં જોયાં. પછી તો યુવાન દીકરાની પીઢ માનું હોવાપણું સરરર કરતું ઊતરી ગયું.
આપણે તો બાપ-બેટાથી વિરુદ્ધ દિશામાં ફંટાઈને માંડ્યા ફૂલો વીણવા. દીકરાની પ્રોફેસરને મળવા ગયાં તો ગિફ્ટરૂપે એનાં ટેબલ પર ફૂલોનો ઢગલો કરી દીધો.
આ સુગંધનું સરનામું ફૂલો હોય તો જ આકર્ષે એવું જરાય નથી હોં! નાનપણનો એક પ્રસંગ યાદ આવે છે.
મારા પપ્પા ધોરાજીથી જૂનાગઢ અપ-ડાઉન કરતાં. સાંજે આવે ત્યારે એમનાં પોર્ટફોલિયોમાં (આ એક અલગ કથા. આજે લેધરની લેપટોપ બેગ આવે છે, એવા જ સ્હેજ મોટી સાઈઝના પોર્ટફોલિયો ઓફિસ જનાર પુરુષો વાપરતા. બેકપેકનો એ જમાનો નહોતો.)

રોજ અલગ અલગ ફળ હોય. જુનાગઢ જંગલની નજીક હોવાથી ત્યાં ફળો બહુ સારાં મળે.
એ વખતે હું દસેક વર્ષની હોઈશ. પપ્પા આવે એટલે બસો ત્રણસો મીટર જેટલું દોડીને સામે જાઉં, હાથમાંથી પોર્ટફોલિયો લઈ લઉં અને ખોલ્યા વગર જ, (અને તરત જ) બોલું, “હમમ, આજે ચીકુ છે.” આ રોજનો ક્રમ. અને રોજેરોજ પોર્ટફોલિયોમાંથી સુગંધ મારા નાકમાં પેસીને ચાડી ખાય કે અંદર ચીકુ છે કે કેળાં કે પછી સીતાફળ.
આ જોઈને મારાં દાદી કહેતાં, “છોકરી, તારું નાક કેટલું તેજ છે!” એ વખતે ભણવામાં આવતું કે કૂતરાનું નાક સૌથી તેજ હોય. હું ગર્વથી કહેતી, “બા, મારું નાક કૂતરા જેટલું તેજ છે.”
બા હસી પડતાં અને લાડથી કહેતાં, “એમ ન કહીએ, બેટા! એવું કહીએ કે નાક કીડી જેવું તેજ છે. સાકરનો એક કણ પડ્યો હોય તો કીડીને કેટલે દૂરથી ખબર પડી જાય છે!”
ઘ્રાણેન્દ્રીયની સંવેદનશીલતા માત્ર સુ-ગંધ પૂરતી મર્યાદિત નથી, હો કે! સારા કરતાંયે ખરાબ ગંધ નાક તરફ વધુ વેગથી વહે. વીજળીના તારની કે ટાયર બળવાની મને સૌથી પહેલાં ખબર પડે.
રાંધણગેસ લીક થાય છે કે નહીં, કોઈ બંધ કરતાં ભૂલી ગયું છે કે કેમ, આ બધી વાતોની નિઃશુલ્ક જાણ કરવાની સેવા મેં સદાકાળ માટે સ્વેચ્છાએ સ્વીકારેલી છે.
કોઈનાં ઘરમાં- રસોડામાં કંઈ બળતું હોય માત્ર એ બળે છે એમ જ નહીં, ખીચડી બળે છે કે દૂધ એ પણ સો ટકા સાચું કહી દીધાનો કોઈ રેકોર્ડ હોય તો એ મારા નામે જ બોલતો હોય એની ગેરંટી! વાત આટલેથી જ નથી અટકતી.
સિગરેટની વાસ પ્રત્યે તો મારું નાક એક્સ્ટ્રા એક્સ્ટ્રા સેન્સિટીવ. મારી ગેરહાજરીમાં કોઈ ફૂંકણિયું ઘરમાં આવીને જતું પણ રહ્યું હોય, તો પણ હું આવીને તરત કહી દઉં કે ધૂમાડેશ્વર મહારાજ કઈ ખુરશી પર વિરાજમાન થયા હતા.
મને એમ થાય કે મારી આ ટેલેન્ટ ઓળખીને મારી સેવા લેવા કેમ કોઈ આગળ નહીં આવ્યું હોય? જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ, કે પછી ખોરાક બગડી ગયો છે કે નહીં એ જાણવા કોઈ હોટલવાળા, વગેરે વગેરે.
હમણાંની જ વાત લઈ લો. તાજેતરમાં જ એક સ્લીપર કોચ એસી બસમાં લાંબી મુસાફરી કરવાનું થયું. સીટ પર લંબાવીને એસીનું બટન સૌથી મોટા આંકડા તરફ ઘુમાવીને જરા હાશકારો કર્યો અને વાર્તાનું પુસ્તક હાથમાં લીધું.
હજુ તો પાંચેક મિનિટ થઈ હશે ને મને… હા, બરાબર સમજ્યા- વાસ આવવા લાગી. ભેજને લીધે થયેલી ફંગસ એટલે કે ફૂગની વાસ. અકળાઈને આજુબાજુ નજર કરી. કંડકટર (કે હેલ્પર- જે કહેવાતું હોય એ) બ્લેંકેટ્સ આપી ગયો હતો. હં..અ! નક્કી આમાંથી જ! તરત જ ઓ..ક! મોઢા પર હાથ દાબ્યો. જરા ઉબકો જ હતો.
પર્સમાંથી કાઢીને ડીઓ છાંટ્યું પણ વાસનું જોર ઘટે જ નહીં! પેટમાંથી આંતરડા બહાર આવવા જીદ્દે ન ચડે એનાં માટે સોડાના બે ઘૂંટડા ભર્યા. દરેક મુસાફરીમાં એ મારી સંકટ સમયની સાંકળ હોય છે.
થોડીવાર પછી હિંમત કરીને બ્લેંકેટ સૂંઘી જોયું. ના, વાસ એમાંથી નહોતી. હા..શ!
ધ્યાન બીજે દોરવા બહેનપણીને ફોન લગાડ્યો. કલાક પછી એ વાસ ગઈ, બોલો! તમને થશે કે તો પછી હું પબ્લિક ટોયલેટમાં તો જઈ જ નહીં શકતી હોઉં ને! પણ લાંબો સમય શ્વાસ રોકી રાખવાની પ્રેક્ટિસ મને એનાં કારણે જ થઈ શકી છે.
તીવ્ર ઘ્રાણેન્દ્રીય હોવાના એકાદ-બે ફાયદા- જેમ કે મિત્રો/બહેનપણીઓનાં ખિસ્સામાં ચૉકલેટ હોવાની સૌથી પહેલાં જાણ થઈ જવી, કોઈ પણ વ્યક્તિ તમારાથી કોઈ વસ્તુ છૂપાવી ન શકે, વગેરેની સામે આ ઉપર કહી એવી તકલીફોનો ગેરફાયદો પણ ખરો.
શ્વાસમાં છલકાય છાની ગંધ તો?
ને બધે ચર્ચાય આ સંબંધ તો?
ચિનુ મોદી ‘ઈર્શાદ’
કવિએ આ મારા જેવા બધુંય સૂંઘી લેતાં લોકો માટે લખ્યું હોય એવું નથી લાગતું?
ગંધ પ્રત્યેની આટલી સંવેદનશીલતા વરદાન છે કે અભિશાપ, એવું વિચારવા બેસું તો મન સુગંધનાં સામ્રાજ્ય અને ગંધની ગર્તાની વચ્ચે ગોથા ખાવા લાગે ને અભિશાપનું પલડું નમતું લાગે.
છેવટે… મનને એક ટપલી મારીને આ અવઢવમાંથી બહાર કાઢીને હું મોગરાના ઢગલા તરફ વળી જાઉં.

~ સ્વાતિ રાજીવ શાહ
<suchakswati08@gmail.com