રણુજા (વાર્તા) ~ જયશ્રી પટેલ ‘જયુ’, વડોદરા

રણુજાના પગમાંની ઝાંઝર ખણણણ વાગતી હતી, રૂમઝૂમતી નહોતી. તે જોરજોરથી પગ મૂકતી ચાલી રહી હતી. ત્યાં અચાનક ગીત ગૂંજ્યું..

ભંવરા બડા નાદાન હૈ, બગિયન કા મહેમાન હૈ…

અરે, કેવો મીઠડો અવાજ છે આશાજીનો ને તેની કમરે લચકભરી અને ચાલ રૂમઝૂમમાં ફેરવાઈ ગઈ. દોડીને પગમાં ભાર આપતાં પાયલનો ખણણણ અવાજ બદલાઈ ગયો.

નીચે બેઠેલો કે બેઠેલી મંજુષાનો ઉશ્કેરાટ વધ્યો ને તેણે આખા અંગની એવી અંગડાઈ લીધી કે મોહલ્લાનો પાનવાળો મોંઘારામ તેના ગંદા દાંત દેખાડી હસવા લાગ્યો. આ તો રોજનું હતું. જાતજાતની મસ્તી, તોફાન ને રણુજાના આશિકોની આંખમિંચામણી.

રણુજા જાણતી હતી પોતે સારા ઘરની હતી, પણ તેની જ હવેલીની સૂરજકાકી તેને ચંદનબાઈને આંગણે મૂકીને ચાલી ગઈ હતી. ત્યારથી ચંદનબાઈએ તેને લાડકોડમાં ઉછેરી હતી.

રોજ રાત્રે તેની આંખ ખૂલતી તો એ ઘણાં બધાં પાયલોની રણકારનો અનુભવ કરતી. ક્યારેક કોઈનો રડવાનો તો કોઈનો હસવાનો તો ક્યારેક ચીસો પણ સાંભળતી.

ધીરે ધીરે તેનો અભ્યાસ ઘરમાં જ શરૂ થયો. અનેક શિક્ષકો આવતાં ને તેને ભણાવતા. તે શાળામાં જઈ પરીક્ષા આપી આવતી. આમ ને આમ સર્વ પ્રથમ સ્ત્રી હોવાનો અનુભવ થયો ને ચંદનબાઈએ તેને એક ગૂઢ સમજ આપી.

તેની સાથે રમવા માધુરી આવતી, તે બનાબાઈની દીકરી હતી. તે પણ સુંદર હતી, હા, કદાચ અહીં સૌંદર્ય ને સુંદરતા ભગવાન ખોબલે ખોબલે પાથરીને જ વેરતો હશે. તે ક્લાસિક ગીતો ગણગણતી ને તેની પાસે જ રણુજા પણ ગાતાં શીખી. નૃત્યની તાલીમ બન્નેને સાથે જ મળતી.

માધુરી શાસ્ત્રીય નૃત્ય પસંદ કરતી જયારે રણુજાના પગ બોલીવુડના ગીતો પર થરકતા. તેથી પાયલ તેને ડંખતી. તેની પાયલ રણકતી નહિ ખણકતી….

બન્ને સહેલીઓ ઉપરના છજામાં હીંચકે ઝૂલી રહી હતી ત્યાં જ આંબાની ડાળ પર કોકિલા ટહુકી ને રણુજા ચહેકી … કુહુ કુહુ બોલે કોયલિયા..

તે ઝરૂખામાં ગોળ ગોળ ફરી રહી હતી ત્યારે જ સામેના ઝરૂખામાં એક સુંદર યુવાન તેને જોઈ રહ્યો હતો. તેની નજર એકીટસે રણુજાના થનગનાટને નીરખી રહી. તે અનુભવી રહ્યો હતો કે કોયલે જ ઈચ્છાધારી માનવરૂપ ધારણ કરી નૃત્ય આંરભ્યું.

અચાનક નીચેથી મંજુષાએ રણુજાને રીતસર રાડ નાખી એટલે રણુજા અટકી. તેની નજર યુવક પર પડી, ને પછી નીચે જોયું તો બધી જ દુકાનોવાળા બહાર આવી ગયા હતા. પોતાનાથી મર્યાદાનું ઉલ્લંઘન થયું છે તે મંજુષાના અવાજ પરથી જ એ જાણી ગઈ હતી.

એ રાત્રે ચંદનબાઈએ પહેલીવાર તેની પર ક્રોધ કર્યો. પેલી બે આંખો તેની સામેથી ખસતી નહોતી. એ રાત્રે જ્યાં ઘોંઘાટ જ હોય ત્યાં નીરવતાની ક્ષણોમાં કંઈક ગણગણતા સ્વર તેના કાને પડ્યા… ન કિસી કી આંખ કા નૂર હૂઁ.. ન કિસીકે દિલકા કરાર…

અવાજમાં શિથિલતા હતી. તેને સ્પર્શી ગઈ. તે એ યુવાનને મળવા ઉતાવળી થઈ ઊઠી, જાણે ચાતક. શું આ પહેલી નજરનો પ્રેમ હતો?

“શું હું આ એકલી અનુભવી રહી છું કે એ પક્ષે પણ આ પરિસ્થિતિ હશે?”

બીજે દિવસે ઉજાગરાએ જાણે ચાડી ખાધી. શરીર ને આંખો બન્ને ઉદાસ હતા. માધુરી પણ ન દેખાઈ ને મંજૂષાને તો પૂછાય જ નહિ! કરવું તો શું કરવું?

ત્યાં જ અચાનક ચંદનબાઈનું તેડું આવ્યું, રણુજા તેના ઓરડામાં પ્રવેશી. એ જ સાદગી ને એ જ સફેદ પડદાઓમાંથી આવતો સૂર્યનો ઝાંખો પ્રકાશ. મલમલના તકિયાને અઢેલીને બેઠેલી ચંદનબાઈએ તેને પાસે બોલાવીને કહ્યું,

”તારે દિલ્હી જવું હતુંને એક્ટિંગની કોલેજમાં.. તો મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. તારી સાથે મંજુષા આવશે ને તને દિલ્હી લઈ જશે. ત્યાં એક ઘર ભાડે લઈ તે તારી સાથે રહેશે.”

દિલ્હી જવાની વાતથી રણુજાનું મન તો મોર બની નાચી ઊઠ્યું, પણ એક રંજ પણ હતો કે મંજુષા સાથે જ રહેશે. તેણે નક્કી કર્યુ કે આ મંજુષાનું પત્તું કાપવું પડશે. કેમ – કેવી રીતે તે ન સમજી શકી. બીજી બાજુ મંજુષાએ કાલ્પનિક પુલાવ પકાવી લીધો કે જો અહીંથી છૂટીએ તો આને કોઈ સારી જગ્યાએ ઠેકાણે પાડી, પૈસા ઊભા કરી નાસી જ છૂટું.

ધીરે ધીરે તૈયારી ચાલી રહી હતી, યુવાન રણજીત જોડે ચિઠ્ઠીની આપલે કરવાની વ્યવસ્થા મોંઘારામ પાનવાલાએ કરી આપી હતી. શર્ત એ હતી કે રણુજા એકવાર તેનો હાથ ચુમવા દે! આકરી શર્ત હતી. રોજ પાન પહોંચાડવાને બહાને ત્રીજા માળે આવતો ને તેનું કાર્ય પતાવી આખી રાત્રી એ સ્પર્શ વાગોળતો.

રણજીત નક્કી કર્યા મુજબ એક અઠવાડિયા પહેલા જ શહેર તરફ નીકળી ગયો હતો. બન્ને ચિઠ્ઠી સિવાય મળ્યા નહોતા. પ્રેમ કેવો આંધળો હતો? ન જાન ન પહેચાન ને તે એક મોટું પગલું ભરવા જઈ રહી હતી.

ચંદનબાઈએ નીકળતા કહ્યું, ”એકવાર મને મા તો કહે..”

રણુજા પ્રીતિભરી નજર નાખી બોલી, ”જીવનભર આ બુલબુલને કેદમાં રાખી. હવે કેમ પિંજરાનું ઢાંકણું  ખોલી દીધું છે એ સમજાશે ત્યારે જરૂર ‘મા’ કહીશ. હમણાં તો તું ફક્ત મારે માટે બાઈ જ રહીશ.”

મંજૂષાનો હાથ પકડી આ ઘર કે પીંજરનાં દ્વારની બહાર રણુજાએ પગ મૂક્યો. મંજુષા ક્ષણ માટે ધ્રૂજતો ચાલ્યો ને તેણે મોંઘારામની દુકાને પાન લેવા પગ રોક્યા.

મોંઘારામે વફાદારી નોંધાવી મોઘમમાં કહ્યું, ”ન જાઓ સૈંયા છૂડાકે બૈયાં, કસમ તુમ્હારી….”  ને એક ડૂસકું લઈ રડી પડ્યો.

રણુજા શુંય સમજી એ તો એ જાણે, પણ અચાનક એની ભીતરની મથામણ આક્રમક રીતે બહાર આવી ગઈ. બાજુની લારીમાં પડેલું ફ્રૂટ કાપવાનું ચપ્પુ લઈ તેણે મંજુષાના પેટમાં ઊંડે સુધી હુલાવી દીધું. ખૂનની આ ઘટનાથી ભાગદોડ મચી ગઈ.

રણુજા આવું કરી શકે એવી કોઈને કલ્પના નહોતી. રણુજાના હાથ હજી પણ ચપ્પુ પર ભીંસાયેલા હતા. થોડી વારમાં પોલીસ આવીને રણુજાને લઈ ગઈ.

રેડિયો પર ગીતા દત્તના અવાજમાં કરૂણ ગીત રેલાઈ રહ્યું હતું, ”ન જાઓ સૈંયા છૂડાકે બૈયાં.” રણુજાના ચહેરા પર મુક્તિના ભાવ ચમકી રહ્યાં. એ વિચારતી રહી: શું હું મુક્ત થઈ ગઈ ખરી?
***
કેદીઓની મુલાકાતમાં ક્યારેય ચંદનબાઈએ મુલાકાત ન લીધી. ન રણજીત આવ્યો. એક દિવસ અકાળે વૃદ્ધ થયેલા સૂરજકાકી મળવાં આવ્યાં, હાથમાં એક કાગળિયું આપી ગયાં ને માફી માગતાં ગયાં.

થોડાં અઠવાડિયા પછી મોંઘારામે મળવા આવ્યો. વાતવાતમાં મંજુષા ને રણજીતની આખી વાત કરી. બન્ને પરિસ્થિતિ સાવ જુદી હતી. એક બાજુ કાગળિયાંમાં મળેલી બાપની વારસાગત મિલકત હતી તો બીજી બાજુ જેની પર આત્મીય વિશ્વાસ મૂક્યો હતો તે રણજીત અને મંજુષા તેને બીજાં પિંજરમાં પૂરવાની તૈયારી કરી ચૂક્યા હતા.   

જેલમાં સૌ રણુજાને સાંભળતા રહેતા. તેના મીઠા કોયલ જેવા અવાજને માણતા રહેતા. જેલના સળિયા પાછળ રણુજાને મુક્તિનો અહેસાસ થવા લાગ્યો. “ભંવરા બડા નાદાન હૈ, બગિયન કા મહેમાન હૈ…”

~ જયશ્રી પટેલ ‘જયુ’, વડોદરા
Email : miltaja05@gmail.com
(ગુરુદત્તની જન્મ જયંતી પર)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.