પ્રેમ – એને સફર ગમે છે, સરનામું નહીં (લેખ) ~ અનિલ ચાવડા 

વેલેન્ટાઇન ડે નજીક આવતાની સાથે પ્રેમના પતંગિયાંઓ ઊડવા માંડે. સોશ્યલ મીડિયામાં કવિતાઓ, લેખોની ભરમાર થઈ જાય. જોકે પ્રેમ ક્યારેય એટલો સરળ ન હતો અને એટલો મુશ્કેલ પણ નહીં.

આજના સમયમાં પ્રેમ અચાનક વરસી પડતા વરસાદ જેમ નથી આવતો; એ હવે ‘વેધર એપ’માં જોઈને પ્લાન કરવામાં આવે છે. ‘પ્રેમ વરસશે કે નહીં?’ એનો જવાબ હવે હૃદય નથી આપતું, મોબાઇલ આપે છે.

એક સમય હતો જ્યારે પ્રેમ આંખોથી શરૂ થતો, હવે પ્રેમ ડેટા પેકથી શરૂ થાય છે. નજરો મળે એ પહેલાં Wi-Fi મળવું જરૂરી થઈ ગયું છે. પહેલાં કોઈના અવાજમાં ધબકારો સાંભળાતો, આજે ‘Seen’માં ભાવનાઓ માપવામાં આવે છે.

પ્રેમ હવે કવિતા નથી રહ્યો; સ્ટેટસ અપડેટ બની ગયો છે. કોઈએ લાઈક ન કર્યું હોય, તો સમજવું કે પ્રેમ અધૂરો રહી ગયો.

આજનો પ્રેમ થોડો ઉતાવળિયો છે. એને રાહ જોવાની આદત નથી. એને બધું ‘Now’ જોઈએ. પ્રેમ હવે તપસ્યા નથી; એ ફ્રી ટ્રાયલ છે. ગમ્યું તો ચાલુ, ન ગમ્યું તો અનઇન્સ્ટોલ.

એક સમય હતો જ્યારે પ્રેમ પત્રોમાં મહેકતો હતો. આજે પ્રેમ ‘Hi’થી શરૂ થઈને ‘K’ પર પૂરો થઈ જાય છે. બે અક્ષરમાં આખી વાર્તા સમાપ્ત. પહેલાં ‘તું મને ગમે છે’ એટલું લખવા માટે પાનાંનાં પાનાં ભરાતા. આજે એક ઇમોજી પૂરતું લાગે છે, અને ક્યારેક એ પણ વધારે લાગે છે.

પ્રેમ આજે બહુ વ્યસ્ત છે. સોરી ‘busy’ છે, એને સમય નથી. એને લાગણી તો જોઈએ છે, પણ જવાબદારી વગર. એને નિકટતા ગમે છે, પણ બાંધછોડ નહીં. આજનો પ્રેમ એક એવો મુસાફર છે, જે સ્ટેશન પર ઊતરવા તૈયાર છે, પણ કોઈ શહેરમાં રહેવા તૈયાર નથી. એને સફર ગમે છે, સરનામું નહીં.

આજના પ્રેમને ‘સ્પેસ’ બહુ ગમે છે. એટલી બધી સ્પેસ કે ક્યારેક પ્રેમ ક્યાં ગયો એય શોધવું પડે. ‘મને થોડી સ્પેસ જોઈએ’. આ વાક્ય હવે પ્રેમનું સૌથી લોકપ્રિય શસ્ત્ર બની ગયું છે. અને સ્પેસ આપતા આપતા, લોકો એકબીજાથી એટલા દૂર થઈ જાય છે કે પછી ટેલિસ્કોપથી દેખાતા નથી.

પ્રેમ પહેલાં એક ઝાડ જેવો હતો, લીલોછમ, મજબૂત, અડગ. વરસો સુધી ઊભો રહેતો. આજે પ્રેમ પ્લાસ્ટિકના છોડ જેવો છે, હંમેશા લીલો, પણ કોઈ ઋતુ એની નથી. દેખાવ સરસ, પણ મૂળ નથી. અને જ્યારે તોફાન આવે, ત્યારે તરત પડી જાય છે, કારણ કે એને પકડી રાખે એવું કંઈ હતું જ નહીં.

આજના પ્રેમમાં શંકા એક ફ્રી એક્સેસરી બની ગઈ છે. ‘લાસ્ટ સીન ક્યારે?’, ‘ઓનલાઈન કેમ હતો?’, ‘મેસેજનો જવાબ મોડો કેમ?’ આ બધા પ્રશ્નો હવે પ્રેમના નિયમિત અભ્યાસક્રમમાં સામેલ થઈ ગયા છે. પ્રેમ હવે વિશ્વાસથી ચાલતો નથી; એ સ્ક્રીનશોટથી ચાલે છે.

એક સમય હતો જ્યારે પ્રેમમાં મૌન પણ અર્થસભર ગણાતું. આજે ચૂપ રહેવું એટલે ‘અનઇન્ટરેસ્ટેડ’. પહેલાં કોઈની આંખોમાં આખું જગત સમાઈ જતું. આજે મોબાઈલની સ્ક્રીન પર ‘Typing…’ લખેલું દેખાય ત્યાં સુધી હૃદય ધબકે છે. અને જો ટાઇપિંગ બંધ થઈ જાય, તો લાગણી બંધ. 

પ્રેમ આજે બહુ પ્રેક્ટિકલ છે. એને રોમાન્સ ગમે છે, પણ બિલ ભરવાની જવાબદારી નહીં. એને સાથે ફરવું ગમે છે, પણ સાથે વૃદ્ધ થવું નહીં. એને ‘તારા વગર જીવી નહીં શકું’ સાંભળવું ગમે છે, પણ ‘ચાલ, મુશ્કેલી સાથે ઝીલી લઈએ’ સાંભળવું નથી ગમતું. આજનો પ્રેમ થોડો ‘સેલ્ફ-હેલ્પ બુક’ જેવો છે, બધું સારું લાગે, પણ વાસ્તવિક જીવનમાં અમલ કરવો મુશ્કેલ.

અને છતાં… આ બધા વ્યંગ, આ બધા સવાલો વચ્ચે પણ પ્રેમ સાવ મરી નથી ગયો. એ ફક્ત રૂપ બદલીને ફરી ફરી જન્મે છે. ક્યારેક કોઈ સાથે પ્રેમથી પિવાયેલા ચાના કપમાં, ક્યારેક એક અજાણ્યા મેસેજમાં, ક્યારેક કોઈ થાકેલી આંખોમાં…

આજના સમયનો પ્રેમ ભલે ગભરાયેલો હોય, ભલે થોડો ડરેલો હોય, પણ એ હજી જીવંત છે, કારણ કે માણસ હજી પણ એકલો છે, અને એકલતા હંમેશા પ્રેમને જન્મ આપે છે.

~ અનિલ ચાવડા 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.