શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય સોળમો ~ “જય-વિજયનું વૈંકુઠમાંથી પતન” ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ
(ત્રીજા સ્કંધના અધ્યાય પંદરમો – “જય-વિજયને સનકાદિનો શાપ” અંતર્ગત આપે વાંચ્યું કે, નારાયણના ધામમાં શ્રી હરિના પાર્ષદો, દ્વારપાળો જય અને વિજય, બ્રહ્માજીના માનસ સંતાનો એવા સનકાદિકુમારો જેવા સંત બ્રહ્મચારીઓને શ્રી હરિના ધામમાં જતાં રોકે છે. એટલું જ નહીં, પણ એમની અવહેલના કરીને ઉપહાસ કરે છે. આથી સનકાદિકુમારો એમને શાપ આપે છે કે તેઓ પોતાના અપરાધના દંડ રૂપે વૈંકુંઠલોકમાંથી નીકળીને પાપાયોનિમાં જાઓ કે જ્યાં કામ, ક્રોધ, મદ, અને લોભ જેવા આસુરી તત્ત્વો વસે છે. આ શાપ પામીને જય-વિજયને પોતાના અપરાધનું ભાન થાય છે. તેઓ ક્ષમા માગે છે અને એટલીવારમાં ભગવાન સ્વયં લક્ષ્મીજી સહિત સનકાદિ મુનિઓ જે દ્વાર પર હતા ત્યાં આવીને સનકાદિ સંતકુમારોને દર્શન આપે છે અને એમને કહે છે કે જય-વિજય એમના અહંકારને કારણે સજાપાત્ર છે. બેઉ દ્વારપાળો ક્ષમાયાચના કરે છે અને શાપની અવધિ જલદી સમાપ્ત થાય એવી યાચના કરે છે. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય સોળમો, “જય-વિજયનું વૈંકુઠમાંથી પતન” )
આ અધ્યાયમાં કુલ ૩૭ શ્લોકો છે.
શ્રી સૂતજી કહે છેઃ હે શૌનકાદિ મુનિઓ, હરિને પામવા અને જાણવાની વિદુરજીની ઉત્કંઠા અને તરસ વધતી જતી હતી. વિદુરજીના સૌ પ્રશ્નોના સમાધાન સ્વરૂપે મૈત્રેયજી નીચે પ્રમાણે વૃતાંત કહે છે.
મૈત્રેયજી કહે છે – દેવતાઓ પાસેથી સ્તુતિ સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થયા અને પછી એમને વિગતવાર વધુ આગળ સમજાવતા કહ્યું કે શા માટે અને કઈ રીતે દિતિ સાથેની ઘટના કાળના પ્રવાહમાં પ્રાયોજિત હતી.
બ્રહ્માજી પછી દેવતાઓને કહે છે – હે દેવતાઓ, યોગનિષ્ઠ સનકાદિ મુનિઓએ જ્યારે જય-વિજયને શાપ આપ્યો અને પ્રભુએ પણ એ શાપનું પ્રતિપાદન કર્યું પછી એ બાળક સમા સંતોનો ક્રોધ શાંત પડે છે.
ત્યારે શ્રીહરિ એમની પ્રશંસા કરીને નીચે પ્રમાણે કહે છે – “જય અને વિજય મારા પાર્ષદો છે. તેમણે તમારા જેવા સંતકુમારોનું અપમાન કરતાં પહેલાં એકવાર પણ એવું ન વિચાર્યું કે તમે મારા નિવાસના આંગણે પધાર્યા છો. તમે બધા મારા આજન્મ અનુયાયી અને ભક્ત છો. તમારી અવજ્ઞા અને અવગણના તેઓ કરશે તો એ મારી જવાબદેહી છે. કારણ, સેવકો જ્યારે અપરાધ કરે તો સંસાર હમેશાં એમના સ્વામીને જ અપયશ આપે છે. જય અને વિજય એમને અપાયેલા કાર્યને વિવેકબુદ્ધિથી કરવાનું ચૂક્યા છે એથી તમે જે દંડ આપ્યો છે એ યોગ્ય જ છે. બ્રાહ્મણો, દૂધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ – એ મારાં જ શરીરના અંશ છે. તમારા જેવા પાવન બ્રાહ્મણોની શ્રદ્ધા અને પવિત્રતાથી કરેલા યજ્ઞો અને પૂજન થકી મારી નિર્મળ સુકીર્તિ અને યશ સંસારમાં પ્રવર્તે છે. તમે જે સમર્પણથી મારી સેવા કરો છો તેથી જ મારી ચરણરજને પવિત્રતા મળી છે.
(શ્લોક પાંચમાથી શ્લોક તેર સુધી શ્રી હરિ બાળબ્રહ્મચારી, બ્રાહ્મણ સંતકુમારોને સમજાવે છે કે કઈ રીતે બ્રાહ્મણો એમને માટે વિશિષ્ઠ અને પ્રિય છે. એ માટે સુંદર, મિષ્ટ અને અલંકારોથી સુશોભિત ભાષાનો પ્રયોગ કરીને પ્રસન્ન મુખમુદ્રા સાથે યથોચિત વર્ણન કરે છે. અહીં એનો સારાંશ સંક્ષિપ્તમાં મૂકવામાં આવ્યો છે.)
હે વિદ્વાન બ્રહ્મકુમારો, મારા આ સેવકોએ મારો અભિપ્રાય જાણ્યા વિના જ આપનું નાસમજીમાં અપમાન કર્યું છે. મારી આટલી જ વિનંતી છે કે આ પાર્ષદોનો નિર્વાસનકાળ જલદી સમાપ્ત થાય એ માટે એમના પર કૃપા કરો.”
બ્રહ્માજી પછી આગળ કહે છે; હે પુણ્યશાળી દેવતાગણો, આ બ્રહ્મકુમારો માટે ભગવાનને કેટલો આદરભાવ છે કે સ્વયં જગતના સ્વામી હોવા છતાં જય-વિજય પર કૃપા કરવા એમને વિનંતી કરે છે! આજ છે ભગવાનની ભગવતત્તા.
પછી મૈત્રેયજી કથાનો અનુસંધાન સાધતાં વિદુરજીને કહે છે; સનકાદિ કુમારો પ્રભુની સમક્ષ બે હાથ જોડીને ઊભા રહે છે અને પછી એમની ચરણરજ માથે ચડાવતાં કહે છે કે “હે પ્રભો, સ્વયં લક્ષ્મીજી આપની સેવા કરે છે, એવા ઐશ્વર્યના આપ સ્વામી છો. છતાં પણ, બ્રાહ્મણોનો આપ આટલો આદર કરો છો. આપ સ્વયં ધર્મરૂપ છો, ધર્મ છો, ત્રિલોકપતિ છો. હે સર્વેશ્વર, અમે આપના સેવકોને શાપ આપ્યો છે, એને આપ જો અમારો અપરાધ ગણતા હો તો એ માટે આપને જે યોગ્ય લાગે એ દંડ અમને આપો. અમે એને આપનો પ્રસાદ માનીને સહર્ષ સ્વીકારી લઈશું.”
આ સાંભળીને શ્રી હરિ કહે છે; “ હે મુનિઓ!, તમે જે શાપ આમને આપ્યો છે તે મારી પ્રેરણાથી જ બન્યું છે. હવે આ બંને દૈત્ય યોનિ પામશે અને એ યોનિમાંથી એમની ઉચિત સમયે મુક્તિ થશે, ત્યારે ફરી અહીં મારા ધામમાં આવશે.”
મૈત્રેયજી પછી આગળ વિદુરજીને કહે છે; ત્યાર પછી બ્રહ્માજી દેવતાગણોને કહે છે કે; “આ સાંભળીને સનકાદિકુમારો શ્રી હરિએ સૂચવેલા જય-વિજયના શાપનિવારણને બે હાથ જોડીને સ્વીકારી લે છે. પછી એ મુનીશ્વરો નયનાભિરામ, ભગવાન વિષ્ણુનાં અને એમના સ્વયંપ્રકાશિત વૈંકુઠધામના દર્શન કરી, પ્રભુની પરિક્રમા કરીને અને એમને પ્રણામ કરીને, તેમની આજ્ઞા લઈને, ભગવાનના અભૂતપૂર્વ ઐશ્વર્યના ગુણગાન ગાતાગાતા આનંદિત થઈને પાછા સ્વધામ આવી ગયા.
એમના જવા પછી પ્રભુ એમના પાર્ષદોને કહે છે, “જાઓ, મનમાં કોઈ પ્રકારનો ભય રાખશો નહીં. તમારા કર્મના બંધનો દૈત્ય યોનિઓમાં પૂરા થઈ જતાં મુક્ત થઈને તમે મારી પાસે આવી જશો.” આમ પ્રભુ એમના સેવકોને ધીરજ બંધાવીને વૈકુંઠવાસમાંથી વિદાય કરે છે.
બ્રહ્માજી દેવતાગણોને આગળ કહે છે કે; “જય-વિજય આમ શાપને કારણે શ્રીહીન થઈ ગયા અને તેઓ વૈંકુઠલોકમાંથી નીચે પડવા માંડ્યા. તે સમયે દિતિના ગર્ભમાં કશ્યપજીનું જે ઉગ્ર તેજ રહેલું હતું તેમાં એમણે પ્રવેશ કર્યો. તે બંને અસુરોના તેજને લીધે તમારા સૌનું તેજ ફિક્કું પડી ગયું છે. આ સમયે શ્રી હરિ આવું જ અને આ જ ઈચ્છે છે. એમની આ લીલા છે જેનો તાગ આપણે પામી શકીએ એમ નથી. કાળચક્રનું પણ માત્ર એટલું જ કાર્ય છે કે ભગવાને જે નિશ્વિત કર્યું છે એને જ અનુસરે. જે આદિપુરુષ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે, જેમની યોગમાયાનો તાગ મોટામોટા યોગીઓ અને ઋષિઓ પણ પામી શકતા નથી, એવા ત્રણે ગુણોના નિયંતા ભગવાન જ આપણું કલ્યાણ કરશે, એવો વિશ્વાસ સદા રાખીને કર્મ કરતાં રહેવું. કારણ, એ જ જીવ માત્રનો ધર્મ છે. આ બાબતમાં આપણા વિશેષ વિચારવિમર્શથી કશો જ લાભ થવાનો નથી કે કોઈ ફરક પડવાનો નથી.”
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો તૃતીય સ્કંધનો “જયવિજયનું વૈકુંઠમાંથી પતન” નામનો સોળમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
II શ્રી હરિ ૐ તત્સત II
વિચારબીજઃ
૧. આધ્યાત્મિક સાહિત્ય અને સમાજશાસ્ત્રના નિયમોનું અહીં પ્રતિપાદન થયું છે.
૨. શું દૈત્યો કે જય-વિજય જેવા શાપિતો આજની વિભાવના – concept પ્રમાણે અન્ય ગ્રહ પર રહેતા અને બધા જ ગ્રહો પર વિચરી શકતા? તેઓ ખૂબ જ શક્તિશાળી અને વિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ પ્રગતિ પામેલા પરગ્રહવાસીઓ – Aliens હોઈ શકે ખરા? જેઓ પોતાની શક્તિઓ કે પાવર સર્વ પ્રાણીઓ, સમાજ તથા સૃષ્ટિ સમસ્તના હિત માટે ઉપયોગમાં લે, તેઓને દેવ ગણી શકાય? જેઓ પોતાનો અહમ્, દ્વેષ, મોહ અને લોભ સંતોષવા પોતાની શક્તિઓ કે પાવરનો ઉપયોગ કરીને અન્યોનું અહિત કરે એવા અ-ક્ષમાશીલોને દાનવો તરીકે તે કાળમાં અને આજના સમયમાં ગણી શકાય?
૩. દૈત્યો કે શાપિતોને આટલી બધી શક્તિઓ આપવાનું કારણ શું હોઈ શકે? શું એમનું અધિજ્ઞાનને લીધે આવેલું અભિમાન જ એમના પતનનું કારણ બને અને અન્ય સામાન્ય મનુષ્ય જીવનમાં ધર્મ અને નીતિમત્તાની કિંમત સમજી શકે અને એને અપનાવી શકે?