શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય પંદરમો ~ “જય-વિજયને સનકાદિનો શાપ” ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ
(ત્રીજા સ્કંધના અધ્યાય ચૌદમો – “દિતિનું ગર્ભધારણ” અંતર્ગત આપે વાંચ્યું કે, દક્ષકન્યા દિતિએ પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર થઈને પતિ કશ્યપજીને પ્રાર્થના કરી. તે સમયે કશ્યપજી ભગવાન યજ્ઞપતિની આરાધના કરીને સૂર્યાસ્ત વેળા થવાના સમયે અગ્નિશાળામાં ધ્યાનસ્થ બેઠા હતા. એ સમય ગર્ભધારણ માટે બરાબર નહોતો. કશ્યપજીના સમજાવવા છતાંયે દિતિ માનતી નથી અને એ ગર્ભ ધારણ કરે છે. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય પંદરમો, “જય-વિજયને સનકાદિનો શાપ.”)
આ અધ્યાયમાં કુલ ૫૦ શ્લોકો છે.
સૂતજી કહે છેઃ હે મુનિઓ, મૈત્રેયજી પછી વિદુરજીને આગળ નીચે પ્રમાણે કહે છે, એનો વૃતાંત નીચે પ્રમાણે કહું છું.
મૈત્રેયજી વિદુરજીને કહે છેઃ હે વિદુરજી, દિતિને પોતાના પુત્રોને દેવતાઓ દ્વારા કષ્ટ પહોંચાડવાની આશંકા હતી તેથી તેણે બીજાઓના તેજનો નાશ કરનારા કશ્યપજીના તે તેજવીર્યને સો વર્ષો સુધી પોતાના ઉદરમાં જ રાખ્યું. ગર્ભમાં રહેલા તે તેજથી જ સૂર્યનો પ્રકાશ ક્ષીણ થવા માંડ્યો અને ઈંદ્રસહિત બધા જ લોકપાલો તેજહીન થવા માંડ્યા. ત્યારે દેવતાઓએ બ્રહ્માજી પાસે જઈને વિનંતી કરી કે હે દેવાધિદેવ, આપ જ આ જગતના રચનારા છો. આપથી કશું જ અજાણ્યું નથી. સૂર્યસહિત અમારા સહુની ક્ષીણ થયેલી ઓજસ્વિતાથી વિશ્વભરમાં ફેલાયેલી અંધારાની અવ્યવસ્થાની આપને જાણ છે. અમે બધાં જ ભયભીત છીએ. અમારા પર કૃપા કરી અમારી મદદ કરો, હે જગતપિતા! આપ જ સમસ્ત જગતને રચનારા છો અને સમસ્ત લોકપાલોના મુકુટમણિ છો. આપ વિજ્ઞાનબળથી સંપન્ન છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ.
આપ સમસ્ત જીવોના ઉત્પત્તિસ્થાન છો. આપનું જે અનન્યભાવે ધ્યાન ધરે છે તે સિદ્ધ યોગીઓનો કોઈ પણ પ્રકારે હ્રાસ થતો નથી. આપની કૃપાથી ધન્ય થનારાઓ પ્રાણ, ઈંદ્રિયો અને મનને જીતી લે છે અને આથી એમનો યોગ પરિપક્વ થાય છે. દોરડાથી બંધાયેલા બળદોની જેમ આપની વેદવાણીથી સુબંધિત સઘળી પ્રજા કર્મોનું અનુષ્ઠાન કરીને આપને મોહ, માયા, ક્રોધ, દ્વેષ અને મત્સરના બલિ આપને સમર્પિત કરી રહી છે. આપ જ સૌના નિયંતા પ્રાણ છો. હે ભૂમા, આ અંધકારને કારણે દિવસ રાતનું વિભાજન અસ્પષ્ટ થઈ ગયું છે તો અને તમામ ભુવનોના લોકોના તમામ કર્મો લુપ્ત થતાં જઈ રહ્યાં છે, જેનાથી પ્રજા દુઃખી થઈ રહી છે. તેમનું કલ્યાણ કરો અને અમ શરણાગતની રક્ષા કરો પ્રભુ! હે દેવ, આગ જેમ બળતણમાં પડીને વધતી રહે છે તે જ રીતે કશ્યપજીના વીર્યથી સ્થાપિત થયેલો દિતિનો આ ગર્ભ બધી દિશાઓને ક્રમશ અંધકારમય કરતો વધી રહ્યો છે. અમને ઉગારો હે જગતપિતા!
સૂતજી કહે છે – મૈત્રેયજી આમ આગળ વિદુરજીને વૃતાંત કહે છે કે, આમ દેવતાઓ પાસેથી સ્તુતિ સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થયા અને પછી એમને વિગતવાર સમજાવ્યું કે શા માટે અને કઈ રીતે દિતિ સાથેની ઘટના કાળના પ્રવાહમાં પ્રાયોજિત હતી.
બ્રહ્માજી દેવતાઓને કહે છે – હે દેવતાઓ, તમારા પૂર્વજો સનક વગેરે મારા માનસપુત્રો ઈહલોકની સઘળી આસક્તિ ત્યજીને સમસ્ત લોકમાં આકાશમાર્ગે વિચરણ કરતા હતા. એક વાર તેઓ ભગવાન વિષ્ણુના શુદ્ધ -સત્વમય અને સર્વ લોકના શિરોભાગમાં રહેલા પરમ પાવન વૈંકુઠધામમાં જઈ પહોંચ્યા. (શ્લોક ૧૨ થી શ્લોક ૨૫ સુધી વૈકુંઠધામનું અદભૂત અલંકારિક વર્ણન વેદવ્યાસજીએ કર્યું છે. એમાંથી બેચાર વાક્યો લઈને કથા તરફ વળીશું) આ વૈંકુઠધામમાં બધાં જ વિષ્ણુરૂપ થઈને રહે છે. આ સ્વરૂપ એમને જ પ્રાપ્ત થાય છે કે જેઓ અન્ય પ્રકારની કામનાઓ ત્યજીને કેવળ ભગવાનનાં ચરણોમાં શરણની પ્રાપ્તિ માટે જ પોતાના ધર્મ થકી તેમની આરાધના કરે છે. ત્યાં વેદાંતપ્રતિપાદ્ય ધર્મમૂર્તિ શ્રી આદિનારાયણ ભગવાન સૌ ભક્તોને દર્શન આપવા માટે શુદ્ધ-સત્ત્વમય સ્વરૂપ ધારણ કરીને હંમેશ વિરાજમાન રહે છે.
તે લોકમાં નૈઃશ્રેયસ નામનું અલૌકિક વન છે, જે સાક્ષાત કૈવલ્યધામ (મોક્ષધામ) જેવું છે અને એમાં તમામ પ્રકારની સાત્ત્વિક કામનાઓને પુરી કરનારાં કલ્પવૃક્ષો શોભી રહ્યા છે. આ વૃક્ષો છ યે છ ઋતુઓની શોભાથી સંપન્ન રહે છે. ત્યાં વિમાનચારી ગંધર્વગણ સતત પ્રભુની લીલાઓનું ગાન કરતા રહે છે, કે જે લીલાઓનું યશોગાન લોકોના પાપપુંજને ભસ્મ કરી દેવા સમર્થ છે. તે સમયે સરોવરોમાં ખીલેલી મકરંદપૂર્ણ વાસંતિક માધવી લતાની સુમધુર ગંધ તેમના ચિત્તને પોતાના પ્રત્યે ખેંચવા ઈચ્છે છે પરંતુ પ્રભુના સ્મરણમાં મગન તેઓ આ પ્રત્યે બિલકુલ બેધ્યાન રહે છે. શ્રી હરિના પરમ સ્મરણમાં લીન ભગવદ્-ભક્તોના મનમાં કદી કોઈ વિકાર થતો નથી.
એક વખત મારા માનસપુત્રો સનકાદિ કુમારો***, સમસ્ત વંદનીય દેવતાઓના વૈજ્ઞાનિક, દિવ્ય વિમાનોથી વિભૂષિત અને અદભૂત એવા શ્રી હરિના વૈંકુઠધામમાં ગયા ત્યારે તેમને ઘણો આનંદ થયો.
સનકાદિ કુમારો તો સમદૃષ્ટ અને કોઈ પણ લોકની પ્રતિષ્ઠાથી પર હતા. એમને માટે સર્વ બ્રહ્માંડ એક સમાન હતું અને તેઓ બધે જ કોઈ પણ રોકટોક વિના વિચરતા રહેતા. આ ચારેય કુમારો પૂર્ણ તત્ત્વજ્ઞ હતા અને બ્રહ્માની સૃષ્ટિમાં ઉંમરમાં સૌથી મોટા હોવા છતાં પણ જોવામાં તો પાંચ વર્ષનાં બાળકો જેવા જણાતા હતા. તેઓ દિગંબર રહેતા હતા.
ભગવાનના દર્શનની લાલસામાં આગળ પાછળનું બધું જોયા વગર સનકાદિ મુનિઓ છ ઊંબરા પાર કરી ગયા અને સાતમા પર પહોંચ્યા. ત્યાં તેમને આવી દિગંબર હાલત અને બાળક જેવા જોઈને બે સરખી ઉંમરના દેખાતા દ્વારપાળો , જય અને વિજય- એ બેઉએ રોક્યા. જય અને વિજય ભગવાનના પાર્ષદોને ન શોભે એ રીતે, એમના શીલસ્વભાવથી વિપરીત, એમની હાંસી ઉડાવતાં નેતરની (વેત્ર) સોટી પણ રોકવા માટે ઊઠાવી.
જ્યારે દ્વારપાળોએ વૈંકુઠવાસી દેવતાઓની સામે પૂજનીય સનકાદિ ઋષિઓને રોક્યા ત્યારે પ્રભુના દર્શનની ધૂનમાં રમમાણ સનકાદિ કુમારો ક્રોધિત થઈને જય અને વિજયને શાપ આપતાં (શ્લોક ૩૨, ૩૩ અને ૩૪) કહે છે કે; “અરે દ્વારપાળો, તમને ભગવાનની કૃપાપ્રસાદથી અહીં નિવાસ કરીને પ્રભુની સેવા કરવાનો મોકો મળ્યો છે. અહીં રહેનારા બધા જ ભગવાન જેવા સમદર્શી હોય છે અને એમના સ્વભાવમાં કોઈ વિષમતા નથી હોતી. ભગવાનનો તો અહીં કોઈ સાથે વિરોધ નથી તો તમારા સ્વભાવમાં આવી શંકા અને કુટિલતા રહી છે, એનું કારણ જાણો છો? એનું કારણ છે કે તમે સ્વયં કુટિલ છો, તેથી અન્ય સૌ પણ પોતાના જેવા છે એવું માનીને સ્વર્ગલોકમાં પણ શંકા અને દુર્વ્યવહાર કરો છો. અહીં રહેનારા જ્ઞાનીઓ સર્વાત્મા હરિથી પરે બીજું કશું જોતા નથી. તમને એવું તે શું દેખાય છે કે જેનાથી તમે ભગવાન સાથે થનારા ભય અને ભેદની કલ્પના અહીં આ લોકમાં કરી લીધી?”
આ સાંભળીને એ દ્વારપાળોએ નેતરની સોટી નીચી કરી લીધી અને પોતાનાથી થઈ ગયેલી ભૂલને કારણે કાંપવા માંડ્યા. સનકકુમારો બોલ્યા, “હે પાર્ષદો, તમે છો તો વૈંકુઠધામમાં શ્રી હરિના દ્વારપાળો પણ તમારી કુંઠિત બુદ્ધિ અને મલિન વિચારોની શુદ્ધિ આવશ્યક છે. તમારી આ ભેદબુદ્ધિના દોષને શુદ્ધ કરવા માટે અમે તમને શાપ આપીએ છીએ કે તમે આ વૈંકુઠલોકમાંથી નીકળીને અન્ય યોનિઓમાં જાઓ કે જ્યાં જીવમાત્રના આજન્મ શત્રુઓ જેવા કે, કામ, ક્રોધ, મોહ, દ્વેષ, મત્સર નિવાસ કરે છે.”
પાવન બ્રહ્મચારી સનકાદિ કુમારોના આવા વચન સાંભળીને જયવિજય એમના ચરણ પકડીને આજીજી કરતા કહે છે કે, “હે મુનિઓ, અમે અપરાધી છીએ અને દંડને પાત્ર છીએ. અમારાથી થયેલું પાપ આ સજાથી ધોવાઈ જશે પણ આપને બે હાથ જોડી, માથું નમાવીને વિનંતી કરીએ છીએ કે, આપ કરૂણા કરીને આપના યોગ અંશથી એટલી કૃપા કરો કે અમે જે પણ નિમ્ન યોનિઓમાં જઈએ છતાં પણ, ભગવત્ સ્મરણને નષ્ટ કરનારો મોહ અમને કદી ન પ્રાપ્ત થાય.”
આ સમય દરમિયાન સાધુજનોના હૃદયધન અને અંતર્યામી ભગવાન શ્રી વિષ્ણુજીને ખબર પડી કે એમના પાર્ષદોથી મોટી ભૂલ થઈ ગઈ છે અને સનકાદિકુમારોનો અનાદર કર્યો છે. ત્યારે તેઓ લક્ષમીજી સહિત સ્વયં ત્યાં આવે છે. સનકાદિઓએ જોયું કે તેમના આરાધ્યદેવ, તેમની સમાધિના વિષયભૂત શ્રી વૈકુંઠનાથ સ્વયં તેમને નેત્રગોચર થવા પધાર્યા છે ત્યારે તેમની શોભા અને અલૌકિકતાથી સનકાદિ મુનિઓ નતમસ્તક થઈને હાથ જોડીને પ્રણામ કરે છે અને અભિભૂત થઈને એમની ચરણધૂલિ માથે ચઢાવે છે. (અહીં શ્રી વ્યાસજીએ શ્લોક ૩૭ થી ૪૫ સુધી એક સર્વકાલીન સાહિત્યકારને શોભે એવું શ્રી હરિની શોભાનું વર્ણન કર્યું છે પણ અહીં એનો સમાવેશ નથી કર્યો. ઉદાહરણ માટે માત્ર શ્લોક ૪૫ લીધો છે.)
સનકાદિ કુમારો ભગવાનના મુખારવિંદને જુએ છે તો શ્રી હરિના સુંદર ચરણકમળો પરથી નજર હટી જાય છે અને જો ચરણકમળ પર નજર ઠેરવે છે તો મુખકમળનું ધ્યાન છૂટી જાય છે. આ જ કારણસર તેઓ પ્રભુના આ બંને સ્વરૂપોનું અંતરમનમાં ધ્યાન ધરવા લાગ્યા. શ્લોક ૪૫ માં વ્યાસજીએ બહુ સુંદર રીતે સનકાદિ કુમારોની નિર્દોષતાને દાખવતા કહે છે કે, “મોક્ષ ઈચ્છાનારા યોગીઓ જેને યોગમાર્ગ દ્વારા પ્રાપ્ત કરવા શોધ્યા કરે છે તથા ભક્તોને લોભાવનારા એ મોહક સ્વરૂપધારી, સુલોચન અને સર્વ સિદ્ધિયુકત પોતાના શ્રીવિગ્રહને દેખાડનારા ભગવાનની સનકાદિ મુનિઓ પરમ સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, અમારા પિતા પુણ્યસ્વરૂપ બ્રહ્માજી જે આપનાથી જ ઉત્પન્ન થયા છે, એમણે જ અમને એકાંતમાં આપના રહસ્યનું જ્યારે વર્ણન કર્યું હતું તે જ વખતે અમારાં કર્ણ છિદ્રો થકી આપ અમારા હૃદયમાં આવીને વસી ગયા હતા. હે અનંત અંતર્યામી, આપ લોકોના હૃદયમાં વસેલા હોવા છતાં અજ્ઞાનીઓ આપને અનુભવી શકતા નથી, જોઈ શકતા નથી.”
દેવતાઓ પછી બ્રહ્માજીને કુતૂહલતાથી પૂછે છેઃ “તો પછી ભગવાને શું કહ્યું? શું સનકાદિ કુમારોની ભક્તિ સ્વીકારીને એમને પોતાના સર્વ લીલાસ્વરૂપોના પુણ્યશાળી દર્શન કરાવ્યા? જય-વિજયના દંડ બદલ કોઈ પ્રતિક્રિયા આપી?”
બ્રહ્માજી હસીને કહે છેઃ “હજી સનક ઋષિઓની શ્રી હરિના દર્શન કર્યા કરવાની તરસ છીપી નહોતી. તેઓ પ્રભુને કહે છે કે; “હે ભગવાન, આજે આપનું આ મનમોહક સ્વરૂપ અને એમાં વસેલા સર્વ લીલાઓના રૂપોને અંતરમાં અનુભવી શકીએ છીએ. આપ સાક્ષાત પરમ તત્ત્વ છો. અત્યારે આપ આપના વિશુદ્ધ સત્ત્વમય વિગ્રહથી આ ભક્તોને આનંદિત કરી રહ્યા છો. આપની કૃપાથી પ્રાપ્ત થયેલ દૃઢ ભક્તિયોગ દ્વારા જેમની અહંકારવૃત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા વૈરાગી મુનિઓ જ આપના તત્ત્વને પોતાના હૃદયમાં અનુભવે છે. આપની સુકીર્તિના ગુણગાન સાંસારિક દુઃખોનો નાશ કરનારા છે. આપની કૃપા તો જન્મમરણના ફેરાનો અંત કરી દે છે. હે વિપુલકીર્તિ વાસુદેવ, આપે અમારી સમક્ષ જે અદભૂત અને મનોહર સ્વરૂપ પ્રગટ કર્યું છે તેનાથી અમારી પાંચેય ઈંદ્રિયોને ઘણું જ સુખ પહોંચ્યું છે. વિષયાસક્ત, અજિતેન્દ્રિય મનુષ્યો માટે આપના આ રૂપનું દર્શન અલભ્ય અને અપ્રાપ્ય છે. અમે આપના આ રૂપને સાક્ષાત નિહાળીને ધન્ય બન્યા છીએ, હે પ્રભુ. અમે આપને શતશત પ્રણામ કરીએ છીએ.” અને પછી સનકાદિકુમારો પ્રભુના ચરણકમળોની ધૂળ પોતાના માથે ચઢાવે છે.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો તૃતીય સ્કંધનો “જય-વિજયને સનકાદિનો શાપ” નામનો પંદરમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
II શ્રી હરિ ૐ તત્સત II
વિચાર બીજઃ
૧. આધ્યાત્મિક સાહિત્ય અહીં રજુ કરાયું છે. પણ શાપ અને અભિશાપ તથા પ્રભુના દિવ્યરૂપનું દર્શન એ શું હોઈ શકે? આના પર સંશોધન થવું જોઈએ.
૨. વૈંકુઠધામ શું કોઈ પાપ, તાપ અને સંતાપ વિનાનું કોઈ બ્રહ્માંડ હશે? ત્યાં જો મન, આત્મા, અને કર્મોનું સંતુલન અને સમતોલન ખોયું તો ત્યાં રહેવાનો અધિકાર નથી રહેતો અને અન્ય કોઈ બ્રહ્માંડમાં એ જીવને મોકલવામાં આવે છે, જેમ જય-વિજયને એ શુદ્ધતાના ધામમાંથી નીચે ઈહલોકમાં આવવું પડ્યું હતું?
૩. શું સનકાદિકુમારો એલિયન્સ વિથ સુપર પાવર હોઈ શકે કે જેઓ ટાઈમ મશીન દ્વારા કોઈ પણ બ્રહ્માંડમાં વિચરી શકે છે?
(***॥ સનકાદિ કુમારો ॥ (સનક, સનાનંદન, સનાતન અને સનતકુમાર) કોણ હતા, એના વિષે નીચે માહિતી આપી છે.)
શ્લોકપ્રારંભ:
“જ્ઞાનવિરાગભૂષિતાં, બાળરૂપધરાં મુનિઃ।
બ્રહ્મમાનસજાતા યે, નમામિ તાન્ કુમારકાન્॥”
અર્થ —
જે ઋષિઓ જ્ઞાન અને વૈરાગ્યથી શોભિત છે, હંમેશા બાળસ્વરૂપમાં વિહરે છે અને બ્રહ્માના મનમાંથી જન્મેલા છે — એ સનકાદિ કુમારોને હું નમન કરું છું.
પરિચય —
હિંદુ ધર્મના મહાન પુરાણો અને ઉપનિષદોમાં ચાર દિવ્ય ઋષિઓનું વર્ણન મળે છે — સનક, સનંદન, સનાતન અને સનતકુમાર। તેઓ સર્જનકર્તા ભગવાન બ્રહ્માના માનસપુત્ર છે — શારીરિક જન્મ વિના, બ્રહ્માના મનમાંથી પ્રગટ થયેલા દિવ્ય સંતાન.
માનસપુત્ર તરીકેનું સ્થાન —
“માનસપુત્ર” એટલે એવા સંતાન, જે મનમાંથી પ્રગટ થાય. બ્રહ્માએ જગતની રચનામાં સહાય માટે આ કુમારોને ઉત્પન્ન કર્યા, પરંતુ તેમણે વૈશ્વિક સર્જન કરતાં આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો.
બ્રહ્મચર્યનો સંકલ્પ —
જગતની પ્રજા વૃદ્ધિ માટે ઉત્પન્ન થવા છતાં, કુમારોએ બ્રહ્મચર્ય ધારણ કર્યું અને ભક્તિ તથા જ્ઞાનનો પંથ અપનાવ્યો. તેઓએ પોતાનું આખું આયુષ્ય પરમાત્માની સેવા અને સાધનામાં અર્પણ કર્યું.
આધ્યાત્મિક પ્રવાસ —
સનકાદિ કુમારો ભૌતિક તથા આધ્યાત્મિક લોક બંનેમાં વિહાર કરે છે. તેઓ જ્ઞાનના ઉપદેશક છે અને જગતના જીવોને મોક્ષમાર્ગ બતાવે છે.
નિત્ય યુવાનીનું વરદાન —
કુમારો હંમેશા નિર્દોષ બાળસ્વરૂપમાં રહે છે. માન્યતા છે કે તેમણે બ્રહ્માને પ્રાર્થના કરી હતી કે તેઓ ક્યારેય વૃદ્ધ ન થાય અને નિષ્કલંક, શિશુસ્વરૂપમાં જ વિહરે.
જ્ઞાન અને વિદ્વત્તા —
તેઓ વૈદિક શાસ્ત્રોના પારંગત આચાર્ય છે. તેમના જ્ઞાન, વૈરાગ્ય અને તપશ્ચર્યાથી તેઓ મહર્ષિઓમાં અગ્રણી સ્થાન ધરાવે છે.
વિવિધ નામો —
તેમને કુમારો, ચતુર્સન, અથવા સનકાદિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધાર્મિક પરંપરામાં સ્થાન —
હિંદુ ગ્રંથોમાં સનકાદિ કુમારોના અનેક પ્રસંગો વર્ણવાયેલા છે. વૈષ્ણવ પરંપરામાં, ખાસ કરીને સનકાદિ સંપ્રદાયમાં, તેઓને અતિ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે.
ઉપસંહાર —
સનકાદિ કુમારો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના શાશ્વત પ્રતીક છે. તેમના જીવનમાંથી આપણે શીખીએ છીએ કે સાચો માર્ગ વૈશ્વિક મોહમાંથી દૂર રહીને પરમાત્માના ચરણોમાં શરણાગતિ સ્વીકારવાનો છે.
“જ્ઞાનમાર્ગે ચ વૈરાગ્યે, યેન લોક ઉદ્ધૃતઃ।
તે કુમારાશ્ચ મમ નિત્યં, હૃદયે સંનિવેશિતાઃ॥”)