બે લેખ ~ (૧) કવિની પ્રેરણા (૨) અસુંદરતા ~ માના વ્યાસ
(૧) કવિની પ્રેરણા
એક વાર મેં એક કવિને પૂછ્યું, ’તમે આટલાં સરસ ગીત લખો છો, પણ મોટે ભાગે એમાં ગામડાંની ગોરીની જ વાત હોય છે. કૂવે, નદીએ કે સરવર પાળે પાણી ભરવા જતી નારી તમને વર્ણવી ગમે છે. ઘંટી દળતી કે ઇંધણા વિણવા વનવગડે ભમતી સ્ત્રીઓ વિશે વધુ ગીતો રચાયાં છે.
કમખો, ઓઢણી, ભારેખમ કડલાં, વિંછીયા નથણી વગેરે પહેરેલી સ્ત્રી સમગ્ર નારીજાતિનું પ્રતિનિધિત્વ કરી શકે? કેમ શહેરની સ્રીઓ કવિની પ્રેરણા ન બની શકે? ઓફિસ જવા કે પોતાનાં કાર્ય અનુરુપ પરિધાન કરેલાં વસ્ત્રો પહેરી, ઊંચી એડીનાં સેંડલ પહેરી ભરપૂર આત્મવિશ્વાસ સાથે ટકટક ચાલતી શહેરની માનુનીઓ ઓછી કમનીય લાગે છે?
ટ્રાફિકમાં હેલ્મેટ પહેરી સલુકાઇથી સ્કુટર ચલાવતી કે સાડી પહેરીને ત્વરાથી ટ્રેન પકડી કામે જતી સ્ત્રીનું સૌંદર્ય ઓછું આંકવાનું?
કવિ પાસે ઠોસ જવાબ નહોતો. કહે: ગામડાની સ્ત્રીઓ ભોળી હોય, લજ્જાળુ હોય. લો, તમને હજી સ્ત્રીઓ તમારી સાથે આંખમાં બેધડક જોઈ, ખભેખભા મિલાવી કામ કરે એ આકર્ષતું નથી? શું ગામડાની સ્ત્રીઓને નળથી પાણી ભરવું નહીં ગમતું હોય?
ચિત્રકાર પણ પનિહારીનું ચિત્ર દોરતાં એ મુખ પરનાં સાચાં ભાવ પકડી શકતાં હશે? દૂર સુધી, પથરાળા રસ્તે, ભરતડકામાં અથાગ મહેનતવાળું એ કામ કરતાં કેટલી નારીઓ ખુશ રહી શકતી હશે? વિરહિણી, પ્રોષિતભર્તુકા, અભિસારિકા વગેરે વિષયો ભલે શેરડીનાં કૂચા જેવાં થઈ ગયાં હોય પણ હજી એ વિશે લખી શકાય છે.
પ્રસુતિ કરાવતી કોઈ લેડી ડૉક્ટર નવજાત શિશુને અને માતાને નવું જીવન બક્ષે છે ત્યારે એ સુંદર નથી લાગતી? આપણે આપણી કલારસિક, સૌંદર્ય દ્રષ્ટિને વધુ મઠારવી પડશે. બારસાખને છોડી ઊંબરો ઠેકી સ્વને શોધવા નીકળેલી નારીમાં આત્મવિશ્વાસનું તેજભર્યું સૌંદર્ય શોધીએ.
(૨) અસુંદરતા
હમણાં અમે એક પ્રસંગમાં ગયાં હતાં. સરસ માહોલ હતો. ખુશમિજાજ લોકો એકબીજાનાં વસ્ત્રપરિધાનને વખાણી રહ્યાં હતાં અને એનાંથી વ્યક્તિની સુંદરતામાં થતો અપેક્ષિત વધારો ચર્ચાનું કારણ બની જતો હતો.
એટલામાં એક ભાઈ આવ્યા. અસુંદરતાની તમામ હદ પાર કરી શકે એવો એમનો દેખાવ હતો. લોકો ચર્ચા કરતાં અટકી ગયા અને એ ભાઈ તરફ જોવાં લાગ્યા. જે રીતે સુંદર વ્યક્તિ ધ્યાન ખેંચે એજ રીતે અસુંદર વ્યક્તિ પણ ધ્યાન ખેંચી શકે એ અમે અનુભવ્યું.
હૉલમાં થોડીવાર સુધી એ ભાઈની જન્મજાત કુરુપતા ચર્ચાનો વિષય બની ગઈ. એ ભાઈને માટે લોકોનું તાકવું સામાન્ય થઈ ગયું હશે. તે સહજ થઈ સૌને મળતા હતા.
જો કુરુપતા ન હોય તો સૌંદર્યનું મૂલ્ય શું? કાળું ન હોય તો સફેદની કિંમત શું? અંધકાર ન હોય તો સૂરજનાં તેજને કોણ પૂછે?
અતિશયતા આપણું ધ્યાન ખેંચે છે. ભગવાને બધું બનાવ્યું – સુંદર, અસુંદર. મોર છે ને કાગડો પણ છે. રંગબેરંગી માછલી છે તો મગર પણ છે. બ્લોબ માછલી સૌથી કદરુપું પ્રાણી છે. સામાન્ય રીતે ચામાચીડિયું કોઈને ગમતું નથી હોતું.
શ્રીમદ ભગવદ્ ગીતાનાં વિભૂતિ યોગમાં શ્રીકૃષ્ણ એજ કહે છે: હું સર્વમાં છું. મારી ઉત્પન્ન કરેલી આ સૃષ્ટિ છે. તો કુરુપતા પ્રત્યે અભાવો કેમ? બાહ્ય સુંદરતાને આટલું મહત્વ શા માટે? ભલેને કુબ્જા કુરુપ રહે, શ્રીકૃષ્ણની ભક્ત હતી પછી એને રૂપાળી શા માટે બનાવી? એ જ રૂપમાં ચાહવી યોગ્ય નહોતી?
આખી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી તમારી દુખતી રગ દબાવ્યા કરતી હોય છે. તમને લાગતી તમારી અસુંદરતાને સુંદર બનાવી આપવાનું ગાજર લટકાવી તમને દોડતાં રાખે છે.
સામાન્ય રીતે શારીરિક અને માનસિક કુરુપતાને જોડી દેવામાં આવે છે. દેવો સુંદર ને દાનવો અસુંદર. દેવો ગૌર વર્ણના ને દાનવો, રાક્ષસો ભયંકર રૂપવાળા. અમર ચિત્રકથા તો આવાં ચિત્રોથી ભરેલી છે.
શું ગૌરવર્ણની સુંદર દેખાતી વ્યક્તિ દુષ્ટ ન હોઈ શકે? હોય છે. એ જ રીતે કઢંગી, કદરૂપી વ્યક્તિ સ્વભાવે સરળ, સ્નેહથી છલકાતી હોઈ શકે. આપણું મન ઝટ એનો સ્વીકાર કરતું નથી.
હજી વિમાનની પરિચારિકા સુંદર હોવી જ ઘટે. પંચતારક હોટલની ડેસ્ક પર સુંદર સ્મિતવાળી દેખાવડી છોકરી જ હોવાની.
આંખ સૌંદર્યને જુએ કે નજરમાં સૌંદર્ય હોવું જોઈએ?
~ માના વ્યાસ, મુંબઈ
mana.vyas64@gmail.com