અક્ષરમેળ માત્રા – સંસ્કૃત છંદોમાં પાંચ કાવ્ય ~ શ્વેતા ત્રિવેદી તલાટી, વડોદરા
૧. સૃષ્ટિ(છંદ: મંદાક્રાન્તા)
હે બ્રહ્માજી, અભિનવ રચી, સૃષ્ટિ, બ્રહ્માંડ ન્યારું;
સૌંદર્યોથી, અનુપમ બન્યું, દિવ્ય ને વિશ્વ પ્યારું.
તારાવિશ્વો, ગ્રહ ગગનમાં, સૂર્ય, ચાંદોય વાટે;
તેજસ્વીતા, અવિરત વહે, આભ પૃથ્વી લલાટે.
પાંચે તત્વો, પવન, જળ ને, અગ્નિ, આકાશ, પૃથ્વી;
ચારે કોરે, સહુ તન-મને, સાથ અસ્તિત્વ રુત્વી.
વૃક્ષો વેલા, સુમન ફળને, પાન સોહામણાં છે;
રંગો કેવા, વિધવિધ અહા, રમ્ય, લોભામણા છે.
કોણે મૂક્યા? ફળ, સુમનમાં, સ્વાદ, રંગો, સુગંધી;
ખાવા ધાનો, ફળ, ચણ વળી, શાકભાજી સંબંધી.
પક્ષીઓ ને, જળચર ઘણાં, સૌ પશુ, જીવજંતુ;
સૌમાં મૂક્યો, મખમલ સમો, લાગણીનોય તંતુ!
કેવી રીતે, ઋતુ સહુ થતી, વાદળો, વીજ આભે?
રોજે થાતાં, દિવસ-રજની, સૃષ્ટિના ખાસ લાભે.
રૂપાળાં આ, વન ગિરિ નદી, ધોધ, ખીણો, પહાડો;
શોભાધારી, સરસ ઝરણાં, સાગરો, વેલ-ઝાડો.
મ્હોંમાં નાખી, અચરજભરી , આંગળી હું વિચારું;
કેવી છે આ, નવ રસ ભરી, સૃષ્ટિ ઉત્કૃષ્ટ, ચારુ.
૨. મારો બગીચો
(છંદ: શિખરિણી)
બગીચામાં મારાં, સરસ સુમનો, મ્હેક પ્રસરે;
પ્રભાતે ત્યાં ઠંડી સુમધુર હવા છે, પરિમલે.
પતંગા ને પુષ્પો, જગ નિરખતાં, ખૂબ મલકે;
નિહાળું હું રોજે, ગુલ કુસુમિતા, સૌમ્ય પલકે.
અનેરી નોખી હું, વિહરતી જરા, ત્યાં હરખતી;
વળી ત્યાં પક્ષીઓ, કલરવ કરે, કોયલ સખી.
પહોળા કૂંડામાં વિહગ જળમાં, સ્નાન કરતાં;
રમે એ આનંદે મનહર થઈ, રોજ સરતાં.
સુહાની સંધ્યાએ હરિતવરણી પર્ણ પમરે;
જુઓ ઊડે પાછાં, ભ્રમર રવથી, ગૂંજ પ્રસરે.
૩. શૈશવનું સ્મરણ
(છંદ : પૃથ્વી)
કશે સરળ, સત્ય, શુદ્ધ ,અજવાશ આછો મળે?
ન બાળપણનો અમૂલ્ય દિન ક્યાંય પાછો મળે.
અહા! શિશુપણા સમાન, મળશે અવસ્થા કદી?
નિખાલસ અતુલ્ય સ્નેહ લઈને વહે એ નદી.
નિનાદ હસતો અનન્ય, ખુશહાલ મસ્તીભર્યો;
સુશૈશવ સકાલ ખૂબ સુખ, હાસ્ય, વસ્તીભર્યો.
ન બાળપણનો પ્રભાસ, દિપ જ્યોતિ યે કાયમી;
છતાં જીવનમાં ઉછેર-દ્યુતિની જ આભા થમી.
જરા સ્મરણની કિતાબ, ખુલતાં થયું શું કહો?
અરે! અધધ યાદગાર, દિવસો જ ‘શ્વેતા’ જુઓ!
૪. વસંત
(છંદ: ભુજંગી)
ગુલાબી ગુલાબી ઋતુ ખૂબ માણી;
વસંતે કરી પુષ્પ કેરી લહાણી.
જુઓ રંગ -ખુશ્બુય વેર્યા હવામાં;
હવે સ્હેજ દા’ડા રહ્યા છે જવામાં.
પતંગાય પક્ષી સમીપે જઈને;
સુકિલ્લોલ સાથે જ જાતાં રમીને.
ધરા ખૂબ શૃંગાર જાણે કરીને;
સજી માંડવે આજ લાડી બનીને.
ધરી રૂપ આવું ખુશીમાં ધરા છે;
બધું જોઈ આંખો કહે કે મજા છે.
૫. મનુ જીવન
(છંદ: તોટક)
કંઈ પુણ્ય કર્યા, શુભ કર્મ કર્યા;
મનુ આપણ તો અવતાર થયા.
સુખનો દુઃખનો, શણગાર બની;
હસતી રડતી, પળ જીવનની.
ચડશું પડશું, પડશું ચડશું;
રમતાં રમતાં, અમને ઘડશું.
હૃદયે સરિતા, રવ સ્નેહ ઘણો;
અભિષેક થતો પમરાટ તણો.
શમણું ગમતું નયને વસતું;
કિરણો થઈને છળતું ખસતું.
ભણતાં, ગણતાં, ફરતાં-ફરતાં;
બહુ ભાવભરી સહુને મળતાં.
દિવસો, મહિના, વરસોય ગયા;
હળવે હળવે, કઈ વર્ષ થયાં.
શિશુ બાદ યુવા વય, વૃદ્ધ ભણી;
ભય આજ નથી, યમ રાહ તણી.
~ શ્વેતા ત્રિવેદી તલાટી
shwetatalati16@gmail.com
ખૂબ સરસ શ્વેતાબેન.ખૂબ ખૂબ આનંદ થયો. છંદોબદ્ધ કાવ્યો વાંચવાથી ચેતના જાગૃત થઈ જાય છે. પ્રસન્નતા અનુભવાય છે. આપને હૃદય પૂર્વક અભિનંદન!!!
સરસ.રચનાઓ, અભિનંદન શ્વેતાબેન