એકસ્ટેન્શન (વાર્તા) ~ દિના રાયચુરા
“ચાલ હવે, કેબ આવી જશે હમણાં. હજી લિફ્ટમાં પાંચેક મિનિટ થશે. પ્રીતિ… ચાલ જો ડ્રાઇવરનો ફોન પણ આવે છે. ઓલરેડી આપણે થોડાક લેટ છીએ એમાંય જો વરસાદ પડ્યો તો પાક્કું ટ્રેન મિસ થઈ જશે.”
અરુણે પેસેજમાંથી દેખાતા આકાશના ટુકડાને જોતા જોતા ફરી એકવાર પ્રીતિને અવાજ આપ્યો. અને દરવાજા પાસે ગયો. બેગ અને એટેચી ઊંચકી લિફ્ટ પાસે મૂકી. લિફ્ટ આવીને ખુલી ગઈ.
સામાન ગોઠવતા ફરી એક વખત બૂમ પાડી. અવાજ જરાક અથરો થયો ત્યાં જ પ્રીતિ આવી. હેન્ડબેગના બેલ્ટને ખભા પર ગોઠવતી, વાળને રબરબેન્ડથી બાંધતી લિફ્ટમાં ગઈ. “બહુ ઉતાવળ તમને તે.. જરાક..”
પ્રીતિનું વાક્ય પૂરું થાય તે પહેલાં અરુણે રબરબેન્ડ લઈ લીધું. “આટલાં સરસ લાંબા વાળ ખુલ્લા જ રહેવા દે. કેવી સરસ લાગે છે!”
પ્રીતિ હસી પડી. “હજી તો ઘરની બહારની લિફ્ટમાં છીએ સાહેબ! પહેલાં પૂના પહોંચીએ છીએ અને પછી ત્યાંથી મહાબળેશ્વર, ત્યાં સુધી આ બધું બચાવી રાખો.”
“બચાવી રાખવાની જરૂર નથી. ઓવર સ્ટોક થઈ ગયો છે. વ્યક્ત થવાય છે આપણાંથી?” અરુણે કેબમાં બેસતા પ્રીતિને કહ્યું. પ્રીતિએ બારી બહાર જોયા કર્યું. પછી પાછળ ફરીને ઉપર નજર દોડાવવા લાગી.
“ફ્કત દસ દિવસ પાછળ નહીં જુએ તો નહીં ચાલે? કુકડો બોલે કે ના બોલે, વહાણું તો વાય જ. બધું બરાબર ચાલશે. અને ન ચાલે તો… ” બાકીના શબ્દોને અરુણ ગળી ગયો.
પ્રીતિ કંઈ ના બોલી. કેબની બારીમાંથી દેખાતું આકાશ એ વન બીએચકે ફલેટના હૉલની બારીમાંથી દેખાતાં આકાશ કરતાં ઘણું મોકળું દેખાયું. વરસાદ ઘેરાયેલો જોઈને બોલી પડી, “બે મિનિટ લાગત, કપડાં બહાર જ રહી ગયાં. વરસાદ આવશે તો પલળી જશે પાછાં. આ વરસાદમાં કપડાં સુકાવાની કેવી મગજમારી.”
“ભીના કપડાં સિવાય પણ વરસાદમાં બીજું ઘણું હોય છે. જરાક યાદ કર. બહુ દૂરની વાત નથી. ખાલી એક દાયકો પાછળ જા.” અરુણે કહ્યું અને બારી બહાર જોવા લાગ્યો. પ્રીતિ અરુણને જોતી રહી.
“ટ્રેન પંદર મિનિટ લેટ છે. એટલામાં વાંધો નહીં. મેક અપ કરી લેશે. વધારે મોડી હોય તો જવું હોય ત્યાં પહોંચાડે પણ ના સફરની મજા રહે ના મંઝિલે પહોંચ્યાંનો સંતોષ.” સ્ટેશનમાં દાખલ થતા અરુણે કહ્યું.
“જો અહીં જરા ભીનું છે, સાચવીને.” અરુણે પ્રીતિનો હાથ સાહી લીધો. બેઉ એકબીજાનો હાથ પકડીને બીજા હાથે બેગ સરકાવતા ચાલીને બેન્ચ પર બેઠાં. “હું આવ્યો જરા.” કહીને અરુણ ગયો.
પ્રીતિએ ચાર્મીને મેસેજ કર્યો. “દૂધ ગરમ કરી લીધું છે. અમે સ્ટેશને આવી ગયાં છીએ. ટ્રેન થોડીક લેટ છે.” બ્લુ ટીકને તાકતી પ્રીતિના ખભા પર અરૂણનો હાથ હળવેકથી મુકાયો. “થમ્બ પણ નહીં મૂકે તારી વહુ. ચાલ, ગરમ ગરમ કૉફી એન્જોય કરીએ.” પ્રીતિએ કપ હાથમાં લીધો.
“તમારો કપ?”
“બહારગામ જઈએ ત્યારે કયે દિવસે બે કપ લીધા છે?” પ્રીતિએ કૉફીની વરાળથી ચશ્મા પર વળેલી ઝાંખપ લૂછી. તોય જરાક ધૂંધળું દેખાતું હતું. આંખો જરાક પટપટાવીને આંખો પર રૂમાલ ફેરવ્યો. ત્યાં ફોનની બેલ વાગી.
“આ જો… સાડા છ વાગ્યામાં નવરો થઈ ગયો ફોન કરવા.”
“હા દોસ્ત, ટ્રેન થોડીક લેટ છે. હા, એ તો તારે અને નીમાએ આવવાનું જ હોયને સ્ટેશને. કેટલાં વર્ષે આવે છે તારો દોસ્ત. નીમાને મળવાની વધારે ઉતાવળ છે મને. વિડિયો કોલમાં લાગે છે એવી જ ફટાકડી લાગે છે હજી પણ?”
પ્રીતિ અરુણના મુક્ત હાસ્યને તાકી રહી. ગરમ કૉફી ક્યારે પૂરી થઈ ગઈ ખબર જ ના પડી. અરુણ વાતો કરતો હતો. પ્લેટફોર્મનાં છાપરાની આરપાર કંઈ દેખાયું નહીં. દૂર નજર કરી તો આકાશના રંગો બદલાઈ રહ્યા હતા.
“વાદળ છે એટલે સૂરજ નહીં દેખાય પણ સૂરજ ઊગે તો ખરો જ.” પ્રીતિ સ્વગત બબડી.
“ચાલ, ટ્રેનના કમ્પાર્ટમેન્ટ ખુલી ગયા. થોડુંક સર્વિસિંગ હતું એટલા પૂરતી લેટ બતાવતા હશે.” અરુણે બેઉ બેગનાં હેન્ડલ પકડ્યાં.
“અરે, એક બેગ મને આપી દો. મારી પાસે કોઈ વજન નથી.”
“તો એમ હળવી જ રહે થોડાક દિવસ.” કહીને અરુણે બેગો કમ્પાર્ટમેન્ટમાં ચડાવીને પોતે ચડ્યો અને પ્રીતિને હાથ આપ્યો. પ્રીતિએ સાઇડના હાથા પરથી હાથ લઈને અરુણના હાથમાં હાથ મૂક્યો. હથેળીમાં થયેલી ઝણઝણાટી આખા શરીરે અનુભવી.
અંદર જતાં જ, “અરે! વાઉ.. વિસ્તા-ડોમ ! ક્યા બાત હૈ અરુણ. તેં કહ્યું પણ નહીં? ગ્રેટ સરપ્રાઇઝ, આઇ મસ્ટ સે!”
“થેન્કસ મેડમ, નાચિઝ બહુત શુક્રગુઝાર હૈ આપને તારીફ કી તો મેરા દિલ બાગ બાગ હો ગયા!”
વાદળછાયા આકાશમાંથી સૂરજ ડોકિયું કરવા લાગ્યો. “પ્રીતિ, આ લે.” અરુણે હાથ આગળ કર્યા. એક હાથમાં વેફરનું પેકેટ અને બીજા હાથમાં પુસ્તક, બેઉ પ્રીતિના હાથમાં મૂક્યા. “એન્જોય યોર મી ટાઇમ. હું પણ થોડુંક કામ કરીશ. પણ હા, ગપ્પા મારવા હોય તો હું ફ્રી જ છું. જો ઝોકું ખાવું હોય તો મારો ખભો પણ ફ્રી છે.”
પ્રીતિએ અરુણના ખભા પર માથું ઢાળી દીધું. થોડીક ઊંઘ કરી જ લઉં. પછી વેસ્ટર્ન ઘાટ એન્જોય કરશું. કરજત પહેલાં જાગી જઈશ.
“આ પુસ્તકો ક્યાંથી મળ્યાં? હું તો ભૂલવા લાગેલી આમને.” જર્જરિત મુખપૃષ્ઠ પર હળવેકથી આંગળીઓ ફરવા લાગી. અરુણે જરાક હસીને લેપટોપ ખોલ્યું. ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં ઘસઘસાટ ઊંઘી ગયેલી પ્રીતિમાં જૂની પ્રીતિ અરુણને જડતી ન હતી.
છત્રપતિ શિવાજી ટર્મિનસથી શરૂ થયેલી ટ્રેનની વિશાળ બારીઓ અને પારદર્શક છતમાંથી ક્યારેક જરાક વાદળછાયું અને ક્યારેક ઘનઘોર આકાશ દેખાતું હતું. આકાશને આંબતી ઈમારતોની પાછળ ઊગતો સૂર્ય વાદળોની બહાર આવવા મથતો હતો.
‘સૂરજ જો તપવા પર આવે તો વાદળોને ત્યાં ને ત્યાં જ સૂકવી દે! આ તો ધરતી ભીંજાયેલી રહે એટલે સૂરજ વાદળોની દાદાગીરી ચલાવે છે!’ અરુણને થયું કે પ્રીતિને જગાડીને આવું કંઈક કહે. પછી વિચાર જવા દીધો.
‘કેટલી નિરાંત દેખાય છે મોઢા પર! આવી રીતે ખભે માથું ઢાળીને છેલ્લે ક્યારે સૂતેલી!’
“વડાપાઉં વડાપાઉં.. ઝણઝણીત તિખટ ચટની… કરજત ચે ફેમસ વડાપાઉં…” પ્રીતિ જાગીને આજુબાજુ જોવા લાગી. “બાપ રે.. મને થયું કે સપનું ચાલી રહ્યું છે અને આંખો ખુલી ત્યારે થયું કે કિચનમાં કેટલું કામ હશે. આપણે સાચે જ નીકળ્યા છીએ! કરજત આવી પણ ગયું! તારો ખભો અકડાઈ ગયો હશે. મને જગાડવી તો જોઈએને!”
“હવે જાગી ગઈને? મારું પણ ઘણું કામ થઈ ગયું. હવે વેસ્ટર્ન ઘાટ શરૂ થશે. મોસમ પણ સરસ છે. આપણે સાથે છીએ, ચા છે, કૉફી છે અને ગરમ પાઉંવડા પણ છે. ઔર જીને કો ક્યા ચાહિએ?”
બેઉની એકબીજાની આંખોની આજુબાજુના સળ, કપાળ પરની કરચલીઓ, વાળમાં વધતી જતી રૂપેરી રેખાઓને શાંતિથી જોઈ રહ્યાં. ઘાટમાંથી વહેતાં નાનકડાં ઝરણાંઓ મળીને નાનકડો ધોધ બનીને નીચે વહી રહ્યાં હતાં. પર્વતોનો લીલો રંગ આછેરા સૂર્યપ્રકાશમાં ચમકતો હતો. ઈમારતો પાર કરીને જોવા મળેલી લીલપે બીજી ઈમારતો આવી એટલે વિરામ લીધો.
પૂના સ્ટેશન પર ઊતરતાં જ નીમા અને ઉપેન દેખાયા. ઉપેન તરત આવ્યો. “વેલકમ, વેલકમ દોસ્ત! ફાઇનલી આવ્યો ખરો. કેટલાં વર્ષે મળાયું!”
નીમા પ્રીતિને ભેટી પડી. “ચાલ, કેટલીય વાતો કરવાની છે!”
“તો દર બે ત્રણ દિવસે તમે ફોન પર શું કરો છો?” ઉપેને પ્રીતિ પાસેથી બેગ લઈ લીધી.
“તમારી વાતો ખૂટતી નથી?” નીમાએ ગોગલ્સ માથા પરથી ઉતારી આંખો પર ગોઠવ્યા.
“બધી વાતમાં વચ્ચે બોલવું જરૂરી છે? ગાડી ચલાવ છાનોમાનો.”
“સરસ સોસાયટી છે. ઓલ મોર્ડન એમેનિટીઝ આપી છે. બાલ્કનીમાં અડધો કલાક બેસો તોય થાક ઉતરી જાય.” પ્રીતિ પ્રવેશદ્વાર સામેની બાલ્કનીમાં રાખેલી ઇઝી ચેર પર ફેલાઈ ગઈ. ઉપેને ટ્રે મૂકી.
“પ્રીતિ, અહીં અમને થાક લાગતો જ નથી. આ બાલ્કનીની મજા લઈએ છીએ. થાક તો અમે મુંબઈ મુકીને આવી ગયાં.”
અરુણે પુસ્તકો ટ્રેની અડોઅડ મૂક્યા. “આ પુસ્તકોની વચ્ચે ક્યાંક મેં આપેલું ત્રીસમી વેડિંગ એનિવર્સરીનું કાર્ડ છે. ખુલ્યા વગરનું. શોધી શકશે?”
પ્રીતિએ પુસ્તક ખોલ્યું. “ત્રણ વર્ષ સુધી આ કાર્ડ જોઈ ના શકી! સો સોરી.”
“તમે થોડો આરામ કરી લો પછી આપણે જમીને ગપ્પાં મારીએ.” નીમાએ બધાના હાથમાં કપ આપ્યાં.
પ્રીતિ અને અરુણ રૂમમાં આવ્યાં. પ્રીતિએ બેડ જોયા કર્યો. દરવાજો વસાતો જોઈને ગજબ શાંતિ લાગી. સામસામા સોફાની આદત પાડવી પડી, પણ બેડ તો મિસ થાય.
પ્રીતિએ તકિયો અંદરની બાજુએ ખસેડી લંબાવ્યું. અરુણે પણ લંબાવ્યું. વર્ષો પછી અડોઅડ સુવાયું હોય એમ લાગ્યું. પ્રીતિનો હાથ છાતી પર હતો એને હળવેકથી પકડી રાખ્યો.
“પ્રીતિ, તું કહે તો પાંચ વર્ષનું જે એક્સ્ટેન્શન્સ મળ્યું છે, એ પૂના ટ્રાન્સફર કરાવી લઉં?”
પ્રીતિની શૂન્ય નજર રૂમમાં કંઈક શોધતી રહી. “પછી ત્યાં ઘરનું શું? બેઉ બચ્ચાઓ અટવાઈ પડે. અને મારી દીકરીઓને પણ કોઈ સપોર્ટ ના રહે.”
અરુણ કંઈ બોલે ત્યાં દરવાજે ટકોરા પડ્યા. “સોરી ટુ ડિસ્ટર્બ યુ, પણ રાજીવ અને મીરાં આવ્યાં છે.”
રાજીવના હાસ્યના પડઘા આખા ઘરમાં ફરી વળ્યા. પાછળથી અરુણનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. ખોવાયેલી કોઈ કિંમતી વસ્તુ અચાનક સામે આવી જાય એમ પ્રીતિની આંખો હસી ઉઠી.
“ચાલો, તારું લંચ જે પણ બન્યું હોય તે ફ્રીજમાં નાખ, લેવાય એવું હોય તો સાથે લઈ લે. લોંગ ડ્રાઇવ પર જઈએ છીએ. બાકીનું રાત્રે પતાવીને જઈશું હું ને મારી જાડી છીએને.. બરાબરને?” મીરાં હસતી હતી.
પૂનાથી બહાર નીકળતા જ અંતાક્ષરી શરૂ થઈ. “છક્કે પે છક્કા, છકકે પે ગાડી..” ગાતા ગાતા અરુણનો સ્વર ભીંજાઈ ગયો. “છોકરાઓ કેટલા જલદી મોટા થઈ જાય છેને?”
“સાથે સાથે સ્માર્ટ પણ!” રાજીવે ગાડી બાજુ પર લીધી.
“એમને દરેક વસ્તુની ઉપયોગિતા ખબર હોય છે ચાહે એ માબાપ પણ કેમ ના હોય!”
પ્રીતિ અરુણની પાછળ પાછળ ગઈ. ઝાડ નીચેના ઓટલા પર અરુણ બેસી પડ્યો.
“હજી તો મેં એક્સ્ટેન્શન્સની વાત ઘરમાં કરી નથી. રિટાયર થઈશ એવું લાગે છે એટલું કહ્યું એમને, ત્યાં તો આની વહુને ‘ડેડી પછી આખો દિવસ ઘરમાં જ?’ એવું નડતર થવા લાગ્યું છે.
એને આ કેરટેકર કમ કુક કમ આયા કમ બાઈ પણ નડે છે! અને આના વ્હાલના બેઉ દરિયાઓ! સાસરે છે પણ, ‘મમ્મી આજે મિનીને મૂકી જાઉં છું, મમ્મી ભાઈ-ભાભી ચાર દિવસ નથી તો હું આવું છું, મમ્મી અથાણું તો તારું જ..’
આ કહ્યાગરી વહુની જેમ બધાની મજૂરી કરે! પહેલાં મારાં માબાપની કરી.. લવ મેરેજ હતાને! એ જમાનામાં એણે સાબિત થવું હતું સારી વહુ તરીકે! અને હવે સારી મા તરીકે! શું મળશે? અરે, અમે નહીં હોઈએ ત્યારે ઘર રિનોવેટ કરાવશે ત્યાં એનો નાનકડો ફોટોય ફગાવી દેશે એમ કહીને કે દીવાલના કલર સાથે મેચ નથી થતો.”
પ્રીતિ અરુણના ખભે હાથ ફેરવતી રહી.
“સાચું કહું નીમા? વન બીએચકેમાં એક તો બપોરે આડા પડવા માટે પણ ના મળે! બહાર જાય ત્યારે બેડરૂમનો દરવાજો આડો કરીને, બેડ પર દુનિયાભરનો પથારો કરીને જ જાય એ બેઉ. ને આને તો ચાર્મી પાસેથી પસાર થતાં પણ ડર લાગે, જાણે હમણાં કહેશે કે તમારો પડછાયો વાગ્યો મને.” નીમાએ પ્રીતિના હાથને પંપાળ્યા કર્યો.
નીમા, મીરાં રસ્તાની પેલે પાર પર્વતો પરથી ઉછળી ઉછળીને પડતાં ઝરણાંઓને તાકી રહ્યાં.
“પ્રીતિ, કાલે તારું મેક-ઓવર કરીએ. થોડું શોપિંગ કરીએ. આ લુક જોઈને અરુણ કંટાળ્યો હશે. અમને પણ જૂનો લુક જોઈએ છે. ડિમ્પલ કટવાળી અમારી નખરાળી પ્રીતિ ક્યાં ગઈ?” નીમાએ પ્રીતિના ચહેરાને બેઉ હાથના ખોબામાં ભરી લીધો.
“ખોવાઈ ગઈ.. મુકાઈ ગઈ ક્યાંક મારાથી જ.. અવળે હાથે મુકાઈ ગઈ.” અરુણનો ડૂમાયેલો અવાજ આવ્યો.
પ્રીતિ જમીન સાથે વાતો કરતી રહી. રાજીવ કારમાં બેઠો.
“ચાલો ચાલો હજી તો ધાબા પર વેઇટિંગ હશે. જમતાં જમતાં પછીનો પ્રોગ્રામ બનાવીએ. કાલે લેડીઝ ડે આઉટ પછી રાત્રે અમારી બેચલર્સ પાર્ટી. પછી એક દિવસ આરામ કરીને મહાબળેશ્વર.”
“રાજીવ, ઉપેન તમને લોકોને અહીં ફાવી ગયું? ફેમિલી વગર એકલું નથી લાગતું?”
પ્રીતિના સવાલનો જવાબ મીરાંએ આપ્યો, “અહીં અમને એકબીજાનો સાથ મન ભરીને માણવા મળે છે. રહી વાત ફેમિલીની, થોડે થોડે સમયે અવરજવર ચાલ્યા કરે.”
“હમમમ.” પ્રીતિ આથી વધુ કંઈ ના બોલી. મોટી દીકરીએ બે દિવસ પહેલાં જ કરેલી ફરિયાદ કરડવા લાગી.
“મમ્મી, ખરે ટાઇમે જવાનું નક્કી કર્યું તેં! આ દિવસોમાં મારે થોડું કામ હતું. હવે મારે મિનીને સાચવવાનો પ્રોબ્લેમ થશે.”
“મમ્મીજી, તમે ફોનમાં વોલ્યુમ બહુ રાખો છો… મમ્મી ગુડ્ડુને કાર્ટૂન જોવા દો… મમ્મી મને ઓફિસમાંથી લીવ નહીં મળે, પરેન્ટ્સ મિટિંગમાં જઈ આવજો… મમ્મી..”
પ્રીતિની સામે આગલી સવારનો ફ્લેશબેક ભજવાયો.
“કાલથી આઠેક દિવસ થોડીક દોડાદોડી થશેને?” પોતાનાથી પૂછાઈ ગયેલું.
“શાની દોડાદોડી? બધું મેનેજ થઈ જશે. આ તો તમને નવરા બેઠા કંઈક પ્રવૃત્તિ રહે બાકી આઇ કેન મેનેજ!”
હુંકારભર્યો જવાબ યાદ આવતા બાજુનું હેન્ડલ કસીને પકડી લીધેલું, જેમ કાલે બારી પાસે પડી રહેતી પોતાની ખુરશીના હાથા પર હાથ ભીંસી દીધેલો.
ઉપેને મૌન તોડ્યું. “જો પ્રીતિ, રોજ થોડા થોડા શોષાવા કરતાં અહીં તરબતર છીએ. કંપની કંઈ બધાંને આ બેનિફિટ નથી આપતી. તક મળી છે ઝડપી લે. આપણે બધાં કૉલેજથી સાથે છીએ. છોકરાઓ પણ સરખેસરખા અને કહાણી પણ સરખી.
અહીં નીમા અને મીરાં હોલિડેઝ જેવી લાઇફ જીવે છે. અને છોકરાંઓ, એમને લાયક બનાવ્યાં, લગ્ન કરી આપ્યાં, હવે એમની પ્રજાને એ સાચવે. આપણે આંબા ઉછેરેલાં, પણ બાવળ મળ્યાં, એ લોકો જે પામે એ એમનાં નસીબ.
આ સફર જેટલી બાકી છે એ બોજા વગર કરવી છે. ઝાડી, ઝાંખરા, કાંટા વગર. એટલે અહીં નાનકડો બગીચો બનાવી લીધો. હા, બધું ખાતરપાણી સાચવી લેવું. ગમેતેવો જોરુકો બાવળ હોય કે બોરડી, પાણી અને ખાતર માટે ધરતી આકાશની પાસે જશે જ!”
ઓછાબોલા ઉપેનને મોઢેથી આટલું સાંભળીને નીમાએ આંખો લૂછી. ધાબા પર પહોંચીને બેઠાં ત્યારે સહુ થોડાં ગુમસુમ હતાં.
રાજીવે વેઇટરને બોલાવ્યો. “દોસ્ત, અભી ગમ ગલત કરને કા સામાન લે આઓ. લેડિઝ! તમારે માટે ગરમાગરમ સુપ, વરસતા વરસાદમાં સામે ધુમ્મસ, ઊછળતાં ઝરણાં ઔર સુપ!”
મીરાં હસી પડી. “કોઈ ગમ ગલત નથી કરવાનો. આ લંચ છે. મહાબળેશ્વર ટ્રીપમાં તને નહીં ટોકું એમ નક્કી થયેલું. બે દિવસ શાંતિ રાખ.”
ધુમ્મસ વિખરાવા લાગેલું. સામે પહાડ અને ઝરણાં સ્પષ્ટ દેખાતાં હતાં. વાદળો પાછળથી સૂરજ ડોકિયું કરવા લાગ્યો.
“હા, યાર! ચાલ એ પ્લાન બનાવી જ લઈએ. બુકિંગ કરી લઈએ.” અરુણે ફોન ખોલ્યો.
પ્રીતિ પોતાનાં ફોનમાં નજર ખોડીને બેઠી હતી. “ડેડીજી ટોવલ સોફા પર જ મૂકી ગયાં. કદાચ તમે જોયો નહીં હોય!” પ્રીતિએ ચાર્મીનો મેસેજ મીરાં અને નીમાને વંચાવ્યો.
ધાબાની સામે પાર જોયું. અત્યાર સુધી ધૂંધળું દેખાઈ રહેલું દૃશ્ય હવે સ્પષ્ટ હતું. ધુમ્મસ ઓગળી રહ્યું હતું. કુમળા તડકાની હૂંફ વિંટળાવા લાગી. અરુણની પ્રશ્નાર્થભરી નજરને જોઈ ના જોઈ કરી જરાક ગળું ખંખેર્યું.
“અરુણ, બહુ ઉતાવળ તને તો. અહીં સુધી આવી જ ગયાં છીએ તો પહેલાં ફ્લેટ જોઈને નક્કી કરી લઈએ. તું ટ્રાન્સફર કન્ફર્મ કરી લે. અને હા, તારી કાર પણ અહીં લઈ લેજે. તું આ બેઉની લિફ્ટ માગ્યા કરજે. હું આ બેઉ સાથે બધે ફરીશ. ડ્રાઇવિંગ હજી પણ કરી શકું છું ઓકે? એક વાર ફ્લેટની ડિપોઝિટ અપાઈ જાય પછી નિરાંત જીવે નીકળીએ. શું કહો છો બધાં?”
પ્રીતિના ચહેરા પર સૂરજના કિરણોએ મેકઓવર કરવાની શરૂઆત કરી દીધી.

dinaraichura5@gmail.com