આશિષ (એકોક્તિ) ~ લીના કાપડિયા
તે એવો કેમ છોકરાને વિચાર આવ્યો હશે, હેં આશિષની મા?
તને લાવ્યો ત્યારે ક્યાં મારી પાસે કાંઈ હતું? હા, આ એક રૂમ અને રસોડાનું ઘર હતું જ્યાં સંસાર માંડ્યો, પણ બીજું ક્યાં કાંઈ હતું?
લગ્નના પાંચ વર્ષ પહેલા ગામમાંથી આવ્યો હતો આ શહેરમાં. ટેલિવિઝન, ફ્રિજ અને એવું બધું ઇલેક્ટ્રિક સામાનનું સમારકામ શીખ્યો અને એ જ કામ શરૂ કર્યું હતું. થોડા પૈસા ભેગા કર્યા હતાં અને બાપાને કહ્યું હતું કે હવે ગામ પાછો નહીં આવું, શહેરમાં ઘર લેવું છે. તો બાપાએ પણ એમની પાસે હતા એટલા પૈસા જોડી આપ્યા. એ અને મારી બચતમાંથી મેં આ ઘર ખરીદ્યું હતું.
ઘર બન્યું એટલે બાપાએ પૂછ્યું હતું: લગ્ન અને તારા વિશે. ને મેં તો હાએ પાડી દીધી હતી. મેં તને જોઈ પણ હતી. વધુ તો ક્યાં ગામમાં વાત કરવાની છૂટ પણ હતી?
ના, ના. બાપાએ પણ મને ગામમાં પાછા ફરવાનું કીધું ન હતું. ક્યાંથી કહે? ગામમાં ઘરનું ઘર અને ખાવાનું મળી રહે, પણ પૈસા ક્યાં? ગામમાં એકબે ધંધા પણ કરી જોયા’તા, પણ ત્યાં બરકત ન મળી. ને વળી ખેતી તો બાપા પહોંચી વળે એટલી જ. એટલે બાપાએ ખુશ કે છોરો શહેરમાં પોતાનું ફોડી લે એ સારું જ છે.
અને આપણે ફોડી પણ લીધું. ન ફોડ્યું? પણ આપણા છોકરાને આવો કેમ વિચાર આવ્યો હશે હેં?
શું કહે છે? વારેવારે કેમ એકનો એક વિચાર કરું છું? તે વિચારો તો આવે જ ને. અને તું પણ બે દી’થી આમ માથું પકડીને બેઠી છે તે હવે થોડી ઊભી થાને. કેટલા દી’ આમ બેઠા રહેવાનું.
તું તો ક્યાં બેઠી જ છે ક્યારેય. હું તને લાવ્યો ત્યારથી એયને કમ્મરે પહેલાં તો સાડીનો છેડો અને પછી ચૂંદડીનો છેડો લગાવીને કામ જ કર્યું છે. તને પરણીને લાવ્યો ત્યારે ટગરટગર આંખે શહેર, ઘર ને બધું જોયું ને મારી બાજુમાં આવીને બેસીને હસી હતી. હું તો ફુલાયો ને છાતી તો જાણે અક્ક્ડ, ફુલાયેલી. બીજે દિવસે જોઉં છું તો ઘર ચોખ્ખુંચટાક ને ગરમગરમ દાળ ને રોટી. આપણે તો ફક્કડ ને ખુશ ખુશ.
બાજુમાં મોટું મકાન બંધાયેલું હતું ને તેં એક દિવસ મને પૂછ્યું, “હું બ્યુટી પાર્લરનું કામ શીખું તો આ બાજુના મકાનમાં જ ઘણું કામ મળી રહે એમ છે. કરું?”
મેં તો ન હા પાડી, ન ના. તારી મરજી. હું થોડો તારો માલિક છું? તેં કહ્યું ને મેં ફી ભરી દીધી ને તું પણ કામે ચઢી. પહેલા દિવસે પૈસા કમાવીને લાવી ત્યારે મેં કહ્યું હતું, “જા, ડ્રેસ લઇ આવ.”
તેં કહ્યું: ડ્રેસ તો ઘણા છે. મારે હોટલમાં ખાવા જવું છે. મેંય હામી ભરી. સાંજે વહેલો આવ્યો ને તું તો ફૂલફટાક તૈયાર થઈને વાટ જોતી’તી. બહાર નીકળ્યા એટલે તું તો બસ સ્ટોપ તરફ જ હંમેશની જેમ જવા જતી’તી, પણ મેં કહ્યું: આજે રીક્ષામાં જઈશું. તું ખુશ.
મેં રીક્ષા કરી ને રીક્ષાય કેવી જાણે ઊડતી’તી. તેં તો સળિયો પકડી લીધો ને અડધું શરીર તો જાણે રીક્ષાની બહાર. હવાની ઝાપટો ઝીલતું. મોઢા પર તો એવી હવા આવે. વાળ પણ વિખરાઈ ગયા ને તું તો મારી સામે જોઈને હસીને કહે: બહુ મજા આવે છે.”
યાદ છે તને એ દિવસ? બીજા દિવસથી તો ફરી બસ. બસમાંય હવા કેટલી આવે ને તું તો હંમેશા કહે કે “આ જેના ઘરે હું ફેસિયલ કરવા જઉં એ લોકો એર કન્ડિશન ચાલુ કરીને ઠંડકમાં જ બેસે. ઘર આખું બંધ કરે તે કંટાળો ન આવે? આપણે સારું. એયને પંખા નીચે બેસીએ. દરવાજો અને બારી ખુલ્લી હોય. હવા કેવી અવરજવર કરે ને આવતા જતા લોકોય દેખાય.”
ક્યારેય તેં કહ્યું નથી કે મને એ.સી. લાવી આપો. ક્યારેક તો તું કેવી વાતો કરે. કહે, “આજે હું જેમના ઘરે ગઈ હતી એમણે તો જોવા જેવી બંગડીઓ પહેરી હતી. ખૂબ સરસ. ઝીણું કામ. એ મેડમ પણ પાછી એવી ગોરી. આપણે અડીએ તો લાલ લાલ થઇ જાય. મોટા માણસ, નહીં આશિષના બાપુ?”
હું ત્યારે તારા હાથ પકડીને કહું કે મારે મન તો આ જ હાથ સુંદર છે. ને તું કેવું મનમોહક હસતી.
ક્યારેય તને કે મને અસુખ ન થયું આશિષની મા. આશિષને તો કેટલું માગ્યો ત્યારે અવતર્યો’તો. મા-બાપુ ગામમાંથી આવ્યા’તાં. એક દી’ માએ તને પૂછ્યું, “વહુ, ક્યારે દાદી બનાવે છે?” ત્યારે તો મા-બાપ આવું બધું પૂછી લેતાં હોં કે. હવે તો એવું ન પૂછાય.
આ આશિષને પણ ક્યાં વધારે કાંઈ પૂછાય એવું હતું? પણ માએ તો પૂછ્યું ને તું નીચું જોઈ ગઈ. માએ તરત અંબેમાની માનતા માની ત્યારે આશિષ જન્મ્યો. આશિષ જન્મ્યો એના ત્રીજા વર્ષે તેં પોતાનું નાનું શું બ્યુટી પાર્લર ખોલ્યું ને એનાં બે વર્ષ પછી મેં રીપેરીંગની દુકાન ખરીદી.
બધું જ બરાબર તો ચાલતું હતું હેં! ને તું કાયમ મારો વાંક કાઢે કે તમે આશિષ સાથે વાત કરતાં નથી ને એના મનની વાત કળાતી નથી.
ભણવામાં કાચો હતો તો કેટલુંય કીધું કે ભાઈ કોઈ કસબ શીખી લે. આ રિપેર કરવાનું કામ જ શીખને. પણ ભાઈને એમાં તો નાનમ લાગે. એ કાંઈ આપણા જેવા ગરીબનો છોકરો ન હતો. આ કહેવાતા મિડલ કલાસનો છોકરો. એટલે આવા કામ તો કરાય નહીં અને ભણવાનું જોમ નહીં. એટલે ટેન્શન તો ભારે.
આશિષ કેવો છેલબટાઉ હેં? વાળમાં તેલ તો નાખે જ નહીં. ક્રીમથી વાળ બેસાડે ને હીરો જેવા વાળ રાખે. અસ્સલ હીરો લાગે. કેવા જાતજાતના અખતરા કરે. જુદીજુદી જાતની દાઢી રાખે ને વાળના કટ પણ હંમેશ જુદા. ને ફોટાઓ પણ કેવા પાડે! પેલું સ્પાઉટ કરે ને એવું બધું. ને રોજ બહારથી કાંઈ ને કાંઈ ખાવાનું મગાવ્યા કરે. પૈસાનો પણ વિચાર ન કરે. આપણાથી તદ્દન જુદો.
આશિષને છોકરીઓ પણ કેવી ગમે! એકદમ મોડર્ન અને રૂપાળી. છટાથી અંગ્રેજી બોલનારી અને નોકરી કરતી. એક વાર મને કહે, “પપ્પા, આ છોકરીઓને તો કેરિઅર, કેશ, ક્રેડિટ કાર્ડ, કાર અને મોટું ઘર જોઈએ. હું તો બી.એ. કરું છું.”
હું તો એની સામે જોઈ રહ્યો હતો. એ કેમ આવો હતો? આ ટી.વી.ને લીધે? આ ફોન જોયા કરે અને એમાં આવી બધી જાહેરાતો આવ્યા કરે એની અસર હશે?
અને તણાવ પણ કેટલો? આપણું તો હળવુંફૂલ જીવન ને એને તો એમ કે કાંઈ મોટું કરી નાખું. તને લાગે છે કે એને એમ હશે કે પૈસાદાર એમ જ થઈ જવાતું હશે? આપણે એને એટલું ન શીખવાડી શક્યા કે મહેનત કરવી, ચાદર હોય એટલા પગ ફેલાવવા અને સંતોષી જીવન જીવવું. આવું કેમ ન શીખવાડ્યું આપણે?
પણ ખરું કહું? આ મિડલ કલાસ એટલે જ પીસાયા કરે. ન ગરીબની જેમ કોઈ પણ કામ કરી શકે ન પૈસાદારની જેમ પૈસાને ખેંચી લાવે.. ને વળી આકાંક્ષાઓ મોટી. વળી સ્ટેટ્સ ને એવું બધું વિચારવું પડે.
કેવી સરસ છોકરીનું માગું એના માટે આવ્યું હતું. તો કહે: દુકાનમાં નોકરી કરે એવી છોકરી નથી જોઈતી. મને તો મનમાં થયું કે ભાઈ હજી આપણા તો કોઈ ઠેકાણા નથી ત્યાં આ શેના ઘાલાવેલાં? છોકરી કેવી સરસ અને સંસ્કારી. પણ મેં તો મોઢું બંધ જ રાખ્યું. પાછો રિસાઈ જાય તો? મારા ને તારા વચ્ચે ઝગડા થાય.
આશિષ રિસાઈ બહુ જાય નહીં? નાની નાની વાતે ખોટું લાગે ને દિવસો સુધી બોલે નહીં. આજે વિચાર આવે છે કે એને આપણા પર ગુસ્સો હતો કે પોતાના પર? આપણે સમજ્યા નહીં કે એને હતાશા આવી ગઈ હતી.
જોને કેવું લખીને મોતને વહાલુ કર્યું છે. લખ્યું છે,
‘હું ભણવામાં હોંશિયાર નથી. બાઈક મને ચલાવતાં આવડતી નથી. હું એવું ભણેલો નથી કે કાર લઇ શકું. તો હું શું રોજ મારી પત્નીને બસમાં ફરવા લઇ જઈશ? આખી જિંદગી કેવી રીતે કાઢીશ? એટલે હું જાઉં છું.’
લે, આવા એક વિચારે એણે જીવન ટૂંકાવ્યું. એને એવો વિચાર નહીં આવ્યો કે મારા માતાપિતા મારા વિના કેવી રીતે જીવશે? હું એમનો સહારો – ચાલી જઈશ તો એમનું કોણ? આપણો કોઈ વિચાર નહીં આવ્યો? અને હજી તો એના જીવનમાં આવી ન હતી એ છોકરીને બસમાં કેવી રીતે લઇ જઈશ એવા વિચારે એ ચાલી ગયો!
લે, હવે તું ઊભી થા. જેણે આપણો વિચાર જ ન કર્યો એનો વિચાર કરીને કેટલા દહાડા આમ માથે હાથ રાખીને જીવન જીવવાનું? હાલ, હવે. થોડું ખાઈ લે. હા, હા, હુંએ આવું જ છું ને તારી ભેળો.
(અખબારમાં આવ્યું હતું કે એક છોકરાએ પોતે કાર નહીં લઈ શકે અને આવનારી પત્નીને શું આખી જિંદગી બસમાં બહાર લઇ જશે? એવો પત્ર લખીને આત્મહત્યા કરી. એ સમાચારના આધારે આ એકોક્તિ લખી છે.)
~ લીના કાપડિયા
<leenakkap@yahoo.in>