સરી ગયાં દિનરાત (વાર્તા) ~ સુષમા શેઠ ~ સાભાર: અખંડ આનંદ
અફાટ દરિયાના ઘૂઘવાટ કરતા ઉછળતાં મોજાંઓ સામે સ્થિર ઊભી રહી સૂર્યાસ્તને નીરખી રહેલી સલોનીના અગાધ મનમાં વિચારોએ પણ ઉછાળો માર્યો. ક્ષિતિજમાં ક્યાંક ગરક થઈ જતો સોનેરી સૂર્ય એના પ્રૌઢ ચહેરા પર પણ કેસરી રંગની આભા પાથરી જતો હતો.
એની કરચલીવાળી આંગળીઓએ કપાળ પર ધસી આવતી શ્વેત વાળની લટને પાછળ હડસેલી. બંધ મુઠ્ઠીમાં પકડી રાખેલી સૂકી રેતી આંખના પલકારામાં તો સરરર કરતી સરી પડી. કાળા કુંડાળાથી ઘેરાયેલી બે આંખોમાં ભેજ તરવર્યો. સર્વત્ર ખારાશ. દરિયાનાં જળ ખારાં. નયનોનાં નીર ખારાં! શું મનમાંય ખારાશ લપાઈને બેઠી હોય? શાથી આવાં વિચારો પજવતા?
સાંજ સમેટીને જૂની યાદોમાં ખોવાઈ જવું સલોનીને ગમતું. સંગ્રહી રાખેલી છલોછલ યાદો તો કેવી મીઠી મધુર. બેતાલાના કાચ પર પાણીના છાંટા ઊડ્યાં અને બધું ઝાંખું થઈ ગયું. એણે આંખો મીંચી દીધી.
વીતેલાં વર્ષો ઉલેચતાં, નજર સમક્ષ એક દૃશ્ય તરી આવ્યું. નાનકડી રિચાને આયા પાસે મૂકીને એ નોકરીએ જતી ત્યારે રિચા મમ્મા… કરતી પાછળ દોડીને એની સાડીનો છેડો ઝાલી લેતી. રિચાને સમજાવી પટાવીને છેડો છોડાવી દઈ નોકરી કરવા જવું પડતું.
સાંજે પાછી ફરે ત્યારે રિચા દોડતી આવીને એને ગળે વળગી પડતી, “મમ્મા, મને મૂકીને ન જા. મને તું જોઈએ.” પછી તો બચ્ચીઓનો વરસાદ. એને એની મમ્મા જ જોઈએ અને મમ્માનેય બીજું ક્યાં કંઈ જોઈએ?
‘મારી મીઠડી આમ ગળે વળગીને બચ્ચીઓ ભરે એ તો મને મળેલી અમૂલ્ય સોગાત.’ વિચારી સલોની હરીભરી થઈ જતી. ઓફિસનાં કામ પતાવતાંય વચ્ચે ટપકી પડતા વિચારો એને પજવી જતા, ‘રિચૂ શું કરતી હશે?’
“સૉરી મમ્મા, આજે ના આવતી. કાર્તિકે મૂવીનો પ્રોગ્રામ બનાવ્યો છે. અમારું ડિનર પણ બહાર છે.” દરિયાની ખારી હવામાં ભળેલો રિચાનો સપાટ સ્વર કાનોમાં ગૂંજ્યો. ભીતર કંઈક ખટક્યું. સલોનીની આંખો ફરી ભીની થઈ. હવે તો અવારનવાર આવું સાંભળવાને સલોની ટેવાઈ ગઈ હતી અને રિચા એના પરિવારમાં ગોઠવાઈ ગઈ હતી.
રિચા અચાનક મોટી થઈ ગઈ અને મારુંતારું કરતી થઈ ગઈ. સલોનીના ઉત્સાહે પીછેહઠ કરવી પડી. હશે! દીકરી પરણી ગઈ હતી. એનો પોતાનો સંસાર હતો. રિચાના “અમારું”માં એની મમ્મા ક્યાંક પાછળ ધકેલાઈ ગઈ હતી.
સલોની બે ડગલાં પાછળ હટી. ભીની રેતીમાં પગની પાનીઓ ખૂંપી જતી હતી. દરિયાનાં પાણી પગ પખાળીને પાછા વળ્યા. એણે ઊભા રહેવાની જગ્યા બદલી.
રેતીનાં કણેકણમાં અઢળક સ્મૃતિઓ!
સલોની પાછી ફરી. એણે જોયું, એક બાળક રેતીનો મહેલ બનાવતું હતું. રાહિલ પણ આવી રીતે જ રેતીમાં બેસી પડતો. પછી રાહિલ, રિચા, સુજાત અને પોતે સૌ સાથે મળીને મહેલ ચણતા. આખો મહેલ ચણાઈ જાય પછી રાહિલ રેતી વિખેરીને મહેલને જમીનદોસ્ત કરી મૂકતો. એ તાળીઓ પાડતો. એને મજા આવતી. એ જોઈને સલોની ખુશ થતી.
આજેય એ રાહિલને ત્યાં રોકાવા ગઈ ત્યારે રાહિલ, કામ્યા, પિન્કી સૌ જમવાનું પતાવી પોતપોતાના શયનકક્ષમાં ચાલ્યાં ગયાં. ”ગુડનાઈટ મમ્મા, તું તારા રૂમમાં આરામ કર. કંઈ જોઈતું-કરતું હોય તો કહેજે.”
સલોની બોલી ન શકી, “રાહિલ મને તું જોઈએ છે. એ રાહિલ જોઈએ છે જે મમ્મા વગર એક ડગલુંય આગળ નહોતો ભરતો. જે આખી રાત એની મમ્માનો પાલવ ઝાલી ઊંઘી જતો. અડધી રાતેય ઝબકીને જાગી જાય ત્યારે એ રાહિલની આંખો આ મમ્માને શોધતી.” હવે રાહિલ પાસે હતો છતાંય દૂર. એણે ઝાલેલો છેડોય જાણે છૂટી ગયો હતો.
સલોનીને ખૂબ ગમતું; પોતાનું હોવાપણું. પોતાનાં બાળકો માટે પોતાનું ઈચ્છિત સમર્પણ. પોતાની આવશ્યકતા. પરંતુ આજે? એ હોય કે ન હોય, રાહિલને કોઈ જ ફરક નહોતો પડતો. રેતીનો મહેલ કડડડભૂસ. સમયનો દરિયો એને તાણી ગયો.
રાહિલ એની પત્ની કામ્યા અને દીકરી પિન્કીમાં ગૂંથાઈ ગયો હતો. રાહિલને કહેવું હતું, “ચાલને સાથે મળીને મહેલ બનાવીએ. એમાં તું હોય, હું હોઉં.” પણ રાહિલે એનો અલાયદો મહેલ ચણ્યો હતો. એમાં એની પત્ની હતી, એની દીકરી હતી. સલોનીએ આમ રાહિલને વચ્ચે ક્યાંય નડવાનું નહોતું. પોતાનો પાલવ સંકોરીને એ દૂર ખસી ગઈ.
સલોનીએ ફરી ભૂતકાળમાં કૂદકો માર્યો. રાહિલ અને એની પત્ની કામકાજમાં વ્યસ્ત હોય ત્યારે પિન્કીને એ હૉમવર્ક કરાવતી. વાર્તાઓ સંભળાવી પોતાની સાથે ઊંઘાડતી. “હું છું ને, સંભાળી લઈશ. મને સાચવતાં આવડશે.”
પોતાનાં જ બોલેલા શબ્દો ભીંતે અથડાઈને ભૂક્કો થઈ ગયાં. પોતાની માનેલી દુનિયામાં હવે એ પોતે જ નહોતી.
‘દાદી, યુ ડોન્ટ નૉવ એનિથીંગ. જુઓ હું બતાવું, મોબાઈલમાં આમ ટાઈપ કરાય. ઓફ્ફો! લીવ ઈટ. તમને નહીં આવડે. યુ ગૉ એન્ડ સ્લીપ. મારે ઝૂમ પર મીટિંગ છે.’ સત્તર વર્ષની પિન્કીને ખબર હતી, દાદી જૂનવાણી છે, એને નવું નવું નહીં જ આવડે.
“ગૉ” સાંભળી સલોનીને થયું એને ધક્કો મારીને રૂમની બહાર ક્યાંક હડસેલી દેવાઈ છે. નકામા કાગળના ડૂચા કચરાટોપલીમાં પધરાવી દેવાય તેમ જ. એ આખી ડૂચો વળી ગઈ. પિન્કી એની નહોતી. એ તો એનાં માબાપની હતી. એ પિન્કીની માયામાં બંધાઈ ગયેલી પણ પિન્કીને એ બાંધી શકવાની નહોતી. સલોની જાણતી હતી, ‘એઇજ ઇઝ જસ્ટ અ નંબર’ પણ તોય એ ગણતરીમાં કાચી પડી હતી. એના હુંપણાને આંકડાઓને હરાવી દીધો હતો.
રિચાનો આરવ હવે તો કૉલેજ જતો થઈ ગયો. નાનપણથી એનાં ખાવાનાં બહુ નખરાં.
”ચાલો આજે સલુનાનીમા પૂરણપોળી બનાવી આપશે. સાથે તારું ફેવરિટ કાકડીનું રાયતું.” રિચા કહેતી અને સલુનાનીમા પોતાને ગમતું પુસ્તક વાંચવાનું કોરાણે મૂકીને રસોડામાં બમણા વેગે દોડતી. બમણી ઝડપે કામ કરતા હાથમાં હોંશ ફૂટી નીકળતી. આંખોમાં અનેરો હરખ અને સંતોષ આંજી એ આરવને પૂરણપોળી ખાતો જોયા કરતી.
”હજ્જુ આપો.” આરવના એ શબ્દો સાંભળીને શેર લોહી ચઢી જતું, “જોયું? એને મારા હાથની રસોઈ કેવી ભાવે છે.” દોહિત્રને જમતો જોઈ એને ઓડકાર આવી જતો.
હજુ પરમ દિવસે જ એણે આરવને પૂછેલું, ”પૂરણપોળી બનાવી છે, મોકલું ને?”
આરવ આગળ વધીને મોટો થઈ ગયો કે પછી પૂરણપોળીનું ગળપણ ઘટી ગયું? દૂધિયા દાંત પડી ગયા. એના સ્થાને નવા દાંત ફૂટી નીકળેલા.
“ના. સલુનાનીમા, તમે તકલીફ ન લેતા.”
“એમાં તકલીફ શાની?” એકાએક ડહાપણની દાઢ હલવા માંડી. એને થયું, પડાવવી જ પડશે.
“હવે બધું જ રેડી મળે છે. તમે આ ઉંમરે એ બધી કડાકૂડ રહેવા દો. પ્લીઝ આવું બધું ના બનાવો. તમને ડાયાબિટીસ છે અને મારું વજન વધી ગયું છે. આયેમ ઑન ડાયેટ.”
વજનદાર શબ્દો ભીતર ઠોકાયા. હવે સલોનીએ કોઈને પ્લીઝ નહોતા કરવાના? એ ઓઝપાઈ ગઈ. રેતી ધીમે ધીમે સરકતી રહી. હથેળીઓ ખાલીખમ. કશું જ પકડી નહોતું શકાતું; વીતેલાં વર્ષો સહિત. તો પછી એ લાગણીઓ, એ ભૂતકાળની યાદો, પોતે ભોગવેલી પોતાની મહત્તા, પરિવારને આપેલો સમય, એમની જરૂરિયાતો, અને એ વળગી રહેલી હોંશ શાથી હજુય પીછો નહોતા છોડતા?
એ બધું જ કરવા, આપવા આતુર હતી પણ એને ઝીલનાર સૌએ હથેળીઓ ખસેડી દીધી. બધાં મોટા થઈ ગયાં, આગળ વધી ગયાં અને એ જ્યાં હતી ત્યાંની ત્યાં સૌની પાછળ અટકી ગઈ. એ એટલી નાની થતી ગઈ કે હવે તો કોઈને દેખાતી જ નથી! એણે તો બસ જોયા કરવાનું હતું. જાણે એકાએક અવિભાજ્ય અંગની બાદબાકી થતી ગઈ. એ ધીમેધીમે તૂટતી ગઈ.
સવાર પડે અને ઘર આખામાં સુજાતની બૂમાબૂમ ગૂંજે, “સલોની, મારો બ્રેકફાસ્ટ તૈયાર કર. સલોની, મારા મોજાં નથી મળતા. સલોની, શર્ટને ઈસ્ત્રી કરી આપ.” સલોની… સલોની… સલોની…
સલોનીએ પોતાનું અસ્તિત્વ સુજાતમાં ઓગાળી દીધેલું પણ હવે એની સાથે ઘર પણ સાવ સૂનું શાંત પડી રહ્યું છે. એને લાગ્યું કે એણે રચેલા ઘરની ઈંટો ધીમે રહીને ખરી રહી છે.
“તું રહેવા દે, બાઈ છે. નોકર છે.” સુજાતે એને એક બાજુ રાખી દીધી. ઘર મોટું થઈ ગયું. એ સાવ નાની. સલોની એક ખૂણામાં સંકોચાઈને પડી રહી. ત્વચાની કુમાશ, કાળા ઘાટા કેશનો જથ્થો, ચહેરાનું લાલિત્ય, નાજુક અંગોનો ઉન્માદ, પાતળી કમર, આંખોની ચપળતા… કેટલુંય હતું પણ મુઠ્ઠીમાં કશુંજ પકડી નહોતું શકાયું. એય સરકતું ગયું; રેતીની માફક જ.
સુજાત કહેતો, “સલોની, તું હવે પહેલાં જેવી સલોની નથી રહી.”
પહેલાં જેવી એટલે કેવી? મન નહોતું સ્વીકારતું પણ શરીરે સ્વીકારી લેવું પડ્યું; સુજાત રાત્રે તૈયાર થઈ, પરફ્યુમ છાંટી એકલો બહાર જતો. મોડો આવતો. એ કશું જ કહેતો નહોતો, સલોની પૂછતી નહોતી.
એની તરફ તકાયેલી ગોફણમાંથી પથ્થર ફેંકાયો, જાણે કહેતો હોય, “હવે તારી જરૂર સુજાતને પણ નથી.” અહલ્યામાંથી શલ્યા બનેલી એ સીધી જમીન પર પછડાઈ. ક્યાં હતી એ? કદાચ ક્યાંય નહીં. વર્તુળ એનું એ જ હતું, કેન્દ્રબિંદુ બદલાઈ ગયું હતું.
સલોનીને દરિયાના મોજાંઓની માફક ઉછળવું હતું; મનમાં ઊભરાતી ભરતીને પોતાની ભીતર ઘણું બધું સમાવવું હતું. સરકી જતી રેતીને પોતાની મુઠ્ઠીમાં જકડી રાખવી હતી પણ સર્વત્ર ઓટ જ દેખાઈ. ઠંડા શીતળ જળ ફીણફીણ થઈને વિખેરાઈ ગયાં. કુદરતનો ક્રમ. ભરતી પછી ઓટ આવે અને બધું તાણી જાય પણ સલોનીને એ સ્વીકાર્ય નહોતું. ન સમજાય તેવી ઉદાસી એના મનને ઘેરી વળી.
અચાનક સલોનીનો મોબાઈલ રણક્યો. “મમ્મા, કાર્તિક દસેક દિવસ આઉટ ઑફ ટાઉન જવાનો છે. તું મારે ત્યાં રહેવા આવ. હું એકલી છું. આઈ નીડ કંપની.” સામા છેડે રિચા હતી, “કાલે બપોરે બેગ તૈયાર કરીને રેડી રહેજે. લેવા આવીશ.”
“સૉરી રિચા. હું નહીં આવું. તું મેનેજ કરી લે.” નિર્લેપ સ્વરે સલોની જે બોલી એ સાંભળીને રિચાને નવાઈ લાગી, “કેમ મમ્મા? તું આવું કહે છે! તું?”
સલોની ચૂપ રહી. રાહિલે રિચાની અવઢવનો પડઘો પાડ્યો, “હા રિચા, મમ્મા બદલાઈ ગઈ છે. કામ્યા પિન્કીને હૉસ્ટેલમાં મૂકવા અને કૉલેજ જોવા બેંગલોર જવાની છે. દસેક દિવસ રોકાશે યુસી. એને ત્યાં સેટ કરીને આવશે. મેં મમ્માને કીધું કે એ આવીને કિચન સંભાળી લે તો મારે બહારથી ફૂડ મંગાવવું ન પડે. એણે તો ઘસીને ના પાડી દીધી કે એનાથી એ નહીં થાય. મને કહે, રસોઈયો રાખી લે. એ કોઈક બાબતે અપસેટ હોય એવું લાગે છે.”
”વ્હોટ? મમ્માને કંઈ થયું છે? ધીસ ઈઝ નોટ એક્સપેક્ટેડ ફ્રોમ હર.”
ધીસ ઈઝ નૉટ એક્સપેક્ટેડ કે પછી એક્સ્પેકટેડ? સ્પેલિંગમાં જરા અમથો ફેરફાર અને અર્થ આખો જુદો. સલોની પોતેય વિચારી રહી હતી કે એને થયું છે શું? શું એ બદલાઈ ગઈ હતી કે એની દુનિયા બદલાઈ ગઈ હતી? એણે લાગણીઓને સમજાવી દીધી, ‘તણાવાનું નહીં.’ વાહ! તણાવ દૂર કરવાનો ઉપાય મળી ગયો.
દરિયાકાંઠેથી બહાર નીકળી એણે ઘર તરફ ડગ માંડ્યા. રસ્તા પર ફેલાયેલા અંધકાર પર નાનકડી સ્ટ્રીટ લાઈટ્સ ઉજાસ પથરાવતી હતી. હેડલાઈટ ફેંકતી ગાડીઓ પોતાને રસ્તે આગળ વધી જતી હતી. વિચારોમાં ખોવાયેલી સલોની રસ્તો ક્રોસ કરવા ગઈ. ગાડીની બ્રેકે ચીસ પાડી. જોરથી વાગેલા હોર્ન સાથે સંભળાયું, ”એઈ, જાતને સંભાળ, મરવું છે?”
એ સાવધ થઈ ગઈ. તરત બાજુ પર ખસી ગઈ અને સાચવીને આગળ ચાલવા માંડી. હા, જાતને સંભાળવાની હતી.
એણે ધીમેથી ઘરનો દરવાજો ખોલ્યો.
“શેઠાણીબા, હું તમારી રાહ જોતો હતો. શેઠસાહેબને છાતીમાં એકદમ દુ:ખાવો ઉપડ્યો છે. મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે. તમને ફોન કરવાનો જ હતો કે જલ્દી આવી જાવ. એમને હોસ્પિટલ લઈ જવા પડશે. ચાલો.” નોકર શંકર ગભરાયેલો હતો.
“સારું કર્યું શંકર. તું એની સાથે જા. રાહિલ અને રિચાને ફોન કરીને જાણ કરી દઉં છું. એ લોકો આવી જશે. મારું ત્યાં શું કામ છે?” સલોની બોલી.
એની આંખોમાં ઉમટેલો દરિયો શાંતપણે વળતા પાણીની ઓટને માણી રહ્યો.
શંકર આશ્ચર્યથી શેઠાણીને તાકતો રહ્યો. સુજાતને નવાઈ લાગી. એ કંઈ જ બોલી ન શક્યો. એનો ચહેરો કરમાઈ ગયો. એને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાયો.
એ તરફ જોયા વગર સલોનીએ ઘરનો દરવાજો ધીમેથી પણ મક્કમ હાથે બંધ કરી દીધો. એણે હાથ ખંખેર્યા; બધી જ રેતી સરી પડી. હાથ ચોખ્ખાં હતાં; હવે કશું જ ચોંટેલું નહોતું.
પુસ્તકો પર જામેલી ધૂળ સાફ કરી અને એ મલકી પડી. અરીસામાં જોઈ એણે પોતાને કહ્યું, ‘સલોની, હવે તું પહેલાં જેવી સલોની નથી રહી.’
~ સુષમા શેઠ
sushmaksheth24@gmail.com
સુંદર ભાવવાહી વાર્તા સુષમાબેન, ઉંમરના એક પડાવ પછી જેમના સહારે જિંદગી પસાર થઈ હોય એવાં આપ્તજનો તરફથી થતી ઉપેક્ષા અને એની વ્યથાનું ખૂબ સરસ નિરૂપણ થયું છે. અભિનંદન વાર્તાકાર અને હિતેનભાઈ.