કાવ્યાંજલિ : 2 ~ હરીન્દ્ર દવેની તરહી પંક્તિ પર આધારિત નવી ગઝલો ~ વિવિધ કવિઓ દ્વારા
[આપણું આંગણું બ્લૉગની ગઝલ શિબિરના શિબિરાર્થી મિત્રો દ્વારા હરીન્દ્ર દવેને કાવ્યાંજલિ.]
(સંકલન: રક્ષા શાહ, મીતા ગોર મેવાડા)
6) ભારતી કાંતિલાલ ગડા
ફરિયાદ જિંદગીને ફરીથી કરી શકે.
થોડું રડી શકું તો દિલાસો મળી શકે*
આંખો સજળ હવે ન કશું સાંપડી શકે.
આપે પિતા વિદાય પછી તો રડી શકે.
કેવો અડગ છે મોભ ન ક્યારે ડગી શકે.
જ્યાં એક શું અનેક યુગો એ જીવી શકે.
આભારનો એ ભાર ઉપાડી નહીં શકે.
મળશે જે એકવાર ખુશી ક્યાં ગણી શકે?
કહેવી છે સત્ય વાત જગતને કહી શકે.
રસ્તો બતાવવા પછી દિપક બની શકે.
ખોટી એ વાહવાહીથી તું દૂરદૂર જા
હે મન! સદા પરખ, પછી કાયમ નડી શકે.
નાના છતાંય આગના એ અંશ તો હતાં
મળશે પવનનો સ્પર્શ, તિખારા બની શકે.
કેવી પ્રબળ અસર હવે સંગતની જોઈ લો
આશાની સાથ સ્હેજ નિરાશા જડી શકે.
7) નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા‘
કંટકની જિંદગી ને છતાંએ ખુમાર છે,*
દર્દોની છે સફર ભલે પણ સાથે પ્યાર છે.
વાતોથી શું જણાવું હું મારી કથા હવે,
વેંઢારી જે રહી છું એ જીવનનો ભાર છે.
રસ્તામાં આમ કેમ મળ્યાં આજ આપણે,
નક્કી થવાનો આજ નયનથી કરાર છે.
હંમેશ એકમેકને મળતાં જે ભેટીને,
ષડયંત્ર એના દિલમાં તો લાગે અપાર છે.
અઘરું ઘણું સફળ થવું મહેનતથી કોઈને,
આજે તો કાવાદાવા ભર્યો કારોબાર છે.
8) શ્વેતા ત્રિવેદી તલાટી
પડદો હટી ગયો તો ઉદાસી વધી ગઈ;*
ખામોશ તડ ખુલી પછી ઘાયલ કરી ગઈ.
ચાલી ગઈ છે ક્યારની, પાછી ક્યાં આવશે?
લાગે છતાં ક્ષણો કોઈ ક્યાંયે નથી ગઈ.
આંખોમાં ઈન્તજારને આંજીને બેઠી રહી;
અંધાર જોઈ સાંજ વિવશ થઈ ઢળી ગઈ.
ઘાટા થતા અભાવને લીધે થયું ત્યાં શું?
સમજણ સંબંધમાંથી નિરંતર જતી ગઈ.
મોંઘી પડી સમુદ્રને ખારાશ એ રીતે;
ભળવા જ આવી’તી સરિતા પણ વળી ગઈ.
9) જિજ્ઞાસા યુ જોષી ‘શુક’
ઝાકળ પડી છતાંય આ ઉપવન ભીનું નથી,
દેખાય પાન રંગીન તો પણ લીલું નથી.
આ ફૂલ રડતું દેખી બધે સૂનકાર છે,
કિલકાર કરતું જે કદી હસ્યું ધીમું નથી.
આવે પતંગિયું તો ઘણું બાગમાં અને,
જોઈ એ ફૂલને કદી ઊડ્યું સીધું નથી.
નહીં પ્રેમ કોઈ બસ છે નજર કેદની કળા,
ક્યારેય દિલને સમજીને ધ્યાને લીધું નથી.
છે ફૂલ અતરંગીને જે અલગારી ભાવનું,
ને એટલે જ ફૂલને મેં કંઈ કીધું નથી.
કંઈ રસ નથી પતંગિયાને રૂપ કેવું છે!
ચૂસીને છોડવું છે કળા, કંઈ બીજું નથી!
આ ફૂલ આપી દે બધું પોતાનું આગવું,
ને થાય ગણતરી તોયે એમાં મીઠું નથી!
બાળીશ જાત ખુદની છતાં બોલશે તને,
કે પ્યારથી કદી તો મને કહી દીધું નથી.
દુઃખ છે એ વાત ‘શુક’ કે જે બોલાય છે અહીં,
સર્વસ્વ દઈ દીધું ને છતાં કૈં દીધું નથી.*
10) નીરજા
દિલની વ્યથા કહું તો દિલાસો મળી શકે,
થોડું રડી શકું તો દિલાસો મળી શકે*.
ઝાલીને હાથ કોણ કિનારે લઈ ગયું?
એને કળી શકું તો દિલાસો મળી શકે!
સાથે રહીરહીને ઘા નાસૂર થઈ ગયા,
અળગી જરા રહું તો દિલાસો મળી શકે.
મળવાને માટે કોઈને મળવું નથી હવે,
તમને જરા મળું તો દિલાસો મળી શકે.
કોઈની વાતથી તો દિલાસા નહીં મળે,
ખુદમાં જો ઊતરું તો દિલાસો મળી શકે.
(ક્રમશ:)
Vahhhh…..har ek gazal lajavab
મારી ગઝલનો સમાવેશ કરવા માટે આભાર હિતેનભાઈ 🙏
સૌ કવિઓની તરહી ગઝલો સરસ 👍