“લિ. તારી પ્રિય સખી…” ~ પત્રશ્રેણીઃ પત્ર ૯ નો પ્રત્યુત્તર દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ

પ્રિય દિના,

સખી, પત્રમાં તારી કલમ અને કાગળની મહેક માણી. તારા અંતરથી છલકતા શબ્દોના ઝરણાંની વહેતી સરવાણીઓમાં હું પણ આનંદથી તરબોળ થઇ વહેતી રહી. તારી કલમથી આલેખાયેલું કોઈ પણ વિષયનું લખાણ મારે મન પરમ આનંદની અનુભૂતિ માણવા જેવું છે. કારણ, પ્રેમથી સિંચેલા પુષ્પો હસ્યાં કરે છે, રાગ અનુરાગથી પુષ્પો મહેકયા કરે છે, લાગણી નીતરતા પુષ્પો કરમાતા નથી, આમ જ સબંધોનાં પુષ્પો સરેઆમ ચહેકયા કરે છે.”

આપણું લખાણ ઘણી વખત કોઈને અંગત રીતે અસર કરતું હોય છે. જેમ કે ક્યારેક કંઇ વાંચીને કોઇ વ્યક્તિ તેની ઉદાસી, ગમ અને પીડામાંથી ઉભરી બહાર આવી જતી હોય છે. ક્યારેક વાંચીને આનંદની અનુભૂતિ સર્જાતી હોય છે. ક્યારેક એવું વાંચીને થાય કે આ મારા મનની વાત લખી છે. મનમાં ધરબાયેલું વાંચીને પોતાની જાણે લાગણીઓ વ્યક્ત થઈ ગઈ હોય એમ મન Relax થઈ જાય છે. વાંચન હંમેશા આપણા એકલતાનો સાથી બની જાય છે. એ મિત્રરૂપે હરહંમેશ પડછાયો બની આપણી સાથે રહે છે.

આપણે અનેક રચનાઓ જ્યારે વાંચીએ છીએ ત્યારે તે આપણા મનમાં સમાઈ જાય છે. તે ક્યારે ક્યા સ્વરૂપે કાર્ય કરશે તે કહેવું મુશ્કેલ બને છે. સંજોગો અને સમય પ્રમાણે તેમાંથી ધરબાયેલી વાર્તા ક્રિએટ થાય છે. સબકોન્શિય્સ માઈન્ડ આપણી દરેક સારી-નરસી વાતોને, ગમતું-અણગમતું, ગુસ્સો-પ્રેમ, લાગણી-નફરત જેવી જરૂરી અને બિનજરૂરી વાતોને સંગ્રહી રાખે છે. સમય આવે ત્યારે આપોઆપ નવા આયામો સાથે ઉદભવે છે.

દિના, વિવિધ લખાણના વાંચનથી સમાજ ચોક્કસ જાગૃત થતો હોય છે. સમાજમાં લેખન અને વાંચનની જાગૃતિ વધારે વિકસાવી સમાજની બદીઓને નાબૂદ કરવી જોઈએ. આપણે જ્યારે વાંચીએ છીએ તેની સાથે વિચારોની શૃંખલા જોડાતી હોય છે. ગુણવંતભાઈ શાહે કહ્યું છે કે દીકરીને જે ઘરમાં પરણીને જવાનું હોય એ ઘરમાં પુસ્તકો માટે નાની કે મોટી – જગા છે કે નહીં એ જરૂરથી ચકાસજો.

સમકાલિન અને સર્વકાલિન લેખકોને વાંચીને પ્રેરણા મળે છે. અર્થપૂર્ણ લખવા માટે વાંચન જરૂરી છે. વંચાશે તો એ વિષય પર કોઈ મનોમંથન કરશે અને જીવનમાં ઉતારશે. જેમ તારા પત્રથી મને કેટકેટલી માહિતી મળી. સાત પગલાંની વસુધાની વાત આપણા સૌના મન પર અસર કર્યા વિના ન જ રહે. એ વાતનો ઉલ્લેખ કરીને તેં મને પાછલા દિવસોની યાદોમાં ધકેલી દીધી

આપણે બંને નારી છીએ એટલે આ પુસ્તકની અસર આપણા જીવન પર પણ પડ્યા વગર કઈ રીતે રહે! નારીના શીલ અને સૌદર્ય સાથે જ્યારે અભ્યાસ અને કૌશલ્ય ભળે છે ત્યારે તે એના મનગમતા કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના સોપાન ચડી શકે છે. હું તો એમ કહેવા માંગુ છું સખી, કે “સાત પગલાં આકાશમાં” પુસ્તક થકી નારી જગતમાં એક ક્રાંતિ આવી હતી. ક્રાંતિ પરથી મને આઝાદીની ચળવળમાં ક્રાંતિકારી નારીઓએ અગત્યના ભાગ ભજવ્યા હતાં તે યાદ આવી ગયું. અહીં હું તને મેં ક્યાંક વાંચેલી વાત જણાવવા માંગુ છું.

બંગાળની વાઘણ પ્રીતિ વદ્દેદાર એક કાર્યકારી સ્ત્રી હતી. તેને સોંપેલું કાર્ય તે વિના વિઘ્ને પાર પાડતી. તે બંગાળના ક્રાંતિદળની સભ્ય હતી. અંગ્રેજોના શાસ્ત્રગારને પકડવાની યોજના બની હતી, તેનું સંચાલન પ્રીતિ વદ્દેદારએ કર્યું હતું. બધા શસ્ત્રોને લૂંટીને ટ્રકમાં ભરીને તેના સાથીઓ રવાના થયા ત્યાં સુધી ગોરાઓની ક્લબ પર રિવોલ્વરથી પોતાની ગોળીઓ છોડતી રહી. પોતાના દેશને પરાધીનતામાંથી સ્વાધીનતા અપાવવા છેવટે સાઇનાઇડની ગોળી દાંત નીચે કચડી તે મોતને ભેટી હતી. આમ કરીને તેણે પોતાના શીલનું રક્ષણ કર્યું હતું. કેવી પરિસ્થિતિમાં એક નારી પણ વીરાંગનાની જેમ લડી શકે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પછી પ્રીતિ વદ્દેદારનું નામ લેવાય છે. સખી, એકવીસમી સદીમાં સ્ત્રીઓએ પોતે જ પોતાની રક્ષા કરવાની હોય છે. તેને સ્વાવલંબી બનવું પડતું હોય છે. તે જ્યાં કરુણા દાખવે છે, ત્યાં સમય અને સંજોગાનુસાર કઠોર પણ થવું પડે છે. મુસીબતો કે કપરો સમય પૂછીને તો આવતો નથી. મમતાની મૂરતમાંથી સમય પડે ત્યારે એક વીરાંગનામાં એનું “Transformation” પણ સહજતાથી થઈ જાય છે.

દિના, આજની  નારી જાગૃત છે અને દરેક વિષમ સંજોગોનો સામનો કરવા સક્ષમ છે. સ્ત્રી સ્વયં શક્તિ છે અને એનામાં શક્તિનો અખૂટ ભંડાર ભરેલો છે. ક્યારે, કયા સમયે ઉપયોગમાં લેવો તે પણ એના માટે સહજ છે. આજની નારી માટે મેં થોડી પંક્તિઓ લખી છે.
તું અંતરાત્માના અવાજે ભીતરથી જાગૃત છે,
તું આત્મવિશ્વાસથી પર શા માટે મૌન રહે છે?
હિંમત, ધૈર્ય, ક્ષમા, લાગણી સર્વગુણ સંપન્ન તું,
અલૌકિક શક્તિનો સ્તોત્ર શા માટે મૌન રહે છે?
અસ્તિત્વનો પડકાર તોય રણચંડી બની રહી તું,
અપરાજિતા સ્વાભિમાની શા માટે મૌન રહે છે?
ડર, પીડા, લાચારી, અબળા રહી નથી હવે તું,
સ્વતંત્ર વિચારશીલ પ્રકૃતિ શા માટે મૌન રહે છે?
તલવાર લઈ શિલ રક્ષણ કાજે શસ્ત્ર લેતી તું,
રણસંગ્રામે મહાન વીરાંગના શા માટે મૌન રહે છે?
નવ મહિના કોખમાં શિશુને પાળી જતન કરતી,
નવસર્જન કરવા સક્ષમ શા માટે મૌન રહે છે?
દહેજ જેવા કુરિવાજો સમાજમાં નાબૂદ કરતી,
મહાન છે તારી શૌર્યગાથા શા માટે મૌન રહે છે?

આજકાલની સ્ત્રી દરેક ક્ષેત્રમાં પોતાની આવડતથી છવાઈ ગઈ છે. અત્યારની નારી પિંજરનું પાંખ ફફડાવતું પંખી બની બેસી નથી રહેતી. તેને ઉડવા માટે પાંખો પોતે શોધી લે છે. આપણી જ વાત કરીએ તો કામમાંથી સમય કાઢીને આપણે એકમેકને લખતાં રહીએ છીએ. તેનાથી આપણને નિજાનંદ મળે છે.

દિના, હું નેહાને મળી ત્યારે જ એ નટખટે મારું દિલ ચોરી લીધું હતું. રાધાનું પાત્ર એ બેખુબી ભજવતી હશે તેની મને ખાત્રી છે. સાથે શ્રોતાઓની વાહવાહી પણ ખૂબ મેળવતી હશે. નેહા નૃત્યમાં એટલી ઓતપ્રોત બની જાય છે અને તેના ચહેરાના expression ની તો શું વાત કરું? ખરેખર સૌ કોઈનું મન મોહી લે છે. દીકરીને મારી અનેક ગણી શુભેચ્છાઓ.

તેં લખ્યું છે કે આખું વિશ્વ બે પ્રશ્નમાં અટવાયેલું છે. તેં સાચું કહ્યું, પાષાણ યુગમાંથી આપણે ટેક્નોલોજી યુગમાં પ્રવેશ્યા. સતત પરિવર્તનથી જ વિકાસ થયો ગણાય. આપણા વિચારોમાં, જનરેશનમાં, રહેણીકરણીમાં અને સમાજનાં રીતિરિવાજોમાં ફેરફારો આવવા લાગ્યા છે અને આવતા જ રહેશે. પરિવર્તનથી દેશ અને દુનિયાનો વિકાસ શક્ય બન્યો છે. માનવીનો પુરુષાર્થ પણ એમાં ભાગ ભજવતો ગયો છે.  જ્ઞાન, વિજ્ઞાન અને મહેનત થકી આજે માનવી અવકાશના રહસ્યોને પામવા મથી રહ્યો છે.  બરાબર ને સખી?

આપણે બદલાતી પરિસ્થિતિ સાથે તાલ મેળવતાં રહેવું જોઈએ અને સાથે બદલાવનો સહજ સ્વીકાર  પણ કરતાં રહેવું જોઈએ. નવીનતા સમય, સંજોગ અને સ્થળના બદલાવનું ફરજંદ છે. મને અહીં “મરીઝ”નો શેર યાદ આવે છે.
“નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જુનાં નથી મળતા”

સખી, શું કહેવું છે તારું?

ચાલ, તો હવે વિરમું, વેકેશન ચાલે છે એટલે મહેમાનોની અવરજવર વધારે છે. દીકરો, વહુ અને મિષ્ટીની પાછા પોતાના માળામાં જવાની તૈયારીઓ ચાલી રહી છે. ધબકતું ઘર સુનું થઈ જશે. તારી વિરાજ આવી રહી છે એટલે તારું ઘર ચહેકશે. આપણે સમય સાથે અનુકૂળ થઈ જઇએ છીએ પણ આત્મીયજનોની ખોટ હંમેશા રહેતી હોય છે. જિંદગી આગળ વધતી રહે છે પણ જે કમી છે તે સ્વીકારીને ચાલવું એ જ યોગ્ય ગણી શકાય. કેમ ખરુંને!

પરિવારજનોની આત્મીયતાની હૂંફ માણતી

લિ. તારી સખી અમી.

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.