એવા સંબંધોને ધીરે રહીને તિલાંજલિ આપવી (લેખ) ~ યોગેશ શાહ
પતંગ ચગે એટલો વખત મઝા માણી લેવી. પેચ કાપનારા તો હોવાના જ…
ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે સંબંધોમાં પરિવર્તન કેમ આવે છે? સ્નેહભર્યો મીઠો સંબંધ આમ સાવ અચાનક મોળોમોળો કેમ થઈ ગયો?

જેની સાથેની મિત્રતા કાયમ ટકશે એમ લાગતું હતું તેમાં અળગાપણું કેમ આવી ગયું? જેને ગુરુપદે સ્થાપ્યાં હતાં અને બીજું બધું છોડીને એમની વાતને જ પ્રાધાન્ય આપતાં હતાં એ કેમ અચાનક દૂર જવા માંડ્યા?
કોઈ દેખીતું કારણ જડતું નથી. તેથી અંતે “હશે એ એનાં રસ્તે, આપણે આપણાં રસ્તે” કહી મન મનાવી લઈએ છીએ. આજુબાજુ નજર દોડાવી કહીએ છીએ “જો પેલાં બંને કેવા જીગરજાન મિત્રો હતાં? આજે સામે મળેય બોલતાં નથી.”

આમ જાતને જ સધિયારો આપીએ છીએ કે: બધે આવું જ હોય,સંસારમાં આવું જ ચાલ્યા કરે.
જીવનના સંબંધોમાં આમ આવતી ભરતી-ઓટનાં કારણો સમજવા બહુ અઘરાં છે. ત્રીજી વ્યક્તિ દ્વારા કોઈ સાચીખોટી વાત કહેવામાં આવી હોય અને એની ખાત્રી કર્યા વગર આપણો મિત્ર અતડો ચાલવા લાગે ત્યારે થાય કે,
“गैरों से कहा तुमने, गैरों से सुना तुमने;
कुछ हमसे कहा होता, कुछ हमसे सुना होता “
ખૈર, જિંદગી કૉર્ટ તો નથી કે બંને પક્ષને સાંભળે. ચુકાદાઓ ઉપર નિર્ભર હોય એ સંબંધો નથી હોતાં. કારણો હંમેશા અકળ જ રહે છે.
સવાલ એ છે કે આમ સ્થગિત થઈ રહેલાં સંબંધોને જાળવવાનો પ્રયત્ન આપણે કેમ કરીએ છીએ? હસ્તધૂનનમાં બે હાથ જબરજસ્તીથી તો મેળવી રાખી નહીં શકાય ને?
જવા દેવાનો એ હાથ, વહેતી રહેવા દેવાની જિંદગીને. બંધિયાર પાણી અને કરમાતું ફૂલ દુર્ગંધ જ આપે. મનને પ્રફુલ્લિત રાખવું હોય તો એવા સંબંધોને ધીરે રહીને તિલાંજલિ આપવી એ જ ઉત્તમ.
वो अफसाना जिसे अंजाम तक लाना ना हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा।
માથેરાન જતી ટ્રેનમાં મળેલા સાવ અજાણ્યા પંજાબી મિત્ર સાથેનો સંબંધ આજે બે દાયકા પછીય લીલોછમ છે. વખતોવખત થતી ફોન પરની વાતચીત પણ સંબંધોમાં ઉષ્મા ભરી રાખે છે. રવિવાર થાય એટલે કેટલાકને હાઈ-હેલ્લો કરવાનું મન થઈ જ જાય. તો બીજાં કેટલાંક સંબંધોની દોર ઢીલી રાખવામાં જ મજા છે.
પતંગ ચગે એટલો વખત મઝા માણી લેવી. પેચ કાપનારાં તો હોવાનાં જ. અને આખું આકાશ આપણું તો નથી જ ને? કાંટા-પથ્થર વગરના રસ્તાની આશા કેમ રાખવી? પગદંડીના મોહમાં રહીશું તો રાજમાર્ગ કેમ મળશે?
सुर्ख-रू होता है इन्साँ ठोकरे खाने के बाद
रंग लाती है हिना पत्थर पर पीस जाने के बाद।
~ યોગેશ શાહ
(મિડ ડે: મંગળવાર, ૧૫/૦૭/૨૦૨૫)
Vaaah