સોનમ, મુસ્કાન, રાની, નિકીતા, સુનીતા અને…?! (લેખ) ~ શ્વેતા ત્રિવેદી તલાટી
આદિ અનાદિકાળથી સ્ત્રી માટે અમુક નિયમો સમાજમાં પ્રસ્થાપિત થઈ ગયેલા હતા. સૌના મગજમાં એક ચોક્કસ છબી કે સ્ત્રી એટલે મર્યાદા-લજ્જાપણું, બહુ હસે બોલે નહીં, જોરથી અને ખડખડાટ તો બિલકુલ ના હસે, ઘરમાં કોઈ આવે તો અંદરના ઓરડામાં રહે.

સમાજની માન્યતાઓના લીધે સંકુચિત વિચારધારાથી થયેલા ઉછેરના લીધે દબાણનો એક અદૃશ્ય પડદો જાણે સતત તેની આજુબાજુ વીંટળાયેલો જ હોય. જો જોરથી ખડખડાટ હસાઈ જાય તો બધાંની નજર એની સામે જાણે કે કોઈ ગુનો થઈ ગયો હોય.
ઘરમાં પિતા, દાદા, ભાઈ કે અન્ય પુરુષ સ્વજન, દીકરી અમુક ઉંમરની થઈ જાય પછી તેની સાથે ખૂબ જ સભાનતાપૂર્વક વર્તન કરે.
સ્ત્રીનું શારીરિક બંધારણ ભગવાને ખૂબ જ આકર્ષક બનાવ્યું છે. ઘણી બધી સુંદર ચીજો સાથે કવિઓએ એની સરખામણી કરી છે. સ્ત્રી એટલે સૌંદર્યની એક પરિભાષા અને એટલે એ સુંદરતાને કવખતે કોઈની નજર ન લાગી જાય એ જોવું જ રહ્યું.

પણ પછી તે બધી માન્યતાઓમાં, સ્થાપિત નિયમોમાં સમય સાથે ફેરફારો થયા. સમય ક્યાં કદી એકસરખો રહે છે? અને એ સારું પણ છે કે એ બદલાય છે. વખતોવખત અમુક ફેરફારો જરૂરી હતા. દીકરા અને દીકરીમાં ફક્ત દીકરી હોવાના લીધે જે ભેદભાવપૂર્ણ વ્યવહાર થતા તે ખૂબ જ અન્યાયી હતા.

યુગો બદલાયા, સદીઓ બદલાઈ અને સમય સાથે ઘણું ઘણું ઘણું ઘણું… બદલાયું. પહેલાં સંતાનો મા બાપથી ડરતા અને હવે? પહેલાં વહુઓ સાસુ – સસરાથી ડરતી અને હવે?
ખરેખર તો ભયમુક્ત વાતાવરણ હોય, જરૂરી સંવાદની-પોતાનાં વિચારો-મત પ્રદર્શિત કરવાની જ્યાં શક્યતાઓ હોય, બીજાના વિચારોને આવકારવાની અને તેના પર પણ વિચાર કરવાની જ્યાં માનસિકતા હોય, વલણ હોય ત્યાં વાતાવરણ ખૂબ સુંદર બની રહે.
કોઈનાથી કંઈ છુપાવવાની જરૂર જ ના પડે. અને જરૂર જણાય ત્યારે ચર્ચા દ્વારા સમજાવી પણ શકાય કે વ્યવહારિક રીતે કે ભાવનાશીલતાની દૃષ્ટિએ આ વિચારમાં – તેના અમલમાં આ ખોટું છે અને આ ખરું છે. પણ એવું ઘર, એવી ઓફિસ, સમાજ એ કલ્પનાચિત્ર માત્ર છે કારણ કે પુરુષપ્રધાન સમાજ અને ખાસ કરીને જેને છોડી નથી શકાતો એવો આ અહમ્…..

સમય બદલાઈ બદલાઈને આધુનિકતા અને વિકાસના પંથે એવો આગળ નીકળી ગયો કે ઘણી બધી દિશાઓ, રસ્તાઓ, ગલીકૂંચી તરફ ઘણાં પ્રશ્નાર્થ ચિહ્નો અને ઘણાં ઉદ્દગાર ચિહ્નો ઊભાં થયાં.
થયું કે સમયે આ રીતે ત્યાંથી પસાર થવાનું હતું? આધુનિકતાના નામે દોડવાનું હતું! કે ક્યાંક કોઈ દિશાથી એ ઉથલી પડે, ગબડી પડે અને પછી ઘણા ઊંડા ઘાવના ચોતરફ ઘણાં હ્રદયોમાં ખરાબ નિશાન રહી જાય! સમાજની આંખો પહોળી થઈ જાય.
ઘણીવાર સમયમાંથી આપણે પસાર થવાનું હોય છે અને ઘણી વખત સમયને આપણે પસાર થવા દેવાનો હોય છે; પરંતુ અમુક ઘટનાઓને જોતાં આ વિધાન વાક્ય પર પણ પ્રશ્નચિન્હ આવે છે. મારો એક શેર છે:
સમય તો ફેરફુદરડી ફરાવતો રહે, પણ;
જો સ્થિર મન થઈ ધ્યેયાર્થ થઈ શકીએ, તો?
હવે તો પંદર – સોળ વર્ષની કુમળી ઉંમરની અને આવેગના ઉંબરે ઊભેલી કન્યાઓ નહીં પણ પરિણિત અને મા બની ચૂકેલી સ્ત્રીઓનાં ઊગતાં સપનાંઓ પર પણ નજર રાખવાની અત્યંત જરૂર જણાય છે. કારણ કે ક્યારેક આ સપનાંઓ “ઊગતાં” નહીં પણ ખોટા ઉન્માદમાં અને ક્યારેક નશાથી “ઊંઘતા” લાગે છે. તેમાં પોતાનાં કુટુંબ, ભવિષ્ય પ્રત્યે જરા પણ જાગૃતિ નથી.
હા, ધારાધોરણ અને નિયમો સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે પણ પુરુષો માટે તો પહેલેથી પ્રમાણમાં થોડી ઘણી છૂટ તો હતી જ. સીતા-દ્રૌપદીના સમયથી પુરુષ જાતિ વંઠેલ પણ ખરી જ. થોડી અહમથી ભરેલી અને સરમુખત્યારશાહી.

શિક્ષણ અને વિકાસ તો જરૂરી છે જ. ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ એ વાત સ્ત્રીઓએ સદંતર ખોટી સાબિત કરી છે. પણ વિકાસ અને આધુનિકતાના નામે જ્યારે વ્યાભિચાર, વ્યસનો, દુર્વ્યવહાર વગેરેને થાબડવામાં આવે ત્યારે કદાચિત એ ગુનાનું સ્વરૂપ ધારણ કરી પોતાની અને અન્યની જિંદગી બરબાદ કરી શકે.

આધુનિકતાના નામે સ્ત્રીઓ પોતાની લાક્ષણિકતાઓ બદલવા માંડે, સ્ત્રીદાક્ષિણ્ય એ છળ-કપટમાં ચતુરાઈનું સ્વરૂપ ધરી લે ત્યારે વિચારવા જેવું ખરું. અતુલ સુભાષ, સૌરભ રાજપૂત, રાજા રઘુવંશી, મહેશ્વર રાય અને… બીજા પણ.

લગ્ન પછી લગ્નજીવન કઈ રીતે વધુ સુંદર બનાવવું, પ્રેમથી સૌ જવાબદારીઓ ઉપાડી લેવી, નવા ઘરના સભ્યોને, ત્યાંની રીતભાતને ધીમેધીમે પણ સ્વીકારી જીવન પસાર કરવું. અને માતા બન્યા બાદ તો પોતાના બાળકનો સારો ઉછેર એ જ પ્રાથમિકતા. પણ હવે આ બધું બાજુ પર. તેના બદલે પ્રેમીની સાથે મળીને પતિની હત્યાના કિસ્સા વધતા જાય છે.
સૌરભ રાજપૂતની પત્ની તો એક દીકરીની માતા પણ હતી અને રાની પણ એક દીકરાની. તેના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નનાં બદલે પોતાનાં ભવિષ્યના સપનાં જોવાં એ ખોટું નથી પણ એ સપનાં આખાં કુટુંબની ભલાઈને બદલે પોતાના વ્યાભિચારી જીવનની આગને હવા આપી, પતિની હત્યા અને બાળકોને અનાથ બનાવવાના તો ના જ હોવા જોઈએ.

એ તો કોઈ સંજોગોમાં માન્ય જ નથી. પોતાનાં બાળકને લઈને તો માતાની આંખમાં કેટકેટલાં શમણાંઓ હોય?
સોનમ, મુસ્કાન, રાની, નિકીતા અને…?!

હવે આજે ૧૯/૮/૨૦૨૫ એ પતિ હંસરાજ (સૂરજ)ની પત્ની અને તેના પ્રેમી દ્વારા ધારદાર હથિયારથી ગળું કાપી હત્યા કરી પ્લાસ્ટિકના ડ્રમમાં નાખી એને ગળાવવા માટે ઉપર થોકબંધ મીઠું નાખવાની અરેરાટી ઉપજાવે એવી ઘટના રાજસ્થાનના અલવરમાં બની.

આ શું થઈ રહ્યું છે, સ્ત્રીઓને? રીલ બનાવવાનો શોખ અને એ માટે પતિનો અણગમો… આટલી મોટી કિંમત ચૂકવે?
પતિની હત્યા કે અત્યંત પજવણીથી પતિ આત્મહત્યા કરે અને એના માટે પત્ની જેલમાં કે ફાંસીને માંચડે. નાના અનાથ બાળકોનું કોણ? વગર વાંકે બાળકોને આજીવન સજા?
વળી આ જુઓ, વર્ષની શરૂઆતમાં બનેલો એક ખૂબ જ વિચિત્ર બનાવ. સુરતની ત્રેવીસ વર્ષની શિક્ષિકાનું પોતાનાં બાર કે તેર વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી જવું અને તેનાથી ગર્ભવતી થવું. હજી તો દસમું પાસ પણ નથી. લખોટીઓ, દડાથી રમવાની ઉંમરે એ બાળક પિતા થશે!

આ થવા શું બેઠું છે? તેના માતા – પિતાએ એની સારી કારકિર્દી માટે એનું ટ્યુશન રાખેલું ત્યારે શિક્ષિકાએ એની કારકિર્દીને કઈ દિશામાં પહોંચાડી? શિક્ષક અને વિદ્યાર્થીનીઓના તો ઘણા બનાવો સામે આવ્યા છે, પણ આ પાછું કેવું?
એક આઘાત સાથે આંચકો આપી જતી આ બધી ઘટનાઓ વિચારતા કરી મૂકે છે. એક સભાનતાનું – સજાગતાનું સિગ્નલ મનમાં પોતે જ મૂકવાની જરૂર છે. પીળી બત્તી છે તો ત્યાં જવાની તૈયારી કરી શકાય, લીલી છે એટલે Go આગળ, પણ આ વિચારમાં લાલ બત્તી છે, એ વિચારને બિલકુલ આગળ ન ધપાવાય.

પોતાના ખોટા વિચારો પર જ્યારે પ્રતિબંધ લાદવાનું શરૂ કરવામાં આવશે અને એ ખોટા વિચારોના પરિણામો પર વિચાર કરવામાં આવશે તો પાંચ-છ-સાત સ્ત્રીઓના લીધે બધી સ્ત્રીઓને સૌ શંકાની નજરે નહીં જુએ.

હવે ઉંમરલાયક સારા ઘરના છોકરાઓ પરણવાથી ડરે એવું પણ બને. ક્યાંક કૌટુંબિક વાતાવરણ, ધાર્મિક સંસ્કારો, માબાપનું દિશાસૂચન આ બધા પર પણ પ્રશ્ન તો ઉઠે જ છે.
એક આ સુંદર જીવન અને એમાંય મનુષ્યજન્મ. કુદરતની એક અમૂલ્ય બક્ષિસ છે અને એ બક્ષિસ જેલમાં વેડફી દેવાની? ક્ષણિક સુખ શું, ઝાંઝવા શું અને મીઠું જળ શું? આધુનિકતા અને વિકાસની માટે એક લક્ષ્મણરેખા દોરવાની જરૂર લાગે છે હવે.
પુરુષો પર શોષણના ખોટા આરોપો, દહેજ અને ક્યારેક માનસિક ત્રાસની ખોટી ફરિયાદ, મોટી એલિમનીની માગણી અને પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાના વધતા જતા કેસોથી સ્ત્રીઓની તરફેણમાં ઘડાયેલા કાયદાઓનો ક્યાંક દુરુપયોગ તો નથી થતો ને? એ જોવું જ રહ્યું.
અરે ઓ સમય, જરા ખમ. તારી સાથે વાત કરવી છે. ઘણું બધું કહેવું છે તને. પૂછવું છે – ‘હવે આગળ તેં શું વિચાર્યું છે? એ ભાઈ, જરા દેખ કે ચલો. જો આ રીતે હરણફાળ ભરી આગળ વધવું સારું નથી. થોડો ધીમે ધીમે પણ સાચવીને ચાલ.’
રાખજો એ લક્ષ્ય સાથે યોગ્ય એક નકશો તમે;
ને વિચારીને પસંદ કરજો પછી રસ્તો તમે.
~ શ્વેતા ત્રિવેદી તલાટી
shwetatalati16@gmail.com