વરદાન ~ મહાભારતના આદિપર્વ અંતર્ગત આસ્તિકપર્વમાં ગરુડની ઉપકથા ~ ઉદયન ઠક્કર
મહાભારત માત્ર કૌરવ-પાંડવની કથા નથી; એમાં પાર વિનાની ઉપકથાઓ છે. એના કર્તા વેદ વ્યાસ વિશે કહેવાયું છે કે ‘વ્યોસોચ્છિષ્ટમ્ જગત્સર્વમ્’- જગતમાં એવું કશું નથી જે વ્યાસમાં ન હોય.
લોકમાન્ય તિલકે લખ્યું છે, ‘રામકથા લોકપ્રિય છે, પરંતુ રાષ્ટ્રીય દ્રષ્ટિએ મહાભારતની યોગ્યતા વધારે છે, કારણ કે લોકોના વ્યવહારમાં રોજ રોજ જે પ્રસંગો ઊભા થયા કરે છે, તેનું વર્ણન મહાભારતમાં યથાર્થ સમાયેલું છે.’
મહાભારતના આદિપર્વ અંતર્ગત આસ્તિકપર્વમાં ગરુડની ઉપકથા આવે છે.
વિનતા પોતાની સપત્ની (શોક્ય) કદ્રુ સાથે શરતમાં હારી ગઈ, માટે તેણે દાસીપણું સ્વીકારવું પડ્યું. વિનતાના પુત્ર ગરુડે કદ્રુના પુત્રો સર્પોને પૂછ્યું, ‘હું શું કરું તો તમે મારી માતાને દાસીપણામાંથી મુક્ત કરો?’
સર્પો બોલ્યા, ‘અમારે માટે સ્વર્ગથી અમૃતકુંભ લઈ આવ.’ આ માગણીની ગરુડ પર શી અસર થઈ? અનુષ્ટુપ છંદમાં રચેલી, મારા કાવ્યની પંક્તિઓ ઉતારું છું:
ગર્જંતા હાથિયા જેવો
ઘોર ઘોષ કરી રહ્યો
ગરુડ, થરક્યાં પીંછાં,
ચક્ષુઓ પિંગળાં થયાં.
હજી તો પાંખને વીંઝી,
ના વીંઝી વ્યોમચારીએ,
કંઠેથી દેવતાઓના
ઊડી મંદારમાલિકા.
મુકુટ કોઈના ધ્રૂજ્યા,
ધ્રૂજ્યાં આસન કોઈનાં,
થપાટ વાયુની વાગી,
સૂર્ય રાણો થઈ ગયો.
મહાભારત કહે છે, ‘ગરુડે આકાશમાં પહોંચી અઢળક ધૂળ ઉડાડી, સમુદ્રની કૂખમાંથી પાણી શોષી લીધું અને પર્વતવૃક્ષોને કંપાવી મૂક્યાં…. દેવોને ભય સૂચવનારા ઉત્પાતો થવા લાગ્યા, દેવગણોનાં હથિયારો અંદરોઅંદર અથડાવા લાગ્યાં, મેઘોએ રક્તવર્ષા કરી…
મનોવેગી વિહંગરાજને આવતો જોઈને રૌહિણ વટવૃક્ષે તેને કહ્યું, ‘મારી મહાન શાખા સો જોજન જેટલી પ્રસરેલી છે, તેની પર બેસ.’ પર્વત જેવા શરીરવાળો પક્ષીશ્રેષ્ઠ ગરુડ તે વૃક્ષને કંપાવતો બેઠો કે તરત જ ડાળી ભાંગી ગઈ.
પછી ગરુડે સુરલોક પર આક્રમણ કર્યું. ‘દેવતાઓ ચક્રો, પરિઘો, ત્રિશૂલો, પરશુઓ, શક્તિઓ, તલવારો, ઉગ્ર દેખાવની ગદાઓ સજીને ઊભા હતા. રણક્ષેત્ર સૂર્યનાં કિરણોથી ઝળહળી રહેલું જાણે બીજું આકાશ નીચે આવ્યું હોય તેમ શોભી રહ્યું હતું.’
અમૃતનું રક્ષણ કરી રહેલા વિશ્વકર્મા તુમુલ યુદ્ધ કરીને મરણતોલ થઈ ગયા. ગરુડે પાંખ- ચાંચના પ્રહારે દેવતાઓને ચીરવા માંડ્યા. પરાભવ પામેલા ગંધર્વો પૂર્વ દિશામાં પલાયન થયા, રુદ્રો દક્ષિણે દોડ્યા, આદિત્યો પશ્ચિમે નાઠા અને અશ્વિનીકુમારો ઉત્તરે.
કવચ પરપોટાનું
વાયુએ પહેરી લીધું.
વરુણ છપનોછાનો
છુપાયો જઈ છીપલે.
અગ્નિને આગિયાઓએ
પોતાની પાંખમાં લીધો.
ચીરે બારેય મેઘને
રોકશે કોણ એહને?
‘ગરુડ બળપૂર્વક અમૃતસ્થાનમાં પેઠો,જાણે પાણીનો વેગ સાગરમાં પ્રવેશ્યો. તેણે લોખંડનું સતત ઘૂમતું ચક્ર જોયું જે ચોતરફ છરાવાળું હતું અને અગ્નિ જેવી જેની ઝલક હતી.
વિનતાસુત વિહંગરાજ તેની આસપાસ ભમવા લાગ્યો, અંગ સંકોચી ક્ષણાર્ધમાં તેના આરાની મધ્યમાં થઈને નીચે ઊતરી ગયો. અમૃતની રક્ષા માટે બે નાગરાજો ગોઠવાયા હતા. તેઓ જેને જુએ તે ખાખ થઈ જાય.
ગરુડે તેમની આંખમાં ધૂળ નાખીને બળપૂર્વક ચીરી નાખ્યા. આખરે ગરુડે અમૃતકુંભ ઊંચક્યો.
અમૃત લઈને અધીર
વિહંગરાજ તરસ્યા ઊડે રે
મંદાકિનીને તીર
વિહંગરાજ તરસ્યા ઊડે રે
દેવાધિદેવ ઇન્દ્રે તેને રોષપૂર્વક વજ્ર માર્યું. ગરુડે હસતાં હસતાં કહ્યું, ‘હે મહેન્દ્ર, જેમનાં હાડકાંનું વજ્ર બનેલું છે, તે ઋષિ દધીચિનું હું માન રાખીશ. મને કશી ય પીડા થઈ નથી, તો પણ હું એક પીંછું ખેરવું છું.’ તે સુશોભિત પીંછાને કારણે ગરુડ ‘સુપર્ણ’ કહેવાયો.
મહાપંખ ગરુડ પર પ્રસન્ન થઈને શ્રી વિષ્ણુ બોલ્યા, ‘અમૃતકુંભ પાસે હોવા છતાં તેં બિંદુમાત્ર ન લીધું? હે નિર્લોભી, માગ, માગ, માગે તે આપું!’
ગરુડે ઉત્તર આપ્યો, ‘હું પણ તમને વરદાન આપવા ઇચ્છું છું, તમે ભગવાન છો, છતાં માગો.’
આ ક્ષણ કચકડામાં કેદ કરી લેવા જેવી છે. આપણે ભગવાન પાસે રોજેરોજ માગતા રહીએ છીએ; પરંતુ આપણે ભગવાનને શું આપીએ છીએ?
બે ઘડી મહાભારતને બાજુએ મૂકી દઈ, કલ્પના કરી જુઓ, ગરુડે ભગવાનને વરદાન માગવાનું કહ્યું, એ સાંભળીને સૃષ્ટિમાં શા ફેરફારો થયા?
ઘિરી આઇ રે
બદરિયા સાવન કી;
ખિસકોલીએ ચણીબોરનાં
વાવેતર કર્યાં;
દો બીઘા જમીનમાં
વીસ આની પાક થયો;
રામજી શેઠે કેવટને
આઠ આનીનો ભાગિયો કર્યો;
મરિયમે પોસ્ટ ઓફિસે જઈ
અલી ડોસાને પત્ર લખ્યો;
પતંગિયાએ પુંકેસરની દાંડલી
ફરતે મીંઢળ બાંધ્યું;
પૃથ્વીને છાંયો આપવા
પારેવાએ પાંખો ફેલાવી.
~ ઉદયન ઠક્કર
મહાભારતની ઉપકથામાં કાવ્યસૌંદર્યનો ઉદય કરાવી કવિતાના વિસ્મયલોકમાં લઈ જાય તેનું નામ ઉદયન ઠક્કર.