ભીંતને પણ કાન હોય છે (લલિત નિબંધ) ~ વર્ષા તન્ના
(શબ્દો: ૧૪૮૧)
આયરિશ નાટ્યકાર જ્યોર્જ બર્નાડશોએ ચીનની દિવાલ પ્લેનમાં ઊડીને જોઈ હતી. પત્રકારોએ તેમને પૂછ્યું કે ‘દીવાલ તમને કેવી લાગી?’ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો ‘દીવાલ જેવી દીવાલ લાગી. એમાં બીજું શું લાગે?’
જ્યારે આપણને વિચાર આવે કે આ ચીનની દીવાલને કાન હતા? પણ મને લાગે છે કે ચીનમાં ‘ભીંતને પણ કાન હોય છે’ આવી કોઈ કહેવત નહીં હોય. આ તો આપણી ગુજરાતી ભાષાની કમાલ છે.
આમ જોઇએ તો ભીંત સહકાર અને સમુહત્વનું પ્રતીક છે. એક ઇંટ કે એક પથ્થર દીવાલ તરીકે નથી ઓળખાતા. પણ તેનું વ્યવસ્થિત ચણતર ભીંતનું સ્વરૂપ આપે છે. તેમાં સિમેન્ટ ચૂનો રેતી અને પાણી મળે અને સાથે મળે પરસેવો. આમ સહિયારાપણાની નીપજ છે ભીંત.
ઘણા બધા પથ્થરો કે ઈંટ કોઇ રચના વગર ઢગલો કે ખડકલો જ બની રહે છે. આમ ભીંત સહિયારાપણાની નીપજ હોવા છતાં જ્યારે તેને ઊભી કરવામાં આવે છે ત્યારે ભીંતે ભાગલા પાડ્યા કહી બદનામ કરવામાં આવે છે.
આમ માણસને તો બીજાના ખભા પર બંદૂક રાખી ફોડવાની આદત છે. આ ભીંતમાંથી એકાદ ઇંટ કે થોડી સિમેંટ કે ચૂનો નીકળી જાય તો તે બિચારી બની જાય છે. તે અડીખમ ઊભી તો રહે છે પણ તેનું મન વ્યથિત થઇ જાય છે.
જેમ આપણા શરીરને ઇજા થાય અને કોઇક વખત પંગુતા અનુભવીએ તેવી પંગુતા તેવું દર્દ તે જરૂર અનુભવતી હશે…!
કોઇપણ ઋતુ હોય કે કોઇપણ કાળ હોય ભીંત તમને હૂંફ અને ટેકો આપે છે. ધોધમાર વરસાદ વરસતો હોય અને ક્યાંય બચવા માટે છત કે છાપરું ન હોય એવે વખતે આપણે ભીંતની આડશનો સહારો લઈએ છીએ. ભીંતને અઢેલીને ઊભા રહીએ છીએ. જ્યારે તડકામાં ભીંતના જ પડછાયાનો હાથ ઝાલીએ છીએ.
ઠંડીમાં ભીંતને અડકીને ચાલીએ તો ઠંડી ઓછી લાગે કે નહીં પણ તેની ગરમાટો તો જરૂર મળે છે. કેટલાય બેઘર લોકો અને પ્રાણીઓ આ ભીંત પાસેથી ઘરની હૂંફ અને આશ્રય મેળવે છે.
આપણે ભીંતની ભૂગોળની રચના કરીએ છીએ કે જાણીએ છીએ પણ તેના મનને જાણતા નથી. તેના પર આપણે ખીંટી ખોડીએ છીએ ત્યારે તેને દુ:ખ થતું હશે.
પણ જ્યારે આ ખીંટી પર આપણે એકાદી ફોટોફ્રેમ લગાડીએ છીએ ત્યારે જાણે ફૂલોનો બુકે મળ્યો. તેમાં પણ જ્યારે એ ફોટોફ્રેમની પાછળ ચકલી માળો બાંધે છે ત્યારે તે માળાના સૂકા તણખલા ભીંતના કાનમાં સંજીવની મંત્ર ફૂંકે છે ને ભીંતમાં પણ જીવ આવી જાય છે!
નાનું બાળક ઘરમાં આવે ત્યારે તેની કિલકારી સાભળી ભીંત મનમાંને મનમાં હાલરડું ગાવા માંડે છે જે તેણે પોતાની રચના વખતે પેલી મજૂરણ સ્ત્રી પાસેથી સાંભળ્યું હતું. ભીંત બનાવતાં બનાવતાં પોતાના બાળકને સૂવડાવવા માટે ગાતી હતી એ હાલરડું ભીંતના હોઠ પર આવી જાય છે.
આ બાળક મોટું થાય ત્યારે તે પોતાના હાથથી ભીંત પર લીટાં કરે અને મમ્મી પપ્પા ચીડાય પણ ભીંતને પતંગિયું આવી બેઠું હોય તેમ લાગે છે.
આ જ બાળક જ્યારે તરૂણ અવસ્થામાં પહોંચે ત્યારે પેલી ફોટોફ્રેમના ચિત્રો બદલાય તો તે ઘણીયે વાર હરખાય છે.
વળી આ જ ભીંત કોઈ વખત વૃદ્ધાવસ્થાની એકલતા જોઇ તેને ટેકો પણ આપવાનો પ્રયત્ન કરે છે. વૃદ્ધાવસ્થાની એકલતાના આંસુ તે લૂછી નથી શકતી છતાં આ ભીંત જ તેની સાચી ભેરું બને છે.
આ ભીંત પોતાની મહેનતની નીપજ છે તેવું વિચાર કરી મોટા વડીલ લોકો ઘણીવાર પોરસાય છે તો કોઇવખત નિરાશ પણ થાય છે. કેટલાય પોતાના સ્વભાવ પ્રમાણે ભીંતને પણ દોષ દે છે ત્યારે ભીંત સમજી શકતી નથી કે તેનો વાંક શું છે.
ભીંતની ખાસ મિત્ર છે બારી.. તેની મિત્ર બારીમાંથી આવતું સૂરજનું એક કિરણ પણ તેને માટે તો દુનિયાને નિહાળવાના ચશ્મા બની જાય છે. આ બારીમાંથી આવતા કોઈ વખત કોમળ કિરણો તેને વહાલ કરે છે તો કોઈ વખત તિક્ષ્ણ કિરણોની તલવાર વાગે છે. આનાથી તે ઋતુઓની રખડપટ્ટી જાણી શકે છે.
તેની બાજુમાં ઊભેલાં ઝાડ પરથી આવતી સુગંધના પમરાટ પરથી વસંતના આગમનને તે વધાવે છે. તેના પગમાં જ્યારે સૂકા પર્ણોનો ખડકલો થાય ત્યારે તે જાણે છે કે પાનખર પધારી.
અરે, તે માત્ર ઋતુઓની પાનખરને ઓળખે છે તેવું નથી પણ બોખા મોઢા પર પડેલી વેદનાની કરચલીથી તે ઝંખવાઇ થઈ જાય છે. તો પક્ષીઓના કલબલાટથી ઝાડની લીલાશ પોતે પહેરી લીધી હોય તેમ ખુશ થાય છે.
ભીંતને બારી જેમ મનગમતી છે તેવી જ રીતે દરવાજા વગરની ભીંત તો ઘરને બદલે કોટડી કે ભોયરું બની જાય છે. ત્યાં ભીંતમાં એક પ્રકારની જડતા આવી જાય છે.
દરવાજો ભીંતનું જીવન છે નહીં તેની ખબર નથી પણ દરવાજા વગરની ભીંત ઓપરેશન ટેબલ પર સૂતેલા દર્દી જેવી લાગે છે.
તેનો પ્રાણવાયુ આ દરવાજો છે તો ભીંતના જીવનમાં ચેતન છે. આ દરવાજો જ ભીંતને અવાગમનના પલાખાં ઉકેલવામાં મદદ કરે છે.
માણસે પોતાની સગવડો માટે ઘણી નવી નવી શોધ કરી. ફરવા માટે મોટર, ટ્રેન, જહાજ, હવાઈ જહાજ; એટલું જ નહીં પણ ચંદ્ર સુધી પહોંચવા અંતરિક્ષયાન સુધીની શોધ કરી છે. પણ તે થાક્યો હાર્યો તો ઘરે જ આવશે. કારણકે ધરતીનો છેડો ઘર.
આ ઘર બનાવવા માટે ચાર દીવાલની જરૂર તો પડે જ. ભલે ને તે પછી માટીની હોય કે પછી ગારાની કે ઇંટ પથ્થરની, લાકડાની કે પછી આરસની હોય કે છેલ્લે ચારેબાજુ કંતાન બાંધી બનાવી હોય… પણ આ ભીંત વગર ઘર ન બને.
સૌ એમ કહે કે ચાર ભીંતનું તો મકાન કહેવાય ઘર નહીં પણ આ ભીંત વગર ઘર ન બને અને આ ભીંત જોઇને ઘણી વખત મનના મેળ મળે છે.
દિનેશ ડોંગરેએ બહુ સરસ કહ્યું છે કે,
‘આ પોપડા દીવાલથી અમથા નથી ખર્યા
એકાંત નિત્ય નહોર ભરે છે દીવાલ પર’
ભીંત પર કેટલીયે તવારીખ લખાયેલી છે. આ ઈતિહાસ કેટલીક વખત પાંપણ સહેજ ઊંચી કરીને વંચાઈ જાય છે તો ક્યારેક વહાલસોયા સ્પર્શથી વંચાય. તો કેટલીયે વખત આ સ્પર્શ ખરબચડો બને અને વેદનાની કરચ વાગે.
ભીંત ત્રિકાળજ્ઞાન નથી છતાં ભૂત અને વર્તમાનની સાક્ષી તરીકે તો મૂલવી જ શકાય. ભીંત સંસ્કૃતિની છડી રોજ પોકારે છે. લોકો પોતાના ગમા અણગમાને ભીંત પર ચીતરે છે.
આપણા રાજામહારાજાઓ ભીંતને તે વખતની સંસ્કૃતિના ચિત્રો પોતાના મહેલની ભીંત પર ચિતરાવતા જ્યારે આજે વોલપેપરનો જમાનો છે.
આપણે ગુજરાતીઓના ભરેલા ચાકળા લગાડેલી ભીંતને લાડ લડાવીએ છીએ. વળી દીકરી તો વહાલનો દરિયો…જ્યારે દીકરી સાસરે જાય ત્યારે તે ઘરની દીવાલ પર પોતાના કંકુવરણા થાપા કરવાનો રીવાજ છે. આમ દીવાલ દીકરીના આશીર્વાદની પૂજક અને સાક્ષી બની રહે છે.
તેવી જ રીતે ગુરુનાનકના ફોટાવાળી ભીંત પંજાબી પરિવારની જ હોય. વળી તેઓની રીતભાતની લિપિ પણ ભીંત પર આપોઆપ લખાઈ જાય છે.
ભીંત ભૂતકાળની ભવ્યતા કે દરિદ્રતાના અક્ષરને પોતાના શરીર પર મઢે છે. તેના રંગરૂપ આ ઉખાણું આપમેળે બોલે છે. તો આવતીકાલે શું થવાનું છે તેનો વરતારો માત્ર તે આપી શકતી નથી. કારણકે તેનો બ્રહ્મા તો મનુષ્ય છે. અને તેનું મન અકળ છે. એટલે ભીંતના હાથ હેઠાં પડે છે.
વળી ભીંતને ખબર છે કે ભલે માનવી કંઇ પણ કરે પણ જ્યારે ધરતીકંપ આવે ત્યારે તે લાચાર થઈ જાય છે. તે પોતાની જાતને બચાવી શકતો નથી તો ભીંતને તે ક્યાંથી બચાવવાનો!
જૂની ભીંત કે ઘણી વાર નવીનકોર ભીંતમાં પણ તિરાડ પડે છે. ત્યારે ભીંત લાકડી માગતી નથી પણ થોડી દેખભાળ અને થોડું વહાલ માગે છે. કોઈ રંગારાને આપણે જોઈએ તો લાગે તે કેટલું વહાલ કરે છે. પોતાનું બાળક સમજીને પ્રેમથી નજાકતથી રંગે છે. તો કેટલાક પુણ્ય ભેગું કરવા અનાથને દાન કરે તેવી ઝડપથી રંગ ચોપડીને જાય છે.
માનવી તેને કેમ પણ રાખે કે કેવો પણ વ્યવહાર કરે, તેને વગોવે છે પણ ભીંત તેને નીજત્વ આપે છે. ભીંત બનતાની સાથે જ આ મારું છે તેવી ભાવના આપોઆપ મનમાં સંગોપાઈ જાય છે. જોકે તેનાથી ભાગલાના બીજ રોપાય છે તેમ દુનિયા કહે છે.
જો ભીંત ન બનાવીએ તો પોતાપણાની ભાવના આવતી નથી. ભીંત બનવાથી સહિયારાપણાની ભાવના ઓછી થાય છે તે વાત સાવ સાચી નથી. કારણકે ઘણી વખત પોતાનું નથી હોતું તે કોઈનું નથી હોતું. એટલે નધણિયાતું અને નકામું બની રહે છે. પછી તેની માટેનું જતન કે સંભાળ લેવાતા નથી. આમ ભીંત પોતે જ એક જતન કરવાની પાઠશાળા બની જાય છે.
આમ તે રોજની ઘટના હોવા છતાં કેટલીક વખત ભીંત બધાથી સાવ અલગ મોભો ધારણ કરી લે છે.
ભીંતનો આકાર કેવો પણ હોય…. જાડો, પાતળો, ઊંચો, નીચો, રંગીન કે પછી સાવ કઢંગો; પણ તે આડશ આપવાનો પોતાનો ધર્મ છોડતી નથી. તેના પર આજકાલ તો ‘નો સ્ટીક્સ ધ બીલ’ના મોટા મોટા લેબલો પણ મારવામાં આવે છે. કેટલીક જગ્યાએ તો ભગવાનના ફોટા પણ લગાવવામાં આવે છે. ખાસ કરી તેને ગંદી ન કરાય એ માટે.
ભીંત જાહેરાતના સ્ટીકરો અને ચીતરામણથી બિચારી બની જાય છે. આ ઉપરાંત નર જાતિ તેને ખાતર પણ પ્રેમથી પાય છે…. ભલેને ભીંતને ન ગમતું હોય. આમ ભીંત તો કોઈને ગમતી નથી. બીજાના ઘરમાં ડોકિયું કરવું એ માનવસહજ સ્વભાવ છે. ભીંત માનવરચિત છે છતાં તેને સમજાવે છે કે તમારી આ લિમિટ છે. પણ સમજણ અને માણસને આ બાબતમાં આભ અને ધરતી જેવું છેટું છે.
દેખાતી દીવાલ અને વણદેખાતી દીવાલ…. ચીનની દીવાલે સાવ અલગ રૂપ અને કદ મેળવી પોતાનું સ્થાન નોખું બનાવ્યું, પણ ન દેખાતી દીવાલનું સ્થાન અજાયબીમાં નહીં; સાવ સામાન્ય બની રહ્યું છે.
આ દીવાલ કેટલીક વખત ધીમેધીમે મોટી થતી જાય છે. તો ઘણીવાર એક વહાલભરી નજર કે મમતાભર્યા શબ્દોથી તે કડડભૂસ થઈ જાય છે. ઘણી વખત દુનિયાની દીવાલથી માનવી મુક્ત થાય છે પણ પોતાની ગ્રંથિની કેદમાંથી મુક્ત થઈ શકતો નથી. વેરની દીવાલ, ધર્મની દીવાલ ઈર્ષાની દીવાલ આ બધી દીવાલોને કાન પણ હોતા નથી અને હોય છે તોપણ તે કોઈનું નથી સાંભળતી.
આમ આવી દીવાલ ભલે સજીવ નથી પણ તેના પર સજીવતાના સોળ અંકાયેલા હોય છે, જે દેખાતાં નથી.
મતભેદ જ્યારે મનભેદ બને ત્યારે એ દીવાલનું કારણ અને કામણ બન્ને લાગે છે.
આમ ભીંતને ભલે કાન હોય અને બધાની વાતો સાંભળતી હોય, પણ તેણે તેના હોઠ પર તાળું માર્યુ છે. તે કોઈની વાત કોઈને કરતી નથી. ગમે તેવી વ્યક્તિ હોય પણ તેની ખુશી તેનું દુ:ખ – બધું જુએ છે, બધું જાણે છે પણ તે કોઈને કહેતી નથી.
~ વર્ષા તન્ના
varsha.tanna@gmail.com
વાહ !
ભીંતમાંયે સજીવારોપણ કરીને, અનેક ભાવો ઉમેરીને એને જાણે જીવંત બનાવી દીધી.
અનોખી ભાતે લખેલો નિબંધ…
અભિનંદન 🥳 ખૂબ જ સરસ નિબંધ નું આલેખન,વાંચવાની મજા આવી ગઈ👍👏🤝🫰〽️