જીવન એટલે શું? (લેખ) ~ પિનાકીન ઠાકર
જીવન વિશે વિચારવાનો ક્યાં સમય જ છે!અને વળી દરકાર તો જરાપણ નથી. પશુઓની જેમ આહાર, નિદ્રા, ભય અને મૈથુનની ચાંડાલ ચોકડીમાંથી બહાર નીકળીએ તો તેના પર વિચાર કરી શકાય; વિચારવિમર્શ, મંથન અને ચિંતનની વાત તો ત્યાર પછીની છે.
પશુઓ એમનાં જીવન માટે વિચારતાં હોય એવું નથી લાગતું પરંતુ દરેક મનુષ્ય જીવનને જુદી જુદી રીતે વિચારી શકે છે. આમ તો જીવન એટલે અંગ્રેજીમાં કહ્યું છે એમ, ‘Life is nothing but travel from cradle to grave’.

જીવન એટલે જન્મથી મૃત્યુ સુધીનો અવિરત પ્રવાસ છે. નથી અટકવાનું કે નથી છટકવાનું. વિસામો એક ભ્રમણા છે. પોરો ખાવાનો અવકાશ જ નથી. પડાવ પછી પડાવ પાર કરતા જવાનું.
મતિ ભ્રમિત થાય તો પણ નિરંતર વહેતા રહેવાનું નદી-ઝરણાની જેમ. બે પળની નિરાંત નથી અને અગનપથ પર ચાલવાનું છે, હા, દોડવાનું નથી અને એ પણ હસતાં મોઢે; કપરું છે ખરુંને! પણ આ જ જીવન છે.
સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો આ લોકમાં આગમનથી લઈને વિદાય સુધીની યાત્રા એટલે જીવન. આલંકારિક ભાષામાં કહીએ તો માતાના ખોળાથી લઈને પ્રભુના ખોળા સુધી પહોંચવાની સુખદયાત્રા એટલે જીવન.

એક ખોળાથી બીજા ખોળા સુધી જવામાં અદ્ધર લટકતા રહેવાનું, પણ નચિંત થઈને! વાસ્તવિક ભાષામાં કહીએ તો પ્રસૂતિગૃહના પાથરણાથી લઈને મૃત્યુબિછાના સુધીની યાત્રા એટલે જીવન.
કયો શ્વાસ કે ઉચ્છ્વાસ અંતિમ છે ખબર નથી પરંતુ છેક સુધી ધબકવાનું છે, ચૂં કે ચા કરવાની જ નથી, કોઈ વિકલ્પ જ નથી; no excuse please!
શા માટે જન્મ અને શા માટે મૃત્યુ? જીવનનો હેતુ શો છે? જીવનયાત્રામાં ક્યાં અને કેવાં કાર્ય કરી શકાય. આવા પ્રશ્નો નાહક મનને મૂંઝવે છે. ગોળ નાંખો એટલું ગળ્યું થાય!
સામાજિક સેવા, પરોપકાર, સત્સંગ, દેશસેવા વગેરે વગેરે; જેટલું કરો એટલું ઓછું છે. જે કાર્યથી હૃદયમાં શાંતિ રહે.

સંતોષ થાય એ જ આપણા જન્મ માટેનું નિમિત્ત છે અને આપણા જીવનનો હેતુ પણ એ જ છે.
કોણ કેવું જીવન જીવી ગયા અને કોણ કેવું જીવન જીવે છે એની ચર્ચા અસ્થાને છે. અદલોઅદલ કોઈના જેવું જીવન જીવવું અશક્ય છે. આ કોઈ સ્પર્ધા નથી કે એનાથી હું બહેતર છું કે એ મારાથી આગળ છે. આપણું જીવન આપણું છે.
કોઈના પણ જીવનની સાથે આપણા જીવનની સરખામણી ના કરી શકાય! હા, કોઈકના જીવનમાંથી પ્રેરણા ચોક્કસ લઈ શકાય, ‘महाजनोयेन गत: स: पंथा:’.

એમના વિચારો જીવનમાં સ્વીકારી શકાય, અપનાવી પણ શકાય પરંતુ કાર્યપદ્ધતિ તો આપણી નિજી જ હોવી જોઈએ; દેખાદેખીથી શું આડો આંક વાળવાનો છે? જે છીએ એ છીએ,
આપણી ઉર્ધ્વગતિ આપણા હાથમાં છે, એની લગામ બીજાના હાથમાં શા માટે આપવી; આપણો મૌલિકતાનો અધિકાર શા માટે ગુમાવવો!
એક જીવનની સાથે કેટલાંય જીવન સંકળાયેલા છે, કેટલી બધી આવનજાવન છે કેટલાય લોકોની; સુખ-દુઃખ, જોગ-સંજોગ, યોગ-વિયોગ, મિત્ર-શત્રુ, પતિ-પત્ની, આધિ, વ્યાધિ અને ઉપાધિની! પણ સાહેબ, અડીખમ રહેવાનું. Escapism જરાય નહીં ચાલે, ભાગેડુવૃત્તિ નથી રાખવાની, છટકબારીઓ તો બંધ જ કરી દેવાની; અને આત્મહત્યા એ તો નપુંસકતા છે, જીવનયાત્રા ટૂંકાવી દેવાનો શોર્ટકર્ટ!
આ પૃથ્વી પર આપણી ટ્રાન્ઝિટ વિઝિટ છે, આ લોકમાં, આ મૃત્યુલોકમાં હંગામી કે ક્ષણિક મુલાકાત છે. કઈ વાતનો અફસોસ કે શાનો વસવસો? મહાકાળની સામે આપણું અસ્તિત્વ શું? કેટલો સમય આપણે ટકી શકવાના? તેથી જીવનને જાણો, જીવનને માણો, કેવળ દ્રષ્ટા બનીને!
સમયની જેમ જીવન પણ અવિરત ચાલતું જ રહે છે અને આપણે એના તાલ સાથે તાલ મિલાવવાનો છે. જીવન ચલને કા નામ…
https://www.youtube.com/watch?v=pzhKrjU7aIQ
આ એક યાત્રા છે, મુસાફરી છે; બધું જ નિશ્ચિત હોવાની સાથે સાથે અનિશ્ચિત છે. ‘જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના’; માટે એને માણતાં માણતાં જીવવાનું.
અઘરું છે, ચારે તરફથી ઘેરાતાં હતાશા-નિરાશાનાં વાદળોની વચમાં આક્રોશ, ફરિયાદ થઈ જાય એ સ્વાભાવિક છે. ‘તૂઝસે નારાઝ નહીં જિંદગી હૈરાન હૂં, પરેશાન હૂં મૈં!
નાહકનો ઉદ્વેગ કરવો નહીં, મથામણ, અરેરાટ કે કકળાટ કરીને કોઈ ફાયદો નથી; કાળની ગતિ કોઈને સમજાઈ નથી અને સમજાવાની પણ નથી! ‘જિંદગી કા સફર, હૈ યે કૈસા સફર; કોઈ સમજા નહીં, કોઈ જાના નહી’. માટે મસ્ત બનીને, નિજાનંદમાં, અને બીજાને પરમાનંદ કરાવતા જીવો; જીવો અને જીવવા દો!
આધ્યાત્મિક જીવનયાત્રામાં પણ અનેક પડાવ આવે છે, અન્ય લોકોનાં જન્મદિન ભૂલવાથી લઈને પોતાનો જન્મદિન ભૂલી જવા સુધીથી લઈને દેહભાવ ભૂલવાથી લઈને આત્મભાવમાં તલ્લીન થવા માટેની અણમોલ તક એટલે જીવન!

જીવન એટલે માત્ર મૃત્યુની પ્રતીક્ષા કરવી એવું નહીં કારણ કે ચાહો કે ના ચાહો પરંતુ એ આવશે જ; છતાં અનાસક્તભાવે જીવન વિતાવવું એટલે જ જીવન. આપણું હોવાપણાનું ગૌરવ એટલે જીવન!
ગઈ ક્ષણ એ ગઈ. આ ક્ષણ માણવાની છે પોતાની મસ્તીમાં! કાલ જોઈ નથી. જીવન આખું જવાબદારી નિભાવી, ઢસરડા કર્યા, શોખને સાઇડટ્રેક કરીને; પણ હવે જાગ્યા ત્યારથી સવાર! કવિ ઉમાશંકર જોશી એ કહ્યું છે એમ, ‘ગયાં દિવસો ગયાં, રહ્યાં તેમાં અમરત લઈ આવ્યો અવનિનું’
પ્રસૂતિગૃહથી જ તમને કહી દેવામાં આવે છે કે ‘આપકા સમય શુરૂ હોતા હૈ અબ’! એટલે બસ મંડી જ પડવું ‘જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી’, કેટલો સમય બાકી છે અને શું કરવાનું છે ને શું નથી કરવાનું એ બધી પળોજણ પડતી મૂકીને ‘બળતામાંથી મૂકી લેવું!’
જીવન જાણી લઈએ, માણી લઈએ, જીવનને પરમાણી લઈએ; તેમ છતાં જો ઓછું પડે તો ઈશ્વરથી એને તાણી લઈએ!

ઘણીવાર એવો વિચાર આવે કે જીવનમાં કોઈ એક તબક્કે એવી ચૉઇસ મળે કે મૃત્યુ ક્યારે જોઈએ, તો? 10 વરસ પછી, 50 વરસ પછી કે અબઘડીથી લઈને અનંત કાળ સુધી? મગજ ચગડોળે ચડી જાય ને? પરંતુ મરીઝ સાહેબ કહે છે એમ,
‘હદથી વધુ ના માંગ એની કને જીવન,
એક પળ એવી દેશે કે વિતાવી નહીં શકે!’
માટે જે મળ્યું છે એમાં જ સુખ સમજીને માણી લો, જીવનને જાણી લો અને પરમાણી લો; કારણ કે આ જીવન, મનુષ્યનો દેહ, વારંવાર મળતાં નથી!
જીવન એટલે હોવું, હોવાપણું શું છે? આપણું અસ્તિત્વ. માટે મોજથી જ જીવવું જોઈએ, ગીત, સંગીત અને નૃત્યના ત્રિવેણી સંગમમાં નાહતાં, નાહતાં!
દુર્લભમ્ માનુષો દેહ… એટલે તમારે જેને જે કંઈ કહેવાનું છે, જેના માટે જે કંઈ કરવાનું છે, જેનું જે કંઈ સાંભળવાનું છે, નિયતિએ જે નિર્ધાર્યું છે એ જ કરવામાં છે જીવનની પરિપૂર્ણતા!
‘धन्योस्मि राजन्’ થઈને આ દુનિયામાંથી વિદાય લેવી એ જ જીવન!
~ પિનાકીન ઠાકર, મુંબઈ
ppinakin1@gmail.com