|

 “મુખવટો” (લેખ) ~ ડૉ. નિરંજના જોશી

There is a difference between to be and to show. ‘હોવું’ અને ‘દેખાવું’ એ બેમાં ફરક છે. જે હોઈએ, તે જગતને દેખાડવું લોકોને બહુધા ગમતું નથી.

વેશ, ભાષા, વર્તન, ચતુરાઈ વગેરે દ્વારા પોતાનું મહત્વ દેખાડવું, તેને બીજા શબ્દમાં દંભ કહેવાય. દંભ કરવા પાછળ માનવીનો હેતુ સ્વમહત્વ દર્શાવવાનો હોય છે. સ્વમહત્વની ભાવનાને ‘માનિત્વ’ અથવા વધારે પડતું સ્થૂળ કક્ષાનું અભિમાન મનાય છે.

સ્વમાન જ્યારે મિથ્યા અભિમાનમાં પરિણમે, ત્યારે ઘમંડ જન્માવે છે. ધનવાન ધન થકી, વિદ્વાન વિદ્યા થકી, વડીલ વય થકી, સત્તાધીશ સત્તા થકી, મોભાદાર પોતાના મોભા થકી અન્ય પાસેથી પોતાનો સ્વીકાર, આદર, સન્માનની અપેક્ષા રાખે છે.

અપેક્ષા ન સંતોષાતાં સંઘર્ષ જન્મે છે. મનદુ:ખ થતું હોય છે. તેથી બીજાઓ પર ગમે તે રીતે પ્રભાવ પાડીને પોતાનું મહત્વ પૂરવાર કરીને માનનો હક્ક સિદ્ધ કરવાનો તે પ્રયત્ન કરે છે.

શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય કહે છે:
“યાવદ્ વિત્તોપાર્જનસક્ત:
તાવન્નિજપરિવારો રક્ત:।“

ધન કે સત્તા ન રહે ત્યારે કોઈ પણ ભાવ પૂછતું નથી, તેથી માન ઘવાતાં જ માનસિક ઘાયલ માનવી યેનકેન પ્રકારે વિવિધ યોજનાઓ ઘડતો હોય છે.

વાસ્તવિક ‘માન’નો અર્થ માપન એટલે કે ‘માપવું’ થાય છે. માન ખરું જોતાં ચોક્કસ માપમાં સીમિત થઈ જાય છે. આમ માન ખરેખર તો મોટો બનાવવાને બદલે નાનો બનાવે છે.

જાતજાતની સિદ્ધિઓ, ઉપાધિઓ, હોદ્દાઓ સાથે પોતાની જાતને જોડીને માનવી વિશાળ જગતથી પોતાની જાતને સંકુચિત બનાવી દે છે.

આસપાસ નજર કરતાં પ્રકૃતિના તત્વો સૂર્ય, પૃથ્વી જળ, વાયુ, નક્ષત્રો પોતપોતાના સ્થાન કે મોભા પ્રમાણે સેવા કરી રહ્યા હોવા છતાં તેઓ કદી માનની અપેક્ષા કરતા નથી. તેથી તેમને દંભ કરવાની જરૂર પડતી નથી.

The 10 Incredible Benefits Of Nature Trips - Ecobnb

દંભી માનવી પોતાની લાયકાત ન હોવા છતાં તેનો કૃત્રિમ દેખાવ કરીને અથવા મુખવટો પહેરીને પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે.

કુદરતે બક્ષેલી સુંદરતા ન હોવા છતાં તેને ઢાંકવા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરીને જોનારને છેતરી તેનો ગેરલાભ ઉઠાવે છે.

ક્યારેક વેશભૂષાથી અથવા વાક્ચાતુર્યથી સામાને આંજી દેવાનો પ્રયત્ન તે પણ દંભ જ છે. વાસ્તવિક યોગ્યતાથી જ્યારે મહત્વ સિદ્ધ થતું નથી, ત્યારે પોતે છે તેના કરતાં જુદી રીતે પોતાને દેખાડવાની સ્વાભાવિક વૃત્તિમાંથી જૂઠાણું, છળ અને કપટ જન્મે છે.

દંભમાં પોતાની જાતને જાણવા છતાં જૂદી રીતે ઈરાદાપૂર્વક અભિવ્યક્ત કરતી વખતે અંતરમાં રહેલો જ્ઞાતા અને વર્તણુકમાં વ્યક્ત થતો કર્તા બંને એક જ હોવા છતાં તેમના વ્યક્તિત્વના બે ભાગલા પડી જતા હોય છે.

આમ વ્યક્તિત્વ ખંડિત થતાં, આંતરિક શાંતિમાં ભંગ થાય છે. પરિણામે અપરાધની લાગણી જન્મે છે; જેને લીધે ભૌતિક પદાર્થનો પણ( દંભને કારણે) ખરેખરો ઉપભોગ માણસ કરી શકતો નથી.

દર્પણ દંભ કરતું નથી, તેથી તેનો પર્યાય છે આદર્શ. જેવા છે તેવા દેખાડવા તે જ સ્તો દર્પણનું કામ! તે નામ સાર્થક કરે છે. ‘દર્પ’ અને ‘ન’ = તેનામાં દર્પ (અભિમાન) નથી. સામે ‘ના’ની અંદર શું છે તે દર્પણ જાણતું પણ નથી તેથી દેખાડતું પણ નથી. તેથી તેને આયનો (I know) ભલે કહેવાય પણ માત્ર બાહ્ય દેખાવને જ તે જાણી શકે છે.

Self-portrait with a mirror Acrylic painting: Lu Sakhno

દંભી વ્યક્તિનું મન હંમેશા દ્વિધાયુક્ત રહે છે; તેથી એનું મન તેનો દુશ્મન બની જાય છે. અલ્પ સમય માટે કદાચ દંભ બીજાઓને છેતરવામાં અથવા ભૌતિક લાભ મેળવવામાં સફળ થઈ શકે, પણ મન જાગૃત થતાં અનેક પીડાનું કારણ બની શકે છે.

જે મર્યાદાઓ આપણી ઉન્નતિમાં આડખીલી રૂપ બનતું હોય, એને દૂર કરવામાં જ આપણું હિત રહેલું હોય છે. તે દોષોને છાવરવાનો કે કોઈપણ રીતે ગુણો તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાથી તેમાંથી કદી મુક્ત થઈ શકાશે નહીં.

વિવેક બુદ્ધિથી પોતાના ગુણદોષોનું વિશ્લેષણ કરીને પોતાની મર્યાદાઓ દૂર કરવાના અને ગુણો બદલ કૃતજ્ઞતાનો ભાવ દાખવી સદા પ્રસન્ન રહેવાના પ્રયત્નો કરવા તેમાં જ માનવતાની સાર્થકતા છે.

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. મહત્વ ની સમજણ આપતું સુંદર આલેખન..
    આભાર
    SP