તો રવીન્દ્રનાથ મુંબઈના જમાઈ થયા હોત (લેખ) ~ યોગેશ શાહ
તા. ૭ મે ૧૮૬૧ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ. આજે એમના જીવનની એક ઓછી જાણીતી ઘટનાની વાત કરવી છે.
એ તો સૌ જાણે જ છે કે રવિ નાનપણથી જ કળા અને સાહિત્યના ચાહક હતાં. ૮ વર્ષની ઉંમરે એમણે પ્રથમ કાવ્ય લખ્યું હતું. શાળા એમને જેલ જેવી લાગતી હતી. અભ્યાસમાં અરુચિ જોઈ પિતા દેવેન્દ્રનાથે એમને વિદેશ મોકલવાનું નક્કી કર્યું.

પણ તે પહેલાં વિદેશી માહોલ અને રીતભાત માટે તૈયાર કરવાનું મોટાભાઈ સત્યેન્દ્રનાથે વિચાર્યું. એટલે એમણે મુંબઈ રહેતા મિત્ર ડૉ. આત્મારામ પાંડુરંગને વાત કરી. કારણ ડોક્ટરનો પરિવાર સુધારાવાદી હતો. અંગ્રેજી ભણતર અને રીતભાતથી ટેવાયેલો હતો.

રવીન્દ્ર મુંબઈ આવી ગયાં. આ મરાઠી કુટુંબમાં ડૉક્ટરના પત્ની અને પુત્રીઓ પણ મુક્ત વિચારોવાળા હતાં. પુત્રીઓ અંગ્રેજી ઢબના વસ્ત્રો પહેરતી. જમવાનું ડાઇનિંગ ટેબલ પર પીરસાતું. ત્રણમાંની એક પુત્રી અન્નપૂર્ણા (અંગ્રેજોની અસર હેઠળ ‘ઍના’) બોલકી, ઊછળતી, મસ્તીખોર હતી. ‘ઍના’એ રવીન્દ્રનું મન મોહી લીધું.
રવિના મધુર અવાજ અને કવિતાઓથી ઍના પણ આકર્ષિત થઈ હતી. રવિ બંગાળી કવિતાઓનો મર્મ અંગ્રેજીમાં સમજાવતાં. એમણે ઍનાને નવું નામ ‘નલિની’ આપ્યું. ઍના પણ અંગ્રેજીની સારી જાણકાર હતી. અનુવાદ કરવામાં એ પણ સૂચનો આપતી.
એકવાર રવીન્દ્ર એમની કવિતાનો અંગ્રેજી અનુવાદ ગાઈ રહ્યાં હતાં. રવિના મધુર સ્વરના આસવને જાણે ઍના આકંઠ પી રહી હતી. કવિતા જ્યારે પૂરી થઈ ત્યારે એની આંખમાં આંસુ હતાં. “ઍના તું રડે છે?”– “રવિ, હું તારી કવિતામાં વહી રહી છું. હું મરણપથારીએ હોઉં ને ત્યારે તું તારી કવિતાઓ સંભળાવીશ તો હું પાછી વળી જઈશ.”
આ પ્રસંગ બાદ એમની મિત્રતા વધુ ગાઢ થઈ. ઍનાએ એકવાર રવિને કહેલું, “તારો ચહેરો એટલો સરસ છે કે ક્યારેય દાઢીથી ઢાંકી ન દેતો.” રવિએ ત્યારે તો વાત માની. પણ આગળ જતા લખ્યું કે, “બધા જાણે છે એમ હું એ વચન પૂરું કરી શક્યો નથી.”
ઍના અને રવિ વચ્ચે ફૂટી રહેલી પ્રેમની કૂંપળો ડૉ. પાંડુરંગના ધ્યાનમાં આવી ગઈ હતી. એમના કુટુંબને પણ આ બંને યોગ્ય સાથી લાગતાં હતાં. રવિ ઇંગ્લૅન્ડ જાય એ પહેલાં આ સંબંધ બંધાય માટે ડૉક્ટરે મિત્ર સત્યેન્દ્રને વાત કરી.
મોટાભાઈને પણ આ સંબંધ બંધાય તે યોગ્ય જ લાગ્યું. તેમણે પિતા દેવેન્દ્રનાથને વાત કરી. પણ પિતા જૂનવાણી વિચારો ધરાવતાં હતાં. એમણે ડૉક્ટરનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. અને રવીન્દ્રનાથ મુંબઈના જમાઈ થતાં રહી ગયાં.
વિદેશથી પરત આવ્યા પછી રવીન્દ્ર ઍનાને મળ્યા કે નહીં એનો કોઈ ઉલ્લેખ મળ્યો નથી. ઍનાએ તો વાતચીતમાં હૃદયની લાગણી વ્યક્ત કરી જ હતી પણ રવીન્દ્રએ પોતાના હૃદયને ક્યારેય ખોલ્યું નહીં.
(“મિડ ડે” તા:૦૬/૦૫/૨૦૨૫, મંગળવાર)
🙏ક્રુપા કરીને ‘ભુલો ભલે બીજું બધું માં બાપ ને ભુલશો નહીં’ નું સંપુર્ણ કાવ્ય એના રચયિતા નાં નામ સાથે મોકલાવવાં ક્રુપા કરશોજી.