એક ચાયકી પ્યાલી હો… (નિબંધ) ~ વર્ષા તન્ના
આપણામાં કહેવત છે કે જેની ચા બગડી તેની સવાર બગડી. તેની દાળ બગડી તેનો દા’ડો બગડ્યો, પણ આ કહેવત બનાવવાવાળા એ ભૂલી ગયા કે ચા બગડે પછી રાત કે દિવસ અને બીજા કશા વિચાર જ ન આવે.
ત્યાં દાળ કે દૂધપાક બધું સરખું જ લાગે. કારણકે ચા બગડે ત્યારે માથું એવું ચડ્યું હોય કે તેને શોધવા હિમાલયનો પ્રવાસ કરીએ કે પીઝાના મિનારો અને હવે યુનિટી ઓફ સ્ટેચ્યુ જેટલાં ઉંચે ચડીએ તો પણ તો પણ માથું નીચે ઊતરે નહીં. તેને ઉતારવા માટે કેટલીક ગોળીઓ ખાવી પડે… પણ સાથે પાછી ચા તો પીવી જ પડે.
આમ માત્ર ચા એ સૂરજના ઉજાસને જોવા માટેની પગદંડી છે. કુકડાની બાંગ સાંભળવાની શરત છે… તો સવારના છાપા સાથેની દોસ્તી કરવાનો એક જામ છે.

સામાન્ય ચા એટલે ચાની પત્તી, પાણી, દૂધ…અને સાકર આ બધાનું યોગ્ય મિશ્રણ કરી તેને ઉકાળો એટલે ચા બની જાય. પણ દરેકની ચા સાવ જુદી જુદી હોય છે. કેટલાક ચામાં આદુ એલચી નાખી ચાને વધુ સુગંધી બનાવે છે તો દરેક ગુજરાતીને ત્યાં મસાલાવાળી ચાની જ ચર્ચા હોય છે.
શ્રીનાથજી જઈએ તો ફુદીનાવાળી ચાથી આખી ગલી મહેકતી હોય છે. દરેકની ચા પર તેના ઘરનું અને તેનાં હાથનું મત્તુ મારેલું હોય છે. એટલે ચા ભલે બધી સરખી હોય પણ ચાની બનાવટ સાવ નોખી હોય છે.
આખા દૂધની ચા… સાવ પાણી જેવી ચા… દૂધપાક જેવી મીઠી ચા… તો કેટલીયે વખત કાળીમશ જેવી ચા.

આમ ચાના નામ દરેક વ્યક્તિ પોતાની રીતે આપે છે. વળી રજવાડી ચા કેસરવાળી ચા કે પછી બીજી કેટલીયે. પણ ચા એટલે ચા જ. જેને ચાની ચાહ હોય તેને જ ખબર પડે.
‘શાયદ મેરી શાદી કા ખયાલ દિલ આયા હૈ… ઈસિ લિયે મમ્મીને તેરી મુઝે ચાય પે બુલાયા હૈ.’ આમ ચા પીને પાઈને સબંધોની બારખડી ઉકેલી શકાય.
જ્યારે પહેલી વખત વહુનો ગૃહ પ્રવેશ થાય ત્યારે કાઠિયાવાડમાં લાપસી બનાવડાવવાનો રિવાજ છે. આ લાપસીનું સ્થાન અત્યારે ચાએ લઈ લીધું છે. ગાંધીજી એક વખત ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે તેઓ ચા કપમાંથી રકાબીમા લઈને પીતા હતા. બધા આ જોઈને હસવા લાગ્યા.
બ્રિટિશ લોકો રકાબીમાં ઢોળાયેલી ચાને લેફ્ટ ઓવર માને છે. એટલામાં કોઈ એક વ્યક્તિ મોડી આવી તેને ગાંધીજીએ પોતાનો ચાનો કપ ઓફર કરી બધાની બોલતી બંધ કરી દીધી. એટલે એમ કહીએ તો વાંધો નથી. આમ ‘હમારે યહાં રિશ્તે હાય સે નહીં ચાય સે બનતે હૈ.’ આમ સબંધોની સુગંધ ફેલાવવાનું કામ પણ ચા જ કરે છે.
આપણે ત્યાં આસામની ચા દાર્જલિંગની ચા બહુ પ્રખ્યાત છે. પણ ચા બનાવીને પીવાની વાત આવે તો લારીનો ઠસ્સો હજુ એટલો જ છે. પેલાં ભાઈની લારીની ચા કે ઓલાં ભાઈની લારીની ચા પીવાથી ટેસડો આવી જાય છે તેવી વાત ચાના રસિયાઓ કરતાં હોય છે. વળી હવે કસુંબાપાણીને નામે ચા જ પીવાય છે.

ગામડામાં ચાની કિટલી સાથે કપને બદલે રકેબી…રકાબી આપવાનો શિરસ્તો આજે પણ છે. તો અમદાવાદમાં ચામાં પણ અમદાવાદીપણું છલકાય છે. ‘શરણાગત’ના લેખક વર્ષાબહેન અડાલજા કહે છે કે ‘અંગુઠા જેવડી પ્યાલીમાં અમે ચા પીધી.’ આને પીવા કરતાં ચાખવાનું કહીએ એ વધારે સારું રહેશે.
આમ અમદાવાદીઓએ હિરોઈનના ટૂંકા કપડાની જેમ કપનો પનો પણ ટૂંકો કરી નાખ્યો છે. જ્યારે મુંબઈના કપડાં બઝારમાં કે પછી ઝવેરી બઝારમાં અર્ધી અર્ધી ચા પીવાનો રીવાજ છે. દુકાનમાં જેટલાં લોકો આવે તે બધા સાથે શેઠની અર્ધી ચા તો પાકી જ.

ચાની સાચી કદર ચાના બંધાણી જ કરી જાણે છે. તેઓ ચા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. હા, ચાના બંધાણી ચા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય, પણ હજુ સુધી ચા માટે ધીંગાણું થયાનું સંભળાયું નથી. કારણકે ચા પીવાથી તન અને મનનું સાયુજ્ય બરાબર જળવાઈ રહે છે.
દારૂ મનને મારે છે જ્યારે ચા મન અને તનને જાગૃત કરે છે. પણ આ ચાના બંધાણીને ચા ન મળે તો તેઓ સાવ બિચારાં થઈ જાય છે. હાથપગ તૂટે છે અને શરીરમાં નબળાઈ ઘર કરે છે. ચા પીધાં વગર આંખ ખૂલે નહીં હાથપગ ચાલે નહીં અને માથું તો ક્યાં પહોંચે તે નક્કી જ નહીં. તો પછી યુધ્ધ કેવી રીતે થાય? જ્યારે ચા પીધાં પછી તો તન ચેતનવંતું થાય તો મનને પણ સારા નરસાની સમજણ આવતી હશે. એટલે યુધ્ધ થાય નહીં. એટલે જ આપણા વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદીએ ‘ચાય પે ચર્ચા’ ચાલુ કરી છે.

સંશોધકોનું તો ત્યાં સુધીનું માનવું છે કે કોફી કરતાં ચા પીવાવાળા વધુ તંદુરસ્ત હોય છે.
કોઈ નાનું છોકરું ચા પીવાનું વેન કરે તો આપણે તેને કહી દઈએ તું કાળો થઈ જઈશ. બિચારો માત્ર ચા સામે અને આપણી સામે જોયા કરે. આ જ બાળક ટીવીની ગોરી હિરોઈન જ્યારે ચાની જાહેરાત કરે ત્યારે તે બોલી પણ નાખે ‘આ તો કાળી નથી થઈ. પરી જેવી લાગે છે.’ ત્યારે આપણે ચાનો જે ઘુંટડો પીતા હોય તેનો કોગળો થઈ જાય. આમ બેડ ટી સાચેસાચ ‘બેડ’ ટી એટલે કે ખરાબ થઈ જાય.
આજકાલ તો ચા એટલે આપણી રોજની ચા નહીં પણ ગ્રીન ટી, બ્લેક ટી કે પછી આઈસ ટી. વળી ડીપ-ડીપવાળી ટી અને હવે તો ઈનસ્ટંટ કોફીની જેવા પેકેટ એટલે કે ચા-દૂધ અને તમારો મનગમતો મસાલો બધું પેકેટમાં મળે. આ પેકેટને ગરમ પાણીમાં નાખો એટલે તન અને મન તરબતર થઈ જાય એવી ચા મળે.
આમ અત્યારે તો એટલી બધી જાતજાતની ચા નીકળી છે કે ચાના આખા ચાલીસા વંચાઈ જાય. વળી આ બધી ટી એટલે કે ચા આપણી સવારની આદુ ફુદીના અને એલચીવાળી ચાની તોલે તો ન જ આવે.
પશ્ચિમના દેશોમાં ચા કરતાં કોફીનું રાજ ચાલે છે. પશ્ચિમના દેશમાં આપણે ભારતીયોએ ચા પીવા માટે બાધા આખડી રાખવા પડે. કારણકે ત્યાં ચામાં આપણે દૂધ નાખીએ તો આપણે અલગ પ્રાણી હોય કે કશો ગુનો કર્યો હોય તેમ આપણી સામે બધા જુએ છે. વળી ત્યાં ચા રકાબીમાં ઠારીને કે ફૂક મારીને કે પછી સીસકારો કરીને પીવાય નહીં એટલે ચા પીધી ન પીધી જેવું જ લાગે.
ચા માત્ર સવારે જ જોઈએ એવું નથી બપોરે વામકુક્ષી કર્યા પછી પણ ચાનો કપ તો પેટમાં પડે તો બગાસા બંધ થાય. ઓફિસમાં પણ બપોરે ચાની ચૂસકી લઈને જ બધા ફરી કામે ચડે છે. કેટલાક લોકોને બપોરે જમ્યા પછી પણ ચા તો જોઈએ જ. તો કેટલાકને રાત્રે ચા પીવે તો ઊંઘ જ ન આવે. તો કેટલાય લોકો માટે નિંદ્રાદેવીને પણ ચાની ચાહ થાય છે. આમ જેનો જેવો ચા માટેનો પ્રેમ એ ચાના રસિયાનું બંધાણ નથી પણ ચા માટેની ચાહ છે.
ગમે તે ઋતુ હોય પણ ચા માટે બધી સરખી. શિયાળાની ઠંડીમાં શરીરને ગરમી આપે તો ઉનાળામાં ચા સૂરજના તાપથી થાકેલા શરીરમાં નવો પ્રાણ ફૂંકે. વરસતાં વરસાદમાં તો ચા પીવાની એટલી મઝા આવે કે વાદળોને પણ ચા પીવાની ચાહ થઈ આવે. વળી આ ચા સાથે ગાંઠિયા ખાવા મળે તો બોનસ મળ્યું હોય એવું લાગે. જ્યારે ચોમાસાના વરસતાં વરસાદમાં ભજિયા ચા સાથેનું પરફેક્ટ નાસ્તાનું મેનુ બની જાય.
ચાના નામ પણ કેટલાં બધા…! હસમુખરાયની ચા કિટલીને હસતી બતાવે. આવી ચા પીને આવી કિટલી જેવા ફૂલીને ફાળકો થવાનું? તો વાઘબકરી ચા… આ ચા પતિ પત્ની સાથે બેસીને પીવે તો કોણ વાઘ અને કોણ બકરી એ નક્કી કરવા માટે પંચાયત બોલાવવી પડે.
જ્યારે ગિરનાર ચા એટલે ચા પીને ચડવાની તૈયારી કરવાની… હા પર્વત પોતપોતાનો નક્કી કરવાનો. જ્યારે વાહ તાજ કહી ચાની જાહેરાત આવે ત્યારે પતિ પોતાના પ્રેમનું બજેટ જોવા લાગે.

નામ ‘ફટાકા ચા’ પણ જાહેરાતમાં આવે બુઢી હિરોઈન. ચા પીવાનું મન જ ન થાય.
ચા એ બ્રિટિશ લોકોની દેન છે. તેમણે ચા પીવા પીવરાવવા માટે લિપ્ટન અને બ્રુકબોંડ જેવા નામનો ઊપયોગ કરી ચાની બ્રાંડ બનાવી. આ બધું છોડીએ પણ એક વાત તો નક્કી કોઈપણ બ્રાંડ હોય ટાર્ગેટ તો ગુજરાતીને જ બનાવાય. અને તો જ તેની ચા ચાલે. કારણકે પંજાબીઓનો લસ્સી પ્રેમ પ્રખ્યાત છે જ્યારે દક્ષિણ દિશા તો કોફીથી ઓળખાય છે. જ્યારે ગુજરાતીઓને સવારે ઉઠતાંવેંત મસાલેદાર ચા વગર ચાલે નહીં ભલે એ દુનિયાના કોઈપણ ખુણે જાય.
આ વાંચીને માથું દુખવા લાગ્યું હોય તો એક ચા હો જાયે અને માથુ ન દુ:ખતું હોય તો પણ ચા પીવાની છૂટ છે.
~ વર્ષા તન્ના
varsha.tanna@gmail.com
સરસ લલિત નિબંધ