માનાં ચરણે મને માંગલ્ય મળે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

જેને આખો યુગ અર્પણ કરીએ તોય ઓછો પડે એવી માતાને દર વર્ષે મધર્સ ડે નિમિત્તે આપણે વિશેષ યાદ કરીએ છીએ. ઓછી નોંધાયેલી અને આ કટાર માટે ખાસ લખાયેલી કેટલીક પંક્તિઓ સાથે માતૃદિવસની ઉજવણીમાં આપણી લાગણીનું ચરણામૃત ધરીએ.

Celebrating Mother's Day at Work | Reward Gateway

ભારતી ગડા અસીમનું સરનામું આપે છે…

કરી શોધ ઈશ્વરની મંદિરમાં પણ
મળે તીર્થ સઘળાં `માના ચરણમાં
હતું `માના ચહેરા ઉપર સ્મિત તોયે
પીડા છે ઘણી બાળના અવતરણમાં

પ્રસુતિની પીડા એક એવી પરીક્ષા છે જે માતૃત્વના સ્મિત તરફ લઈ જાય છે. ગર્ભ ધારણ કરવાથી લઈને તેના અવતરણની પ્રક્રિયા માતૃત્વના વિવિધ તબક્કાનો અનુભવ કરાવે છે. ડૉ. પ્રણય વાઘેલા સ્ત્રીની બે ઉત્તમ ભૂમિકાને આવરી લે છે…

સ્મિત છે કે જે સરખાવું લાડલી સાથે
કોઇ વસ્ત્ર અહીં માના સાડલા જેવું

Mother daughter stunning combo silk saree - Shoppingyar

માનો સાડલો બાળક માટે સધિયારો હોય છે. એનું ગાભું બનાવીને એ સૂઈ જાય ત્યારે સલામતી મહેસૂસ કરે. માતૃત્વ દૂધમાંથી પણ વહે છે અને વસ્ત્રમાંથી પણ. સાડલામાં પરોવાયેલો કપાસનો ધાગો પરમ ધન્યતા અનુભવતો હશે. માની પ્રેમાળ આંગળીઓ બાળકના માથે ફરે એટલે એ નિરાંત અનુભવે. હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ માની મમતા નિરૂપે છે…

દર્દ જાણે કે જાણે, પણ દવા અક્સીર દે
કો વૈદ છે માની કૂણી આંગળીના ટેરવે?

Mother and newborn daughter. Hand in ...

સરખામણી કરવી નથી પણ પહેલાની માતાઓ દાદી-નાની, મા-સાસુ પાસેથી મહત્ત્વની ટીપ્સ મેળવતી. રસોડાની સામગ્રીનો ઉપયોગ બીમારીમાં કેવી રીતે થાય, બાળક બહુ રડે તો શું કરવું, પેટમાં દુઃખે તો શું કરવું, ખાવાની ના પાડે તો શું કરવું વગેરે બાબતો અંગે ઘરમાંથી જ સલાહ મળી જતી.

Dadima Nu Vaidu- Grandma's Home Remedies In Gujarati

હવે નાની નાની વાતે ડૉક્ટરને કન્સલ્ટ કરવા પડે છે. દાદીમાના ઔષધનો વારસો ધીરે ધીરે ભૂલાઈ રહ્યો છે. જયશ્રી વિનુ મરચંટ કમીનો અહેસાસ અલગ સંદર્ભે વ્યક્ત કરે છે…

ભૂલી જવા માટે ભલે, સૌ મનાવે જશ્નને
માની કમીનું આભ ખાલીખમ રહેવાનું હતું
હો મોત કે મુશ્કેલ, બસ, બે નામ કાયમ યાદ રહે
એક ઈશ્વરનું હતું ને બીજું તો માનું હતું

Is Mary the Mother of God?

ભયંકર દર્દ થાય તો મોઢામાંથી આપોઆપ `ઓય મા’ નીકળી પડે છે. ઉંમર નાની હોય કે મોટી, મમ્મી હંમેશાં આપણી સાંત્વના બની રહે છે. પ્રત્યક્ષ હોય કે પરોક્ષ માતૃત્વ શિખરની ટોચ પર બિરાજે છે. અમેરિકામાં રહેતી દીકરીને માથે દુઃખ પડે તો ભારતમાં રહેતી માનું કાળજું ઘવાઈ જાય. હજારો કિલોમીટરનું અંતર હોવા છતાં માના અંતરમાંથી નીકળતી દુઆ પહોંચી જ જાય છે. કોકિલા ગડા માતૃશક્તિનું કારણ દર્શાવે છે…

સંતાન કાજે પથ્થરો પૂજ્યા હશે માએ
ઈશ્વરને પ્રશ્નો કેટલા પૂછયા હશે માએ
સાડલામાં એટલે ભીનાશ છે થોડી
અશ્રુઓ પાલવથી કૈં લૂછયા હશે માએ

બાળક માંદું થાય ત્યારે માની કસોટી થાય. એમાં પણ એ નાનું હોય, બોલતા ન શીખ્યું હોય ત્યારે એને કળતા શીખવું પડે. કેટલીક વાર માંદગી જોર બતાવે અને બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવું પડે ત્યારે એના દેહમાં ભોંકાતી ઈંજેક્શનની સોય ખરેખર તો માની ત્વચામાં જ ભોંકાતી હોય છે.

Baby is Admitted to the NICU

સંતાનની વિવિધ અવસ્થા સાથે માતૃત્વ પણ ઘડાતું જાય છે. માતૃત્વની એક્સપાયરી ડેટ નથી હોતી. ખાટલાવશ થયેલી વયોવૃદ્ધ મા રાતે પોતાનો વૃદ્ધ દીકરો પાછો આવ્યો કે નહીં એની મૌન ચોકસાઈ કરી જ લેતી હોય છે. પ્રેમ ક્યારેક અભિવ્યક્તિની પર અને પાર થઈ જતો લાગે. અલ્પા વસા લખે છે…

કૂખમાં સંચાર થોડો પણ થયો વરસો પછી જ્યાં
થઈ હરખઘેલી માડીની વ્યથાઓ ઓમ સ્વાહા
દીકરીના હર્ષ-પગલાં સાસરેથી જ્યાં પડ્યા
રંક માતાના ઘરેથી યાતનાઓ ઓમ સ્વાહા

Mother Feels When Her Daughter Gets Married

વધી રહેલા વૃદ્ધાશ્રમના જમાનામાં શાંતિલાલ કાશિયાણી કહે છે વાત ચિંતન-મનન માગી લે છે.

પ્રભુની સુરતને સૌ સાચવીને રાખો
મમતાની મુરતને સૌ સાચવીને રાખો
જન્મોજનમના પુણ્યે જન્મે મળી છે
ગોદ, જુરતને, સૌ સાચવીને રાખો
(જુરત=છાતી)

Care of Your Parents in Their Old Age ...

લાસ્ટ લાઈન

એવી ક્યાં ઈચ્છા છે, કૈવલ્ય મળે
ફક્ત માનું મને વાત્સલ્ય મળે

શક્ય છે જોયા વગર પ્રેમ થવો?
માની આંખોમાં એ કૌશલ્ય મળે

કાફી છે ઢાલ સમી માની નજર
યુદ્ધમાં લાખો ભલે શલ્ય મળે

માની ચમચીમાં શું તાકાત હશે?
એ દહીં-મિસરીથી સાફલ્ય મળે

સ્વર્ગ રહેવા દો! હું તો જાણું, ફક્ત
માનાં ચરણે મને માંગલ્ય મળે

મિતુલ કોઠારી
(શલ્ય=બાણ)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ખૂબ જ સરસ સંકલન , ઉમદા ગઝલ.
    સૌ સર્જક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન!

  2. ખૂબ સરસ સંકલન ….
    આભાર મારા મુક્તકને સમાવવવા બદલ …