પ્રકરણ: ૨૯ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
(શબ્દો: ૮૬૧૫)
દિવસોના સ્વગત-સંવાદ પછી લાવણ્ય પ્રો. શ્રીવાસ્તવની હીનતાને માફ કરી શકી. એને એક વ્યક્તિ નહીં પણ એ પ્રકારના માણસોના પ્રતિનિધિ માનીને, એવા લોકો દરેકની સાથે આમ જ વર્તે એમ સમજીને ભૂલી શકી. પણ પ્રેમલને કેવી રીતે માફ કરવો? એ તો અંતરંગ વ્યક્તિ છે.
વનલતાના ભાઈ તરીકે એનો પરિચય થયા પછી અનેક વાર નિરાંતે સાથે બેસવાનું બન્યું છે, ગમ્યું છે. એણે રસ લીધો છે મારામાં. તો પછી એ મને અને સિંઘસાહેબને દંભી કહીને ભાંડે અને શ્રીવાસ્તવની લોલુપતાને એની નિખાલસતા કહે? એને જાહેરમાં બિરદાવે? શું આ એની સમજણનો વાંક છે કે એ જાણી જોઈને, મને પજવવા આમ કરે છે? પણ મને પજવવા માટે કોઈ કારણ? એને મારામાં રસ છે તેથી – તો શું મને એનામાં રસ નથી?
એક સાદાસીધા પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર કેમ મળતો નથી?
પૂછીશ પ્રેમલને, તું મને દંભી ભલે કહે, સિંઘસાહેબને શું કામ વગોવે છે? હું મધુકરભાઈ સાથે બેસીને વનલતા વિશે વાત કરતી હોઉં અને એ વત્સલ ભાવે મારામાં રસ લેતા હોય તો તું તારા બાપને પણ દંભી કહેવાનો? તારામાં વિનયવિવેક જેવું કશું છે કે નહીં?
મને સાંભળ્યા પછી પણ પ્રેમલ પોતાનો અભિપ્રાય ન બદલે તો?
પણ વિશ્વનાથે એ અભિપ્રાય મારા સુધી પહોંચાડ્યો શા માટે? પચાવી ન શક્યો? કે મને પ્રેમલથી વિમુખ કરવા? એ એવું નાટક તો ન જ કરે. સાચું શું છે એ હું ક્યાં પૂછી શકતી નથી? અને એ મને દંભી માનતો હશે તો એનાં કારણો પણ આપશે જ ને? મારા ખુલાસા પછી અભિપ્રાય બદલવાની એને ફરજ પડશે, અને ન બદલે તો?
શું એનો અભિપ્રાય બદલવાની મારી જવાબદારી ખરી? હું એના પ્રત્યે ઉદાસીન રહી ન શકું?
લાવણ્ય બેચેન રહી.
બીજાઓના આપણા વિશેના અભિપ્રાયોની આટલી ખાંખત શા માટે? શું ફેર પડે છે એથી આપણામાં? હું શા માટે પ્રેમલને પૂછવા જાઉં? શ્રીવાસ્તવનું નામ લેવું પડે એ પણ મને ન ગમે. નથી મળવું.
ન મળવાથી પ્રશ્ન ઊકલ્યો નહીં. મન મોકળું થયું નહીં.
* * *
રજાના દિવસે લલિતાએ કાપડ વગેરેની ખરીદી કરવી હતી. એની ઇચ્છા હતી કે દીદી સાથે આવે. લાવણ્યે આરામ જતો કર્યો. બસ લીધી.
રસ્તામાં લલિતાને શારદા યાદ આવી. મલૂકચંદ જાણી ગયા છે કે શારદા અને પ્રેમલ વચ્ચે આડો સંબંધ છે. એક વાર કહી જોયું. શારદા વીફરી. પતિને ઓરડામાંથી કાઢી મૂક્યા. મલૂકચંદ શારદાને કાઢી મૂકવા જાય તો જાહેર ફજેતી થાય. એમની રાજકીય વગ ઘટે. ગમ ખાઈ ગયા.
થોડા દિવસ પછી એમણે સંધિ કરી. તારે એને મળવા જવું હોય તો જજે પણ અહીં આવીને એ પશુની જેમ તારો પીછો કરે એ મારાથી સહન નહીં થાય. શારદાએ કહેલું: પેલા સરપંચને આ બાજુ ફરકતો બંધ કર્યો એમ પ્રેમલને પણ બંધ કરી દો ને! મલૂકચંદ પાસે જવાબ નહોતો.
એ સમજી ગયા છે કે ખુદ શારદાને જ પ્રેમલ વિના ચાલે તેમ નથી. દીદી, શારદા શું માને છે કહું? એણે મને લખેલું કે દીદીએ ધાર્યું હોત તો એ પ્રેમલને મારી સાથે પરણવાની ફરજ પાડી શક્યાં હોત. પણ એમને એમનું કૌમાર્ય આડે આવ્યું. કદાચ એમના હૃદયમાં પ્રેમલ માટે ‘સોફટ કોર્નર’ હોય.
લલિતાએ જોયેલું કે દીદીને ખોટું નથી લાગ્યું. સાચી વાત સાંભળીને ખોટું લગાડવાની મને ટેવ નથી. મને પ્રેમલ માટે સૉફટ કોર્નર છે, પણ કારણ જુદું છે. એ પશુ છે માટે નહીં પણ પ્રતિભાશાળી કલાકાર છે માટે. લલિતાએ વિનોદ કર્યો હતો: શારદા માટે એ પશુ અને તમારા માટે પ્રતિભાશાળી… તો દુનિયા માટે? પ્રતિભાશાળી પશુ, ખરું ને? હું એની કળાને બહુ બિરદાવતી નથી. હું એને ચેલેન્જ આપવા તૈયાર છું. રમકડાંની પરંપરાગત કળામાં જો એ મારી બરાબરી કરી શકે તો – લલિતાએ કહેલું.
‘જોજે, એની સાથે હોડમાં ઊતરતી. હાર જીત બેઉમાં તારે જ વેઠવા વારો આવશે. તારું દામ્પત્ય ખંડિત થશે.’
‘શું તમે મને શારદા ધારી?’
‘તું શારદાને ભલે ઉતારી પાડે. આજે કદાચ હું તારી સાથે સંમત થાઉં. પણ મેં એને ઉત્તમ સ્વરૂપે જોઈ છે, જ્યારે એનાં શીલ અને સૌન્દર્ય વચ્ચે તિરાડ નહોતી પડી. પ્રતિકૂળ પરિસ્થિતિઓએ એના વ્યક્તિત્વને વહેંચી નાખ્યું. આપણે બચ્યાં હોઈએ તો એમાં ઈશ્વરનો અનુગ્રહ સમજવો.’
‘પણ પ્રેમલને તો પ્રતિકૂળ પરિસ્થિતિઓ નહોતી નડી ને?’
‘એને હું નડી. એ મારી સાથે જોડાયો હોત એ તબક્કે હું ઉદાસ હતી, દીપક સાથેના વિચ્છેદે કરીને હું કોઈ પણ નવા સંબંધથી વિમુખ બની ગઈ હતી. મેં એની કલામાં રસ લીધો, એનામાં નહીં. સભાનપણે મેં મારી જાતને રોકી રાખી. અને આજે એ મારે માટે —’
‘એંઠું ધાન બની ગયો છે —’
‘જૂના શબ્દો નવા જીવનને દર વખત ઓળખાવી શકતા નથી, લલિતા! હું પ્રેમલ વિશે છેવટનો અભિપ્રાય આપવા માગતી નથી. એટલું ખરું કે જે માણસ સત્ય સાથે છૂટછાટ લે એનો સંગ મને ન ફાવે.’
પછી તો બીજી-ત્રીજી વાતોમાં ખરીદીનું કામ પુરું થઈ ગયું આજે કેટલુંક બિનજરૂરી બોલાઈ ગયું. પોતે જમુનાબેન આગળ કદી દિલ ખોલીને વાત કરતી નથી, આજે લલિતાને સ્વગતની જેમ બધું કહી બેઠી.
જમુનાબેનના મોં પર હવે પ્રૌઢતાની રેખાઓ સ્પષ્ટ દેખાય છે છતાં એ જીવે છે કેવળ ભવિષ્યમાં! જૂની રંગભૂમિનાં નાટકોમાં એક વસ્તુ બેવડાતું રહેતું. કુછંદે ચઢેલા પતિને સુધારતી સુશીલ અને સાહસિક પુત્રવધૂ નાટકને સુખાન્ત કરી આપતી! બિચારાં જમુનાબેન!
એમને ઊંડે ઊંડે એવી આશા છે કે એ પાઠ ભજવીને હું એમનાં સપનાં સાચાં પાડીશ. એમને ત્યાં ગયે ચાર-પાંચ દિવસ થઈ જાય તો કામવાળી સાથે સંદેશો મોકલવાનાં: ‘ઊભી ઊભી ભેગી તો થઈ જા.’
દર વખત દીકરાની ચિંતા તો કરવાનાં જ, પણ એવાં વિવેકી છે કે સીધો સવાલ કદાપિ નહીં કરે. વાત ચાલતી હશે ત્યાં મધુકરભાઈ આવી ચઢશે. એમણે દુ:ખ પચાવ્યું છે. પોપચાં પર એની ઘેરી છાયા વરતાય છે.
હવે એ પ્રેમલનાં ચિત્રો જોવા નથી જતા. કહેતા હતા:
સર્જકતા અને વ્યક્તિત્વ વચ્ચે આવો મોટો વિચ્છેદ હોઈ શકે? સર્જક તરીકેનો સંયમ વર્તનમાં કેમ ન દેખાય?
દિવસો સુધી એમને પ્રેમલ સાથે વાત થતી નથી. શું એમનો છૂપો અણગમો પ્રેમલને ઘરથી વિમુખ રાખતો નહીં હોય? એક વાર લાવણ્યે એમને પૂછ્યું હતું: ‘આપ પ્રેમલના સર્જન અને આચરણમાં સંવાદિતાની માગણી કરો છો. પણ ચલચિત્રોના અભિનેતાઓ અને રાજકારણીઓમાં તો એની સદંતર ઊણપ હોય છે. એમની મુત્સદ્દીગીરી અને અભિનયને એમના અંગત જીવન સાથે જોડ્યા વિના બિરદાવો છો તો તમારા દીકરાને કેમ —’
‘સર્જક-કલાકારને હું સંસ્કૃત સમાજના શિરમોર માનું છું. વ્યાસ અને વાલ્મિકિને, કાલિદાસ અને ભવભૂતિને, તુલસી અને કબીરને હું એમના જમાનામાં કોઈથી ઊતરતા માની શકતો જ નથી. હું તમારી જેમ સાહિત્ય અને કલાનો જાણકાર નથી, પૂજારી છું. હું તમારાં ધોરણોથી નહીં, મારા વિશ્વાસથી ચાલીશ. જાણું છું કે એથી પ્રેમલના દોષ દૂર થવાના નથી. પણ પડી ટેવ તે તો ટળે કેમ ટાળી?’
અને એ સહેજ ફિક્કું હસી પડે છે.
એ ક્ષણે લાવણ્ય મધુકરભાઈની મનોદશાએથી પ્રેમલને મૂલવવા મથે છે. બે ભિન્ન દષ્ટિ ટકરાય છે. કદાચ પોતે પ્રેમલનું ઉધાર પાસું સવિશેષ જાણે છે. અને છતાં એની શુભેચ્છક બલ્કે ચાહકની હેસિયતથી વર્તે છે. આ મોહિની એની સર્જકતાને આભારી છે કે એની આંખોમાં ચમકતી બેજવાબદારી અને ખુમારીને?
એને મળવું છે.
એણે એક વાર ઇચ્છેલું મારું અનાવૃત ચિત્ર દોરવા. મુખોમુખ કહી નહોતો શક્યો તેથી ફોન કરેલો. એની દલીલ હતી કે નારીદેહના નૈસર્ગિક સૌંદર્યનું અંકન કરવામાં વસ્ત્રો આડે આવે છે. પોતે સંમત નહોતી થઈ. વસ્ત્ર માત્ર વાતાવરણ સામેના રક્ષણનું જ નહીં, સભ્યતાના વિકાસનું લક્ષણ ધરાવે છે.
પ્રેમલે એની દલીલ આગળ વધારી હતી. નગ્નતા એ સભ્યતા વિરોધી વસ્તુ નથી. ગઈ સદીમાં ફ્રેંચ યુવતીઓના પગની પાની દેખાઈ આવતાં પણ કેટલાક પુરુષો કામુકતા અનુભવતા. હવે ‘શોર્ટ પેન્ટ કે સ્વીમિંગ કોસ્ચ્યુમ’ પહેરીને નજર સામે ઊભેલી યુવતી જાહેરખબરમાં છપાયેલી હોય એવી લાગે છે, એ ફક્ત ધ્યાન ખેંચી શકે છે, કામુકતા જમવતી નથી. તમારા નિરાવરણ અંગસૌષ્ઠવનું ચિત્ર મારે એ રીતે બનાવવું છે કે એ એક કલાકૃતિ બને.
‘કલાકૃતિ માટે નારી-દેહની નગ્નતાનો આધાર જરૂરી ખરો?’ — લાવણ્ય એથી આગળ એમ પણ કહેવા ઇચ્છતી હતી કે મારે બદલે વનલતાને બેસાડીને એની નગ્ન કાયાના અંકનમાંથી કલાકૃતિ કેમ સર્જતા નથી? પણ એમ કહેતાં એને સંકોચ નડ્યો. એટલું જ બોલી: તમે સ્વરૂપ કરતાં સામગ્રી પર વધુ ભાર મૂકતા લાગો છો. સિંઘસાહેબ તો માને છે કે મ્યુનિસિપાલિટીના કચરાના ઢગલા કોતરીને ઈલોરાની ગુફાઓ તૈયાર ન થઈ શકે…
સિંઘસાહેબનો ઉલ્લેખ પ્રેમલને ગમ્યો નહોતો. પછીના દિવસે એણે વનલતાને કહેલું: લાવણ્ય પ્રો. સિંઘના વ્યક્તિત્વની પકડમાંથી મુક્ત થાય એ એના માટે જરૂરી નથી?
‘તને વડીલોની ઈર્ષા આવે છે?’ — કહેતાં વનલતાએ એને ઉડાવ્યો હતો. કટાણા મૌન સાથે ખસી ગયો હતો. ત્યારે પ્રેમલને પજવવા, ખીજવવા કે ઉડાવવાની એકેય તક એ જતી નહોતી કરતી. હવે દૂર દેશાવર બેસીને ભાઈની ચિંતા કરે છે. કદાચ એ જાણે છે કે એના ધાર્યા કરતાં હું પ્રેમલથી ઘણી દૂર નીકળી ગઈ છું. પુછાવે છે: હવે તને પ્રેમલને મળવાનું મન થતું જ નથી?
મળવું તો છે, નિખાલસતા અને દંભનો ભેદ સમજવા… પૂછવું છે: સિંઘસાહેબનો અનાદર કરવા એની પાસે કયું કારણ છે? શ્રીવાસ્તવ જેવાઓને પુરસ્કારવા એ વિકૃતિ નથી?
આ ગૂંચનો ફેંસલો લાવવા લાવણ્ય પ્રેમલને મળે એ પહેલાં સવિતા અને દીપકના દામ્પત્યના પ્રશ્ને એનું મન રોકાયું. એ ઉકેલ લાવવા ઉત્સુક બની. પહેલો પ્રયત્ન પત્રરૂપે કર્યો.
સવિતાએ ‘મિસ એન્જિનિયરનાં ઈતિહાસ-ભૂગોળ’ નામે નાનકડા લેખરૂપે પત્ર લખ્યો હતો.
દીપક પાસે એક હોંશિયાર સેક્રેટરી હોય, એ અંગે સવિતા સંમત હતી. સેક્રેટરી તરીકે કોઈક સ્માર્ટ અને એફિશિયન્ટ યુવતી હોય એ અંગે પણ સવિતાને મતભેદ નહોતો. પણ સાવચેત રહેવામાં એ માનતી હતી. યુવતી સુંદર ભલે હોય, એ સુશીલ હોય તો કશો પ્રશ્ન ઊભો ન થાય. દીપક કદાચ સૌંદર્યથી અંજાઈ જાય અને સુશીલતા પારખી ન શકે. પોતે મદદરૂપ થવા ઈન્ટરવ્યૂ વખતે હાજર રહી હતી. ભાગીદાર તરીકે એણે આટલો સમય તો આપવો જ જોઈએ ને? દીપકે એની દરખાસ્ત સહર્ષ સ્વીકારી લીધી હતી.
ઈન્ટરવ્યૂ વખતે મિસ એન્જિનિયરે દીપકને ટૂંકા જવાબ આપ્યા હતા અને એના જવાબમાં ઉષ્માને બદલે તટસ્થતા વરતાતી હતી તો સવિતાએ પૂછેલા એકેએક પ્રશ્ન વિશે ઉમળકાથી બોલી હતી, ત્યારે એની આંખોમાં ચમક અને હોઠ પર સ્મિતની ભીનાશ હતી.
મિસ એન્જિનિયર દીપકના નહીં સવિતાના પ્રેમમાં પડીને આ કંપનીમાં જોડાવા ઝંખતી હોય એવી છાપ લઈને સવિતા ઘેર આવી હતી. નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો.
સવિતાને સંતોષ હતો કે પોતાને વફાદાર એવી એક યુવતીને પોતે પતિની રહસ્યમંત્રી તરીકે મૂકી શકી છે.
કેવી નમ્રતા ભરી રીતભાત અને કેવી વહાલસોઈ બોલી છે એની! દેખાવે પણ તદ્ન કુમારિકા લાગે છે. એને આખા નામે બોલાવવાને બદલે સવિતા એને માત્ર ‘મિસ’ કહે છે. બદલામાં ‘મૅડમ’ સંબોધન સાંભળવા મળે છે. દીપકને સોંપેલું કામ વખતસર ન થાય પણ મિસને કહ્યું હોય તો બધું ધાર્યા કરતાં વહેલું પતી જાય અને પછી એ બીજા કામ માટે સામેથી પુછાવે!
આવી વફાદાર અને મીઠડી મિસ એન્જિનિયર દીપક સાથે મુંબઈ જઈને એક હોટલમાં સાથે રહી આવી!
દીપકે સવિતા આગળ એકરાર કર્યો અને ફરીથી એવું નહીં બને એની ખાતરી આપી. એમ પણ પૂછ્યું: એને છૂટી કરી દઉં?
સવિતા વિચારમાં પડી ગઈ હતી. એને છૂટી કરી દેવાની તો દીપકને સત્તા હતી જ. એને મુંબઈની હોટલમાં સૂતાં સૂતાં પણ એવો નિર્ણય કરવાનો હક હતો. હવે એ મારા કહેવાથી મિસને છૂટી કરે અને બીજે નોકરી અપાવીને એની સાથે આડો સંબંધ ચાલુ રાખે તો? બધુ બેકાબૂ બની જાય.
અહીં ઑફિસમાં હશે તો એમણે દેખાવ પૂરતી પણ મર્યાદા પાળવી પડશે. અને કશું અઘટિત થશે તો પોતાને આપોઆપ જાણવા મળશે. દીપકને જે કલંક લાગ્યું છે તે જાહેર કરવા જેવું નથી. સગાંવહાલાં એમ જ માનશે કે સવિતા દીપકને સરખો રાખી શકી નહીં. દીકરીના જન્મ પછી એણે પોતાનું આકર્ષણ ગુમાવ્યું. બધું છાપે ચઢે તોપણ નવાઈ નહીં. દીપકની ઇમેજ બગડે અને હું દયામણી લાગું.
સવિતાએ મન મનાવવા પ્રયત્ન કર્યો. દીપકે પ્રાયશ્ચિત કરવા જ પોતાને બધી વાત કરી છે. હવે પહેલાં કરતાં પણ એ વધુ ધ્યાન રાખે છે, નમ્રતાથી વર્તે છે. માણસ ભૂલથી શીખે છે, ખરું!? તો પેલી કહેવતનો અર્થ શો? બહુત નમે નાદાન!… કોઈકને તો પૂછવું જોઈએ. દીપક વિશે અભિપ્રાય આપી શકે એવી તો એક લાવણ્ય છે. મને અભિપ્રાય આપી શકે, દીપકને સલાહ આપી શકે…. છેવટે કાળજું કાઠું કરીને સવિતાએ લાવણ્યને પત્ર લખ્યો.
લાવણ્યને પત્ર વાંચીને આશ્ચર્ય થયું. સવિતાએ મારામાં વિશ્વાસ મૂક્યો? એક જાતનો છૂપો ઊંડો સંતોષ થયો. જે છેવટે વાણીની સપાટી સુધી આવ્યો. દર્પણમાં જોયું તો ખ્યાલ આવ્યો કે પોતે દીપક સામે જીતી ગઈ છે, મારા વિકલ્પે એને સવિતાથી સંતોષ થયો નથી… આ ખટમીઠો સ્વાદ થોડો સમય ટક્યો.
એને નિશ્ચેતન પૂતળી જેવી પ્રતિમાની મા તરીકે સવિતાની ચિંતા થવા લાગી. એનો હક ડૂબતો લાગ્યો. આ બરોબર નથી. દીપકને ચેતવવો જોઈએ. સવિતાએ ધા નાખી છે. મારા વિવેકમાં વિશ્વાસ મૂક્યો છે.
પત્ર લખું દીપકને? ના, હમણાં તો સવિતાને પણ કશું લખવાની જરૂર નથી. દીપક જ્યારે પણ અમદાવાદ આવશે, કોઈ ને કોઈ રીતે સંપર્ક કરશે. રાહ જોવી જોઈએ.
રાહ જોવી ન પડી. દીપક સવિતા સમક્ષ એકરાર કર્યા પછી મિસ એન્જિનિયરથી વિમુખ થઈ શક્યો નહોતો. બેચેની અનુભવતો હતો. કામ ઊભું થતાં જ એણે ફોનથી સિંઘસાહેબ દ્વારા લાવણ્યને જાણ કરી. લાવણ્યે એને સાંજે જમવા બોલાવ્યો. ખીચડી અને કઢી બનાવ્યાં હતાં. આઈસ્ક્રીમ લાવી રાખ્યો હતો. એકેએક વસ્તુ મીઠી લાગી.
‘આવાં ખીચડી ને કઢી મેં ખાધાં નથી. તારા હાથની રસોઈ કાયમ આવી સારી હોય છે? આજે હું કેવી તૃપ્તિ અનુભવી રહ્યો છું? આ ચમત્કાર રસોઈ બનાવનાર હાથનો છે કે પીરસનાર હાથનો?’
લાવણ્ય માને છે કે પોતે રસોઈની કળામાં કશી વિશેષ યોગ્યતા ધરાવતી નથી. વિરાજબેને ફરજ પાડીને એને કશું શીખવ્યું નથી. સહજ ભાવે કંઈ ને કંઈ બનાવતી ગઈ છે. અને પુસ્તકો વાંચીને પ્રયોગ કર્યા હોય તો માત્ર શામસુંદરને રાજી રાખવા.
આજકાલ તો એ સાંજે રસોઈ બનાવતી નથી. વાંચવા-લખવાનું મોજું ચાલે છે. ક્યારેક બહાર જમી લે, ક્યારેક નાસ્તો કરી લે છે. ઓછું ખાવાથી શરીર સપ્રમાણ રહી શકે એવું માને છે. છતાં સિંઘસાહેબને ત્યાં ગઈ હોય ત્યારે જમવા રોકાવું પડે છે. અને એ વત્સલ દંપતિને સંતોષ થાય એ રીતે એમની જેમ નિરાંતે જમવું પડે છે.
ગાંધીજી પૂરણપુરી કંઈક વધુ ખાઈ બેસતા. પોતે દરેક વસ્તુ જરૂર કરતાં વધુ ખાય છે એ સિવાય ગાંધીજીનો બીજો કશો વારસો ધરાવતા નથી! — સિંઘસાહેબ રમૂજ કરે છે, પાછા જાતે હસી પડે છે. શ્રીવાસ્તવથી હેમખેમ છૂટા પડી શકાયું, એની બદમાશીથી ડર્યા વિના. એને નુકસાન ન થાય એ. રીતે વર્તી શકાયું એનો એમને સંતોષ છે.
લાવણ્ય વિચારમાં હતી અને દીપક મુખવાસ હથેલીમાં પકડી રાખીને લાવણ્ય સામે તાકી રહ્યો હતો. બંને હવે પશ્ચિમ બાજુની ગેલેરીમાં આરામખુરશીમાં બેઠાં હતાં. હવા હતી, ઉજાસ હતો, કૂંડાનાં ફૂલ બિડાયાં હતાં, પાંદડાંને આળસ ચઢી હતી.
મેં શું ગુમાવ્યું છે એનો ખ્યાલ પહેલાંથી હતો પણ હવે એનું ઊંડું ભાન થાય છે. વહાણ સુકાન વિનાનું બને અને વળી એ જો ખાલી હોય તો એની દશા શી થાય? મારો ખાલીપો વધતો જાય છે, જેમ જેમ હું મોટો થતો જાઉં છું…
‘સાચે જ તું મોટો થતો જાય છે?’
‘ના, તું પૂછે છે એ અર્થમાં મોટો નથી થતો, વૃદ્ધિ પામતો હોઈશ, વિકસતો નથી, કદાચ વિકૃત થતો જાઉં છું. એનો એકરાર કરવા જ આવ્યો છું.’
‘સવિતાના પત્રની વાત કરે છે?’
દીપકને આંચકો લાગ્યો. તો શું સવિતાએ લાવણ્યને જણાવી દીધું? પોતે ધારતો હતો કે વાત કરીને લાવણ્યનું આશ્વાસન મેળવશે, એકવારનું પતન ક્રમિક અધ:પતન ન બને એ માટે સલાહ સાંભળશે, પણ સવિતાએ તો હદ કરી. મારે પહેલાં એને વાત કરવાની જરૂર જ નહોતી. કેવી મીંઢી નીકળી! ત્યાં બધાથી છુપાવ્યું પણ લાવણ્યના હૃદયમાં રહેલી મારી ઇમેજ ખંડિત કરી નાખી!
અંગત કબૂલાત વખતે બચાવની તક રહે છે પણ જાહેર વગોવણી પછી તો સામો આરોપ મૂકવાનું મન થાય છે. સવિતા વિરુદ્ધ એનું મન ખળભળી ઊઠ્યું. કેવી ઠંડી અને અભિમાની છે.
મેં વહીવટ સંભાળ્યો પછી એના બાપની મિલકત વધી છે એ ગુણ ભૂલીને જાણે હું એનો આશ્રિત હોઉં એમ વર્તે છે. મને હલકો પાડવા પેંતરા રચે છે, મારી પ્રાર્થનાના વિષય જેવી લાવણ્યને મારી વિરુદ્ધ બાતમી આપી દે છે અને મને એનો અણસાર આવવા દેતી નથી!
થાય છે કે પોતે અમદાવાદમાં જ રોકાઈ જાય, સિંઘસાહેબની ભલામણથી કંઈક નાનીમોટી નોકરી મેળવી લે, અરે રેલવેસ્ટેશન પર કુલી થવું પડે તોપણ શો વાંધો છે? છેવટે વગોવણી તો એની જ થશે ને? મારે તો હવે શું ગુમાવવાનું બાકી છે?
દીપકના મોં પરની ખેંચાયેલી રેખાઓ જોઈ લાવણ્ય સમજી ગઈ. સવિતાના પત્રથી એ નારાજ થયો છે.
‘તમારા બેનું અંગત જીવન કેવું?’
‘એને સંતોષ થાય એવું તો ખરું જ. એને કશી ખોટ ન સાલે એ માટે હું સતત સભાન રહું છું.’
‘તમારી સેકસ લાઈફ?’
‘એના અસંતોષ માટે કારણ નથી. ક્યારેક અનિંદ્રા વેઠવી પડી હશે તો મેં વેઠી હશે, એની અકારણ ઉપેક્ષાથી, ગણતરીપૂર્વકની ઉપેક્ષાથી, આરંભે વિમુખ ન થાય, સાથ આપતી લાગે અને જે ક્ષણે એની પાસે તીવ્ર લાગણીની અપેક્ષા હોય એ જ ક્ષણે એ નકાર દાખવે, અપશબ્દ બોલી નાખે, એ સ્થિતિમાં શક્ય રહે માત્ર બળાત્કાર જે હું કદાપિ ન કરું. વેઠી લઉં.
એક રાતના ઉજાગરા પછી દિવસે સખત કામ કર્યું હોય તો સારો થાક લાગે છે અને બીજી રાતે વહેલા ઊંઘી જવાય છે. દુ:ખ સાલતું નથી. હું ધારું છું કે મારી વાત તું સમજી રહી છે.’
‘તું દુ:ખ વેઠી શકે એવો છે એ તો હું જાણું છું, દીપક, પણ સુખની શોધમાં ભટકવા લાગશે એવું કલ્પ્યું નહોતું.’
‘મેં પણ કલ્પ્યું નહોતું, પણ જે કંઈ બન્યું છે એમાંથી બચવા હું કશો પ્રયત્ન કરી શક્યો નહોતો. ભમરીમાં ફસાયેલો તરવૈયો પળવારમાં ડૂબી જાય એવી મારી દશા થઈ હતી.
મિસ એન્જિનિયર સૂરતથી સાથે આવી એ માટે પોતે જવાબદાર નહોતો. રજાનો લાભ લઈને એ મુંબઈમાં એનાં સગાંવહાલાંને મળવા માંગે છે એમ કહીને સાથે આવી હતી. ‘સર, તમને હોટલ બુક કરાવી આપું’ એમ કહીને મદદ કરવા સાથે આવી હતી. તમે ચાનાસ્તો કરી લો પછી જાઉં કહીને એ રૂમમાં થોડી વાર રોકાઈ હતી.
પછી પોતે જેને ત્યાં જવાની હતી એને ત્યાં ફોન કર્યો હતો. ત્યાં જે મહેમાન હતા એમને વિશે જાણ્યા પછી એનો ઉત્સાહ ઓસરી ગયો હતો. એણે એના પ્રણયભંગનો કિસ્સો કહ્યો હતો. ‘થાય છે કે હાલ જ સૂરત પાછી જતી રહું’ કહીને એ ગમગીન બની ગઈ હતી. રોકાઈ હતી. એને કાઢી મૂકવાની તો પોતાની શક્તિ જ નહોતી, બીજો રૂમ રાખી લેવા જણાવવાનું સૂઝ્યું હતું પણ પછી વૃત્તિએ વળાંક લઈ લીધો હતો.
એ નજીક બેઠેલી હતી પણ એ રીતે બેઠેલી હતી કે વધુ નજીક લાગતી હતી. કોણ કોને આમંત્રણ આપી રહ્યું છે એનો ખ્યાલ ન રહ્યો અને જેમાંથી બચવું જોઈતું હતું એ થઈને રહ્યું. માફ કરજે લાવણ્ય, મારી આ કબૂલાતને.
શરીરના અનુભવમાં આવું સુખ રહેલું છે. એ મેં પહેલી વાર જાણ્યું. વિચાર કરીને એને હું પાપ કહું છું પણ તુરત થાય છે હું જાતને છેતરી રહ્યો છું.
સવિતા સાથેનો મારો સમાજમાન્ય વર્ષોનો સંબંધ અને મિસ એન્જિનિયરે એ રાતે આપેલી બિનશરતી અઢળક હૂંફને સરખાવવા જાઉં છું તો સરવૈયું અણધાર્યું નીકળે છે…
બીજી સવારે તૈયાર થઈને મિસ એન્જિનિયર બહાર જવા નીકળી ત્યારે કહેતી ગઈ હતી. ‘સર, મને કશો પસ્તાવો નથી, કે મારે કશો પક્ષપાત પણ જોઈતો નથી. કેમ કે મેં જાતને વેચી નથી. સર, હું તમને ચાહતી નથી. અને જાણું છું કે તમે મને કે કોઈને ચાહી શકો એમ નથી…
આ તો પ્રિયજનથી વિખૂટાં પડેલાં, થાકેલાં, બલ્કે ઘાયલ એવાં બે પક્ષીઓનો મેળો હતો, અણધાર્યો અને ક્ષણિક મેળો…’
મારો ઘા તાજો થયો એની સાથે મિસ એન્જિનિયરની વેદના પણ જાણે અનાવૃત બની હતી. દિવસો સુધી એ સંકોચ અનુભવતી હતી. એ કોઈ બજારુ છોકરી નથી, એ સવિતા પણ જાણે છે છતાં એ તને લખ્યા વિના રહી ન શકી અને મને બચાવપક્ષે મૂકી દીધો. આજે લાગે છે કે એને વાત કરીને મેં ભૂલ કરી છે. એ એને માટે યોગ્ય નથી.
એ પછીની ક્ષણે લાવણ્યે સવિતાના ગુણ શોધીને દીપકને જણાવવા વિચાર કર્યો, પણ એ કશું બોલી શકી નહીં.
દીપક એકાએક બોલી ઊઠ્યો: ‘એક વિચિત્ર પ્રશ્ન થયો છે આ ક્ષણે! તારા ઠપકાની બીક રાખ્યા વિના પૂછી લઉં: આપણે આટલાં નજીક હતાં અને છીએ છતાં તારી સાથે છૂટ લેવા હું કદી પ્રેરાયો નથી. તો મિસ —’
એ અટકી ગયો?’
‘મારા કરતાં વધુ આકર્ષક હશે.’ — કહેતાં લાવણ્ય હસી પડી.
‘મારી વાત ઉડાવ નહીં લાવણ્ય, શું તેં ધાર્યું હતું કે મારા જીવનમાં આવું બનશે?’
‘હું તો મારા ભવિષ્ય વિશે પણ કશું ચોક્કસ ધારી શકતી નથી. પણ હવે ખ્યાલ રાખીશ કે તારી સાથે પ્રવાસ કરવો ન પડે, ક્યાંક રાતવાસો કરવો ન પડે!’ — લાવણ્ય હજી હળવી રીતે વાત કરી રહી હતી અને દીપક પોતાના અનુભવમાંથી તત્ત્વજ્ઞાન ઊભું કરવા પ્રયત્ન કરી રહ્યો હતો.
‘મારા ઘા પર તારા શબ્દો ભોંકાય છે. મારે એમ કહેવું છે કે હું જેવો થઈ ગયો એવો નહોતો. મારા સંયમને તું જાણે છે. આપણે ચારપાંચ વાર ભેટ્યાં હોઈશું છતાં —’
‘ચાર વાર કે પાંચ વાર? બરાબર યાદ નથી રાખ્યું?’ —
લાવણ્યના આ પ્રશ્નમાં તોફાન તો હતું જ, ઉપહાસ પણ હતો. છતાં દીપક પૂરેપૂરો ગંભીર રહ્યો:
‘મારે એટલું જ કહેવું હતું કે પ્રેમ હોવા છતાં આપણી વચ્ચે સંયમની પાળ તૂટી નહીં —’
‘પ્રેમ હોવા છતાં — એમ નહીં — પ્રેમ હતો તેથી, એમ કહે. તું અને મિસ એકમેકને ચાહતાં હોત તો રાહ જોઈ શક્યાં હોત, જાતને તાવી શક્યાં હોત. પણ તમે પ્રેમની નિષ્ફળતાથી જીવનમાં કંટાળેલાં હતાં. તમારી સામે કોઈ આદર્શ બચ્યો નહોતો તેથી તમે ક્ષણિક સુખને હાથવગું જોઈને રાજી થઈ ગયાં.
જ્યારે આપણે સ્વસ્થતાથી પ્રતીક્ષા કરી શકીએ એમ હતાં કેમ કે શરીર સુખના વિકલ્પે ત્યારે આપણાં હૃદયમાં સોહામણાં સ્વપ્ન હતાં. સ્વર્ગ આપણાં આંગણે આવવાનું હતું. સ્વર્ગ એટલે ભવિષ્ય, જે આપણા વર્તમાનને સંયત રાખતું હતું, જે તને એક ખોટા સિક્કા રૂપે સાંપડ્યું અને મારાથી હજી દૂર છે.’
દીપક સંમત હતો. એની અવ્યક્ત પીડાને ઓળખનાર એક વ્યક્તિ છે એનું એને આશ્વાસન હતું.
કોઈક ત્રીજી જ વ્યક્તિની વાત કરતી હોય એ રીતે પૌરાણિક રૂપકો અને પાત્રોનો હવાલો આપીને લાવણ્યે કહ્યું કે સ્ત્રી પોતે ઉદ્દીપક બનીને પાસે આવે ત્યારે પુરુષ માટે શીલ અને સદાચારનાં બધાં ધોરણ અપ્રસ્તુત બની જાય છે. એમાં માત્ર શ્રીકૃષ્ણ અને અર્જુન જ અપવાદ રૂપ લાગે છે.
અર્જુન પણ ઉર્વશી સામે પૂર્વજ પુરુરવાના નાતે શીલ જાળવી શકે છે પણ વસંત અને કામદેવનું વરદાન પામેલી ચિત્રાંગદા સામે એ બાર વર્ષના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનું જતન કરી શકતો નથી.
આ બધામાંથી આજના યુગે સમજવાનું એ છે કે જ્યાં સુધી નારી સંયત છે ત્યાં સુધી જ સમાજ ટકવાનો છે.
અહીં અંગત વાત અટકી. દીપકને અપ્સરાઓ વિશે પ્રશ્ન થયો. પૃથ્વી અને સ્વર્ગ સાચે જ ત્યારે એક સાથે અસ્તિત્વ ધરાવતાં હતાં? જો સહુએ સ્વર્ગમાં સ્થાન પામીને ભોગવિલાસ કરવાનો હોય તો અહીં પૃથ્વી પર એની સગવડ શા માટે શોધી ન લેવી?
દીપક જ્યારે હળવી વાતે ચઢી ગયો ત્યારે લાવણ્યે એને ગંભીરતાથી કહ્યું: સ્વર્ગના દેવોએ અપ્સરાઓને ઉદ્દીપક તરીકે મોકલીને ઋષિઓના તપોભંગ કરાવવા માંડ્યા. એની સાથે એ સ્વર્ગીય સૃષ્ટિનું પતન શરૂ થયું.
‘ખરેખર? તો શું એ બધી કથાઓ પૌરાણિક કલ્પનાઓ નહોતી?’
‘કલ્પનાઓ હોય તોપણ એ ઉદ્ભવી તો હશે મનુષ્યના મનમાંથી ને? મન એ જ આપણા બંધન અને મોક્ષનું કારણ છે. તેથી તો પ્રાચીનમાં પ્રાચીન પુરાકલ્પનો પણ વર્તમાન જીવનની વ્યાખ્યા કરવામાં ખપ લાગે છે.’
‘હું તારી સાથે સંમત નથી લાવણ્ય, મોટાં શહેરોની ફાઈવ સ્ટાર હોટલો અને કરોડપતિઓનાં આલીશાન ભવનોમાં એવી કશી વ્યાખ્યા માટે તક નથી. બધું જરૂરિયાતના ધોરણે જ મૂલવવામાં આવે છે, માત્ર જરૂરિયાત.’
‘હું જરૂરિયાતની વિરોધી નથી, દીપક! હું રસિકતાની પણ વિરોધી નથી. પણ સાહિત્યના વાંચનથી અને પાશ્ચાત્ય ભૌતિકવાદ વિશેની તાજેતરની માહિતી પરથી હું એમ માનવા પ્રેરાઈ છું કે વિલાસ ખાતરનો વિલાસ મનુષ્યને નપુંસક બનાવી દે છે.
યુદ્ધમાં ઘા ઝીલીને વિજેતા બનેલા વીરપુરુષના વિલાસનો મને બાધ નથી, પરંતુ રસાયણો લઈને કામુકતા ટકાવી રાખતાં સ્ત્રીપુરુષોની અદ્યતન રહેણીકરણીને હું ઊંચું જીવનધોરણ કહી શકતી નથી.’
‘તું અસાધારણ છે લાવણ્ય!’
‘ભલે હોઉં પણ મિસ એન્જિનિયર તારા માટે અસાધારણ બની ગઈ અને તેં લગ્નવેદીમાં લીધેલી પ્રતિજ્ઞા તોડી એનું તને સાચે જ પ્રાયશ્ચિત હોય તો એ ભૂલ બેવડાય નહીં એ જોજે. તું સવિતાને ઠંડી કહે છે ત્યારે ભૂલી જાય છે કે તારા સંતાનની મા છે. એ તને આવેગથી બાથમાં લઈ શકતી ન હોય તો એનું પણ કોઈક કારણ હશે. જે તારા જેવા સુશિક્ષિત અને સંવેદનશીલ યુવકને તુરત સમજાવું જોઈએ.’
‘તું હજી મને સંવેદનશીલ માને છે?’
‘કહું છું તો ખરી ને!’ — લાવણ્ય હસી પડી. — ‘મિત્ર પણ માનું છું તેથી સલાહ આપું છું — તારે મિસ એન્જિનિયર બાબતે સાવધ રહેવું જોઈએ. એણે પોતાને નિષ્ફળ પ્રેમી તરીકે ઓળખાવીને તારી સહાનુભૂતિ મેળવી, એમાં શક્ય છે કે કશો અભિનય ન હોય પણ એથી તારી વફાદારીના ભાગલા પડવા ન જોઈએ. વિચાર કરી જો. તેં મિસ સાથે જે છૂટછાટ ભોગવી એવી છૂટછાટ જો સવિતા કોઈ પુરુષ સાથે ભોગવવા માંડે તો?
મને ખાતરી છે કે એ એવું નહીં કરે પણ દરેક વર્તનના પ્રત્યાઘાત પડતા હોય છે. સવિતા સતીસાવિત્રી નથી, એક જવાબદાર ગૃહિણી છે. આજે એનું આખું કુટુંબ તારી પડખે છે. એનું ઋણ પણ તારે યાદ રાખવું જોઈએ, ક્યારેક એમની સમક્ષ કબૂલવું જોઈએ.
સારું, હવે એક મહત્ત્વનો પ્રશ્ન: અત્યારે મિસ એન્જિનિયર સાથેનું તારું વર્તન કેવા પ્રકારનું છે? તમારો સંબંધ ડિરેકટર અને સેક્રેટરી તરીકેનો છે કે એમાં ભૂતકાળમાં અનુભવેલી શરીરની સુગંધ પણ ભળેલી છે? મુંબઈથી આવ્યા પછી તેં એને કશી બઢતી કે ઈજાફા જેવું કંઈ? ટ્રાવેલિંગ એલાઉન્સ જેવું કંઈ? —’
દીપક બોલ્યો નહીં.
‘સવિતાએ મને પત્ર લખ્યો ત્યારે તો એ મિસને દૂર કરવાના મતની નહોતી લાગતી. અત્યારે કેમ છે?’
‘હું એને છૂટી કરું તો સવિતા રાજી થાય. પણ મને બે જોખમ લાગે છે. એક તો એના જેવી કાર્યદક્ષ સેક્રેટરી મને મળે નહીં અને એથી પણ મોટું જોખમ એ લાગે છે કે દૂર ગયા પછી મિસ એન્જિનિયર અને હું વધુ નજીક આવીએ. અત્યારે કંપનીના હોદ્દાઓની જે શિસ્ત વચ્ચે આવે છે એ પણ પછી ન રહે.’
‘એનો અર્થ એ કે એની કંપની તને ગમે છે.’
‘ઑફ કોર્સ ગમે છે. તું એની વિરુદ્ધ અભિપ્રાય આપી શકે છે કેમ કે તેં એને જોઈ નથી. એની એફિશિયન્સી —’
‘શું એફિશ્યન્સી ધરાવતા પુરુષો નથી હોતા?’
‘હશે. હું જોઉં છું કે મિસની હાજરીમાં કામ કરવાનો ઉત્સાહ રહે છે. એને છૂટી કરવા માટે મારી પાસે કોઈ દેખીતું કારણ નથી. એને બીજે ક્યાંય બઢતી મળશે તો હું રોકીશ નહીં એની ખાતરી આપું છું. પણ હું ધારું છું ત્યાં સુધી એ લાંબો સમય આ પ્રકારની નોકરી નહીં કરે. એ બચત કરીને કંઈક સાધનસંપન્ન થશે ત્યાં સુધીમાં એના લગ્નનું માગું આવશે. એ પછી તો —’
‘તારી સાથેનો એનો અઘટિત સંબંધ એના લગ્નની આડે નહીં આવે?’
‘કોણ જાણે છે એ વિશે? અરે કોને નવરાશ છે આજનાં શહેરોમાં બીજા વિશે જાણવાની? એનો પતિ ઓછો જ અંતર્યામી હશે? હવેના સમયમાં ‘અઘટિત સંબંધ’ વિશેનો ખ્યાલ પણ બદલાઈ જશે. મુંબઈની રાત પછી એકાદ મહિને મેં મિસ એન્જિનિયરને પસ્તાવા અંગે પૂછ્યું હતું.
એણે થોડીવાર સુધી અસ્પષ્ટ કે દ્વિઅર્થી ઉત્તરો આપ્યા પછી ટૂંકમાં કહી દીધું – હોટલમાં રહેવું પડે એમ હતું જ. બીજા રૂમમાં સૂઈ રહેત. પછી શું થાત? અને એ વિના શું થયું? એની સરખામણી કરી જુઓ. બે વ્યક્તિઓએ જુદી જુદી પથારીઓમાં પડખાં ઘસવાને બદલે સાથે સૂવાનું પસંદ કર્યું અને એથી એમને સુખ મળ્યું.’
‘માણસને સુખથી ચાલતું નથી દીપક, આનંદ જોઈએ છે, તને તો આટલું સમજાવું જોઈતું હતું, મિસને ભલે ન સમજાય, જાત સાથે છળકપટ કરીને ઉપજાવેલું સુખ તને સખ્યના આનંદનો અનુભવ કરાવી શકે?’
‘એ અનુભવ તો મારા જીવનમાંથી કાયમ માટે ગયો. મારાં માતાપિતા સામે તું તારા વ્યક્તિત્વની સત્તા સ્થાપવા ગઈ અને ગુમાવવાનું આવ્યું મારે. તેં મને પૂજારીમાંથી ભિખારી કરી મૂક્યો. નહીં તો મારે મિસ એન્જિનિયર સામે હાથ લંબાવવો પડત ખરો?’
‘બધું મારે કારણે બન્યું એ સાચું હોય તોપણ એ માટે સવિતા તો જવાબદાર નથી ને? તારે મિસ સાથેના વિલાસને સવિતાની નજરે જોવો જોઈએ. એ કોઈક ઉછાંછળી યુવતી હોત તો જુદી વાત હતી. એ તને વફાદાર છે અને વધુમાં એને માથે એક પથારીવશ બાળકીની જવાબદારી છે. એના ખોળામાં એ અધખીલ્યું ફૂલ હોય અને તારા ખોળામાં મિસ એન્જિનિયરનાં ફાટફાટ થતાં અંગોની માદકતા હોય.’
‘હું નથી ધારતો કે એની સવિતાને ઈર્ષા હોય!’
‘ન હોય? તું બહુ સાદાં સમીકરણ રચે છે. મિસની ઈર્ષા તો કદાચ મને પણ હોય, પછી સવિતાને કેમ ન હોય? એને તો દગાની લાગણી પણ થાય, બેવડા દગાની લાગણી. સાચું કહે, તને સવિતાના દુ:ખ પ્રત્યે સહાનુભૂતિ છે ખરી?’
દીપક તાકી રહ્યો.
‘હું મારી લાગણીને ઓળખાવી શકતો નથી. આ ક્ષણે તો લાગે છે કે સવિતા પ્રત્યે મને ખાસ સહાનુભૂતિ નથી.’
‘નથી? તો કેળવવી જોઈએ. એમ ન થાય તો આપણી મૈત્રી વ્યર્થ છે.’
‘આપણી મૈત્રી તો સ્વયંભૂ છે, નિર્હેતુક છે. જ્યારે સવિતા સાથેનો મારો સંબંધ એક કરાર છે, સોદાબાજી છે.’
‘જો એમ જ હોય તો મને તને મળવામાં રસ નથી. અરે મૂર્ખ, જરા વિચાર તો કર. સવિતાએ પોતાનું સર્વસ્વ તને સોંપીને એક બાળકીને જન્મ આપ્યો એની સાથે એનો કાયાકલ્પ થયો. એ પ્રક્રિયામાં સહન કરીને એ માતા તરીકે વિકસી.’
‘એમાં એણે નવું શું કર્યું? દરેક યુવતી લગ્ન પછી —’
‘દરેક યુવતીનો બચાવ કરવા માટે પણ સવિતાનો દાખલો પ્રસ્તુત છે.’
‘તું વિજ્ઞાનને બાજુ પર મૂકીને વકીલાત કરી રહી છે લાવણ્ય, કુદરતની રચના જ એવી છે કે પુરુષ નહીં પણ સ્ત્રી ગર્ભને ધારણ કરે. એમાં સવિતાએ સવિશેષ શું કર્યું?’
‘એ જ સમજવાનું છે. માતૃત્વ ઝંખતી સ્ત્રીએ પ્રસૂતિની પીડા વેઠવાની આવે છે એ કુદરતની રચના છે, બરાબર. તો મારે તને એ પૂછવું છે કે કુદરતે પુરુષને બાકાત રાખીને માત્ર સ્ત્રીને જ પ્રસૂતિની પીડા સોંપીને એની જવાબદારી વધારી દીધી નથી?
સામાજિક જાગૃતિ લાવીને પણ સ્ત્રીની એ જવાબદારી ઘટાડી શકાય તેમ નથી. પણ બાળકના જન્મ પછી તો પુરુષ પોતાનો વિવેક વાપરીને મદદરૂપ થઈ શકે કે નહીં? ખાસ કરીને જ્યારે બાળક માંદું હોય ત્યારે? આ બધું તો તને મારા કહ્યા વિના પણ સમજાવું જોઈતું હતું.’
‘સમજવામાં તો હું ક્યારે કોઈથી પાછળ પડ્યો છું? પરીક્ષાઓમાં માર્કસ સરખા આવતા હતા. પણ આપણામાં ફેર પડવા માંડ્યો એ પછીથી. મેં બાંધછોડ કરવા માંડી અને તું વિવેકથી વર્તી આગ્રહોને આચરવા લાગી.
આ ક્ષણે મને એવો વિચાર આવે છે કે મિસ એન્જિનિયરને કાયમ માટે દૂર કરી, એને જે કંઈ જોઈતું હોય એ બધું એક સાથે આપીને સવિતા પ્રત્યે સંપૂર્ણ વફાદારીથી જીવું. એમ કરવાથી તારા વિશ્વાસનું સંપાદન થઈ શકે તો મારા માટે એક નવી શક્યતા ઊભી થાય. પ્રકાશ ગુમાવી બેઠેલો નાગ ફરીથી મણિધર બની જાય એની જેમ —’
દીપકની આ ઉક્તિ લાવણ્યને ગમી ગઈ. સાહિત્યના થોડાઘણા સંસ્કાર હજી ટકી રહ્યા છે ખરા!
પળવાર રહી લાવણ્યે સલાહ આપી.
‘એવો કશો આત્યંતિક નિર્ણય ન કર. સ્વાભાવિક બન. અત્યારે તું જે પરિસ્થિતિમાં મુકાયેલો છે એમાં જ જાત પર કાબૂ રાખીને જીવવા પ્રયત્ન કર.’
‘કોણ જાણે હું જાત પર એવો કાબૂ રાખી શકીશ કે કેમ… જીવનનો પ્રથમ પ્રબળ પ્રેમ જતો કરનાર પુરુષો ધીરે ધીરે અંદરથી તૂટી જાય છે એવી તેં જે વાર્તા લખેલી એનો નાયક હું જ હતો લાવણ્ય, એક દિવસ એવો આવશે કે તું લગ્ન કરશે અને પછી તારી સાથે પણ આમ ઘડી બેઘડી બેસવાની તક નહીં રહે.’
— લાવણ્ય પાસે એનો જવાબ હતો. ‘એવું શા માટે માની લે છે? તારું લગ્ન આપણી મૈત્રીની આડે ન આવ્યું તો મારું લગ્ન શા માટે આવશે?’ પણ એને બોલવાની તક રહી નહીં. દીપક ઢીલો પડી ગયો હતો. એણે અવાજ પર કાબૂ ગુમાવ્યો હતો. ડૂબતા સ્વરવ્યંજનો પર પોપચાં ઢળી ગયાં હતાં. પોતાની હાજરીમાં જ મુગ્ધાવસ્થાનો મિત્ર એકલો-અટુલો બની ગયો હતો.
એ ગયો ત્યારે લાવણ્યને લાગ્યું: દીપકનું ધડ એના મસ્તકનો ભાર ઉપાડીને જઈ રહ્યું છે. એક લાગે છે એ તો માત્ર પડછાયો છે.
* * *
દીપકના ગયા પછી સવિતાની ચિંતામાં એની ચિંતા પણ ભળી. વનલતા અહીં હોત તો એ કહી દેત: તું વેવલી છે લવ, બીજા-ત્રીજા માણસના દુ:ખે થઈ જાય છે!
સિંઘસાહેબે સુધારી આપેલું પ્રકરણ ફરી લખ્યું. એટલા દિવસ તો એ મનથી રોકાયેલી રહી પણ વળી પાછા સવિતા-પ્રતિમા-દીપકના વિચારો આવવા લાગ્યા. ક્યારેક અણદીઠી મિસ એન્જિનિયર પણ ડોકાતી. કોણ જાણે કેમ એનો કલ્પિત ચહેરો મિસ રાકા રાયને મળતો આવતો હતો!
શું સાચે જ દીપક માટે પોતે એકલતાનો વિસામો છે?
એ કેવી રીતે વાત કરતો હતો! એ ગળગળો થઈ ગયો એમાં તો કશી બનાવટ નહોતી. જે કંઈ બોલતો હતો એ પણ સાવ સાચું લાગતું હતું. જાણે સાચા પ્રેમીની હેસિયતથી તૂટી જવા માગતો ન હોય! પણ જો એણે તૂટવું હતું તો મિસ એન્જિનિયરની માદક હૂંફની જરૂર કેમ પડી?
વનલતા જાણે તો કહી દે: હવે એની સાથે સંપર્ક રાખવો વ્યર્થ છે! એક દિવસ વિશ્વનાથ કહેતો હતો: આપણે ત્યાં પ્રેમીથી વિખૂટી પડતી કેટલીક યુવતીઓ એવું કલ્પી લે છે કે એમનો પ્રેમી હવે દેવદાસની દશાને પામશે. કેટલાક કદાચ દેવદાસ બનતા હશે પણ પારુ બનવાની તૈયારી કોઈની હોય છે ખરી? શરદબાબુ ઘણીવાર સૂચવે છે: પ્રબળ પ્રેમ પાસે જ નથી લાવતો, દૂર પણ ફેંકે છે.
કદાચ મારી અને દીપકની વચ્ચે એવો પ્રબળ પ્રેમ નથી.
સવિતાનો બીજો પત્ર આવ્યો. એમાં એટલું જ લખ્યું હતું: મારો અગાઉનો પત્ર મળેલો? હમણાં દીપક પ્રતિમા પ્રત્યે લાગણી દાખવે છે, એ મને ગમે છે. ખબર નથી એની બીજી જરૂરિયાતો ઘટી ગઈ છે કે મિસ દ્વારા સંતોષાય છે.
સવિતાને ઉત્તર આપવો જોઈએ. પણ એમાં દીપક સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરું? એ બધી નિખાલસ ચર્ચા ટેપ કરીને સવિતાને સંભળાવી હોય તો એ છળી પડે.
એણે પત્રને બિનંગત સ્વરૂપ આપવા પહેલાં તો સૂરત અધિવેશનનો ઉલ્લેખ કર્યો. પોતે મહિલાવાદી ચળવળ — ‘ફેમિનિસ્ટ મૂવમેન્ટ’ની જરૂરિયાત સ્વીકારે છે એનાં કારણો લખ્યાં અને પછી એ ચળવળ સામેની પોતાની શંકાઓ જણાવી:
“આધુનિક નારીએ અન્યાય સામે લડવાનું છે, પુરુષો સામે નહીં.”
પુરુષ એટલે અન્યાયનું મૂર્તિમંત સ્વરૂપ — એવું માનતી મહિલાઓ સાથે પોતે સંમત નથી. પોતે પૌરુષ સામે વ્યંગ કરવામાં પણ નથી માનતી. પુરુષ નામર્દ થાય અને એથી સ્ત્રી-પુરુષ સમાનતા આવે એમ ઇચ્છનાર સ્ત્રીઓ અધૂરી અને કુંઠિત રહેવાની. વીર્યવાન પુરુષની ભીંસ એ સ્વસ્થ કન્યાનું સ્વપ્ન હોય છે. એની અભીપ્સામાંથી એક નિષ્ઠા જાગે છે. સ્વપ્ન ન હોય, અભીપ્સા મંદ હોય તો દ્વિનિષ્ઠા જાગે છે.
હું આંતરિક જરૂરિયાતની વાતે વળી ગઈ. પ્રશ્ન છે સામાજિક પ્રતિષ્ઠાના રૂઢ ખ્યાલ તોડવાનો, આર્થિક સત્તા પરનું પુરુષનું પ્રભુત્વ દૂર કરવાનો. એ પછી નારીનો સમર્પણભાવ વધુ સાર્થક નીવડે, નહીં તો સમર્પણ પણ કોઈકને શોષણ લાગે. આજે મહિલાઓ અને દલિતો માટે આંદોલન ચલાવનારાઓની મુખ્ય દલીલ આજ છે: તમે તમારા સ્વાર્થ માટે, અમારું શોષણ કરવા માટે ભક્તિ અને સમર્પણની ભાવનાઓ પોષી છે, ચરણસ્પર્શ કરવાની તાલીમ આપી છે.. સ્ત્રી શા માટે બધાની ચરણરજ લેતી રહે? એ નમે તો માત્ર એનાં માતાપિતાને નમે, ગુરુજનોને નમે…”
લાવણ્યને શ્રીવાસ્તવનું સ્મરણ થયું. એ પણ ગુરુજન તો ખરા જ ને! ના, જે જ્ઞાન અને સંસ્કાર સીંચે એ જ ગુરુ, જે નોકરિયાતો એમની ફરજ પણ સરખી રીતે બજાવી શકતા નથી એ વળી ગુરુ શેના?
એણે પત્રમાં આગળ લખ્યું:
“સવિતા, તેં પોતે તો કદાચ કોઈ ભૂલ નથી કરી. પણ તારાં કુટુંબીજનોની ગણતરી ક્યાંક ખોટી પડી છે. દીપક તો મારો મિત્ર છે. હું એનું અહિત ન ઇચ્છું. છતાં કહીશ કે તારાં માતાપિતાએ એને ડિરેક્ટર બનાવી દઈને આર્થિક સત્તા પણ એને સોંપી દેવામાં ઉતાવળ કરી દીધી છે. તું ડિરેક્ટર રહી શકી હોત. કેમ ન રહી? શું પુરુષનો જ આ ઇજારો છે? પત્ની એટલે લક્ષ્મી અને પતિ એનો રખેવાળ, ખરું ને? તારાં માતાપિતા આ માન્યતાથી પ્રેરાયાં હશે.
હું ધારું છું કે દીપક અને મિસનો સંબંધ આકસ્મિક હશે અને આજ નહીં ને કાલ એ ભૂતકાળનો વિષય બની જશે. કદાચ પૂરેપૂરો દીપક તો તને ક્યારેય પ્રાપ્ત થયો નહીં હોય પણ લગ્નના દિવસે એ જેવો હતો એવો જરૂર પાછો મળશે. કેમ કે મિસ એન્જિનિયર દીપક પાછળ પોતાનું યૌવન વેડફે એ શક્ય લાગતું નથી.
વળી, દીપક સાહિત્ય અને કળાનો ઉપાસક છે. સંવેદનશીલ છે. એને એના ઘરનું સરનામું જડતાં વાર નહીં લાગે. એ પ્રતિમાની વધુ કાળજી લેવા માંડ્યો એ શું સૂચવે છે? તેં સહેજ પણ થાક્યા વિના પ્રતિમાને ઉછેરી, ઉજાગરા કરી કરીને સાચવી એ જાણીને હું તારા માતૃત્વને વંદન કર્યા વિના રહી શકતી નથી.
દીપક તારો આ ગુણ સમજતો લાગે છે. તું શ્રીમંત ઘરની દીકરી છે, છતાં બીજી માતાઓની જેમ તેં પ્રતિમાને ઉછેરવા નર્સ રાખી નહીં. ‘અકારણ દુ:ખ વેઠવાથી ભવિષ્ય સુધરી જવાનું નથી’ એવું માનનારા ખોટા નથી પણ સંતાનોના ઉછેર બાબતે હું જુનવાણી છું. એમાં બહારની વ્યક્તિની મદદ લેવાય એને બદલે માતાપિતા યથાશક્તિ કષ્ટ ઉઠાવે તો ક્ષણિક આપત્તિ ભાવિ સંપત્તિ બને! બાળકોના હૈયે જન્મદાતાઓનું ઋણ વસે.
તેં મિસ સાથેના પ્રસંગ બદલ દીપકને માફ કર્યો હોય તો હવે કસી દહેશત રાખતી નહીં. કંઈ બન્યું જ નથી એમ માનીને ચાલજે. હા, દીપકની આર્થિક સત્તા અમર્યાદ બની ન જાય એ જોજે! હું આ એની શુભેચ્છક તરીકે જ લખું છું. મેં મુગ્ધાવસ્થામાં એની સાથે આત્મીયતા અનુભવી છે. તેથી આ જીવનમાં તો એનું અહિત કલ્પી નહીં શકું. પણ આ એટલા માટે લખું છું કે અમર્યાદ આર્થિક સત્તાનાં માઠાં પરિણામો મેં જોયાં છે. એમાં ભલભલાં કુટુંબો પણ તારાજ થઈ ગયાં છે.
એક અપ્રસ્તુત લાગતો ઉલ્લેખ કરું. કાપડ-ઉદ્યોગે વધારી મૂકેલી સમૃદ્ધિએ ઘણાં કુટુંબોની કસોટી કરી છે. બિનહિસાબી નાણું વિલાસિતા જગવે છે. વિલાસનો અધિકાર વીરપુરુષોને છે, આળસુઓને નહીં. પુરુષાર્થ વિનાની કમાણીની વહેંચણી કરવા બેસતાં ભલભલાં કુટુંબો તારાજ થઈ ગયાં છે, એમનાં આર્થિક સામ્રાજ્ય તૂટી ગયાં છે. આ બધું મારે ક્યારેક દીપકને પણ નિરાંતે કહેવું છે. હમણાં તો કદાચ તને પણ મારી વાત પૂરેપૂરી નહીં સમજાય, આશા છે કે યાદ રહેશે.
હું હમણાં સુધી ત્યાગ અને સમર્પણનો મહિમા કરતી હતી. તાજેતરમાં શ્રીવાસ્તવ નામના એક પ્રોફેસરે એની દુષ્ટતાના બળે સાવધ કરી દીધી. ત્યારથી માનું છું કે અસદનો પ્રતિકાર કરવો. અને આ પ્રતિકાર એ સુખનો માર્ગ નથી. છેવટે તો માફ કરીને જ ભીતરથી શાન્ત થઈ શકાય.
હમણાં સુધી આપણા સમાજમાં પુરુષો બે કે ત્રણ લગ્ન કરતા. બેપાંચ વર્ષ તો શું, પચ્ચીસત્રીસ વર્ષ નાની કન્યા સાથે રંગેચંગે પરણતા. કોઈક નિ:સંતાન હોવાને કારણે લગ્ન કરતા તો કોઈ ફક્ત દીકરીઓ હોય તો એમને ભાઈની ખોટ ન સાલે માટે લગ્ન કરતા.
મેઘાણીએ આવી એક હઠીલી દીકરીની ભાવના બિરદાવવા એક લોકકથા રચી છે. મહેણું સાંભળી દીકરી સાસરેના રસ્તેથી પાછી વળે છે. સાત ભેંશોનું દૂધ એક ભેંશને પાઈ એનું દૂધ બાપને પાઈ હૃષ્ટપુષ્ટ બનાવે છે. સાઈઠ વર્ષના બાપને ફરી યુવાન બનાવી, એનું લગ્ન કરાવી, નવા જન્મેલા ભાઈને પારણે જુલાવ્યા પછી જ એ પિયર છોડે છે!
આ મૂલ્યો હતાં આપણા સમાજનાં! દીકરાએ દીધેલા પિંડદાન વિના ત્યારે મોક્ષ મળતો ન હતો. અને તેથી બેત્રણ લગ્નો પણ માન્ય થતાં. એની આડશે ઘણુંબધું નભી જતું. આજથી બેત્રણ દાયકા પહેલાં દીપકના આ આડા સંબંધની ટીકા ભાગ્યે જ થઈ હોત. અરે, ગણિકાઓને ત્યાં જવાનું આપણા શ્રીમંતો અને સામંતો માટે શોભારૂપ ગણાતું. એ તો ભલું થજો ગાંધીજીનું કે એમણે એક સાથે આપણા ઘણા મોહ દૂર કર્યા.
એમના જેવા લોકનાયકોના પ્રતાપે આપણે કંઈક જાગૃત થયાં છીએ. તેથી તું પણ સમજી શકશે કે તારી બાપીકી મિલકતે જ દીપકને મિસનું સાહચર્ય ખરીદવાની સગવડ આપી છે. તારા માટે વારસો વિઘાતક નીવડ્યો પણ હવે એનો ઉપાય નથી. છતાં બેવફાઈ ન ચાલે. હું દીપકને એનું ભાન કરાવતી રહીશ, એણે મને આપેલા અધિકારથી.
તને ઠીક લાગે તો દીપકને આ પત્ર વંચાવજે. એ મારા વિચારો જાણે છે, તેથી આ પત્ર વાંચતાં એને આશ્ચર્ય નહીં થાય. હું ઇચ્છું કે આ બાબત તમારી વચ્ચે આપમેળે પતી જાય. જો વડીલોને વચ્ચે લાવીશું તો તિરાડ વધશે, ને રેણ રહી જશે.
સ્ત્રીપુરુષની પરસ્પર વફાદારીના પ્રશ્ને મોટે ભાગે સ્ત્રીએ સહન કરવાનું આવ્યું છે. તું કેટલી ધીરજ અને સહનશીલતાથી કામ લે છે એના પર તારા દામ્પત્યની પ્રસન્નતાનો આધાર છે. નારીએ સહન કર્યું ન હોત તો ભારતીય કુટુંબભાવ વીસમી સદી સુધી ટકી શક્યો હોત ખરો?
* * *
લાવણ્યનો પત્ર સવિતાને બરાબર સમજાયો નહીં પણ ગમ્યો. એને લાગ્યું કે પોતે મિસ-પ્રકરણ વડીલોથી છુપાવી રાખીને ડહાપણનું કામ કર્યું છે. લાવણ્ય સંમત છે.
એણે લાવણ્યનો પત્ર ટિપોઈ પર એ રીતે મૂકી રાખ્યો કે દીપકની નજરે ચઢે. થયું પણ એમ જ. પ્રતિમાને તેડવા આવી રહેલો દીપક લાવણ્યના અક્ષર જોતાં જ અટકી ગયો. પત્ર જાણે કે એક શ્વાસે વાંચી ગયો.
સવિતા જાણવા ઇચ્છતી હતી લાવણ્યના વિચારો વિશે દીપકનો પ્રત્યાઘાત. એ કેટલું સ્વીકારે છે, કેટલું નકારે છે એ અંગે એને કુતૂહલ જાગ્યું હતું પણ જોવા મળ્યું કંઈક જુદું જ. આ તો લાવણ્યનો પત્ર જોતાં જ અડધો ગાંડો થઈ ગયો.
‘દેવી છે દેવી લાવણ્ય તો! આપણા સુખનો વિચાર કરે છે એ! ખરેખર તો એણે એમ ઇચ્છવું જોઈએ કે મારું દામ્પત્ય નિષ્ફળ જાય. એને બદલે —’ કહેતાં દીપક લાગણીવશ થઈ ગયો.
આ વલણ સવિતાને વિલક્ષણ લાગ્યું. લાવણ્ય માટે માન તો પોતાને પણ છે. પણ એમાં ‘દેવી’ કહેવાની શી જરૂર? એ દેવી છે તો શું હું દાનવી છું? મારે કારણે આ માણસ સાધનસંપન્ન થયો, એશારામ કરતો થયો, એનું કંઈ નહીં ને લાવણ્યને દેવી કહેવા લાગ્યો? કદાચ એણે પત્ર ધ્યાનથી વાંચ્યો નથી.
જો મર્મ સમજે તો આખો પત્ર એની વિરુદ્ધ છે. પણ આ તો જુઓ ને! હાથમાં પારસમણિ આવી ગયો હોય એમ આખો બદલાઈ ગયો પળવારમાં!
‘જોયું સવિતા! લાવણ્યના દૈહિક સૌંન્દર્ય કરતાંય એનું હૈયું સવાયું છે. તું સમજી શકશે મેં શું ગુમાવ્યું છે એ —’
સવિતા ખીજાઈ. કેવો નગુણો માણસ છે! મારે કારણે એને શું શું મળ્યું છે એનો ઉલ્લેખ પણ નથી કરતો. અને લાવણ્યના અક્ષર જોઈને છકી ગયો છે. પેલીએ બધું ઠંડે કલેજે લખ્યું છે, એની વિરુદ્ધ લખ્યું છે છતાં આને જાણે કે વરદાન મળી ગયું હોય એમ —
‘જેમ જેમ પરિચય વધતો જાય એમ એમ આપણને માણસના દોષ વધુ ને વધુ દેખાતા જાય. પણ મારે લાવણ્ય અંગે કહેવું જોઈએ કે એ ગુણિયલ છે. ચંદન ઘસાય તોય સુગંધ, બળે તોય સુગંધ —’ દીપક જાણે કે સમાધિની અવસ્થામાં સ્વગત બોલી રહ્યો હતો. એને માટે જાણે સવિતાનું અસ્તિત્વ જ નહોતું.
સવિતા અકળાઈ. એણે દીપકના હાથમાંથી પત્ર ઝૂંટવી લીધો.
‘આ પત્ર મારા પર આવેલો છે, તમારા પર નહીં, સમજ્યા?’
‘શું આપણે બે જુદાં છીએ?’
‘હા. સત્તર વાર!’
‘પણ લાવણ્યને મન તો નથી. આપણે એક છીએ સવિતા, આ પત્ર પછી આપણે અર્ધનારીશ્વરની જેમ જીવવાનું છે. કોઈ મોહિની હવે મને ચલિત કરી નહીં શકે.’
‘આમ ગાંડાં ન કાઢો. બહુ સારા નથી લાગતા. લાવણ્યે ખરેખર તો મને તમારા અંગે સાવધ રહેવા જણાવ્યું છે.’
‘તેથી તો એનો પત્ર મને આટલો બધો ગમી ગયો. હું ખરેખર ઢીલો માણસ છું. મને સાચવવો પડે એમ છે. લાવણ્યે મારા ભલા માટે એટલે કે આપણા ભલા માટે આ બધું લખ્યું છે. હું ગાંડો નથી, પણ તું મને ગાંડો માનીને સાચવજે.’
* * *
આ બાજુ લાવણ્યને પોતાના પત્ર અંગે અનેક પ્રશ્નો થવા લાગ્યા હતા. સવિતા એમાંથી શું ગ્રહણ કરશે? એ દીપકથી વિમુખ તો નહીં થાય? દીપક પણ વહેલોમોડો મારા પત્ર અંગે જાણશે. અને જો પત્ર વાંચશે તો એને આઘાત લાગશે. હું મુખોમુખ આ બધું એને કહી શકું, સવિતાને લખેલું એને પહોંચે ત્યારે મૂળ વાત વાંકી બની જાય.
દીપકને મારી પાસે એક અપેક્ષા છે, આત્મીયતાની, નિર્ભેળ આત્મીયતાની. એ જાણે છે કે મારે એની પાસેથી કશું નથી જોઈતું અને કોણ જાણે કેમ એને મારી શુભેચ્છાઓની નિરંતર જરૂર છે. મારા નામે એની પાસે એક મનોમૂર્તિ છે. એ આ પત્રથી નંદવાશે નહીં?
ભલે નંદવાય. ભલે દીપક વધુ તટસ્થ બને. હું મારી માન્યતાઓ સાથે બાંધછોડ નહીં કરું. મને સહાનુભૂતિ છે એક અપંગ બાળકીની માતા પ્રત્યે….
પણ સવિતાનો પરિચય તો દીપકને કારણે જ થયો ને? મારી પહેલી ફરજ કોના પ્રત્યે હતી? દીપકે મિસ-પ્રકરણે મારાથી કશું છુપાવ્યું નથી જ. તો પછી આ પત્ર મારે એને લખવાનો હોય કે સવિતાને?…
તે રાતે એને એક વિચિત્ર સપનું આવ્યું.
પોતે કૉલેજમાં ભણે છે! બધાં સ્વીમિંગ બાથમાં ગયાં છે. વનલતા જાડી થઈ ગઈ છે. સવિતા સુકાઈ ગયેલી છે. એ એની બાળકીને તરતાં શીખવે છે જેથી એના સ્નાયુ મજબૂત થાય. એવામાં શું થાય છે કે હોજનું સ્થિર પાણી વહેવા લાગે છે. પ્રતિમા તણાવા લાગે છે. પોતે દીપકને દોડાવે છે.
આ બાજુ પ્રેમલ નહાવા પડે છે. વહેતા પાણીમાં એ વધુ ને વધુ ઊંડે તરે છે. પછી એકાએક સપાટી પર આવીને ચત્તો તરવા લાગે છે. ‘લાવણ્ય, આવ મારી છાતી પર વિસામો લે, તું સામા પ્રવાહે તરી નહીં શકે. ગભરાતી નહીં. આવ, પાસે આવ.’ કહેતાં પ્રેમલ એને છાતી પર ખેંચી લે છે. અને પડખું બદલે છે. શું પોતે કશું પહેર્યા વિના જ તરવા પડે છે? એવા ખ્યાલથી એનો હાથ સાથળ બાજુ જાય છે અને એ પોતાના જ સ્પર્શથી જાગી જાય છે.
આવું સપનું? પોતે પ્રેમલની આટલી નજીક?
શો છે આનો અર્થ? એક માનસશાસ્ત્રીએ કહ્યું છે કે બધાં સપનાંના અર્થ કરવામાં ઘેલછા છે.
પ્રેમલ આ પૂર્વે પણ સપનામાં આવ્યો છે. પોતે જાહેરમાં અનેક વાર એની ટીકા કરી છે પણ સપનામાં એના સાહચર્ય બદલ જાતને સંતાપી છે ખરી?
આ બહિરંતર ભેદનું શું કરવું?
પોતાના વ્યક્તિત્વને સુગ્રથિત અને અખંડ રાખવામાં સફળતા મેળવવા કરતાં બીજાના કાજી થવું સહેલું છે. પોતે દીપકને ઉમદા સલાહ આપી શકી હતી, સવિતાને માર્ગદર્શન આપતો લાંબો પત્ર લખી શકી હતી….
સવિતાનો ટૂંકો પત્ર આવ્યો છે. એણે આભાર માન્યો છે. વધુમાં લખ્યું છે કે ડૉક્ટરો પાસે ઇલાજ કરાવીને થાક્યા પછી પ્રતિમા માટે હવે બાધાઓ રાખવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં એક અનુષ્ઠાન પણ કરાવ્યું છે, જેથી પ્રતિમા સાજી થઈ જાય અને મિસ એન્જિનિયરનું લગ્ન થઈ જાય.
પત્રમાં લાવણ્યને ન ગમે એવા સમાચાર પણ હતા. દીપકના બાપુજીને લકવાની અસર છે. એ સંભાળ રાખી શકે એમ ન હોવાથી વાડી વેચી દીધી છે. દીપકને સંકોચ થતો હતો.
કહે: ‘લાવણ્યને નહીં ગમે.’ મેં એમને કહ્યું: ‘લાવણ્યબેનના ગમા-અણગમાનો તમે હવે શું કામ વિચાર કરો છો? એ ક્યાં હવે આ વાડી જોવા આવવાનાં છે?’ વાડીમાંથી સારી રકમ મળી છે. એ દીપકની બાના નામે મૂકી છે.
એ તો બિચારાં કહેતાં હતાં: ‘ધંધામાં કામમાં લો.’ મેં કહ્યું કે ધંધા માટે જરૂર પડશે તો તમારી પાસે લોન માગીશું, રસીદ લઈને આપજો. આજે કોઈના વિશ્વાસે કશું છોડી દેવા જેવું નથી. મારી વાત સાંભળીને એ બોલી ઊઠ્યાં: ‘આ તો લાવણ્યની જેમ દલીલો કરવા લાગી!’ એમણે મને થાબડી અને પ્રતિમા જલદી સાજી થઈ જાય એ માટે આશિષ આપી.
આ બાજુ આવવાનું થાય તો લખજો, તમને મળવાનું મન છે. મિસ એન્જિનિયરને જોવાની તમને ઇચ્છા નથી થતી?
— સવિતાનો પત્ર લાવણ્યને હૂંફ વિનાનો અને અજુગતો લાગ્યો. મારે મિસને જોવાની શી જરૂર છે? એ એની સાથે સ્પર્ધા અનુભવતી હશે. અનુભવે, મારે શું છે?
ફોડી લેશે દીપક-સવિતા એમનું. મારે કાજી થવાની જરૂર નહોતી. સિંઘસાહેબ જાણશે તો ઠપકો આપશે. સ્વાધ્યાયના ભોગે આ બધું કરવાનું હતું? આ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ મેળવો છો?
એણે પરિચિતો અને મિત્રોથી વિમુખ રહીને માત્ર સ્વાધ્યાયમાં મન પરોવવા સંકલ્પ કર્યો. અત્યાર સુધીમાં ત્રણ પ્રકરણને છેવટનું સ્વરૂપ આપી શકાયું છે. હવે બે પ્રકરણ અને ઉપસંહાર બાકી છે. છ માસ સુધી સ્કૉલરશીપ મળશે. પછી માર્ગદર્શકનો અભિપ્રાય અનુકૂળ હોય તો વધુ એક વર્ષ માટે સ્કૉલરશીપ લંબાવી શકાય. એમ થવું શક્ય છે, પણ ઇચ્છનીય નથી.
છએક માસમાં લેખનકાર્ય પૂરું કરીને નોકરી શોધી લેવી છે. સુધારા-વધારા અને ટાઈપનું કામ ચાલુ નોકરીએ પૂરું કરી શકાશે.
ગુફાવાસી તપસ્વીની જેમ એ લેખનમાં લાગી ગઈ. ઘણા દિવસ પછી આ એકાગ્રતા આવી હતી. દરરોજ દસેક કલાક કામ થઈ શકતું હતું. માત્ર ઉપસંહાર બાકી રાખીને છેલ્લા પ્રકરણ સુધી લખીને સિંઘસાહેબના હાથમાં ફાઈલ મૂકવી છે. એ જરૂર આશ્ચર્ય પામશે. આનંદ તો ખરો જ…
છેલ્લા પ્રકરણની રૂપરેખા હાથમાં લઈને એ બેઠી હતી ત્યાં કર્ણાવતી મહિલા વિકાસ ટ્રસ્ટનાં મંત્રી રૂપા શેઠ આવી પહોંચ્યાં. લાવણ્ય હાથમાં કાગળ લઈને આવકારવા ઊઠી.
‘મિસિસ સિંઘ પાસેથી તમારું સરનામું મળ્યું. મને ઓળખી?’
‘કદાચ તમે વિદ્યાભવનમાં મારાથી એકાદ વર્ષ પહેલાં એમ. એ. થયેલાં. તમો ગુજરાતી-સંસ્કૃત સાથે —’
‘ખરી ઓળખી કાઢી! મને એમ કે હું જાડી થઈ ગઈ છું તેથી —’
‘જાડાં? ના રે! આ તો સુખસમૃદ્ધિનું લક્ષણ છે. આવાં માંસલ અંગો ઘણાને આકર્ષક લાગતાં હોય છે.’
‘મારા પતિ એ પુરુષોમાં નથી. લગ્ન વખતે મારી કેડ કેવી હતી એ એમને યાદ છે. હવે સંતાનના જન્મ પછી પણ બે હાથની આંગળીઓનાં ટેરવાં અરસપરસ અડે એ રીતે એ મારી કેડ —’ કહેતાં રૂપા શેઠ હસી પડ્યાં. ‘મારે કુંવારી કન્યા સાથે આમ સંયોગ શૃંગારનું વર્ણન કરવું ન જોઈએ, ખરું ને?’
‘હું કુંવારી ખરી પણ કન્યા ન કહેવાઉં. પચીસી વટાવી જનારને તો યુવતી જ કહેવી પડે. બોલો, તમારા માટે શું બનાવું?’
‘કેમ, મને વધારે જાડી કરી દેવી છે? હમણાં ચા-કૉફી પર નિયંત્રણ છે. બેસો અને મારી એક વિનંતી સાંભળો.’
‘વિનંતી નહીં, આજ્ઞા, તમે મોટાં છો! બોલો!’
રૂપા શેઠે એક ઉત્સવ યોજ્યો છે એમાં આધુનિક નારીભાવનાને વ્યક્ત કરતું એક નાટક ભજવવા ધાર્યું છે. એનું નામ છે ‘સ્વામિની!’
આ એક મહિલાવાદી નાટક છે. એનું વસ્તુ પૌરાણિક છે. જયશંકર પ્રસાદકૃત નાટક ધ્રુવસ્વામિની’ અને એ જ નામના કનૈયાલાલ મુનશીના નાટક પરથી એમને પ્રેરણા મળી, સામગ્રી પણ મળી.
શ્રીદેવીબેન એમની સંસ્થાનાં એક ટ્રસ્ટી છે. એમને ધ્રુવસ્વામિનીનું પાત્ર રજૂ કરતું નાટક ભજવાય એમાં રસ પડ્યો. રૂપા શેઠને સલાહ આપી. તમે સ્વતંત્ર સર્જનનો ખ્યાલ છોડી દઈને પ્રસાદજી અને મુનશીજીનાં નાટકોના ઉત્તમ અંશોનું સંકલન કરો. એમ કરવાથી તમને વધુ નામના મળશે.
એમની સલાહ રૂપા શેઠને ગળે ઊતરી ગઈ. પછી આવ્યો પ્રશ્ન યોગ્ય અભિનેત્રી શોધી કાઢવાનો. એમના પતિદેવે જ કહ્યું: તું જોજે ધ્રુવસ્વામિની બનતી. આ કંઈ ટી.વી. નથી કે એકલો ચહેરો બતાવવાથી ચાલે. કોઈક સુતનું યુવતીને શોધી કાઢ. જે ઐતિહાસિક ગરિમા સાથે આધુનિક નારીના આત્માને વ્યક્ત કરે…
અત્યાર સુધી એ શોધ ચાલુ છે. કોઈ અભિનેત્રી મળતી નથી. કોઈકનો ચહેરો પ્રભાવક છે તો એની ઊંચાઈ ઓછી છે. કોઈકની ઊંચાઈ ચાલે એમ છે તો એના ઉચ્ચારો અને અવાજમાં સામ્રાજ્ઞીનું પ્રભુત્વ નથી. પ્રભુત્વ ઉપરાંત માર્દવ પણ જોઈએ. ધ્રુવસ્વામિની નિર્ભય અને સ્વમાની હોવાની સાથે પ્રેમિકા પણ હતી.
જે રીતે હસ્તપ્રતને છેવટનું રૂપ આપવામાં શ્રીદેવીની મદદ મળી હતી એ રીતે અભિનેત્રી શોધવામાં મદદ માગવા એ શ્રીદેવી પાસે આવ્યાં. એમને ખબર હતી કે કૉલેજકાળમાં શ્રીદેવીએ આ ભૂમિકા ભજવીને પુરસ્કાર પ્રાપ્ત કરેલો. કોઈકને શોધી આપો નહીં તો જાતે આ ભૂમિકા ભજવો! દિગ્દર્શકનું કામ પણ સહેલું થઈ જશે.
શ્રીદેવીએ આભાર માનીને ના પાડી. રૂપા શેઠે આગ્રહ ચાલુ રાખ્યો.
‘આપે એક વાર એ ભૂમિકા કરેલી જ છે પછી —’
‘એ મારો ગુનો? સારા કામની પણ સજા?’
‘સારું કામ સો વાર કરતાંય મજા આવે, એમાં સજા શેની? મને લાગે છે કે જન્મજન્માન્તર પૂર્વે તમે જ ધ્રુવસ્વામિની હશો. પ્રેક્ષકો મારી સાથે સંમત થશે.’
‘તેવીસ-ચોવીસ વર્ષ પહેલાં પ્રેક્ષકો જરૂર સંમત થયા હતા. તમને ખબર છે આજે મારી ઉંમરની?’
‘મને ભલે ખબર હોય, સિંઘસાહેબને પણ કદાચ હશે પણ પ્રેક્ષકોને ખબર નહીં પડે એની હું ખાતરી આપું છું..- ત્યાં કોલબેલ વાગ્યો.
‘ના ના, હવે એ બધું મને હાસ્યાસ્પદ લાગે છે. મારાથી અભિનય ન થાય.’ બારણું ખોલ્યું તો સામે સિંઘસાહેબ.
‘શું છે શ્રી?’
‘આ શ્રીમતી રૂપા શેઠ મને ધ્રુવસ્વામિની બનાવવા આવ્યાં છે! બોલો હું કેવી લાગું?’
‘મને તો તમે પચીસ વર્ષ પહેલાં હતાં એવાં જ લાગશો. પણ તમારું અનુમાન શું છે?’
‘અનુમાનની શી જરૂર છે? હું રોજ દર્પણમાં મને જોઉં છું. મારી જગ્યાએ હું મૃણાલ કે લાવણ્યનું પ્રતિબિમ્બ કેવી રીતે જોઈ શકું?’
મૃણાલ પરદેશ છે એની રૂપા શેઠને ખબર હતી. એમણે લાવણ્યનું સરનામું માગી લીધું. ઘડિયાળ સામે જોયા વિના જ પહોંચી ગયાં. લાવણ્યે આવકાર આપવાની સાથે એમને ઓળખી કાઢ્યાં અને એમને આશા બંધાઈ. એ હવે લાવણ્યની એકેય દલીલ સાંભળવા તૈયાર નહોતાં.
છેવટે આ આપત્તિમાંથી બચવા લાવણ્યે તરણોપાય શોધ્યો. ‘સિંઘસાહેબ કહેશે તો હું ના નહીં પાડું.’
‘તો ચાલો, અત્યારે એ ઘેર જ છે.’
‘આજ ને આજ? કાલે હું એમને પૂછી લઈશ. તમને ફોન કરીને જણાવીશ.’
‘કાલે તો મારે ચંદ્રગુપ્તની શોધ કરવાની છે. તમારી સંમતિ આજે જ જોઈએ. ચાલો, તમારે સાડી બદલવાની પણ જરૂર નથી. આ પુણેરી પણ બરાબર શોભે છે. મારે ડ્રાઈવરને આજે વહેલો છૂટો કરવો હતો પણ શું થાય? આ કામ એવું છે કે —’
બહાર નીકળીને એમણે ડ્રાઈવર સાથે નજર મેળવ્યા વિના જ સિંઘસાહેબને ત્યાં જવાની વાત કરી. ડ્રાઈવરે નીચી મૂંડીએ ગાડી ચાલુ કરી.
‘પહેલાં હું ગાડી ચલાવતી પણ સામેથી મોટરસાઈકલ પર આવતા કૉલેજિયનોએ એકવાર ગભરાવી મારેલી. સ્ટીઅરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠેલી. ત્યારથી હિંમત ચાલતી નથી.’
‘એમને તાકીદનું કામ હોય તો જવા દો. ગાડી હું ચલાવીશ.’
ડ્રાઈવર રાજી થઈ ગયો. ગામડેથી આવેલી એની માને આંખનું ઑપરેશન કરાવ્યું હતું. આજે દવાખાનેથી રજા મળવાની હતી. બે કલાક મોડું થઈ ગયું!
‘તો ચાલો, પહેલાં તમારાં માતુશ્રીને તમારે ત્યાં પહોંચાડીએ. ક્યાં રહો છો?’
ડ્રાઈવર બોલ્યો નહીં.
‘એ તો રિક્ષામાં લઈ જશે. મેં સવારે એડવાન્સ આપ્યા છે. ચાલો, તમારે મોડું થશે.’
‘આવા કામમાં મારે કદી મોડું થતું નથી. તમને તો વાંધો નથી ને? આવી નવી ગાડીમાં ડ્રાઈવરની ઘરડી માને બેસાડવામાં —’
‘ના રે, વાંધો શો હોય? પણ એ ઝૂંપડપટ્ટીમાં રહે છે. ત્યાં ગાડી જશે કે કેમ —’
‘શું? ગાડી તમારી ઝૂંપડી સુધી નથી જતી?’
‘પણ હું રિક્ષામાં લઈ જઈશ બેન. તમે જાઓ.’
સ્ટીઅરિંગ હવે લાવણ્યના હાથમાં હતું. ‘તમને વાંધો નથી ને? બી ફ્રેન્ક?’ — લાવણ્યે દઢતાથી રૂપા શેઠને પૂછ્યું. એમના મૌનમાં સંમતિ જોઈને લાવણ્યે ડ્રાઈવરને આજ્ઞા કરવાની રીતે પાછલી બેઠક લેવા જણાવ્યું. વીસેક મિનિટમાં કામ પતાવીને વૃધ્ધાની આશિષ લઈને પછી સિંઘસાહેબના નિવાસ આગળ ગાડી ઊભી રાખી. ‘જીપ ચલાવવાના પ્રમાણમાં આ ગાડીઓ રમકડાં જેવી લાગે છે.’
સિંઘસાહેબ અને શ્રીદેવી વરંડામાં બેઠાં હતાં. એ વિચારમાં પડી ગયાં. ગાડી ચલાવવા બદલ લાવણ્યને બિરદાવવી કે લાવણ્યને આંતરી લાવવા બદલ રૂપા શેઠને?
લાવણ્ય હીંચકે બેઠી. રૂપા શેઠે એની દલીલો અને છેવટની શરતનો ખ્યાલ આપ્યો. ચુકાદો માગ્યો.
‘લાવણ્ય પીએચ.ડી. વહેલું પૂરું કરે એ માટે હું એના કવિતાલેખનને પણ બિરદાવતો નથી. ત્યાં એને અભિનય કરવા જણાવું? રોજના ત્રણચાર કલાક આપો તોય નાટક એકાદ મહિનામાં તો ભાગ્યે જ પૂરું થાય. ના ભાઈ, હું એને ભલામણ નહીં કરું.’
‘ભલામણ ભલે ન કરો. ના તો નહીં પાડો ને?’
‘ના તો હું કોઈને પાડતો નથી. શ્રીદેવી કે મૃણાલને પણ મેં કોઈ કામે કદી ના પાડી નથી. જાગ્રત વ્યક્તિઓની સ્વતંત્રતા સીમિત કરવાનો કોઈને અધિકાર નથી. આ મારી દૃઢ માન્યતા છે. એનો અર્થ એ નથી કે મારે મારા અભિપ્રાય છુપાવવા?’ — કહેતાં એ અંદર ગયા. એનું તાત્પર્ય શ્રીદેવી કળી ગયાં. રૂપા શેઠ પોતાને પ્રતિકૂળ અર્થ તારવવા તૈયાર ન હતાં.
લાવણ્ય એમની સામે સસ્મિત તાકી રહી.
‘પોતાની પ્રજાને જોઈ રહી હોય એમ આ યુવતી મારી સામે તાકી રહી છે!’ — રૂપા શેઠે પોતાની જાતને કહ્યું. સંકલ્પ કર્યો. હવે તો કોઈ પણ ભોગે આ રૂપગર્વિતા વિદુષીને ધ્રુવસ્વામિની બનાવીશ. આજે ભલે પીછેહઠ કરવી પડે.
શ્રીદેવી એકવાર સિંઘસાહેબના ખંડમાં જઈને એમનું દ્રઢતાભર્યું મૌન જોઈ આવ્યાં. રૂપા શેઠને હવે વધુ ખેંચવામાં સાર ન દેખાયો. એમણે કહ્યું કે પોતે અભિનેત્રીની શોધ ચાલુ રાખશે અને યોગ્ય વ્યક્તિ મળી આવશે તો છેવટની પસંદગી માટે શ્રીદેવી અને લાવણ્યને બોલાવશે. અભિનય કરવાની ના પાડનાર સલાહ આપવામાંથી તો છટકી નહિ જઈ શકે.
રૂપા શેઠે નિષ્ઠાથી તપાસ ચાલુ રાખી. શ્રીદેવી અને લાવણ્ય બંને એક અવાજે ના પાડતાં રહ્યાં. હવે શું કરવું?
આમ તપાસ પાછળ સખત મહેનત કરતાં રહેશો તો તમારી કેડ પરનો મેદ ઘટી જશે અને તમે પોતે ધ્રુવસ્વામિનીની ભૂમિકા કરી શકશો.’ — લાવણ્યે કહ્યું. — ‘એથી મિસ્ટર શેઠ પણ ખુશ થશે.’
‘એ તો અત્યારે જ ખુશ છે, મારી નિષ્ફળતાથી. હવે મારે સિંઘસાહેબને શરણે જવું પડશે.’
સિંઘસાહેબ ખોંખારીને બોલ્યા નહીં. શ્રીદેવીએ એમના વતી સંમતિ આપી દીધી. લાવણ્ય આ દરમિયાન હસ્તપ્રત વાંચીને નાયિકાના પાત્ર સાથે કંઈક તાદાત્મ્ય અનુભવી ચૂકી હતી. શ્રીદેવીના આગ્રહ પછી સહેજે દ્વિધા રહી નહી. પીએચ.ડીનું કામ સવારે વહેલી ઊઠીને કરશે એવું જાતને આશ્વાસન આપીને એણે બચાવ પણ શોધી કાઢ્યો.
ઈતિહાસ સ્ત્રીના વ્યક્તિત્વનું જતન કરવા આવાં સમર્થન પૂરાં પાડે છે તો એને વર્તમાન ક્ષણ સુધી લઈ આવવાની જવાબદારી તો પોતાના જેવી યુવતીઓની જ ને? વિલાસી પતિ પત્નીનું રક્ષણ કરવામાં નપુંસક નીવડે, પ્રજાને પણ એના ભાગ્ય પર છોડી દઈ સ્વાર્થના સોદા કરે તો એને વશ રહેવા પત્ની કે પ્રજા બંધાયેલ નથી. એની નિયતિ વિશે ઈતિહાસે અભિપ્રાય આપેલો છે. માત્ર પ્રજા જ નહીં, ધ્રુવસ્વામિની પણ વિકલ્પ શોધી શકે છે.
નપુંસક રામગુપ્તને ત્યજી પ્રજાનું રક્ષણ કરવાનું સામર્થ્ય દાખવનાર ચંદ્રગુપ્તને ધ્રુવસ્વામિની વરે છે. વરણીનું આ સ્વાતંત્ર્ય હિન્દુ ધર્મશાસ્ત્રોની સંમતિ ધરાવે છે. કેમ કે સત્ત્વ અને કર્તવ્ય ગુમાવી બેઠેલો પુરુષ પતિ નથી.
લાવણ્યને ધ્રુવસ્વામિની બનતાં પોતાના માનસ વિશે પણ સ્પષ્ટ થવા સમર્થન મળ્યું. આ નાટક પછી પીએચ.ડી.નું કામ પતાવીને પોતે પણ પસંદગીનું લગ્ન કરશે…
મહોત્સવને કારણે નાટકની ભારે જાહેરાત થઈ હતી. છેલ્લા અઠવાડિયામાં રાત્રે મોડે સુધી રિહર્સલ ચાલતાં. મિસ્ટર શેઠ પણ આવી જોડાતા. અભિનેત્રીઓને ઘેર પહોંચાડવામાં મદદ કરતા. એક વાર ચંદ્રગુપ્તની ભૂમિકા કરનાર નટની ટીકા કરતાં કહે: આ બબુચક લાવણ્યની સામે ઝાંખો ન પડે તો મને યાદ કરજો. ધ્રુવસ્વામિની કોણ બનવાનું છે એની મને પહેલાંથી ખબર હોત તો —
લાવણ્ય સામે જોતાં એ અટકી ગયા હતા. રૂપા શેઠે એમની સામે જોયું હતું. પછી ઠપકાર્યા હતા:
‘સારું થયું કે તમને આ ગાંડપણ આટલું મોડું સૂઊયું. કદાચને અમે તમને ચંદ્રગુપ્ત બનાવ્યા હોત તો સ્ટેજ પર તમે લાવણ્ય સામે તાકી રહેવામાં પોતાના સંવાદ જ ભૂલી જાત.’
બધાં હસી પડ્યાં હતાં. લાવણ્ય પણ ધીમે રહીને જોડાઈ હતી. એને ખબર હતી મિસ્ટર શેઠ રિહર્સલમાં ફરજ સમજીને આવે છે અને એમની આંખમાં સહેજે વિકાર નથી પણ એ સતત મને જ જોયા કરે છે, સતત. આમ બીજાને દેખાવાનો પણ આપણને થાક લાગતો હશે એની પહેલાં ખબર નહોતી. પણ કરે શું? ન થાય ફરિયાદ, ન અપાય ઠપકો. આ વાત સ્વગત સારી…
સભાગૃહમાં એક પણ બેઠક ખાલી નથી એ જાણીને લાવણ્યે ઉત્સાહ અનુભવ્યો હતો. સંપૂર્ણ ભાવાનુપ્રવેશ સાથે એ પાત્ર ભજવી રહી હતી. પણ વિરામ વખતે એ ચોંકી ઊઠી. દાન માટે છેલ્લી ઘડીએ અતિથિવિશેષ તરીકે રૂપા શેઠે મલૂકચંદને નોંતર્યા હતા.
મલૂકચંદે શારદાનું નામ છાપવા જણાવ્યું હતું કેમ કે એ એમની ધ્રુવસ્વામિની હતી. શારદાની એક બાજુ એ બેઠા હતા, બીજી બાજુ પ્રેમલ બેઠો હતો. વિરામ વખતનું એ દસેક મિનિટનું નાટક મિસ્ટર શેઠને પણ નહોતું ગમ્યું. એમણે પ્રેમલને છડી આપવાની ધરાર ના પાડી હતી અને લાવણ્યની પાછળ સંતાઈ ગયા હતા.
લાવણ્ય હૃદય પર પથ્થર મૂકીને શારદાને હાર પહેરાવવા ગઈ હતી. શારદા પહેરેલ હારે લાવણ્યને પગે પડી હતી. પ્રેક્ષકોએ તાલીઓ પાડી હતી.
અતિથિવિશેષ અને અન્ય મહાનુભાવો સભાગૃહમાં ગયાં. લાવણ્ય એની જગ્યાએ હજી શૂન્યમનસ્ક ઊભી હતી. રૂપા શેઠ એમના પતિને ઠપકો આપી શક્યાં પણ લાવણ્યની સામે જોતાં જ ડઘાઈ ગયાં. શું એ આગળ પાઠ ભજવવાની ના તો નહીં પાડે ને?
ત્યાં એમના ભાગ્યના જોરે શ્રીદેવીબહેન મેકઅપ રૂમ બાજુ આવતાં દેખાયાં. એમનાં અભિનંદન સાથેનાં સૂચનો પછી લાવણ્ય દર્પણ સામે જઈને ઊભી રહી. ક્ષણાર્ધમાં એ લાવણ્યમાંથી ધ્રુવસ્વામિની બની ગઈ.
નાટક પૂરું થયું ત્યારે પ્રેક્ષાગાર તાલીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું. એ ગ્રીન રૂમમાં જઈને ફેર આવવાની બીકે આરામખુરશીમાં લંબાવી ચૂકી હતી.
એ સ્થિતિમાં એણે પ્રોક્ષકોનાં અભિનંદન સ્વીકારવા ફરી સ્ટેજ પર જવું પડ્યું. એને નવાઈ લાગતી હતી: આ ચાલવાની શક્તિ પાછી આવી ક્યાંથી? સહૃદયોના પ્રતિભાવમાંથી?
(ક્રમશ:)