આવીશને તું કુસુમ? (એકોક્તિ) ~ શોભના શાહ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૩૨
ભારત હમકો જાનસે પ્યારા હૈ…
સબસે ન્યારા દેશ હમારા હૈ…
શાળાના સ્ટેજ પર ઊભા રહી તિરંગો હાથમાં લઇ ગાયું હતું મેં આ ગીત! હેડગર્લ હતી હું. એસ. એસ. સી. અને બારમા ધોરણમાં શાળામાં પ્રથમ! મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું.
મેડિકલમાં એડમિશન લીધું ત્યારે ખૂબ ખુશ હતી. જવાબદારી સમજી ખંતથી અભ્યાસ કરતી. Cadaveric Oath વખતે સૌ પ્રથમ માનવ શબને નજીકથી જોયું હતું. નિર્જિવ માનવ શબ… પ્રોફેસર શાનબાગે સમજાવ્યું હતું કે ‘સામે પડેલ મૃત શરીર એ તમારા પ્રથમ anatomy શિક્ષક છે. તેની અદબ દરેક મેડિકલ સ્ટુડન્ટે જાળવવી જ જોઈએ.’
હું એમની ફેવરિટ સ્ટુડન્ટ. તેઓ પ્રેમથી કહેતા, ‘મિસ ત્રિવેદી, તમારામાં સારા સર્જન બનવાની પોટેંશિયલ છે.’
ખૂબ સારા ટકા આવ્યા છતાંય M.S.માં એડમિશન ન મળ્યું! મારા કરતાં ઓછા ટકાવાળાને એડમિશન મળી ગયું ત્યારે ખૂબ આઘાત લાગ્યો હતો. ત્યારે મામાએ સાંત્વન આપી કહ્યું હતું, ‘કુસુમ જો અમારી બાજુનો જ બંગલો… તન્સુખ … ટેનનો! તનસુખને અહિયા બધાં ટેન કહે છે. અરે તું નહિ માને, અહીંયાં તનસુખ વૉચમેનની નોકરી કરતો હતો. ફેક્ટરીનો માલિક છે હવે! આવું અહીંયાં અમેરિકામાં જ બને. તારા જેવી હોંશિયાર છોકરીએ અમેરિકા જ આવી જવું જોઇએ. બહેનની જિંદગી સાવ સાદગીમાં ગઇ, પણ તારે તો પ્રગતિ ચોકકસ કરવી જોઇએ. આવીશને તું કુસુમ?’
અને હું પણ અહીં અમેરિકા આવી. જેમણે મને અહીં બોલાવી હતી તે મામા મને સપોર્ટ કરવા હાજર ન હતા. તેમણે આ દુનિયામાથી ચિરવિદાય લઈ લીધી હતી.
બ્રાઇટ કરિયર માટે અમેરિકા આવવા માટે પણ કેટલો સંઘર્ષ કર્યો. પણ USMLE examના ત્રણ તબક્કા સંજોગોવસાત પાર ન થયા એટલે દિવસરાત તનતોડ મહેનત કરી મેળવેલી ડૉકટરની ડિગ્રીની અહીંયા કોઈ કિંમત ન રહી. અમેરિકામાં આસિસ્ટન્ટ નર્સની નોકરી મળી ત્યારે મારી માનસિક પીડાનો અંદાજ કોઇને નહીં આવી શકે.
સ્વપ્નિલે મને સમજાવી હતી. ‘કોઈનાય સપોર્ટ વગર ત્યાં સર્વાઈવ થવું મુશ્કેલ છે. ત્યાં ખોટી હેરાન થતી નહીં કુસુમ, તારા સ્ટાર્ટ અપ પ્લાન પ્રમાણે તને ત્યાં જલ્દી સફળતા મળે તો ઠીક, નહિ તો પાછી આવી જજે ઇન્ડિયા. આવીશને તું કુસુમ?’
હજીય સ્વપ્નિલનાએ શબ્દો કાનમાં ગુંજ્યા કરે છે. સ્વપ્નિલની ફેકટરીના ઉદઘાટન પ્રસંગે મુંબઈ આવી હતી. ખાસ રીર્ટન ટિકીટ મોકલી હતી સ્વપ્નિલે… પ્રેમથી બોલાવી હતી. નાનપણના બધાં મિત્રો મળ્યા. ઓલિવિયા સિંગાપોરથી આવી હતી. એના પતિ જોસફની મુંબઈમાં ધમધોકાર પ્રેકટીસ છોડાવી બાળકો સાથે પહોંચી ગઇ હતી સિંગાપોર. સી. એ. હતી. કંપની ડિરેક્ટરની પોસ્ટ મળી હતી.
જોસફ અને મારી સરખી જ નિયતિ રહી. અમે બંને મેડિકલ પ્રેક્ટિસ ન કરી શક્યા. એ જ સમયગાળામાં થોડા જ દિવસો પછી અણધાર્યું ન બનવાનું બની ગયું. અકસ્માતે એક લાગણીથી છલોછલ આપ્તજનનો ભોગ લઇ લીધો. સ્વપ્નિલનો ભોગ. સ્વપ્નિલનું બે હિસ્સામાં કપાયેલું નિર્જીવ ઠંડું શબ.. હજી પણ જ્યારે સ્મૃતિપટલ પર છવાઇ જાય છે ત્યારે અરેરાટી થાય છે.
સ્વપ્નિલને કાયમ માટે વિદાય આપી ભારે હૈયે હું અમેરિકા પાછી ફરી. હૉસ્પિટલનો જૉબ ખોયો. ચર્ચના ફાધરની ઓળખાણથી એક ધોળીને મારી જગ્યાએ નોકરી મળી ગઇ. ડેવિડે પણ મારો સાથ છોડી દીધો. તે સ્ટેલા સાથે રહેવા લાગ્યો! ડેવિડને મેં બનતો સપોર્ટ આપ્યો હતો. એના પેઈન્ટિંગ્સ અદભુત હતા. અમારી પહેલી મુલાકાત ગાર્ડનમાં થઈ હતી.
મને અહીં ગાર્ડનિંગની પાર્ટટાઇમ જૉબ મળી હતી. ગાર્ડનમાં એક ખૂણામાં મોટા કેન્વાસ બોર્ડ પર તે પેઇન્ટિંગ કરતો. એની સાથે વાતો કરવી મને ગમતી. અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. એ એના મિત્રને ત્યાંથી મારી સાથે રહેવા લાગ્યો.
ડેવિડની ‘મા’ જૂલીને હું મારી ‘મા’ જ માનતી. ઢોકળા, ખાંડવી, બટાટાવડા કે મેથીના ઢેબરા… સારું સારું બનાવી હું પ્રેમથી જમાડતી. એ જવા નીકળતી હોય ત્યારે સાથે થોડુંક પૅક પણ કરી આપતી. મને ખબર નહિ શા માટે એમને જોઈને મારી પોતાની ‘મા’ યાદ આવતી. જોકે જૂલીમાં અને મારી સાદીસીધી ‘મા’માં જમીન-આસમાનનો ફરક હતો. જૂલી તો છે આધુનિક વિચાર ધરાવતી સ્વમાની સ્વાવલંબી જુદી જુદી પ્રવૃત્તિઓમાં પ્રવૃત રહેતી વૃદ્ધા. હું હંમેશાં તેમને રોકાઈ જવા આગ્રહ કરતી.
જૂલીનો હાથ પ્રેમપૂર્વક પકડીને ‘રોકાઈ જાઓ ને મમ્મી, અહીંયા મારી સાથે જ રહો ને!’ એમ જયારે હું કહેતી ત્યારે જૂલી મને આશ્ચર્યથી જોઈ રહેતી. કોઈ આવું કહી શકે તેવું તેમના માન્યામાં જાણે આવતું જ નહોતું. એટલે જ ડેવિડે જ્યારે મને દગો આપ્યો ત્યારે જૂલીએ તે માટે અફસોસ અને આઘાત બંને અનુભવ્યા હતા. મને બેવડો આઘાત લાગ્યો હતો. નર્સની જૉબ સાથે, રહેવાનું ક્વાર્ટર ગુમાવવાનો આઘાત અને ડેવિડ દ્વારા છેતરાયાની લાગણી મારા હૃદયને આરપાર વીંધી ગઈ હતી.
પોતાની સ્ટ્રગલની વાત ભૂલેચૂકે ઇન્ડિયા સુધી જવા ન દેવાય તેવું હું માનતી. મેં કોઈને જણાવ્યું ન હતું કે હોસ્પિટલમાં વોડૅ બૉય જેવો જોબ કરી રહી હતી ડૉ. કુસુમ ત્રિવેદી, એમ.બી.બી.એસ.! પણ એ જૉબ પણ હાથમાંથી ગઈ. નોકરી સાથે જે રહેવા માટેનો ક્વાટર મળ્યો હતો તે પણ ખાલી કરવો પડ્યો.
હવે અહીં સેમેટરીની ભેંકાર શાંતિ વચ્ચે બેઠી છું. કોફીનમાં શબને નવા કપડાં પહેરાવી બરિયલ ગ્રાઉન્ડ સુધી પહોચાડવાનો જૉબ છે મારો. આ સામે પડ્યું છે એ શબ. સ્વપ્નિલની ઉંમરનો, એના જેવો જ દેખાવે મળતો વિદેશી યુવક… એની આ ઠંડી લાશને વેટ નેપકીનથી સાફ કરી નવા કપડાં પહેરાવી કોફીનમાં મુકી તૈયાર કરી આપવાનો જૉબ મારે કોઇ પણ કચાશ રાખ્યા વગર કરવાનો છે. સરસ રીતે ઓળેલા વાળ, નવું શર્ટ, ટાઇ, સૂટ, બૂટ, પરફ્યુમ છાંટી પ્રત્યેક શબને તૈયાર કરું છું. એક પછી એક લાશ… નિર્જીવ ઠંડી… હું પણ સંવેદનહીન બનતી જાઉં છું. એક જીવતી લાશની જેમ. ટીપમાં મળેલી સો ડોલરની નોટને ડૂચાની જેમ પર્સમાં ખોસી કારમાં બેસું છું.
સ્વર્ગસ્થ મામાએ ગિફ્ટમાં આપેલી કાર એક આશરો છે થોડા સમય માટે. પણ રહેવા માટે કોઈ ઠેકાણું નથી. કયાં જાઉં? અહીં… કોઈ નથી.. મારું. કોઈનથી.. મારું…
(હ્રદયફાટ રુદન… સ્ટિયરીંગ પર માથું ટેકવીને રડે છે.)
શેલ્ટર ફોર હોમલેસમાં રહેવા જવાની હિંમત નથી. એક વાર ત્યાં ડૉક્ટર સાથે વિઝીટ પર જવાનું થયું હતું ત્યારે ઘરબાર વગરની સ્ત્રીઓને જોઇ હેબતાઈ ગઈ હતી હું. એમાં હતી કોઇ ડ્રગ એડિકટ, કોઇ સેક્સ વર્કર, કોઇ અપંગ, કોઇ રોગિષ્ટ… કોમન વોશરૂમ બહાર કતારમાં ઊભેલી એ સ્ત્રીઓ….
(જોરથી આખ મીંચી… આંસુના રેલા એના ગાલ ભીંજવી રહ્યા. … મોબાઇલની રીંગ વાગે છે.)
ડેવિડની મૉમ જુલીનો વોઇસ મેસેજ…
ડિયર ડોટર, તારી ચિંતા થાય છે. તારી હોસ્પિટલની જૉબ સાથે રહેવાની ફેસેલિટી પણ હવે નથી રહી. તો આવી જા મારી સાથે રહેવા. તારો નવો જૉબ મારા ઘરેથી નજીક પડશે. કોઇક સારો જૉબ આપણે જરૂર ગોતી કાઢશું. તારા સ્ટાર્ટ અપ પ્લાન પર પણ વર્ક કરીશું. એક હૉસ્પિટલ ખોલવાનું તારું સપનું છે ને? અહીંયા ખૂબ મહેનત કરશું. મૂડી ભેગી કરશું. ભારત જઇ લેટેસ્ટ સુવિધાવાળી હૉસ્પિટલ ખોલશું. થોડો સમય લાગશે. ઘણાનો સાથસહકાર લેવો પડશે. પણ એ અશક્ચ તો નથી જ ને? મને તારી સગી ‘મા’ સમજી મારી સાથે મારે ઘરે રહેવા આવી જા. આવીશને તું કુસુમ?
જુલી મૉમ – મા…મા.. હું આવું છું.. આવું છું.
(સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે. આંખો લૂછે છે. ઊંડા શ્વાસ લે છે. કાર ચાલુ કરે છે. મ્યુઝિક સિસ્ટમ ચાલુ થઇ જાય છે.)
યે હૌસલા કૈસે ઝુકે… યે આરજૂ કૈસે રુકે
મંઝિલ મુશ્કિલ તો ક્યા
ધૂંધલા સાહિલ તો ક્યા..
તન્હા યે દિલ તો ક્યા…

shobnaps26@rediffmail.com